શોર એટલો કરો કે કામ જ ન કરવું પડે…!

હવે દેશમાં ભોળી પ્રજાને (ભોળી પ્રજાના વેપારના સ્થાનની સામે કે રહેણાંકના સ્થાન સામે કોઇપણ પ્રકારનું વાહન પાર્ક કરો એટલે સમજાશે કે ખરેખર પ્રજા ભોળી છે…?) આંબા-આંબલી બતાવીને મૂરખ બનાવવાની સ્પર્ધા શરૂ થઈ છે, આ તમામ પ્રજા ભોળી નથી પણ થોડીક મૂરખ છે…! કોઈ બે રૂપિયે કિલો ચોખા આપે છે, તો કોઈ દોઢ રૂપિયે કિલો ઘઉં આપે છે, તો કોઈ મફત ટેલિવિઝન આપે છે. મત મળતા હોય તો આ લોકો બધું મફતમાં લૂંટાવી દેવા પણ તૈયાર થઈ જાય. બધી રમત મતની છે અને એમાં ઘણા ચંપકો તો કહે કે ફલાણા ૨૦૫૦ સુધી વડાપ્રધાન રહેશે તમે શું સહમત છો ? કઈ નીતિથી દેશને લાભ થશે, એની ગણતરી કોઈ માંડતું નથી. માંડે પણ ક્યાંથી સત્ય બોલી શકાય નહિ…! ખોટા રસ્તે નાણા કમાયને પેઢી માટે ભેગું કરવાનું હોય છે…! એવી ગણતરી માંડનારા ગાંધી અને સરદાર તો ગયા, હવે તો એમના અનુયાયી કહેતાંય શરમ આવે એવા તકલોલુપ વામણા નેતાઓએ સ્થાન લઈ લીધું છે. ખરેખર તો કામ એટલી ચૂપકીદીથી કરો કે સફળતા શોર મચાવે અને આ તકલોલુપ લોકો માને છે કે શોર એટલો કરો કે કામ જ ન કરવું પડે…!
બીજા વિશ્વયુદ્ધ થયા પછી આઝાદ થયેલા દેશો અનેક રીતે અનેકગણા આગળ નીકળી ગયા, આગળ તો નીકળી ગયા પણ એટલા મજબૂત બની ગયા કે કોઈ દેશ છમકલું કરે તો ઝડબાતોડ જવાબ આપે. (અહી તો ઝડબા તોડ જવાબ આપવાની વાત ક્યાંથી આપે…? હા અહી તો શહીદોની વિધવાઓને દાન આપવા દાન એકત્ર કરવા કથા કરવામાં આવે અને દાન એકત્ર થયા પછી બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ…! અને પછી તો દર વર્ષે શહીદ સૈનિકોની વિધવાઓને ચેક અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ…!) વાહ, ગજબની દેશભક્તિ…! ત્યારે આપણે હજી અડધી વસ્તીને શિક્ષણ આપી શક્યા નથી… શિક્ષણમાં સરકારે ખર્ચ કરવો પડે નહિ એટલે પ્રાઈવેટ શાળાઓ ખુલી ગઈ. પ્રાઈવેટ શાળાઓમાં કોઇપણ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલ લોકોના બાળકો અભ્યાસ કરતા નથી, જો તમારો દેશપ્રેમ હોય તો સરકારી શાળાઓમાં બાળકોને કેમ ભણાવતા નથી…? વિદેશમાંથી કાળા નાણા દેશમાં આવવા જોઈએ અને સ્વદેશી વસ્તુઓ વેચનાર સાધુ પણ એના અનુયાયીને સરકારી શાળામાં અભ્યાસ કરવાનો કેમ આદેશ આપતા નથી…? એકાદ લાખ ગામડામાં વિજળી નથી, પાણી નથી. જયાં વીજળી છે ત્યાં ગમે ત્યારે આવે છે ને જાય છે. માથાદીઠ વિદ્યુત વપરાશમાં આપણું સ્થાન સૌથી નીચે છે. વીજ કનેક્શનમાં ટેસ્ટિંગ રિપોર્ટ ભરવામાં પણ ભ્રષ્ટાચાર થાય છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે, ત્યારે હજી આપણે રેટિયાના ફાયદા ચર્ચવામાંથી ઊંચા આવતા નથી.

Leave a Reply