માણસ જેટલી સહજતાથી દુકાનમાં જઈને નારિયેળ માંગી શકે છે તેટલી સહજતાથી નિરોધ માંગી શકતો નથી…!

આપણો દેશ ધાર્મિક પરંપરાનો દેશ છે…! અહીં માણસ જેટલી સહજતાથી દુકાનમાં જઈને નારિયેળ માંગી શકે છે તેટલી સહજતાથી નિરોધ માંગી શકતો નથી…! નારિયેળ જોડે સંકળાયેલી ધાર્મિકતાને સમાજ પવિત્ર ગણે છે પણ નિરોધ જોડે સંકળાયેલી ઉપયોગિતાને સૂગની નજરે જુએ છે…! સત્ય એ છે કે આજે નારિયેળ કરતાં નિરોધની આવશ્યકતા અનેકગણી વધી ગઈ છે. વસતિ વિસ્ફોટ અણુ વિસ્ફોટ કરતાંય વધુ ખતરનાક છે. પણ આપણો સામાજિક માહોલ એવો છે કે માળીની દુકાનેથી માણસ વરમાળા ખરીદી શકે તેટલી સહજતાથી “માલા-ડી” ખરીદી શકતો નથી…! “માલા-ડી”, “સાહેલી”, “ચોઈસ” એ ગર્ભનિરોધક ગોળીઓના નામ છે પણ એ જાણે “વાયગ્રા” હોય અને કાનુપરથી “તમંચો” લેતા હોય તેમ લોકો ચોરીછૂપીથી એ ખરીદે છે. આપણા દેશની કમનસીબી એ છે કે વસતિ વધારાના ચિતાજનક આંકડાઓને નેતાઓએ નિહાળવા જોઈએ… પણ તેઓ તેમના ખુરશી લક્ષી દાવપેચમાંથી ઊંચા આવતા નથી. પાર્લામેન્ટમાં કોઇકે તો આગળ આવી કહેવું પડશે, “તમે હવે તમારો આ ખુરશી બચાવ અને સામાને ઉથલાવ” કાર્યક્રમ પડતો મૂકી દેશની વસતિના આંકડાઓ તરફ ધ્યાન આપો. સાહેબો, જરા જોઈ લ્યો…! “બરબાદી પણ અહીં કેવી દિલધડક ? બે સેકન્ડમાં જન્મે છે ચાર બાળક…! સંક્ષિપ્તમાં તાત્પર્ય એટલું જ કે આ દેશની ગલીકૂચીઓમાં માંકડ અને મચ્છરોની જેમ પેદા થતા બાળકોને જોઇને સમગ્ર વિશ્વ જાણે આપણને કહી રહ્યું છે…! –
ન ચીનને મારા, ન પાકિસ્તાનને મારા,
તુઝે એ હિન્દુસ્તાન તેરી આબાદીને મારા…!

Leave a Reply