ઈશ્વરના દર્શન…!

એક માણસને ઈશ્વરના દર્શન કરવાની ઈચ્છા થઈ. તે એક સાધુ પાસે ગયો અને બોલ્યો, “સ્વામીજી ! હું ભગવાનના દર્શન કરવા ચાહું છું. આપ કરાવી શકશો ?
સાધુએ તરત કહ્યું, “કાલે સવારે અહીં આવી જજો. આપણે સાથે સામે પહાડના શિખર પર જઈશું. ત્યાં જઈ હું તમારી ઈચ્છા પૂરી કરીશ.”
બીજા દિવસે તે માણસ સાધુ પાસે પહોંચી ગયો. સાધુએ કહ્યું, “ચાલો, જઈએ. જરા આ પોટલી માથે ઊઠાવી લો !” થોડું ચાલ્યા પછી પેલા માણસને પોટલીનો ભાર વધારે લાગ્યો. સ્વામીજીએ કહ્યું, “આ પોટલીમાં પાંચ મોટા પથ્થર છે. તેમાંથી એક કાઢીને ફેંકી દો.” એમ કરવા છતાં આગળ જતાં પેલો માણસ થાકી ગયો. એટલે વારાફરથી સાધુએ બાકીના પથ્થર ફેંકાવી દીધા. તેથી પેલો માણસ ઝડપથી શિખર પર પહોંચી ગયો. ત્યાં જઈ સ્વામીજીને ભગવાનના દર્શન કરાવવા વિનંતી કરી.
ગંભીર થઈ સ્વામીજીએ કહ્યું, “હે ભાઈ ! પાંચ પથ્થરની પોટલી ઊઠાવી તું પહાડ પર ન ચઢી શક્યો ! પરંતુ અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને માન વગેરે અનેક પથ્થરો રાખી તું ઈશ્વરના દર્શન કરવા માંગે છે !” તે માણસની આંખો ખુલી ગઈ…!
જો અત્યારના સમયના સાધુ હોત તો રૂપિયા ૫,૦૦૦/- (રૂપિયા પાંચ હજાર પુરા) નો એડવાન્સ કોર્ષ કરી લો…! ભગવાન મળી જશે. હમણા તો એવા સાધુ નીકળ્યા છે કે ભૈરવ સાધનાના કોર્ષ પણ કરાવે છે, અને તેના ચેલકાઓ કહે છે કે “અમારા ગુરુ ૧૨ દિવસના મૌનમાં ગયા હતા ત્યારે ભગવાન શિવે જ્ઞાન આપ્યું છે…” શું જ્ઞાન આપતી વખતે એમ કહ્યું હશે કે આ સાધના શીખવવાનો વેપાર કરજે…!

Leave a Reply