તમામ પ્રકારના ગોરખધંધા આવડે તો જ નેતા થવાય…

સર્વ ધર્મ સમભાવ, માત્ર માનવ-ધર્મની ઊંચી ઊંચી મહાન વાતો કરતા, જ્ઞાતિ, ધાર્મિક ઓળખની ટીકા કરતા, વાર તહેવારે ગાંધીજીની અહિંસાની દુહાઈ આપતા દોઢડાહ્યાઓ (આર્મ ચેર ફિલોસોફરો)ને શા માટે કાશ્મીરના ધાર્મિક કટ્ટરપંથી વિસ્તારો કે નાગાલેન્ડના ધાર્મિક ઝનૂનીઓના ઈલાજ માટે મોકલવામાં આવતા નથી ?
એક ટૂચકો યાદ આવે છે :
એક હોસ્ટેલમાં એક રૂમમાં બે વિદ્યાર્થીઓ રહેતા હતા. બંને વેદાંતના વિદ્યાર્થીઓ ભારે વિદ્વાન. બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે (આપણા દોઢ ડાહ્યાઓ માફક) વગેરે બાબતો પર તમને મુગ્ધ કરે, ડોલાવી દે, તાબોટા પાડવા મજબૂર કરે એવા વાર્તાલાપો આપી શકે. એકનું નામ છકો અને બીજાનું નામ મકો ..!
હવે છકાની તકલીફ એ કે એ મકાની ટૂથપેસ્ટ છૂપી રીતે વાપરે, મકાને એવી રીતે હેરાન કર્યા કરે કે જે હેરાનગતિના પૂરવા ન હોય. (કાઠિયાવાડી કટાક્ષ-ભાષામાં આવી ગુપ્ત હેરાનગતિને “છછુંદરા” કહે છે) એક વાર તો હદ થઈ ગઈ. કોઈક ચર્ચા દરમિયાન છકાએ મકાને તમાચો ઝીંકી દીધો. મકો આજ સુધી સહન કરતો રહ્યો હતો, હવે એનાથી રહેવાયું નથી, “કેમ છકા ! તે શા માટે મને તમાચો માર્યો ?” છકાભાઈ કહે : “અરે મકા ! મેં તને ક્યાં તમાચો માર્યો છે ? આ તારી ભ્રમણા છે. આ શરીર છે જ નહીં, આ તો માયા છે માયા !” હવે મકાનો વારો હતો : તેણે છકાને એક ને બદલે બે અડબોથ ઝીંકી દીધી. છકાએ વાંધો નોંધાવતા મકો બોલ્યો : “તારી વાત સાચી, આ શરીર ક્યાં છે…? માયા છે માયા…!”
આપણા દેશમાં છકા અને મકાની ઘટના અને છકામકા છાપ ફિલસુફીનો ઉપયોગ સતત થતો રહે છે… “તારૂ મારૂ સહિયારું ને મારૂ મારા બાપનું” અન્યના હક્ક પ્રત્યે આંખ આડા કાન કરવા હોય ત્યારે લૂચ્ચાઈપૂર્વક “જગતની નાશવંત ફિલસુફી ડહોળવી ને પોતાના હક્ક, પોતાની લાલસા, પોતાની વાસના પોષતી વખતે એ ભૂલી જવું ! તમે જાહેર શિબિરો ગોઠવો જેમાં આવા ડબલ કાટલા વાળા સ્નેહીઓ સાથે પનારો પડે ત્યારે સમજાય કે આપણી “મહાન ફિલસુફીનો કેટલો ઉપયોગ થાય છે.” પોતાના ખર્ચનો ભાગ આપતી વખતે હજાર નખરા કરતા ડાહ્યા ડમરાઓ સગવડો માગતી વખતે પૂરા યહૂદી બની જાય છે…! આ નિયમ આપણે સમગ્ર સામાજિક વ્યવસ્થા દરમ્યાન અપનાવ્યો છે. કો-ઓપરેટિવ સોસાયટીમાં લોકો સોસાયટીના “મેઈન્ટેનન્સ” ચેક ભરતા કેટલું લોહી પીએ એ તમે જાણો જ છો.
કોઈનો સુપુત્ર દારૂની સતત આદત ને પ્રતાપે દારૂડિયો બની જાય ત્યારે કયો ઈલાજ યોગ્ય છે ? વ્યસનથી થતા નુકશાનો સમજાવવાનો, એની સામે ભાષણો કર્યે રાખવાનો, આ માનવદેહની અમૂલ્યતા સમજાવવાનો ઉપાય કારગત નીવડે ખરો ?
અક્ષરધામમાં જે હુમલો થયો હતો એ બાર કલાકના ગાળામાં નજર જોઈ શકાયો. એ હુમલાનો પ્રારંભમાં અને અંત આપણે નરી આંખે જોઈ શક્યા. પણ હજારો વર્ષોથી આ મુલકની સંસ્કૃતિ સાથે હરામખોરી અને અંચાઈ થઈ રહી છે તેનું શું ? એક પરિવારમાં એક લાચાર વ્યક્તિ પર મુત્સદીગિરીભરી રીતે લાગણીશીલતાનો એની વ્યૂહાત્મક પરિસ્થિતિનો લાભ લઈને સતત મૂંગો, પુરાવા વિનાનો જુલ્મ કરવામાં આવે અને જિંદગીની કોઈક ક્ષણે પેલો લાચાર જણ બળવો કરીને જવાળામુખીની જેમ ભભૂકી ઉઠે ત્યારે એને ફિલસુફી અને ઉદારતાના પાઠ શીખવવા ક્યાં સુધી યોગ્ય છે ?
ગુંડાઓનો સામનો કરવો સીધો અને સ્પષ્ટ હોય છે, (પોલીસ પણ તેની સાથે મદદગારીમાં હોય છે…!હાલમાં તો એવો નિયમ પણ છે કે “તમામ પ્રકારના ગોરખધંધા આવડે તો જ નેતા થવાય…” એટલે કે પ્રજા શું કરે…?) પણ માંકડ, મચ્છર અને છછુંદરોનો સામનો કરવો કઠિન હોય છે. ફિલસુફી અને લાંબાગાળાની મહાન વાતો ભલે ખોટી ના હોય, પણ તત્કાલીન વાસ્તવિકતાનો ઉપાય તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ જ કરવા પડે…!

Leave a Reply