કોઇપણ દેશની ઉન્નતિ તુચ્છ વિચારવાળા મોટા માણસો પર નહીં, પરંતુ મહાન વિચારોવાળા નાના માણસો પર નિર્ભર છે.

નિષ્ફળતા અને સફળતા એ તો જીવનનો ક્રમ છે. પણ સતત નિષ્ફળતા મળતી હોય ત્યારે માણસ નિરાશ, હતાશ થાય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનિકો રાત દિવસ અવનવા પ્રયોગોમાં વ્યસ્ત રહે છે એમને નિષ્ફળતાઓ પણ મળે છે. પરંતુ તેઓ નાસીપાસ થતા નથી. અબ્રાહમ લિંકનને પ્રમુખ થતાં પહેલાં કેટકેટલી વાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો ! છતાં તેઓ પોતાના લક્ષ્યને વળગી રહ્યા અને અંતે સફળતા પ્રાપ્ત કરી શક્યા.
સતત નિષ્ફળતાઓ મળે ત્યારે મોટાભાગના માણસો તેને ભાગ્ય સાથે જોડવાની કોશિશ કરે છે. પણ ભાગ્યને કોઈને હરાવવામાં રસ હોતો નથી. નિષ્ફળતા એ માણસના ધૈર્યની કસોટી છે. જો માણસ નિષ્ફળતા વખતે પણ ધૈર્ય ટકાવી રાખી પ્રયત્નનો પાલવ ન છોડે તો તેને સફળતા મળે જ છે. પણ ધીરજના અભાવે માણસ “મારું ભાગ્ય વાંકુ છે”, “મારા ગ્રહો પ્રતિકૂળ છે”, “મારી કુંડળીમાં કોઈ દોષ છે”, કોઈક પૂર્વજ કે ભૂત-પ્રેત મને નડી રહ્યું છે… એવા ખ્યાલથી પ્રેરાઈ બાધા-બંધણી અને અંધવિશ્વાસને વશ થઈ ભુવાઓ-તાંત્રિકોનો સહારો લે છે. તેને પરિણામે વ્યક્તિનું મન ભ્રમિત થાય છે અને પોતાના કાર્યમાં મન ચોંટતું નથી. એટલે કાર્યને હાનિ પહોંચાડે છે.
નિષ્ફળતા એ સફળતાના માર્ગનો વિસામો છે. માણસ પુરૂષાર્થ કરતો રહે, તેનો થાક ઉતારવા વિસામો શોધે અને આરામ કર્યા બાદ વળી પાછો પોતાના લક્ષ્ય ભણી ડગ ભરે તો અંતે એ ધ્યેય સુધી પહોંચી જાય છે.
માણસને સતત નિષ્ફળતાઓ મળે ત્યારે તેણે પ્રયત્નોને તપાસવા જોઈએ. આત્મદર્શન કરવું જોઈએ. નિષ્ફળતાનું એક જ કારણ હોય એવું નથી. એમાં અનેક કારણોનો સમૂહ પણ કામ કરતો હોય છે. પુરુષાર્થની ખામી, ચીવટનો અભાવ, કામ પ્રત્યેની નિષ્ઠાની ગેરહાજરી, એકાગ્રતા અને આત્મવિશ્વાસની ઉપેક્ષા, આયોજનની ખામી પૈસાની તંગી, ઉત્સાહનો અભાવ, ધૈર્યની ખામી, લક્ષ્ય પ્રત્યેની ઉદાસીનતા, વ્યર્થ ચિંતા વગેરે અનેક કારણો હોઈ શકે. એટલે જ મોટા ગજાના માનવીઓ કહેતા હોય છે કે “મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ જિંદગીમાં”… નિષ્ફળતા કે ઉપેક્ષા છતાં તેઓ નિરાશ થયા નહોતા જેમ કે :-
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન શરૂઆતમાં બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં મંદબુદ્ધિવાળા ગણાતા હતા. તેઓ શિક્ષકોના પ્રશ્નોના યોગ્ય જવાબો આપી શકતા નહોતા. એવી પરીસ્થિતિમાં તેમના સહાધ્યાયીઓ તેમની પીઠ પર “મૂર્ખ, બુદ્ધુ જેવા હાંસીપાત્ર શબ્દો લખતા હતા. તેમ છતાં આઈનસ્ટાઈન હીનતાની ભાવનાના શિકાર ન બન્યા અને શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ પામ્યા.”
કોલમ્બસે જયારે “નવી દુનિયા”નો સૂત્રોચ્ચાર પ્રસ્તુત કર્યો તો બધા તેને પાગલ અને શંકાશીલ કહેતા હતા. કોલમ્બસે ઉપહાસ અને તિરસ્કારનો સામનો કરવો પડ્યો. પરંતુ અમેરિકાની શોધ બાદ એને ચંચળ અને મૂઢ કહેનારાઓ પણ તેને સાહસી અને અનુપમ પ્રતિભાનો ધની માનવા લાગ્યા.
આઈઝેક ન્યૂટન, પહેલા દસ વર્ષોમાં, જે સંશોધનને દ્રષ્ટિએ જીવનમાં સોનેરી કાળ મનાય છે, તે વેળાએ તેને રોયલ સોસાયટીના સભ્યપદની રકમ ભરવામાં પણ જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગુરુત્વાકર્ષણની શોધ પછી આ વૈજ્ઞાનિકનું જે સ્વાગત થયું અને આ શતાબ્દીનો પ્રત્યેક બુદ્ધિજીવી તેને સારી રીતે જાણે છે. એ સંદર્ભમાં એક સોનેરી સૂત્ર “એવરી સકસેસ સ્ટોરી ઇસ ઓલ્સો એ સ્ટોરી ઓફ ગ્રેટ ફેલ્યોર” મતલબ કે પ્રત્યેક સફળતાની કહાણી એક મોટી નિષ્ફળતાની કહાણી પણ છે. એક ઉર્દૂ શાયરનો શેર પણ આ સંદર્ભે ટાંકવામાં આવ્યો છે.
“મૈં કહતા થા ઇન્સાન કી,
ગર તકદીર (ભાગ્ય) નહીં તો કુછ નહીં…
હિમ્મત બઢકર બોલી,
તદબીર (કોશિશ) નહીં તો કુછ નહીં…”
જો ઉત્સાહ ન છોડનાર માણસ ધરતી ખોદતો જ રહે છે તો તેને પાણી મળી જ રહે છે. સતત ઘસવાથી લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. યોગ સાધનામાં સતત નિરત વ્યક્તિને પોતાના પરિશ્રમનું ફળ અવશ્ય મળે જ છે. સતત તીવ્ર ગતિએ વહેનારી નદીઓ ખડકોના પણ ભુક્કા બોલાવી દે છે. સફળતાનો પાયાનો સિધ્ધાંત છે – સમજણપૂર્વકની કોશિશ. આડેધડ ટુકડે ટુકડે પ્રયત્ન કરવાથી સફળતા ન મળે. એડિસને ઉચિત જ કહ્યું છે કે જો તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ધૈર્યને તમારો પાકો મિત્ર બનાવી લો, અનુભવને પરામર્શક અને સાવધાનીને તમારો ભાઈ બનાવી લો અને આશાને તમારી સંરક્ષક પ્રતિભા…
સતત નિષ્ફળતાઓ મળતી જ રહે તો માણસનો આત્મવિશ્વાસ ડગી જાય છે, અને પ્રયત્નો પ્રત્યે તે ઉપેક્ષાભાવ દાખવે છે. આમ કરવાથી તમારે આંગણે અતિથિ બનવા મથતી સફળતા પાછી ફરી જાય છે. નિષ્ફળતાનો ઉકેલ એક જ છે “હું હારવા જન્મ્યો નથી”ની શ્રદ્ધા અને વિશ્વાસ સાથેનો નાતો મજબૂત બનાવો. રોદણા રડવાનું છોડી દો. નિષ્ફળતાની અનુક્રમણિકાને ભસ્મીભૂત કરી નાખો. જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઝંપો નહીં. પછી જુઓ કે નિરાશા તમારા જીવનમાંથી બિસ્તરા-પોટલાં બાંધી વિદાય થાય છે કે નહીં.
સ્વામી રામતીર્થે કહેલી આ વાત દેશના તમામ નાગરિકોએ યાદ રાખવા જેવી છે કે કોઇપણ દેશની ઉન્નતિ તુચ્છ વિચારવાળા મોટા માણસો પર નહીં, પરંતુ મહાન વિચારોવાળા નાના માણસો પર નિર્ભર છે.

Leave a Reply