હરિ ૐ સંદેશ (જે વ્યર્થ છે તેને છોડીને જીવવું તથા સાર્થક માટે સમય આપવો)

રશિયન રહસ્યવાદી સંત જ્યોર્જ ગુરજિએફે પોતાના શિષ્યોને સાધના માટેના કેટલાંક સૂત્ર આપેલા છે. આમાંનું એક સૂત્ર એ છે કે જે ગેર જરૂરી છે તે ન કરવું. જેના વિના આપણા કે બીજાના જીવનમાં ખાસ કોઈ તકલીફ ઊભી ન થાય એવી બાબતોને છોડી દેવી અને જે અનિવાર્ય લાગે એટલું જ બોલવું, એટલું જ કરવું અને એટલું જ બીજાને પણ કરવું પડે એમાં સહયોગી થવું…!
ગુરજિએફનો એક પટ્ટશિષ્ય ઓસ્પેન્સકી ત્યાં હાજર હતો, એણે પ્રશ્ન કર્યો કે આવું સૂત્ર શા માટે આપો છો ? જે બિનજરૂરી છે તે અમે કરીએ જ શા માટે ?… ગુરજિએફે કહ્યું – “હું મારી આસપાસના લોકોને જોઉં છું તો સોમાંથી નવ્વાણું શબ્દ એ બિનજરૂરી હોય એવા જ બોલે છે. કેટલીકવાર તો એ શબ્દોમાં બકવાસ કે ઔપચારિકતા સિવાય કશું જ નથી હોતું. રોજિંદા જીવનમાં બોલતા અમુક શબ્દો તો ન બોલાયા હોય તો ઊલટાની જીવનમાં વધુ શાંતિ, વધુ પ્રેમભરી પરિસ્થિતિ પેદા થઈ શકી હોત. પણ આપણે એવા બિનજરૂરી શબ્દો બોલ્યા વિના કે બિનજરૂરી કાર્યો કર્યા વિના રહી શકતા નથી.
લોકોના જીવનમાં ઊંડું અવલોકન કરીને જોવામાં આવે તો આખો દિવસ એ કરે છે શું ? પાનના ગલ્લા આસપાસ એકઠા થયેલા યુવાનો, કોઈ ખાસ સ્થાન પર એકઠી થઈને વાતો કરતી ગુહિણીઓ, કોલેજના કેમ્પસમાં બેઠેલા યુવક-યુવતી, પોળ, શેરી કે સોસાયટીના ઓટલા પર એકઠી થયેલી સ્ત્રીઓ, ગામના ચોરા પર કે પાદરમાં પડ્યા પડ્યા ગામગપાટા મારતા લોકો, એ બધા કરે છે શું ? એમની વાતોમાં કેટલી એવી હોય છે કે જેને ન બોલવામાં આવે તો જીવનમાં કશીક હાનિ થઈ શકે ?
કઈ છોકરીને કોની સાથે પ્રેમ છે, કયો છોકરો કઈ છોકરીને જાળમાં ફસાવવા મથી રહ્યો છે, કયો પુરુષ ઘરમાં ક્યારે આવે છે અને એની સાથે ફલાણી સ્ત્રીને શો સબંધ છે, કયો માણસ કેવા ધંધા કરે છે કે કઈ સ્ત્રી કેટલી ખંધી કે ચાલબાજ છે, આવી બધી વાતોમાં જ મોટાભાગના લોકો વ્યસ્ત હોય છે. ચાડી-ચુગલી, નિંદા, ટોળ-ટપ્પા, હસી મજાક, આવતા-જતા લોકો પર જુદી જુદી કોમેન્ટ્સ… આવા બધામાં જ આપણી શબ્દ શક્તિ વપરાતી હોય છે.
ટેલિફોન પર થતી મોટા ભાગની વાતો ઔપચારિક, બિનજરૂરી અને શબ્દ શક્તિના વ્યય જેવી હોય છે. આખા દિવસમાં અડધા ફોન ન કરવામાં આવે તો પણ જીવનમાં કે જગતમાં કશી જ ઊણપ ઊભી ન થાય, આમ છતાં તમામ ટેલિફોન લાઈન ‘બીઝી” અને બકબકથી ભરેલી જ જોવા મળશે.
માણસ જો થોડુંક સમજે તો વાણી પર સંયમ રાખતા શીખી જાય. આખા દિવસમાં અમુક સમય તો મૌનમાં જ ગાળે. મહિનામાં એકાદ દિવસ અને અઠવાડિયામાં અમુક કલાક તો મૌનમાં પસાર થવા જોઈએ. જે માણસ આખો દિવસ બોલબોલ કરે છે અને વણમાગી સલાહ આપે છે તેના શબ્દોની કિંમત ઘટી જાય છે. એવી વ્યક્તિની વાતો ભાગ્યે જ સાંભળવામાં આવે છે અને સાંભળ્યા પછી પણ ભાગ્યે જ એનો અમલ થાય છે. આનાથી ઊલટું, જેટલું ઓછું બોલવામાં આવે, તોળી તોળીને શબ્દો બોલવામાં આવે, અનિવાર્ય હોય ત્યારે અને તેટલી જ વાતો કરવામાં આવે તો તેવી વ્યક્તિના શબ્દો વજનદાર બની જાય છે. એવી “ટેલિ ગ્રાફિક” વાણી પોતાના અને બીજાના જીવનમાં શાંતિ અને ક્રાંતિ લાવી શકે છે. આવી વાણીમાં સંતુલન, સમજ, વિવેક, વિચાર, પ્રેમ અને સૌજન્ય આપોઆપ આવી જાય છે.
વધુ બોલનારા લોકો વધુ ફસાય છે. કેટલાક લોકો જો ઓછું બોલે અને ઓછા વ્યસ્ત રહે તો જગતમાં સુખ-શાંતિ વધે. બોલીને બગાડનારા, વ્યસ્ત રહીને જીવનમાં અને જગતમાં ઉપદ્રવ વધારનારા લોકોનો અહીં પાર નથી. નવરા કે શાંત બેસવાની તક ઊભી થાય તો કેટલાક લોકો ઊલટાના અકળાય છે. એ એકલા કે ચૂપ રહી શકતા નથી. કંઈ નહીં તો સવારે વાચેલું છાપું ફરી હાથમાં લઈને પાનાં ફેરવે છે. ટેલિફોનનું રિસિવર હાથમાં પકડીને જરૂરી કે બિનજરૂરી નંબર જોડ્યા કરે છે. ટેલિવિઝનની સ્વિચ ઓન કરીને બેસી જાય છે. ઈન્ટરનેટ પરનું કંઈ જોવા લાગી જાય છે. ટેપરેકોર્ડર ચાલુ કરીને પચાસ વખત સાંભળેલી કેસેટ ફરી સાંભળે છે. આખું અઠવાડિયું કામ કરીને કંટાળ્યા હોય તો રજાની રાહ જુએ છે. અને રજાના દિવસે ઊલટી વધુ દોડા-દોડી કરીને ટેન્શન વધારે છે. શાંત રહેવું આવા લોકો માટે શક્ય નથી.
જગતમાં કેટલાક લોકો એવા છે જે બિલકુલ આળસુ, સુસ્ત, તામસી અને કામચોર છે તો કેટલાક લોકો અતિશય વ્યસ્ત, રઘવાટથી ભરેલા, સતત તાણ (ટેન્શન) અનુભવતા અને રાજસી હોય છે. અધ્યાત્મની દ્રષ્ટિએ આ બંને પ્રકારના લોકો રોગિષ્ઠ છે. સ્વસ્થ વ્યક્તિ તો એને જ કહેવાય જે શાંત અને આરામપ્રિય હોવા છતાં કામચોર નથી. કામ કરવાની જરૂરત ઊભી થાય ત્યારે પૂરા આનંદ, ઉમંગ સાથે સમગ્રતાથી એમાં ડૂબી જાય છે અને કામ નથી હોતું ત્યારે ટેન્શન વિના જ આરામની પળોને ગુજારી શકે છે. આરામની પળોમાં એમના મનમાં કામની કોઈ ચિંતા નથી હોતી. આવી વ્યક્તિ શાંતિથી ઊંઘી શકે છે અને પ્રત્યેક વસ્તુને સમગ્રતાથી માણી શકે છે. જમતી વખતે એવી વ્યક્તિ ઓફિસના વિચારો નથી કરતી અને ઓફિસમાં બેઠા હોય ત્યારે આવી વ્યક્તિ સુસ્તી કે આળસનો અનુભવ નથી કરતી. સંતુલન એ એમનો સ્વભાવ બની જાય છે કેટલાક લોકો રાત્રે પથારીમાં પડ્યા પછી પણ આરામનો અનુભવ નથી કરતા. આવા લોકોની ઊંઘ પણ સ્વપ્નથી યુક્ત અને ઉપર છલ્લી હોય છે.
આપણા રોજિંદા અને જીવનભરના કાર્યો પર ઝીણવટભરી નજર કરવામાં આવે તો જેને “અનિવાર્ય” કહી શકાય એવા માંડ વીસ થી પચીસ ટકા હશે. બાકીનાં કામ સમય પસાર કરવા માટેના, ઔપચારિક, શિષ્ટાચારવશ કે સામેની વ્યક્તિને ખોટું ન લાગે એવા વિચાર સાથેના હશે. લોકો ટાઈમપાસ કરવા માટે મોબાઈલ પર વોટ્સઅપ કે ફેસબુક જોવા લાગી જાય છે. યુ ટ્યુબ કે ગૂગલમાં ગોથાં મારે છે. કોઈ મળી જાય તો ગપ્પા મારે છે. મગજને બોર કરે એવા પિક્ચર પણ જુએ છે. લગ્ન, જન્મદિન, ઉદ્ઘાટન, કલબ, પાર્ટી વગેરેમાં જઈને સમય પસાર કરે છે. પણ આ બધામાં જરૂરી કેટલું ? જીવનને શાંત અને સમૃદ્ધ કરે એવું કેટલું ?
ગુરજિએફના આ સૂત્રને સામે રાખીને જીવવા માગીએ તો આપણા જીવનમાંથી કેટલું બધું પાકા પાનની જેમ ખરી પડે અને કેટલો બધો સમય જે સાર્થક છે તેને કરવા માટે મળી શકે ?…!

Leave a Reply