ફરિયાદ કરવાની નહિ… કારણકે અત્યાર સુધીમાં તો આપણે ટેવાઈ જવું જોઈતું હતું…!

ભવિષ્યની સૌથી વધુ ચિંતા રાજ્યધૂરા સંભાળનારને હોય છે. એને એક ફિકર વર્તમાનમાં પોતાનું રાજ્ય જાળવવાની હોય છે અને બીજી ફિકર યોગ્ય વારસને રાજગાદી સોંપવાની હોય છે.
વૃદ્ધત્વને પામેલા એક રાજાએ યોગ્ય રાજકુમારને રાજગાદી સોંપવાનો વિચાર કર્યો, પરંતુ સવાલ એ હતો કે ત્રણ રાજકુમારોમાંથી કોને રાજગાદી સોંપવી ? આટલી મહેનતે રાજવૈભવ મેળવ્યા હોય, એને જાળવનાર યોગ્ય વારસ તો જોઈએ ને ? આથી રાજાએ ત્રણે રાજકુમારોની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એમણે રાજકુમારોને બોલાવીને કહ્યું,
“હું તમને ત્રણેયને એક સાવ નાનું કામ સોંપી રહ્યો છું, આશા રાખું છું કે એ નાનું કામ તમે ઉત્તમ રીતે કરશો.”
રાજાની વાત સાંભળીને રાજકુમારોનએ હાથ જોડીને કહ્યું, “પિતાજી ! આપ નિશ્ચિંત રહો, અમને હુકમ કરો. અમે અમારી રીતે એ કાર્ય ઉત્કૃષ્ટ રીતે થાય તેવો પૂર્ણ પુરૂષાર્થ કરીશું.”
પ્રસન્ન થયેલા રાજાએ ત્રણેય રાજકુમારોને સોનામહોર આપી અને કહ્યું, “આ સોનામહોરથી કોઈ એવી ચીજવસ્તુ ખરીદી લાવો કે જેનાથી આખો ખંડ ભરાઈ જાય અને એ વસ્તુ સમય જતાં ઉપયોગી બને.”
સોનામહોર લઈને ત્રણેય રાજકુમારો જુદી જુદી દિશામાં નીકળી પડ્યા. સૌથી મોટા રાજકુમારે આ વિચારમાં ભેજાનું દહીં કરી નાખ્યું. આ સોનામહોરોમાંથી કઈ એવી વસ્તુ લેવી કે જેનાથી આખો ખંડ ભરાઈ જાય, અંતે એણે ઉપાય વિચાર્યો કે આમાંથી રૂ ખરીદી લઉં અને આખો ખંડ ભરી દઉં. વળી એ રૂ પછી ગાદલા, ગોદડાં અને ઓશિકા બનાવવાના કામમાં પણ આવશે.
બીજા રાજકુમારે ખૂબ ઘાસ લાવીને આખો ખંડ ભરી દીધો. વિચાર્યું કે એ ઘાસ પછી ગાય અને ઘોડાને ભોજન તરીકે પણ આપી શકાશે. જયારે ત્રીજા રાજકુમારે ત્રણ દીવા ખરીદ્યા અને પહેલો દીવો ખંડમાં મૂકીને એને પ્રજવલિત કર્યો. આખો ખંડ પ્રકાશથી ભરાઈ ગયો, બીજો દીવો ઘરના ચોકમાં મૂક્યો, જેથી ઘરમાં આવનારને અજવાળું મળે અને ત્રીજો દીવો અંધારિયા ચાર રસ્તા પર મૂક્યો, જેથી રાહદારીઓને સુવિધા રહે. બાકીની જે સોનામહોરો વધી, તેમાંથી ભૂખ્યા ગરીબોને ભોજન કરાવ્યું.
રાજાએ ત્રણે રાજકુમારોના કાર્યનું નિરીક્ષણ કર્યું અને સૌથી નાના રાજકુમારની બુદ્ધિશક્તિ અને કલ્યાણભાવના જોઈને એને રાજગાદી સોંપી. હવે વિચારો નાનો રાજકુમાર જનતાના કરોડો રૂપિયા જાહેરાત પાછળ વેડફે તો…? હવે રાજકુમારોને બદલે રાજનેતા આવી ગયા…! ભૂતકાળમાં ઢગલાબંધ વચનો રાજનેતાએ આપ્યા હતા જેમ કે “ગરીબી હટાવ” જેવું એક જ વચન આપવામાં આવ્યું હતું પરંતુ એ એક પણ પુરૂ થયું ખરૂ ? ‘રામમંદિર’ એ પણ એક સૂત્રી વચન હતું. કાળુંનાણું બહાર આવ્યું ખરું ? આમ ચાલવા દો… કારણ કે પાંચ વર્ષ શાસન કર્યા પછી અગાઉની સરકારે જાહેરજનતાના કામ કરેલ હતા નહિ… (મનમાં એમ બોલવાનું અમે પણ નથી કરવાના…! ચાલવા દો…! ચાલે છે તેમ…! કારણ કે જાહેર જનતાને ફરિયાદ શાની…? ફેસબુકમાં હાઈશો કરતા રહેવાનું… તમે સાથે છોને…!ફરિયાદ કરવાની નહિ… કારણકે અત્યાર સુધીમાં તો આપણે ટેવાઈ જવું જોઈતું હતું…!

Leave a Reply