જાતિનો પુજારી નથી, પણ આત્માનો ઉપાસક છું…!

મહર્ષિ અનમિષીએ એક બોધવચન વાંચ્યું – “કુબેર હોય કે ગરીબ હોય, પણ જ્યાં સુધી એ પરિશ્રમથી પ્રાપ્ત કરેલા ધનનો એક ભાગ લોકહિત માટે સમર્પિત કરતો નથી, ત્યાં સુધી એ અધર્મનું ખાય છે…”
આ પંક્તિથી મહર્ષિ અતિ પ્રભાવિત થયા અને એમણે પત્ની સહિત એવી પ્રતિજ્ઞા કરી કે તેઓ રોજ અન્યને ભોજન અર્પીને જ ભોજન કરશે. આંગણે કોઈ દીન-દુઃખી આવે એની રાહ જોતા. કોઈ ગરીબ આવે તો ભાવથી ભોજન જમાડતા. અતિથિના આગમનને વધાવી લેતા.
ઘણા વર્ષો સુધી ઋષિ અને ઋષિપત્નીનો આ સંકલ્પ બરાબર જળવાઈ રહ્યો, કિંતુ કોઈ પણ તપ કસોટી વિના સિદ્ધ થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. એક દિવસ ભોજન સમયે એમના દ્વાર પર કોઈ ભૂખ્યો અતિથી આવ્યો નહીં. એમણે ઘણી રાહ જોઈ. આખરે ઋષિ અનમિષી પોતાની ઝૂંપડીની બહાર નીકળ્યા. ત્યારે થોડે દૂર રક્તપિત્તથી પીડાતા એક વૃદ્ધને નિસાસા નાખતો જોયો.
ઋષિ એની પાસે ગયા અને કહ્યું, “પ્રિય બંધુ, ચાલો મારે ઘેર. ભોજન તૈયાર છે. આપ ભોજન લેશો તો ચોક્કસ આપની પીડા પણ થોડી ઓછી થશે…”
વૃદ્ધે કહ્યું : “આર્યશ્રેષ્ઠ, હું આપની ઉદારતાનો અધિકારી નથી. નિમ્નજાતિનો હોવાથી હું આપને ત્યાં ભોજન કરી શકું તેમ નથી. જો શક્ય હોય તો થોડાં વધેલા રોટલાના ટુકડાઓ ઘરની બહાર ફેંક્જો. એને જમીન પરથી લઈને મારું પેટ ભરીશ…”
વૃદ્ધની વાત સાંભળીને ઋષિને આંખોમાં કરૂણા જાગી ઊઠી. એમણે કહ્યું, “આપ એવું ન કહો. અમે કોઈ જાતિના પુજારી નથી, પરંતુ જીવમાત્રમાં વ્યાપ્ત એવા આત્માના ઉપાસક છીએ…! ચાલો મારી સાથે…”
ઋષિ અનમિષી એમને પોતાની સાથે લઈ ગયા. પતિ-પત્નીએ એમને અતિ ભાવપૂર્વક ભોજન કરાવીને પછી ભોજન કર્યું. કથા કહે છે કે એ રાત્રે ઋષિ અનમિષી સમક્ષ અગ્નિદેવ પ્રગટ થયા અને બોલ્યા,
“તું જ ઈશ્વરનો સાક્ષાત ભક્ત છે. જે ઊંચ નીચનો, હાથી કે કૂતરાનો કોઈ ભેદ કરતો નથી. માત્ર એ સર્વમાં વ્યાપ્ત એવા એમના આત્માના સુખનો વિચાર કરે છે.”
ઋષિ અનમિષીની વિચારધારાને ધ્યાનમાં રાખીને હરિ ૐ સંદેશ – સુરત દ્વારા આજે તા. ૨૫-૭-૧૮ના રોજ સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ખાતે અગ્નિદાહ અને સફાઈની અવિરત દિવસ – રાત કામગીરી કરતા મૂકસેવકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું…!

Leave a Reply