જીવનને હસતા હસતા જીવો…!

વર્ષો પહેલા વિશ્વના કોઈ એક દેશમાં ત્રણ હસતા સંત થઈ ગયા. “થ્રી લાફિંગ સેન્ટ્સ”ના નામે લોકો એમને ઓળખતા, આ સંતો “લસણ નહિ પણ લખણ છોડો…” અને “ડુંગળી નહિ પણ ડખ્ખા છોડો”… ની વિચારધારા ધરાવતા હતા…(જયારે આજના અમુક સંતો લસણ અને ડુંગળી પોતે છોડે છે અને તેમના અનુયાયીઓને પણ છોડવાનું કહે છે… ખરેખર તો લખણ અને ડખ્ખા છોડવા જોઈએ.) જે ગામમાં એ જતાં ત્યાં હાસ્ય, ખુશી અને ઉત્સવની એક લહેર પણ પહોંચી જતી. ગામના જે ચોકમાં એ ઉભા રહી જાય, ત્યાં હાસ્યના ફૂવારા ફૂટી નીકળતા. એમને હસતા જોઈને આખા ગામમાં હાસ્યનું મોજું ફરી વળતું.
લોકો એમને પૂછતા – “આપનો ઉપદેશ શો છે ? તેઓ કહેતા – “અમારો એક જ ઉપદેશ છે, જીવનને હસતા હસતા જીવો…! જે વ્યક્તિ રડતા રડતા જીવનની ઘટનાઓને ઝીલે અને જીવે છે એનો જીવનના મૂળ અર્થ સાથે કોઈ સબંધ બંધાતો નથી. રોતી સૂરત લઈને ક્યારેય કોઈ પરમાત્માના મંદિર સુધી પહોંચી શકતું નથી, અને લસણ અને ડુંગળીથી ડરીને તો ક્યારેય નહિ…! પ્રફુલ્લતા, પ્રસન્નતા અને હાસ્યથી ભરેલું જીવન પરમાત્માના મંદિર સુધી લઈ જતા સેતૂ જેવું કામ કરે છે. અમારો સંદેશ એક જ છે. લોકો પ્રસન્ન મનથી જીવનનો અંગિકાર કરતાં શીખે…!
આ રીતે હસતા અને હસાવતા એ ત્રણે જે ગામ જતાં. પંડિતાઈ ભર્યા ઉપદેશમાં એમને રસ ન હતો. જયારે આજ તો અમુક લેભાગુ બની બેઠેલા સંતો ડુંગળી અને લસણ છોડાવીને દર્શનાર્થે આવતી બહેનો-દિકરીઓને ફસાવીને શક્તિપાત (શક્તિપાત ને બદલે બળાત્કાર એમ વાંચવું) કરતા હોય છે…! રડમસ ચહેરો જોઈને એમને દુઃખ થતું. ભારેખમ મનથી જીવન જીવવાનો કોઈ અર્થ નથી. જિંદગીમાં જે કંઈ પણ મળે તેનો નકારાત્મક અર્થ કરીને રડતા રડતા, ઢસડાતા હોઈએ તેમ પણ જીવી શકાય અને વિધાયક રીતે એજ ઘટનાને જોવાની કળા મળી જાય તો હસતા હસતા આનંદ અને ઉત્સવ સાથે જીવનની ધન્ય પળોને માણી પણ શકાય.
આ રીતે જીવનમાં હાસ્ય અને હળવાશનું મોજું ફેલાવતા એ ત્રણે સંતો વૃદ્ધ થઈ ગયા. સમય જતાં આમાંથી એક સંતનું મૃત્યુ થયું. જે ગામમાં આમાંના એક સંતનું મૃત્યુ થયું, ત્યાં બધા કહેવા લાગ્યા – “હવે તો આ લોકો રડશે જ. હવે તો જરૂર દુઃખી થશે. આજે તો આપણે એમની આંખમાં આંસુ જોઈશું જ.”
ગામના લોકો જ્યાં એ રોકાયેલા હતા ત્યાં એકઠા થઈ ગયા. પણ બન્યું એવું કે બાકીના બંને સંતો હસતા ચહેરા સાથે પોતાના દિવંગત મિત્રનું શબ લઈને બહાર આવ્યા અને કહેવા લાગ્યા – “જુઓ, કેવો અદ્દભૂત છે આ માણસ…!” લોકોએ લાશ સામે જોયું તો હોઠ એના હસી રહ્યા હતા. હસતા હસતા જ એ સંતે વિદાય લીધેલી. અને છેલ્લી ક્ષણોમાં પોતાના મિત્રને કહેતા ગયેલા : “ચિતા પર ચઢાવતા પહેલા મને નવરાવશો નહીં અને મારા વસ્ત્ર પણ બદલાવશો નહીં. જેમ છું એમજ મને અગ્નિદાહ આપજો…”
ચિતા ખડકી, શબને એના પર મૂકી દીધું, હવે અગ્નિદાહ પણ અપાઈ રહ્યો છે. અસંખ્ય લોકો ઉદાસ મનથી ઉભા છે પણ આ શું…? અચાનક ભીડમાં હાસ્યનું મોજું ફરવા લાગ્યું, લોકો હસવા લાગ્યા કેમ કે આ સંત પોતાના મૃત્યુનો પ્રસંગ પણ લોકો હસીને ઉજવે એવું આયોજન કરતા ગયેલા…(જયારે અમુક લેભાગુ સંતો જીવતે જીવ મંદિર, મઠ કે આશ્રમની સંપત્તિ માટે કાવાદાવા કરતા હોય છે, અને ક્યારેક તો ખૂન પણ કરી નાખતા હોય છે…!) પોતાના કપડામાં એણે ફૂલઝર, ફટાકડા અને બીજી આતશબાજી છૂપાવી રાખેલી. ચિતાને જેવી આગ લાગી અને શબ સળગવા લાગ્યું તેવી જ આતશબાજી શરૂ થઈ અને લોકો કહેવા લાગ્યા – “અદ્દભૂત હતો આ માણસ…! જીવનભર હસતો રહ્યો, મર્યો પણ હસતા હસતા જ અને મરણ બાદ આપણે સૌ એને હસતા હસતા વિદાય આપીએ એવી વ્યવસ્થા પણ કરતો ગયો…! જો સમજી શકીએ તો એનો અર્થ એટલો જ થાય… કે હસતા હસતા જીવી શકાય છે. આનંદથી જીવ્યા હોઈએ તો હસતા હસતા મરી પણ શકીએ છીએ… અને પાછળ હાસ્યની, ખુશી અને આનંદની સંભાવના પણ પેદા કરી શકાય છે. ધર્મ જીવનમાં ઉદાસી કે ગંભીરતા નહીં પણ આનંદ, ઉત્સાહ અને હળવાશ લાવે છે… જગતમાં આજે આવા જ ધર્મની જરૂર છે…! પણ ધર્મના નામે ગોરખધંધા ધર્મના રખેવાળો કરે છે, જેમ કે ધર્મપ્રેમી જનતાને લોભ, લાલચ અને મોહ છોડાવીને સેવન સ્ટાર હોટલ જેવા ભવ્ય આશ્રમો બનાવવામાં આવે છે… ભગવાનના પ્રદર્શન જોવાના નાણા લેવામાં આવે છે… અમુક આશ્રમોમાં તો ભોજન આપવાને બદલે નાણા લઈને ભોજન ખરીદવું પડે છે…!

Leave a Reply