ઈઝરાયેલ દેશ પણ તેમના જાસૂસો માટે ગમે તે કરી શકે એમ છે…!

ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ તેના પરાક્રમો માટે જગવિખ્યાત છે. એવા બે પરાક્રમ હમણાં જ મોસાદે નોંધાવ્યા અને દુનિયાભરના સમાચાર માધ્યમોએ તેની નોંધ લેવી લડી. કેમ કે બંને મિશનમાં પરાક્રમ, દેશપ્રેમ, વફાદારીની કદર, જેમ્સ બોન્ડ જેવી જાસૂસી આવડત, થ્રીલર ફિલ્મ જેવો ઘટનાક્રમ… વગેરેનો સંગમ થયો હતો. એક મિશન હતું સિરિયામાં અડધી સદીથી પડી રહેલી ઈઝરાયેલી જાસૂસની કાંડા ઘડિયાળ. બીજું મિશન હતું ઈરાનમાં જઈને પરમાણું સામગ્રી સબંધિત ફાઈલોની ચોરી કરવાનું. સાડા છ કલાકમાં મોસાદના જાસૂસોએ ઈરાનમાં ગુપ્ત ઓપરેશન પાર પાડીને ૫૦૦ કિલોગ્રામથી વધુ દસ્તાવેજો ઉઠાવી (આપણે તો ઇન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવું હોય તો લિંક મળતી નથી…!) લીધા હતા. એ બંને પરાક્રમોની વાત, એક પછી એક…
ઈઝરાયેલનું કદ બહુ નાનુ છે. ફરતા સાત આરબ દેશો છે. છતાં ઈઝરાયેલથી સૌ ડરે છે. કેમ ? કે ઈઝરાયેલની સરકારને દરેક નાગરિકની કિંમત ખબર છે અને એક એક નાગરિક માટે આખી સરકાર કામે લાગી જાય છે. એટલે જ તો અડધી સદી પહેલા સિરિયામાં રહી ગયેલી જાસૂસની કાંડા ઘડિયાળ પરત મેળવવા મોસાદે ખાસ મિશન યોજ્યું હતું. થોડા દિવસ પહેલા ઈઝરાયેલ સરકારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી હતી. ઈઝરાયેલની આ જૂની રીત-ભાત છે. મિશન ચૂપ-ચાપ પાર પાડી લીધા પછી ખુદ સરકાર જ ચોરે-ધાડે તેની વધાઈ ખાય. દેશના નાગરિકોનો તેનાથી ઉત્સાહ વધે અને દુશ્મનોનો ઉત્સાહ ઘટે…!
૧૯૪૮માં સ્થાપનાથી આજ દિન સુધી ઈઝરાયેલને પડોશી આરબ દેશોથી ખતરો રહ્યો છે અને ઘણા-ખરા આરબ દેશો સાથે ઈઝરાયેલના સબંધો તણાવભર્યા છે. ૧૯૫૦-૬૦ના દાયકામાં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે ઈઝરાયેલે એલી કોહેનને સિરિયા મોકલ્યા હતા. સિરિયામાં રહીને કોહેને આરબ રાષ્ટ્રોની રણનીતિ જાણવાની હતી. એ કામ તેમણે સફળતાપૂર્વક કરી દેખાડ્યું હતું. એટલે જ તો ૧૯૬૭માં આરબ વિરુદ્ધ ઈઝરાયેલના જંગમાં ઈઝરાયેલનો ૬ દિવસમાં વિજય થયો હતો. એક તરફ એકલું ઈઝરાયેલ અને સામે પક્ષે ઈજિપ્ત, સિરિયા, જોર્ડન, ઇરાક અને લેબનોનનો સંઘ. એટલું ઓછું હોય એમ અલ્જીરિયા, કુવૈત, લીબિયા, મોરક્કો, પાકિસ્તાન, સુદાન અને ટ્યુનિશિયાએ પણ આરબ રાષ્ટ્રોને ટેકો આપ્યો હતો. એ બધા સામે ઈઝરાયેલે ૧૯૬૭ની ૫મી જૂને લડત શરૂ કરી અને ૧૦મી જૂને વિજય સાથે પૂરી કરી દીધી હતી. આવા વિજયની આશા ભારત પાસે રાખી શકાય…? ભારતનું ભ્રષ્ટ પોલિસ તંત્ર યુવાનોના સ્વાસ્થ્યને નુકસાન થતી હોય તેવા ડ્રગ્સ વેચવા દેતા હોય છે…! એ તો ઠીક રાજકારણમાં સત્તા ટકાવી રાખવા માટે પણ રાજનેતા બીજા પક્ષોમાંથી વેચાતા લેવા પડતા હોય છે…! ગાઝા પટ્ટી સહિતના ઘણા વિસ્તાર પર ઈઝરાયેલે કબજો જમાવી લીધો અને આજે પણ કબજો છે જ. આ સમગ્ર ઓપરેશન કોહેનની ગુપ્તચર માહિતી વગર સફળ ન થયું હોત. જો ઈઝરાયેલને પહેલેથી જ આરબ રાષ્ટ્રોની ગુપ્ત માહિતી ન મળી હોત તો પ્રહારની તૈયારી ન થઈ શકી હોત તો પછી ઇઝરાયેલનો વિજય પણ થયો ન હોત. અને વિજય થયો ન હોત તો આજે ઈઝરાયેલનો નાનકડો નકશો છે એ વધુ નાનો હોત…! પણ એવું કશું નથી થયું તેનું કારણ કોહેનની જાસૂસી છે.
મૂળ ઈજિપ્તમાં જન્મેલા કોહેન ૧૯૬૦ના દાયકામાં ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદમાં કામગીરી આરંભી હતી. સિરિયામાં માહિતી એકઠી કરતી વખતે ૧૯૬૪માં કોહેન પકડાઈ ગયા હતા અને ૧૯૬૫માં તેમને ફાંસી આપી દેવાઈ હતી. ૧૯૬૨થી કમાલ અમીન નામના નકલી આરબ બનીને કોહેન નિયમિત રીતે સિરિયા આવ-જા કરતા હતા. વારંવારના પ્રવાસ દરમિયાન તેમણે સિરિયાના લશ્કરી અધિકારીઓ અને રાજનેતાઓ સાથે સબંધો ગાઢ બનાવ્યા હતા અને ત્યાંથી જ ગુપ્ત માહિતી કઢાવી હતી. એ વખતે પોતે આરબ છે એવો દેખાવ કરી શકે એટલા માટે અરબી ભાષામાં લખાણ ધરાવતી આ ઘડિયાળ કોહેન કાંડે પહેરી રાખતા હતા.
ફાંસી વખતે કોહેન પાસે જે થોડી ઘણી ચીજો હતી એમાં એક કાંડા ઘડિયાળ પણ હતી. સાવ સામાન્ય હોવા છતાં પરિવાર માટે કોહેનની યાદગીરી હોવાથી ઈઝરાયેલ સરકારે વિશેષ મિશન યોજીને, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પણ તે પરત મેળવી હતી. ઘડિયાળ હાથમાં આવ્યા પછી કોહેનના પત્ની નાદિયાએ એવું કહ્યું હતું કે આ ઘડિયાળને સ્પર્શ કર્યો ત્યારે એમ લાગ્યું કે જાણે અડધી સદી પછી કોહેનનો હાથ પકડી રહી છું…! ઈઝરાયેલે અગાઉ વારંવાર સિરિયાને આ બધી ચીજો પરત કરી દેવા માંગણી કરી હતી. પરંતુ સિરિયા સરકારે દર વખતે ના પાડી હતી. માટે ઇઝરાયેલે સિરિયાની સરકારને જ અંધારામાં રાખીને ઘડિયાળ પોતાની રીતે મેળવી લીધી હતી.
ઈઝરાયેલના આ પરાક્રમ અંગે હજુ તો ખુદ સિરિયા સરકાર અને દુનિયાના અન્ય દેશો જાણે એ પહેલા બીજી સિદ્ધિ સામે આવી. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ જાહેર કર્યો કે મોસાદના જાસૂસોએ અત્યંત ગુપ્ત મિશન હાથ ધરીને ઈરાનમાંથી પરમાણું કાર્યક્રમ સબંધિત દસ્તાવેજોની ઉઠાંતરી કરી લીધી છે. ઈરાન ઘણા સમયથી પરમાણું બોમ્બ બનાવવાનો પ્રયાસ કરે છે. ઈઝરાયેલ, અમેરિકા, પશ્ચિમના દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરે છે. અમેરિકા ઈરાન પર વારંવાર પ્રતિબંધ મુકીને કાર્યક્રમ અટકાવવા પ્રયાસ કરતુ રહે છે. બીજી તરફ ઈરાન પરમાણુ કાર્યક્રમ સાવ પડતો મૂકવા તૈયાર નથી. માટે ઈરાન અને તેમના વિરોધીઓનો સંઘર્ષ ચાલતો રહે છે.
ઈઝરાયેલથી ઈરાન ઘણુ દૂર છે. પડોશી પણ નથી. છતાં પણ કોઈ આરબ રાષ્ટ્ર પાસે પરમાણુ બોમ્બ આવે તો પહેલો ખતરો ઈઝરાયેલ પર આવી પડે. કેમ કે ઈઝરાયેલનું કદ આપણા કચ્છ જિલ્લા જેવડું છે. એક પરમાણુ પ્રહાર જ એ દેશના ભૂત-ભવિષ્ય-વર્તમાન-ભૂગોળ બધાની સકલ ફેરવી નાખે. માટે દુનિયાના દેશો ગમે તે કરે ઈઝરાયેલે તો આરબ દેશોમાં બનતા પરમાણુ શસ્ત્રો જીવના જોખમે પણ અટકાવવા જ રહ્યા. માટે અગાઉ ઈરાનમાં તૈયાર થઈ રહેલા પરમાણુ રિએક્ટર પર હવાઈ હુમલો કરીને ઈઝરાયેલે કોઈને ખબર પડે એ પહેલા જ તેને તોડી નાખ્યા હતા.
હવે ફરીથી ઈરાન સળવળી રહ્યું છે. માટે મોસાદના કેટલાક જાસૂસો થોડા દિવસ પહેલા ઇરાનના પાટનગર તહેરાનની ભાગોળે પહોંચ્યા. એક અવાવરૂ ગોદામ તેમનું લક્ષ્યાંક હતું. જાસૂસોએ આવતા પહેલા બરાબર હોમવર્ક કરી લીધું હતું. (ભારતમાં તો શાસક પક્ષના નેતાઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ વખતે કાગળમાંથી લખેલું વાંચે છે…!) એટલે જ ૬ કલાક ૨૯ મિનિટમાં અડધો ટન જેટલા દસ્તાવેજો ચોરીને પરત આવી ગયા. જ્યાંથી દસ્તાવેજો ઉઠાવ્યા ત્યાં સવારમાં કામદારો આવવાના હતા. સાત વાગ્યે એ કામદારો આવે એટલે સવારના પાંચ વાગ્યા પહેલા જ મિશન પુરું કરીને મોસાદના એજન્ટ નીકળી ગયા હતા. કેમ કે ભાગવા માટે થોડો સમય જોઈએ. એ પછી ઈરાનના કર્મચારીઓ આવ્યા ત્યારે તેમને ખબર પડી કે પરમાણુ સબંધિત દસ્તાવેજો કોઈ ઉઠાવી ગયું છે.
આ મિશનની ઈઝરાયેલ સરકારે જાહેરાત નથી કરી, પરંતુ ના પણ નથી પાડી…! મિશન જો કે ૩૧મી જાન્યુઆરીની મધરાતે હાથ ધરવામાં આવ્યું હતું. દસ્તાવેજો મજબૂત લોખંડી કન્ટેનરની અંદર હતા. એ ખોલી ન શકાય, પતરાં કાપવા પડે. માટે મોસાદી ટુકડી પોતાની સાથે ૩૬૦૦ ડીગ્રીનું તાપમાન સર્જી શકતી ટોર્ચ લઈ આવ્યા હતા. ગોદામમાં કુલ મળીને લોખંડના બનેલા ૩૨ ખાના હતા. પરંતુ જાસૂસો જાણતા હતા કે ક્યા ખાનામાંથી દસ્તાવેજો ઉઠાવવાના છે. માટે એ સિવાયના કોઈ ખાનાને હાથ લગાડ્યો પણ નથી. તેમને પહેલેથી જ માહિતી હતી.
મોસાદે આ મિશન દ્વારા લગભગ ૫૦ હજાર કાગળ અને ૧૬૩ સીડી મેળવી લીધી છે. જેમાં તેમના માટે ગુપ્ત માહિતી છે. હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન પરમાણુ કરાર તોડી પાડ્યો છે. એ વખતે સૌ કોઈને સવાલ થયો હતો કે કોઈ દેખીતા ગુના વગર શા માટે ઈરાનને સજા કરવામાં આવી ? પરંતુ ઈઝરાયેલે આ દસ્તાવેજો હાથ લાગ્યા પછી અમેરિકી પ્રમુખને એ બતાવ્યા હતા. દસ્તાવેજો જોઈને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ આગળ વધી રહ્યો હોવાનો સ્પષ્ટ ખ્યાલ મળતો હતો. માટે જ ટ્રમ્પે ઈરાન સાથેના કરાર તોડી નાખ્યા હતા અને અન્ય દેશોને પણ ઈરાનથી દૂર રહેવા કહ્યું.
ઈઝરાયેલે આ બે ઉદાહરણો દ્વારા જગત સમક્ષ ફરી એક વખત મેસેજ આપ્યો કે અમારા જાસૂસો દેશ માટે ગમે તે કરી શકે એમ છે, (આપણે ત્યાં તો વડાપ્રધાન એમ કહે છે – “વિપક્ષ કાદવ જેવો, જેટલો વધુ હશે તેટલું કમળ વધુ ખીલશે…! હકીકત એ છે કે વડાપ્રધાન કાદવની સોદાબાજી નાણા લઈને કરે છે અને આ કાદવ પછી પોતાના પક્ષમાં આવી જાય પછી કમળ બની જાય છે…!) સાથે સાથે એવો મેસેજ પણ આપ્યો કે દેશ પણ તેમના જાસૂસો માટે ગમે તે કરી શકે એમ છે…!

Leave a Reply