“ગરીબનું મુખ ગુરુદ્વારાની દાનપેટી છે…”

ગરીબ, અનાથ અને બેસહારા માનવીઓ જયારે ઈશ્વરનો સાથ અને જીવનની આશ ગુમાવી બેઠા હોય છે, ત્યારે એમની બદતર જિંદગી દુર્દેવભર્યા અભિશાપની માફક પસાર કરતા હોય છે. એમને પોતાના ભૂતકાળની કશી જાણ હોતી નથી, જિંદગી જીવવાનું કોઈ જોશ કે હોશ હોતા નથી. એમનો સમય સદાને માટે સ્થિર હોય છે અને એમની ઠંડી આંખો મોતને ઝંખતી હોય છે.
નેવું વર્ષ પુરાણી અને ૧૭૬૦ પથારીઓ ધરાવતી પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દિવસે ય ભાગ્યે કોઈ જતું હોય તેવા “લાવારિસ” વોર્ડમાં ગુરમિતસિંહ રોજ રાત્રે નવ વાગ્યે દર્દીઓની સેવાશુશ્રુષા માટે અચૂક હાજર થઈ જાય છે અને મધરાત પછી એક વાગ્યે પાછો ફરે છે. છેલ્લાં પચ્ચીસ વર્ષથી આ એનો ક્રમ છે. સાથે ભોજન, દવાઓ અને પૈસા લઈને આવે છે અને જેમનું કોઈ નથી એવા લાવારિસોની સેવાચાકરીમાં કોઈ ચૂક ન આવે, તે માટે ગુરમિતસિંહ પટણા શહેર છોડીને ક્યાંય બહાર જતા નથી.
સરકારી હોસ્પિટલની સામે આવેલા બહુમાળી મકાનમાં વસતા અને દિવસે કપડાની દુકાનમાં કારોબાર કરતાં સરદાર ગુરમિતસિંહ સાંજ પડે દરિદ્રનારાયણની સેવામાં ડૂબી જાય છે. પટણાની હોસ્પિટલના આ વોર્ડમાં દાખલ થતાં જ ગુરમિત સિંહ દર્દીઓને વહાલથી પૂછે છે, “તમને શું દર્દ થયું છે…?” અને પછી દર્દીના દર્દની જાણકારી મેળવે છે. એને માટે કોઈ દવા લાવવાની હોય તો લાવી આપે છે.
જરા નજર કરીએ આ લાવારિસના વોર્ડના વાતાવરણ પર. ભેજની ભીનાશથી સાવ ગંદી થઈ ગયેલી લીંબુડિયા રંગની દિવાલો અને ડાઘાવાળી તદ્દન મેલી એવી ફલોરની ટાઈલ્સ પર નજર નાખતા સૂગ ચડી જાય. સ્વચ્છતાનો બહિષ્કાર કરવામાં આવ્યો હોય એમ ચોતરફ ગંદકી ખડકાયેલી હોય છે. બિમાર દર્દીઓને લાવવા લઈ જવા માટે સાવ કાળા પડી ગયેલાં પટ્ટા ધરાવતાં સ્ટ્રેચરો હોય. વાસી ખોરાક અને યુરિનની વાસ ચોપાસ પ્રસરેલી હોય.
લાવારિસ વોર્ડમાં રાત પડતાં ઉંદરોની ધમાચકડી ચાલવા લાગે છે. લપાતા છુપાતા ઉંદરો ક્યાંક પડેલા ખોરાકના ટુકડાને મોંમાં પકડીને ઝડપથી ખેચી જતા હોય. બપોરે ભોજન મળે તેનો કોઈ સ્વાદ ન હોય. બપોરના ભોજનમાં ભાત, મસૂરનું સૂપ અને થોડી શાકભાજી યુક્ત કાંજી હોય.
કોણ સંભાળ રાખે આ બેસહારા, ગુમનામ દર્દીઓની ? દિવસમાં સવારે અને સાંજે બે વખત ડૉકટર અને નર્સ આંટો લગાવીને અહીંથી વહેલી તકે વિદાય લે છે. બાકીના સમયમાં આ દર્દીઓને એમના ફૂટેલા નસીબ પર અથવા તો બેહાલ હાલ પર છોડી દેવાય છે. આમેય જગતથી ત્યજાયેલા અને જીવનથી હડધૂત કરાયેલા આ લાવારિસોની આ વોર્ડમાં સારવાર થાય છે. એ સાજા થાય તો પુનર્વસવાટ ગૃહમાં મોકલી દેવાય છે અથવા તો પોતાની પુરાણી શેરીઓમાં પાછા ફરે છે. લાવારિસ વોર્ડના દર્દીઓ પર જરા એક નજર નાખીએ.
ચાલીસ વર્ષના બિમાર તપન ભટ્ટાચાર્ય ટ્રેકશનથી ઊંચા પગ સાથે પથારીમાં પડ્યા છે. તપનની રીક્ષા એકવાર પલટી ખાઈ ગઈ. એના થાપાનું હાડકું તૂટી ગયું હતું. એને પાણી પાનાર પણ કોઈ નથી. માંડ-માંડ જાતે થોડો ખસીને એ પાણી પીતો અને ભોજન લેતો.
સરદાર ગુરમિતસિંહ એને પાણી પીવડાવતા, ભોજન કરાવતા અને ત્યારે એ રીક્ષા ચાલક એટલું કહેતો, “આ દુનિયામાં મારું કોઈ નથી. રહેવા માટે કોઈ આશરો નથી. બીજું કંઈ નહીં, પણ સાજો થાઉં પછી મને એક નોકરી ગોતી આપજો.”
નજીકની પથારીમાં પડેલી મંજુ નામની છોકરી ટ્રેનની હડફેટમાં આવી ગઈ. એના માથા પર ઇજા થઈ હતી. શરીરના કપાયેલા અંગો સાથે પથારીમાં કણસતી પડી હતી. એના પર કોઈએ બળાત્કાર કર્યો હતો તેથી તે ગર્ભવતી હતી. એ એવી સૂનમૂન બની ગઈ હતી કે એની પાસે એના કુટુંબની કોઈ માહિતી નહોતી. એક વાર ઠંડી રાત્રે એ નીચે ફ્લોર પર પડીને રડતી હતી, કારણ, કે વોર્ડમાં ફરતાં ઉંદરોએ એને કરડી ખાધી હતી. ગુરમિતસિંહ વોર્ડમાં જાય ત્યારે આ નિસ્તેજ મંજુના ચહેરા પર થોડું સ્મિત આવતું અને એનો ચહેરો સહેજ ચમકી ઊઠતો. ગુરમિતસિંહ એને દવા આપે, ભોજન આપે, હસતાં ચહેરે એની સાથે વાતો કરે, પરંતુ ગુરમિતસિંહ દિલમાં તો એક મોટો ધ્રાસકો એ છે કે પોતાના કુટુંબ અંગે કશી માહિતી નહીં ધરાવતી આ છોકરી સાજી થઈ જશે, પછી તેનું શું થશે…?
મંજુની પથારીની સામેની પથારીમાં અત્યંત મેલું લીલું જેકેટ અને ફાટેલ તૂટેલ ગાઉન પહેરીને વિખરાયેલા વાળવાળી એક ધ્રૂજતી મહિલા સૂતી હતી. હોસ્પિટલમાંથી સવારે ખાવા માટે અપાયેલો બ્રેડનો ટુકડો એના હાથમાં હતો. આજુબાજુના દર્દીઓ કહેતા હતા કે રાત્રે એ સૂતી હતી ત્યારે એ પથારીમાંથી નીચે પડી ગઈ હતી અને એને મૂઢ માર વાગ્યો હતો.
બાજુના ખંડમાં સુધીર રાય અને ફરહાન નામના બે દર્દીઓ હતા. એ કંઇક પોતાની દુનિયામાં ખોવાઈ ગયા હતા. જાણે કોઈ બીજી દુનિયામાં જીવતા હોય એ રીતે વર્તતા હતા, એને નાસ્તામાં બ્રેડ અને ફ્રુટ આપવામાં આવ્યા હતા પરંતુ એને સંગ્રહીને ભોજનની રાહ જોતા હતા…! ફરહાન પંદર દિવસ પહેલા પટણા નજીક ટ્રેન અકસ્માતમાં ઘવાયો હતો, સુધીરને પોતાના વિશે કોઈ માહિતી નહોતી. એ બધું ભૂલી ગયો હતો. એને તપાસવા માટે કોઈ ડૉકટરો હોસ્પિટલમાં નહોતા…! ફિક્કું લોહી અને પેશાબ એના પલંગ નીચેના ફ્લોર પર વહેતું હતું. સરદાર ગુરમિતસિંહ જરા હાથીના જેવી ઝૂમતી ચાલે વોર્ડમાં પ્રવેશ કરતા, ત્યારે દર્દીઓમાં ચેતનનો સંચાર થતો એમના હતોત્સાહ ચહેરા પર તેજ આવે જતું અને કેટલાક તો ખડખડાટ હસી પડતાં.
પોતાની સાથે દવા અને પૈસા લઈને હોસ્પિટલમાં આવતા ગુરમિતસિંહ અને એમના ભાઈઓ એમની માસિક આવકની દસ ટકા રકમ દર્દીઓની દવા માટે જમા કરાવે છે. ભલે આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળતી હોય, પરંતુ દવા તો ખરીદવી પડતી હોય છે.
ગુરમિતસિંહની જિંદગીમાં એકાએક પલટો આવ્યો ક્યાંથી ? કાપડના વેપારીને બેઘર ત્યજાયેલા બિમાર લોકોની સેવા કરવાની દ્રષ્ટિ મળી કઈ રીતે ? એકવાર પ્લાસ્ટિકની થેલીઓ વેચનારી ગરીબ મહિલા આંખમાં આંસુ સાથે અત્યંત ગંભીર રીતે દાઝી ગયેલા પોતાના દીકરાને લઈને ગુરમિતસિંહ પાસે આવી. ગરમીના એ દિવસો હતા. બળબળતા તાપમાં એ પોતાના દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી, પરંતુ વીલા મોંએ પાછા આવવું પડ્યું હતું. ડૉકટરો હડતાળ પર હતા. હવે આ દાઝી ગયેલા છોકરાની કોણ સંભાળ લે ? આ ઘટના જોઈને ગુરમિતસિંહનું હૃદય દ્રવી ગયું. ગરીબ દર્દીઓનું કોઈ નથી એવું લાગ્યું અને તેથી જે લોકો સાવ બેસહારા હોય, એને સહાય કરવાની રાહ અપનાવી.
સરદાર ગુરમિતસિંહ હંમેશા રક્તદાન માટે પણ સદા તૈયાર હોય. એણે એટલી બધી વાર રક્તદાન કર્યું છે કે હવે ડૉકટરોએ એને રક્તદાન નહીં કરવાની સલાહ આપી છે. જો કે એ કામ હવે ગુરમિતસિંહનાં ભાઈઓ અને બીજા કુટુંબીજનો કરે છે. ગુરમિતસિંહનો સવાલ એ છે કે એક જ વિશ્વ છે, એક જ ઈશ્વર છે, છતાં આપણા મતભેદોની દિવાલોએ આપણને એકબીજાના દુઃખદર્દ અને વેદના પ્રત્યે કેટલા બધા અંધ બનાવી દીધા છે.
એકવાર લુધિયાનાની હોસ્પિટલમાં એની પોતાની બિમાર બહેન સારવાર લેતી હતી, ત્યારે એકાએક એની સારવાર પૈસાના અભાવે અટકાવી દેવામાં આવી હતી. આ સમયે અજાણ્યા લોકો મદદે આવ્યા હતા. સારવારના પૈસા ચૂકવ્યા હતા. એ વાત હજી ગુરમિતસિંહ ભૂલ્યો નથી. શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકદેવમાં દ્રઢ શ્રદ્ધા રાખતા ગુરમિતસિંહ પવિત્ર ગ્રંથસાહેબની બાનીનું એક વાક્ય ટાંકીને વારંવાર કહે છે, “ગરીબનું મુખ ગુરુદ્વારાની દાનપેટી છે…”
કેટલાક પટણા નિવાસીઓ ગુરમિતસિંહને સવાલ પૂછે છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ લેવા માટે આખોય મેડિકલ સ્ટાફ હાજર હોય છે, તો પછી તમે શા માટે ઊજાગરો વેઠીને આ બધાની મદદે જાવ છો ?
સરદાર ગુરમિતસિંહ ઉત્તર આપતા કહે છે, ‘હોસ્પિટલની નર્સો અને વોર્ડ બોય તો પોતાની ફરજ બજાવી લે છે. તેઓ તેમને ભોજન આપીને ચાલતી પકડશે. પણ પથારીમાંથી ઊભા જ ન થઈ શકે તેવા પથારીવશ દર્દીઓ કેવી રીતે ભોજન આરોગશે…? તેઓ તો ભૂખ્યા જ પડ્યા રહેશે ને ! એમને માટે હું હોસ્પિટલમાં જાઉં છું.’
ભોજન, દવાઓ અને સૌથી વધુ તો અત્યંત વાત્સલ્ય સાથે મરીજોના મસિહા બનેલા સરદાર ગુરમિતસિંહને અંગત સ્વાર્થ અને ભૌતિક સુખને માટે દોડતા લોકોને જોઇને ભારે વેદના થાય છે અને પછી બોલી પણ ઊઠે છે કે, ‘બીજાને મદદ કરવામાં જ સાચું સુખ સમાયેલું છે તેવું આ લોકો ક્યારે સમજશે…?’
એના મતે તો ‘જરૂરિયાતમંદ લોકો માટે બદલાની અપેક્ષા વગર કઈ પણ કાર્ય કરવું તે ભગવાનની દ્રષ્ટિએ સેવાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.’ આને કારણે ઉત્સવો, વર્ષગાંઠો અને બીજા કૌટુંબિક કે સામાજિક પ્રસંગોની ઉજવણી શાનોશૌકતથી કરવાને બદલે આવા બેસહારા લોકોના આનંદને માટે કરવી એવી સરદાર ગુરમિતસિંહ અને એના કુટુંબીજનો કૌટુંબિક ઉત્સવના પ્રસંગોની ધામધૂમ કરવાને બદલે બિમાર અને દર્દથી પીડાતા દર્દીઓના જીવનને આનંદિત કરવા માટે હોસ્પિટલમાં જાય છે. આ જ એમનો ઉત્સવ છે…! આજ એમનું ભાંગડા ! ગુરમિતસિંહના પિતા પાકિસ્તાનના હકીમ હતા અને તે સમયે તેઓ પણ વિના મૂલ્યે ગરીબ લોકોની સારવાર કરતા હતા. ગુરમિતસિંહના ભાઈઓ તો એમના કાર્યમાં ખભે ખભા મિલાવીને સાથ આપે છે. એમનો એકવીસ વર્ષનો પુત્ર પણ ઉમંગભેર સેવાકાર્ય કરે છે.
મેડિકલ સારવારમાં દર્દી માટે ફક્ત મેડિકલ સારવાર જ પૂરતી હોતી નથી, પણ એની સાથે પ્રેમ, લાગણીના માનવીય સ્પર્શની પણ જરૂર હોય છે. સાંજના નવ થી મોડી રાતના એક વાગ્યા સુધી સેવા કરનાર મરીઝોના મસિહા ગુરમિતસિંહે હજારો લાચાર, બેબસ, બેસહારા અને અશક્ત દર્દીઓની મૂક સેવા કરી છે.
એક વાર આઠ વર્ષની મુન્નીને હોસ્પિટલમાં લાવવામાં આવી. તેના મામાએ મુન્નીને સળગાવી દીધી હતી, આખા શરીરે દાઝી ગયેલી આઠ વર્ષની મુન્ની દર્દની પીડાને કારણે ચીસો પાડતી હતી. વેદનાને કારણે એનું આખું શરીર આમતેમ ઉછળતું હતું, એને માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. આવે સમયે મુન્ની કઈ રીતે પોતાને મળેલું ભોજન ખાઈ શકે ? સરદાર ગુરમિતસિંહે જાતે જઈને પોતે મુન્નીને ભાવતું ભોજન કરાવ્યું. મુન્નીની ઉપેક્ષા એમનાથી સહન થઈ શકી નહીં.
આ માનવસેવાના કાર્ય માટે ગુરમિતસિંહને ઘણાં સન્માનો મળે છે, પરંતુ એ તો એટલું જ કહે છે કે બેસહારા અને ગરીબ લોકોના મુખ પર સુખનું સ્મિત આવે, તે જ મારું સન્માન છે.
છેલ્લા પચ્ચીસ વર્ષથી અવિરતપણે નવ થી એક સુધી મરીજોના મસિહા બનતા ગુરમિતસિંહને લંડનના એક શીખ સામાજિક સંગઠને ‘વર્લ્ડ શીખ એવોર્ડ’ આપવાનું જાહેર કર્યું. ગુરમિતસિંહને સમાચાર મળ્યા. એમણે આવવાની ચોખ્ખી ના લખી નાખી. કારણ એટલું જ કે તેઓ ત્યાં આવે તો એમના દર્દીઓની સંભાળ કોણ રાખે…? એમના ભાઈઓ અને દીકરાએ ગુરમિતસિંહને સમજાવ્યા. ખાતરી આપી, કહ્યું કે તમે કશી ફિકર કરશો નહીં. ત્યારે માંડ ગુરમિતસિંહ ઇંગ્લેન્ડ જવા તૈયાર થયા છે.
આટલી બધી સેવા કરનાર ગુરમિતસિંહ તો એટલું જ કહે છે કે એમની ભૂખ્યા, ગરીબ અને નિરાધારની સેવા તે તેમના ગુરૂ નાનકદેવને અર્પણ કરેલી શ્રદ્ધાપૂર્વકની અંજલિ છે.

Leave a Reply