છતાં આ લોકો જ કહે છે કે અમે તમને મોક્ષ અપાવશું…!

મજૂરોને હડતાળ પાડવા ઉશ્કેરનાર મજૂર નેતા બિમાર પડ્યો. બિમારીને કારણે એટલી બધી અશક્તિ આવી ગઈ હતી કે એ કશું કામ કરી શકતો નહીં. ડૉકટરોએ સલાહ આપી કે એને માટે હવાફેરની જરૂર છે. સ્વચ્છ હવા જ એને નિરોગી બનાવી શકે તેમ છે. મજૂરનેતા પાસે કોઈ મૂડી નહોતી. નોકરી કરવી પડે તેમ હતી. હવે કરવું શું ? એવામાં ડૉકટરે જ આવીને કહ્યું કે તમે નોકરી પરથી રજા મેળવી લો. સેનેટોરિયમમાં રહેવાના તમારા ખર્ચની વ્યવસ્થા થઈ ચૂકી છે.
મજૂરનેતા સેનેટોરિયમમાં રહેવા ગયો. ચારેક મહિના રહ્યો. પૂર્ણ સ્વસ્થ થઈને પાછો આવ્યો. ડૉકટરોએ એને ખર્ચ વિશે બેફિકર રહેવા કહ્યું હતું, પણ મજૂરનેતાને જાણવાની ઈચ્છા થઈ કે આ ચારેક મહિનાનો એનો ખર્ચ કોણે આપ્યો ?
તપાસ કરતા ખબર પડી કે જે કારખાનામાં એણે હડતાળ પડાવી હતી એના માલિક એન્ડ્રુ કાર્નેગીએ આ ખર્ચ આપ્યો હતો.
મજૂરનેતાને અપાર આશ્ચર્ય થયું. એણે કારખાનાના કામદારોને ઉશ્કેર્યા હતા. ઉત્પાદન બંધ કરાવ્યું હતું. ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગીને મોટું આર્થિક નુકસાન થયું હતું અને તેમ છતાં એને શા માટે એન્ડ્રુ કાર્નેગીએ આવું જીવતદાન આપ્યું ?
એણે કાર્નેગીને પ્રશ્ન કર્યો, ત્યારે કાર્નેગીએ કહ્યું, “તમે હડતાળ પાડી તે વાત સાચી. પણ મારા જીવનનો મુદ્રાલેખ જ એ છે કે બીજાને મદદ કરવી. જો હું બીજાને મદદ કરતો હોઉં તો એમાં મારે શત્રુ કે મિત્રનો ભેદભાવ રાખવાનો ન હોય. તમે બિમાર હતા એ બાબત જ મારે મદદ કરવાનું પૂરતું કારણ હતું.” જયારે ભારતના મઠ, મંદિર કે આશ્રમમાં નાણા વિના અને ચિઠ્ઠી વિના વિશ્રામ માટે પ્રવેશ મળતો નથી, ચિઠ્ઠી આપ્યા પછી નાણા તો ચુકવવાના જ…! છતાં આ લોકો જ કહે છે કે અમે તમને મોક્ષ અપાવશું…!

Leave a Reply