संघर्ष हमें कई बार थकाने के साथ साथ तोड़ भी देता है, पर यहीं हमें अंदर से हमें मजबूत और अनुभवी भी बना देता है । हरि ॐ संदेश ।

સ્મારક માત્ર પથ્થરનાં જ નહિ, જુદી રીતનાં પણ હોય છે…

મારી માતાના મૃત્યુ પછી રવિવારે હું મેબલ બાર્ટનને મળી. મેબલ બાર્ટન મારી બાની બહેનપણી હતી. મારી માતાએ પોતાની પાછળ ખાસ મિલ્કત છોડી નહોતી, પણ ભલાઈનું ઘણું મોટું ભાથું એણે પોતાની પાછળ છોડ્યું હતું. એનું કોઈક સ્મારક રચવાની મને તીવ્ર ઈચ્છા હતી. મેબલને મેં એ વાત કરી અને એ બાબતમાં એની સલાહ માંગી.

મેબલે એ બાબતમાં થોડી વાર વિચાર કરીને કહ્યું, ‘હું તને મારા પોતાના જીવનની એક વાત કરું. કદાચ, તને એ તારી માતાનું સ્મારક રચવામાં ઉપયોગી થાય !’

અને પછી એણે વાત કરી : ‘એક જ અઠવાડિયાના ગાળામાં મારી માતા-પિતા બંને મૃત્યુ પામ્યાં હતા. એ વખતે મને જે આઘાત લાગ્યો હતો એ અવર્ણીનીય છે. મારા પિતા મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતા અને મા હાર્ટ એટેકમાં મૃત્યુ પામી હતી અને આવા અસહ્ય આઘાતથી હું બહાવરી બની ગઈ હતી. જિંદગી તરફ મારા મનમાં ભારોભાર કડવાશ ઉત્પન્ન થઈ હતી. મારા પિતા ડોક્ટર હતા અને માતા સમાજસેવાનું કામ કરતી હતી. એમની ઉંમર માંડ સાઠની આસપાસ હતી. બંને જણાં સમાજને ખૂબ ઉપયોગી હોય એવું કામ કરતાં, એમનો આવો અચાનક અંત શા માટે આવવો જોઈએ ? એંશી – નેવું વર્ષના ઘરડાઓ, જે કોઈને કશા જ ઉપયોગી ન હોય અને ઊલટાના ભારરૂપ હોય એ જીવતા હતા. જયારે મારાં માતા-પિતા ઉપયોગી હોવા છતાં મૃત્યુ પામ્યાં હતાં. આવું શા માટે ? કુદરતનો આવો અન્યાય શા માટે ?

એમાં એક દિવસ મને કોઈએ મિસિસ ફેરીડેનો સંદેશ આપ્યો. ચોરાસી વર્ષની એ ડોશી મારા પિતાની દર્દી હતી. એ મને મળવા માગતી હતી.

એને મળવા માટે હું ગઈ. એણે મારો હાથ હાથમાં લઈને કહ્યું, ‘દીકરી, તારા પિતા માત્ર ડોક્ટર જ નહોતા, એ મારા મિત્ર હતા. દર અઠવાડિયે એ અચૂક મને જોવા આવતા. એમને ખબર હતી અને મને પણ ખબર હતી કે મારા જેવી ઘરડી સ્ત્રી માટે કોઈ ઉપયોગી દવા એમની પાસે નહોતી, પરંતુ એ પોતે જ મને ઉપયોગી હતા. એમના આવવાથી મારા દિલને શાતા વળતી મારામાં હિંમત આવતી અને મારી વાતચીતથી સમય આનંદથી વીતતો. દર મંગળવારે તારી મા પણ મારી ખબર પૂછવા આવતાં અને મારું એ કેટલું બધું ધ્યાન રાખતાં ખબર છે ? મને ગમે એવી ચોપડીઓ લઈ આવતાં અને અગાઉ મેં જે વાંચ્યું હોય એની ચર્ચા કરતાં.’

મેબલ બેટા, ઘડપણ બહુ દોહ્યલું હોય છે. ઘરડાં માણસોને બીજાના પ્રેમની અને હૂંફની જરૂર હોય છે. તારાં માતા-પિતા ફિરસ્તા જેવાં હતા. એમના શબ્દોથી જ મારા જેવાં અનેકને શાતા વળતી હશે. મને દરરોજ એ લોકો યાદ આવે છે, પણ મારા જેવી ઘરડી સ્ત્રી શું કરી શકે ? છતાં મારી એક ઈચ્છા છે. મારી પાસે થોડીક બચત છે. જો તને એમનું કોઈ સ્મારક બનાવવાની ઈચ્છા હોય તો એમાં મારી આ મૂડી પણ વાપરજે.

એમ કહીને એ ઘરડી બીમાર સ્ત્રીએ એની નાનકડી બચત આપી દીધી.

બીજા દિવસે મારી એક બહેનપણીને હું મળી અને પેલી ઘરડી સ્ત્રી, મિસિસ ફેરિડેની વાત કરી અને મારી બહેનપણીએ મને સલાહ આપી કે મેરી, તારાં માતા-પિતાના સ્મારક માટે ઉમેરવા મિસિસ ફેરિડેએ એની જીવનમૂડી આપી દીધી છે. કારણ કે એમને એ પોતાના પરમ મિત્ર માને છે. તારે જો એમનું સ્મારક કરવું હોય તો એ સ્મારક કોઈ પથ્થરનું ન હોવું જોઈએ. હોસ્પિટલનો કોઈ રૂમ કે આરસની કોઈ તકતી ન હોવી જોઈએ, પણ તારા પોતાના સમય દ્વારા તારે એમનું સ્મારક રચવું જોઈએ. તારાં માતા-પિતા એમની હયાતીમાં અનેક ઘરડાં, નિઃસહાય, નિરાધાર અને એકલા પડી ગયેલાં લોકોને આશીર્વાદરૂપ હતાં. એવાં લોકોને એમની હૂંફ હતી. મને લાગે છે કે તારે એમનું એ કામ ચાલુ રાખવું જોઈએ. દર અઠવાડિયે કે મહિને એકાદ દિવસ, એકાદ સવાર કે સાંજ, એવાં લોકો માટે તારે આપવા જોઈએ. એથી એમનું કામ ચાલુ રહેશે અને એમની યાદ પણ ચાલુ રહેશે. મારી દ્રષ્ટિએ તારાં માતા-પિતાના સ્મારક માટે એ જ સૌથી ઉત્તમ રહેશે.’

મારી બહેનપણીની સલાહ મને ગમી ગઈ. દર મંગળવારે મારી બા એકલા પડી ગયેલાં માણસોની મુલાકાતે જતી મેં પણ એમ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં હું પરિચિત માણસોને જ મળવાનું પસંદ કરતી. કોઈ મિત્રનાં ઘરડાં માતા-પિતા કે સગાં-વહાલાં સાથે બેસતી અને વાતો કરતી. એમાં કોઈ ઉપકાર – ઔપચારિકતા ન દેખાય એનો ખાસ ખ્યાલ રાખતી. પછી ધીમે ધીમે દવાખાનામાં અને પછી વૃદ્ધાશ્રમોમાં જવાનું પણ મેં શરૂ કર્યું. નવાં નવાં માણસો સાથે મૈત્રી કેળવવાનું શરૂ કર્યું અને આજે એવાં અનેક માણસો મારા મિત્રો છે. મિસિસ ફેરિડેએ મને જે રકમ આપી હતી એમાં અવારનવાર હું ઉમેરો કરતી રહું છું અને મારા એ મિત્રો માટે હું એમને ગમતાં જૂનાં પુસ્તકો, મેગેઝિનો, શાલ, હાથરૂમાલ, નોટબુક, હેન્ડબેગ, સ્લીપર્સ અને કાંઈ નહિ તો ક્યારેક ફૂલોનો ગુચ્છો લઈ જાઉં છું અને આવી નાનકડી વસ્તુઓ પણ એમના જીવનમાં કેવી તાજગી લાવી શકે છે એ તો તમે એ વખતે હાજર હોવ અને એમના ચહેરા સામે જુઓ તો જ ખબર પડે. મોટા ભાગનાં ઘરડાં માણસો તો માત્ર વાતો કરવા માટે જ કોઈને ઝંખતાં હોય છે. તમે એમની વાતો સાંભળો અને એમની સાથે વાતો કરો ત્યારે એમને અત્યંત આનંદ થાય છે. ઘડપણમાં માણસને એકાંત કોરી ખાતું હોય છે. અને એમની સાથે જયારે હું વાતો કરું છું, ત્યારે મારાં માતા-પિતા મને સતત સ્મરણમાં રહે છે. એમને જયારે કાંઈક આપું છું, ત્યારે જાણે મારાં માતા-પિતાની જ સેવા કરતી હોઉં એવું મને લાગે છે.’

મેબલ બાર્ટને એની વાત પૂરી કરી. એની વાતથી મારું હૈયું ભરાઈ આવ્યું હતું. ‘તમે સાચા અર્થમાં તમારાં માતા-પિતાનું સ્મારક રચી રહયાં છો. એ એક જીવંત સ્મારક છે.’ મેં કહયું, ‘અને મને લાગે છે, સહેજવાર હું અટકી ગઈ.’ મારી માતા પણ એનું આવું જ સ્મારક ઈચ્છે !’

‘સાચી વાત છે.’ મેબલ બાર્ટને કહ્યું, ‘મારી જે બહેનપણીએ મને મારો સમય આ રીતે વાપરવાની સલાહ આપી હતી, એ તારી માતા જ હતી.’

Leave a Reply