અંધત્વ કે આંખમીંચામણાં ?

એક તાજા ખબર મુજબ આપણા પોલીસવાળાઓના આરોગ્યની તપાસ કરાવવામાં આવી છે. અને એ તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ દેખાય છે તેવા હટ્ટાકટ્ટા કે તંદુરસ્ત નથી. શરીરથી તગડા દેખાય છે પણ તબિયત તગડી નથી. એ લોકો સતત સ્ટ્રેસ નીચે જીવે છે અને અનિયમિત જીવન જીવે છે, એટલે એમની તંદુરસ્તી નાદુરસ્ત છે.

એમની નાદુરસ્તીનાં કારણો ગમે તે હોય અને ગમે તેટલાં હોય, એક વાત સ્પષ્ટ સમજાય તેવી છે કે સામાન્ય માણસને પોલીસ બાબતમાં જેવું દેખાય છે એવું એમાં નથી.

માત્ર સામાન્ય માણસને જ દ્રષ્ટિદોષ આપવો એ વાજબી નથી.  પોલીસવાળાની જ વાત કરીએ તો – આપણે જોઈએ છીએ કે જીપમાં બેઠેલા પંદર-સોળ મુસાફરો કે છકડા-રિક્ષામાં બેઠેલાં કે ઊભેલાં પંદર-સત્તર મુસાફરો ટ્રાફિક નિયમનો ભંગ કરતા તેમની નજરે ચઢતા નથી, પરંતુ સ્કુટર ઉપર પસાર થતાં ચાલકે જો હેલ્મેટ ન પહેરી હોય કે કાર ચાલકે બેલ્ટ ન બાંધ્યો હોય તો તરત પોલીસવાળાને આવા ગુનેગારો દેખાઈ આવે છે.

આવું જ દૈનિક વ્યવહારમાં આપણને જોવા મળે છે. જે દેખાતું હોય છે તે સાચું નથી હોતું અને સાચું હોય છે તે જોવાતું નથી.

અહીં ‘મહાભારત’ના ધૃતરાષ્ટ્રની યાદ આવી જાય છે. તેઓ અંધ છે. તેમને દેખાતું નથી અથવા તમને જે દેખાય છે તે ‘સાચું’ દેખાતું નથી. બીજી એક મહત્વની વાત એ છે કે એમને જયારે ‘સત્ય’ દેખાય છે ત્યારે પુત્રો તરફના પ્રેમને કારણે તેઓ એ જોવા (સમજવા) તૈયાર જ નથી હોતા અને અંધ જ બની રહે છે. કૌરવોનાં કુકર્મો   તરફ એ જોવા જ માંગતા નથી.

આ પાત્ર અદ્દભૂત અને ચિરંજીવ એટલા માટે છે કે, આપણે સૌ પણ એક યા બીજા કારણોસર, મોહ કે સ્વાર્થને વશ થઈને કેટલીય બાબતોમાં આંખ આડા કાન કરતા હોઈએ છીએ, અર્થાંત આંખોથી સ્પષ્ટ દેખાતું હોય છતાં આપણે એ જોતા નથી હોતા અને લગભગ અંધની જેમ જ વર્તતા હોઈએ છીએ.

અમારા એક નવયુવાન મિત્રને મન એક સાધુ ભગવાન હતા. એટલે સંસાર છોડીને એ મિત્ર પેલા સાધુ સાથે નાસી ગયો સાધુના વિચારોથી અને તેજથી એ અંજાઈ ગયો હતો, પરંતુ એક દિવસ એ સાધુને એણે એક સ્ત્રી સાથે બહુ કઢંગી હાલતમાં જોયા, મન ખાટું થઈ ગયું. ઘેર પાછો ફર્યો અને જીવનભર ધર્મ ઉપર ફિટકાર કરતો રહ્યો.

આમાં હકીકત એ હતી કે તત્વજ્ઞાનને તો એ સમજ્યો જ નહોતો. એની કાચી ઉંમરે એ શક્ય નહોતું અને મન તો પેલા સાધુ એ જ સાક્ષાત ધર્મ હતા. એનું પતન એણે જોયું. એના તરફ નફરત થઈ આવી. એ નફરત ધર્મ તરફ વળી અને એ જીવનભર ટકી રહી.

જે સાધુઓ, ફકીરો, મહાત્માઓ, બાપુઓના બાહ્ય દેખાવથી આકર્ષાઈને હજારો-લાખો માણસો ધર્મ શોધવા નાસી જાય છે, પરંતુ એમણે પ્રાથમિક રીતે જે જોયું હોય છે એના કરતાં અંદરની પરિસ્થિતિમાં કાંઈક બીજું જ જોવા મળે છે અને એવું બને છે ત્યારે ભક્તો નારાજ થઈ જાય છે, પરંતુ એવા ભક્તોને એ વિચાર નથી આવતો કે, એ મહાનુભાવો પણ આખરે માણસો જ હોય છે. એમણે પણ ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, અને કેટલાકને તો સામાન્ય માણસ કરતાં પણ વધારે એષણાઓ સતાવતી હોય છે. એમણે સારું સારું ખાવા જોઈએ. સારાં વાહનો અને સારી સગવડો જોઈએ અને કેટલાકને તો હજારો, લાખો, અરે કરોડો રૂપિયા પણ જોઈએ અને આવી સમૃધ્ધિમાં આળોટતા એ ધર્માત્માઓ પાસેથી તમે આત્મા-પરમાત્મા વિષેની સારી સારી વાતો કે મનોરંજન કરે એવા ટુચકાઓથી વિશેષ શું અપેક્ષા રાખી શકો ?

ભર્તુહરિએ બરાબર કહ્યું છે કે, કંદમૂળ ખાઈને જીવતા અને જંગલમાં ટાઢ-તડકો વેઠીને રહેતા વિશ્વામિત્ર જેવા ઋષિ પણ મેનકાને જોઈને ચલિત થઈ ગયા હતા તો સંસારનાં સુખોમાં આળોટનાર વ્યક્તિઓની તો વાત જ શી કરવી ?

પરંતુ માણસ જયારે મોહને વશ થઈ જાય છે ત્યારે તે સાચું જોઈ જ નથી શકતો અને સમય જતાં આવા મોહનું નિરસન થાય છે અને સાચી વસ્તુ દેખાવા લાગે છે ત્યારે આઘાતથી બેઠો થઈ જાય છે.

મોટે ભાગે ઉપરછલ્લી રીતે દેખાતી વાત અને અંદરની હકીકતમાં ઘણો મોટો ફરક જોવા મળે છે. પહેલાં કલેક્ટર કચેરી તરીકે ઓળખાતી કચેરીને હવે ‘સેવા સદન’ નામ આપવામાં આવ્યું છે. ‘સેવા સદન’માં ખરેખર કેટલી સેવાઓ મળે છે ? કઈ રીતે ? અને નામ બદલવાથી કલેકટર-સાહેબ પ્રજાના સેવક બની જાય ખરા ?

એસ.ટી. બસવાળા લખે છે કે, ‘હાથ ઊંચો કરો, બસમાં બેસો.’ પરંતુ લોકોને અનુભવ તો એવો છે કે હાથ ઊંચા કરવાથી ‘બસસ્ટોપ’ ઉપર પણ બસ ઊભી નથી રહેતી ત્યાં વળી અરધે રસ્તે બસ ઊભી રાખીને મુસાફરોને બસમાં લેવા માટે કોણ નવરું હોય ? !

ન્યાય મેળવવા માટે લોકો કોર્ટમાં જાય છે અને પછી એમાં ઢીલ થાય છે ત્યારે અકળાઈ જાય છે અને એટલે જ કહેવાય છે કે ન્યાયમાં ઢીલ એટલે ન્યાયનો ઇન્કાર.

કોર્ટમાં જનાર દરેક પક્ષને એમ લાગે છે કે પોતાને જે જોઈએ છે અને જે રીતે જોઈએ છે તે એને ત્યારે મળતું નથી.

કહે છે કે ન્યાયાલયમાં જો સમયસર ન્યાય મળી શકતો હોત તો કદાચ ગુંડાઓ અને એમની ગેંગવોર આટલી હદે વકરેલી જોવા ન મળત.

જે વસ્તુ જ્યાંથી જે રીતે મેળવી જોઈએ એ રીતે બધાને મળતી હોય તો આખીએ પરિસ્થિતિ જુદી હોત.

પરંતુ, આપણને કેટલુંય દેખાતું હોવા છતાં ધૃતરાષ્ટ્રની જેમ કશું જ નહિ દેખાતું હોવાનો ઢોંગ આપણે કરીએ છીએ.

આપણે જોઈએ છીએ કે સાધુઓ સાધુજીવન જીવતા નથી. ધર્મસ્થાનોમાં આંતરિક ખટપટ અને અનેક પ્રકારની બદીઓ વધી ગઈ છે. આપણે આ બધું જોવા છતાં ન જોવાનો ઢોંગ કરીએ છીએ.

સેવાના ક્ષેત્રમાં કોઈ સેવા કરતું નથી અને એટલે જ હોદ્દા કે સ્થાનની ગરિમા રહી નથી.

વેપારીઓ શુધ્ધ રીતે વેપાર – ધંધો કરતા નથી. લોકો સાથે અથવા તો સરકાર સાથે છેતરપિંડી કરે છે. ગોલમાલ, ભેળસેળ વગેરે તરકીબો ઉપર એમના ધંધાની સમૃધ્ધિનો આધાર જોવા મળે છે.

કોઈ નોકરિયાત પ્રામાણિકતાથી નોકરી કરતો નથી. અને કદાચ કોઈ કરે તો  એ દુઃખી થાય છે. ડૉક્ટરો, દર્દી માટે તો ક્યારેક સાક્ષાત ઈશ્વર જ હોય છે, તેઓ પણ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા નથી અને છતાં હું, તમે, નેતાઓ, આગેવાનો, આખો સમાજ આંખ બંધ કરી દઈએ છીએ. અંધ બની જઈએ છીએ.

ખલીલ જિબ્રાને ‘દયાપાત્ર દેશ’ના શીર્ષક નીચે સરસ વાત લખી છે એનો કેટલોક ભાગ હું અહીં લખું છું.

‘મારા મિત્રો અને સહમાર્ગીઓ, શ્રધ્ધાથી પરિપૂર્ણ પણ ધર્મવિહીન દેશ દયાને પાત્ર છે.’

‘પોતાનાં વણેલાં વસ્ત્રો જે પહેરતો નથી કે પોતાના અનાજની રોટી જે ખાતો નથી તે દેશ દયાને પાત્ર છે.’

‘જ્યાં બદમાશ અને જુલમી વીર મનાય છે, જ્યાં માત્ર વિજયોમાં રચનાર ઉદાર મનાય છે, તે દેશ દયાને પાત્ર છે.’

‘સપનામાં પણ તિરસ્કાર કરવાને યોગ્ય વસ્તુ હોય અને તેને જયારે જાગ્રત અવસ્થામાં યોગ્ય માનવામાં આવે ત્યારે તે દેશ દયાપાત્ર છે.’

‘જેનો રાજનીતિજ્ઞ શિયાળ જેવો છે, જેનો તત્વજ્ઞાની મદારી જેવો છે અને જેઓની કલા તૂટીફૂટી કલાનું અનુકરણ કરવામાં જ સમાયેલી છે તે દેશ દયાપાત્ર છે.’

‘વય વધતાં ઋષિઓની વાણી શાંત થઈ ગઈ હોય છે અને જેનો શક્તિશાળી પુરુષ હજી પણ પારણામાં ઝૂલે છે તે દેશ ખરેખર દયાને પાત્ર છે.’

જિબ્રાન કહે છે એમ જયારે ઋષિમુનિઓ કે જે હંમેશાં પરંપરાગત સાચું જોવા અને કહેવાનો સ્વભાવ ધરાવે છે તેઓ પણ જયારે શાંત થઈ જાય ત્યારે દેશ દયાને પાત્ર જ બની રહે છે.

મહાન દેશની મહાન પ્રજા તરીકે આપણે પણ જે જોવાનું છે તે નહિ જોઈએ ને માત્ર સપાટી ઉપર દેખાતી વસ્તુને જોઈશું જ નહિ અને આંખે દેખતા હોવા છતાં આંધળા બનીને જીવીશું તો એક પ્રજા તરીકે દયાપાત્ર જ બની જઈશું.

Leave a Reply