
ગયેલા આત્માને, મન હૃદયથી, આપજે શાંતિ પૂરી,
બધી રીતે એનું, પ્રભુ કરવજે, સર્વ કલ્યાણ, શ્રીજી.
બધા જીવો સાથ, ગત જીવનમાં, જે થયેલો સંબંધ,
કરાવી દ્યો એને, સહુ તરફથી સાવ નિશ્ચિંત મુક્ત.
હરિ: ૐ ! હરિ: ૐ ! હરિ: ૐ !
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ,
શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ.
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી ! આપની ભક્તિ કરે,
લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો,
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો.
આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી,
દયો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી.
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મૃત્યુ નિશ્ચિત છે, છતાં અનિશ્ચિત છે ! ક્યારે આવશે તે અનિશ્ચિત છે ! તેમાં નાના-મોટાં, સાજા-માંદાનો, શ્રીમંત-ગરીબનો કોઈ ભેદ નથી ! દરેકને એક હરોળમાં લાવી દે છે… સૌએ વહેલા કે મોડા જવાનું છે ! વિજ્ઞાન મૃત્યુને રોકી શક્યું નથી ! આપણું જીવન થોડું થોડું કરતાં મરી રહ્યું છે ! અકસ્માત, રોગ, ખૂન, શહાદત, આત્મહત્યા આવા અનેક રસ્તા મૃત્યુને નોતરે છે ! જન્મ-મરણના દોરના છેડા ઈશ્વરે પોતાની પાસે રાખેલ છે. મૃત્યુ વારંવાર નથી આવતું, તે એક જ વાર આવે છે ! છતાં માનવ દરરોજ મરી ગયો ! મરી ગયો શા માટે કરે છે ? કોઈ આપણી સામે અયોગ્ય વર્તન કરે તો એમ વિચારવું કે આ જીવ મારો ઉપકારી છે ! મારા ગયા જન્મનું એક પાપ બળી રહ્યું છે ! સાથે સાથે સુખમાં પણ માનજો કે મારા સદ્કર્મોની મૂડી બળી રહી છે. જૂના ઘરમાંથી નવા ઘરમાં ગયા, તે જ રીતે મૃત્યુ પછી કર્માધીન નવો જન્મ મળે છે !
હજારો લોકો કોઈને કોઈ કારણસર સ્વજન ગુમાવે છે ત્યારે માત્ર ૨૪ કલાક પણ ન થયા હોય ત્યાં પરિવારો ઉપર મૃતક સ્વજનના નામે કંઈક દાન કરવા માટે કોલ આવે છે. આશ્ચર્યની વાત એ છે કે સવારે પાંચ-છ વાગ્યામાં ઘણા લોકોને તો પાંચેક સંસ્થાઓના કોલ આવી જાય છે. સામાજિક સંસ્થાના નામે આવા કોલ કરનારાઓનો દેશમાં રાફડો ફાટી નીકળ્યો છે ! જેઓ આવી રીતે મૃતક પરિવારની લાગણીઓ દુભાવવાનું કૃત્ય કરી રહ્યા છે. બેસણા અને શ્રદ્ધાંજલિની જાહેરાત પેપરમાં આપવામાં આવે છે તેમાંથી અને સ્માશનની મરણ નોંધ રજિસ્ટરમાંથી આવા લેભાગુ લોકો ફોન નંબર મેળવી લેતા હોય છે અને કહેતા હોય છે કે અમારી સંસ્થા સેવાના કાર્યો કરે છે અને તે માટે તમારે જે દાન કરવું હોય તે કરી શકો છો. રૂપિયા ૫૦૦/-, ૧,૦૦૦ કે તેનાથી વધુ તમારે જે આપવા હોય તે તમે લખાવી શકો છો. આ રીતે દાનની ઉઘરાણી રાજકોટ શહેરની અમુક લેભાગુ સાર્વજનિક ટ્રસ્ટ કરે છે. ઘરે માતમની સ્થિતિમાં સામાજિક સંસ્થાના નામે ઉઘરાણું કરવા નીકળેલા લોકો પણ છે !
જૂનું ખોળિયું તજી નવું ખોળિયું મેળવી લે છે ! લોકોને પૂજા-પ્રાર્થના કરવા માટે અલગથી ક્યાંક દેવમંદિરમાં જવું પડે છે એનું કારણ પોતાના કામને એ પરમાત્માનું કામ ગણીને કે પરમાત્મા માટેનું કામ ગણીને નથી કરી શકતા એ જ છે. બાકી પ્રત્યેક કામ જો પ્રાર્થના બની જતું હોય તો અલગથી દેવમંદિરમાં જઈને પૂજા-પ્રાર્થના અલગથી કરવાની જરૂર શી છે ? જે સમજે છે એના માટે તો વિશ્વ આખું એક દેવ-મંદિર છે અને પ્રત્યેક કામ પરમાત્માના ચરણમાં સમર્પિત સેવા કે પૂજા ! એટલે જે કામથી આપણે રોજી-રોટી મેળવતા હોય તે કામ કર્તવ્ય-ફરજ સમજીને ઉમદા રીતે કરવું જોઈએ. જો આમ કરવામાં નહિ આવે તો પરમાત્માના કાયદામાં અવશ્ય ગુનેગાર છો ! જયારે ત્યાં કેસ ચાલશે ત્યારે બચાવની કોઈ તક નહિ મળે.
પરમાત્માની કોર્ટમાં કેસ ચાલશે ત્યારે બચવાની તક નથી મળવાની તે સત્ય છે, છતાં આપણે પોલીસ તંત્રની વાત કરીએ. પોલીસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય હોવાની છાપ સામાન્ય જનમાનસમાં અંકિત થઈ ચૂકી આ પાછળ ઘણા કારણો પણ છે. રેવન્યુથી માંડી જ્યુડિશ્યરી સુધીના તમામ સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓની બોલબાલા છે. અન્ય સરકારી તંત્ર કરતાં પોલીસ ખાતાનો ભ્રષ્ટાચાર એટલા માટે ચર્ચાય છે, કારણ કે તે ડાયરેક્ટ (સીધો) સામાન્ય વ્યક્તિને સ્પર્શ કરે છે. પોલીસ ખાતામાં દંડા મારી પૈસા કઢાવવાની નીતિ-રીતિ હોય છે. જયારે અન્ય ખાતાઓમાં આપનાર અને લેનાર બંને ખુશની સ્થિતિમાં જોવા મળે છે.
એ.ટી.એમ. જેવા બની ગયેલા પોલીસ સ્ટેશનમાં પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી જોઈએ તો અહીં ફરિયાદ લેવાના, તપાસ કરવાના, આરોપીને પકડવાના, વહેલાં કોર્ટમાં રજુ કરવાના, જામીન વેળા વાંધો નહિ ઉઠાવવાના એમ તપાસના દરેક તબક્કે સેટિંગ ચાલતું હોય છે, આ બધા મામલામાં વહીવટ કહો કે વ્યવહાર આરોપી તથા ફરિયાદીની આર્થિક સ્થિતિ અનુસાર હોય છે. જમોનના કેસોમાં તો ફરિયાદ કે પ્રોપર તપાસની કિંમત ટકાવારી પ્રમાણે જ નક્કી થતી હોય છે.
આ ઉપરાંત પાસપોર્ટ ઈન્કવાયરી, પોલીસ ક્લીયરન્સ, એન.ઓ.સી. વગેરે માટે પણ રૂપિયા ચૂકવવા પડે છે. આ પ્રક્રિયામાં મોટાભાગે રૂપિયા ૩૦૦ થી ૫૦૦ સુધીના ભાવ હોય છે. જો રિક્ષાવાળો રૂપિયા ૧૦ ને બદલે રૂપિયા ૧૫ લઈ લે તો જાહેરજનતા રિક્ષાવાળા સાથે ઝઘડો કરે છે અને પૂછે છે કે રૂપિયા ૫ (પાંચ) કેમ વધારે ? – જયારે પોલીસ સ્ટેશનમાં રૂપિયા આપતી વખતે ઝઘડો કરતા નથી ! શા માટે જતું કરે છે ! એ પણ સમજાતું નથી ?
પોલીસ ખાતામાં મોટા કેસ બને તો સર્વલન્સ સ્ટાફવાળા મોટો વહીવટ કરી નાખે છે. આરોપીને લોકઅપમાં નહિ રાખવાના, સૂવા માટે ગાદી તકિયા આપવાના, સવારે ઘરે નાહવા જવા દેવાના, સગાં-સંબંધીઓને મળવા દેવાના, માર નહિ મારવાના એમ ડગલે ને પગલે રૂપિયા પડાવવામાં આવે છે. મોટી વ્યક્તિ પોલીસ સ્ટેશનના દાદરા ચઢે એટલે ઓછામાં ઓછા ૧ લાખ રૂપિયાનો ચાંદલો તો કરવો જ પડે છે.
મોટા કેસમાં હાથ મારવાનું નહિ મળતાં પીએસઓ, પીકેટ, ફોટા પાડનાર તથા કોર્ટ ડયુટી કરનારા પોલીસવાળા તેમની આગવી રીતે પૈસા બનાવતા હોય છે. આવા પોલીસ કર્મચારી સામાન્ય મારામારી, દારૂ, જુગાર કે અકસ્માત જેવાં કેસોમાં કમાણી કરી લેતા હોય છે. આવા કેસમાં આરોપીની ધરપકડ થાય ત્યારે તેમના ફોટા સરકારી રેકર્ડ માટે પાડવા આવશ્યક હોય છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં ફોટાના ખર્ચના નામે રૂપિયા ૧૫૦ થી રૂપિયા ૩૦૦ સુધી રકમ આરોપી પાસેથી પડાવાય છે.
પોલીસ સ્ટેશનમાંથી જલ્દી છુટકારો મળશે એ ગણતરીએ આરોપીઓ રૂપિયા ૧૫૦ થી ૩૦૦ આપી દેતા હોય છે. પોલીસ ચોકી તેમજ પોલીસ સ્ટેશન આસપાસના સ્ટુડિયોવાળા સાથે સાંઠગાંઠ સાધી રાખવામાં આવેલી હોય છે. આવું જ કંઈક આરોપીને કોર્ટમાં રજૂ કરવાના મુદ્દે થાય છે. આરોપીને કોર્ટમાં સરકારી વાહનમાં લઈ જવાના હોય છે, પરંતુ કોર્ટ ડયુટી હોય એ પોલીસવાળા રિક્ષા કરી લાવે છે. એક રિક્ષામાં પાંચ-સાત જણાને ભરી કોર્ટમાં લઈ જવામાં આવે છે. બદલામાં ભાડા પેટે દરેક આરોપી પાસેથી “સૌનો સાથ, સૌનો વિકાસ”ના ધ્યેય સાથે રૂપિયા ૫૦ થી ૧૦૦ પડાવવામાં આવે છે.
પોલીસ કસ્ટડીમાં રાત રાખવાના હોય એવા આરોપી માટે જમવાની વ્યવસ્થા કરવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ તેમાંય કટકી થાય છે. સારા ઘરની વ્યક્તિ હોય તો જમવાનું ઘરેથી આવે બાકીનાના માટે કોઈ વ્યક્તિને કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે.
ભ્રષ્ટાચારીઓ જન્મતા નથી, સમાજ એમને ભ્રષ્ટાચારી બનવાની મોકળાશ આપે છે. સમાજમાં નેકી, સત્ય માટેનો આગ્રહ અને કષ્ટ સહેવાનું બળ ઘટે ત્યારે ભ્રષ્ટાચાર પોતાની જળ બિછાવવામાં સફળ થાય છે. લોકોમાં લોભ, સ્વાર્થ અને અલ્પ પરિશ્રમ કરીને અધિક પામવાની ચળ ઉપડે ત્યારે ભ્રષ્ટાચારને ભાવતું અને ફાવતું મેદાન મળી જાય છે. અન્યાયી અને અત્યાચારી સામે લડવા માટે નૈતિક બળ અને હિંમતમાં ઓટ આવે ત્યારે ભ્રષ્ટાચાર બળવતર બને છે. જયારે પ્રજા “બધું ય ચાલે”, “આપણું કામ થવું જોઈએ”નું પલાયનવાદી સૂત્ર અપનાવે ત્યારે ભ્રષ્ટાચારનો ભોરિંગ સદાચારને ભરખી જવામાં સફળ થાય છે, જયારે પ્રજાની દ્રષ્ટિ સંકુચિત બને અને માત્ર પોતાના સ્વાર્થનો જ માણસ વિચાર કરવામાં શાણપણ માને ત્યારે ભ્રષ્ટાચારીઓના હાથ મજબૂત બને છે. ભ્રષ્ટાચાર ફૂલે-ફાલે છે, કારણ કે વગર પરસેવાના “લાભ”નો લોકોને છોછ નથી ! ભ્રષ્ટાચારીઓ કાંઈ આકાશમાંથી અવતરતા નથી. એમનું “સ્થાનક” પોતાનું ઘર અને જાહેરજીવન છે. ઘરનાં લોકો ભ્રષ્ટાચારથી આવતા રૂપિયા, સુવિધાઓ, ભેટો, બક્ષિસો અને આડકતરા ફાયદાનો વિરોધ કરે તેવા પતિ, પિતા, પુત્ર, પત્ની, દીકરી કે અન્ય સ્વજનોની સફળતામાં બેન્ડ-વાજા ન વગાડે ! તો ક્યા ભ્રષ્ટાચારીની તાકાત છે કે ઘરમાં કે જીવનમાં ભ્રષ્ટાચાર થાકી મળતા લાભો પાછળ દોડધામ કરે ? ભ્રષ્ટાચારીઓ એ વાત ખાસ યાદ રાખે કે “કુદરતના ફડાકા હવામાંથી લાગે છે ! દેખાતા નથી માટે કોઈપણ અનીતિનું કામ કરતા પહેલા સો વાર વિચાર કરજો… નહીં તો કુદરતના ફડાકા હવામાંથી લાગે છે તેને ખાવાની તૈયારી રાખજો.
આજના ભ્રષ્ટાચારીઓના પરિવાર કરતાં વાલિયા લૂંટારાનાં પરિવારજનો એટલે સાચા અને સારા લાગે છે કે તેમણે લૂંટારુ બનનાર વાલિયાને ચોખ્ખુંચટ પરખાવી દીધું હતું કે તારાં પાપો માટે જવાબદાર તું પોતે, અમે તારા પાપોનાં ભાગીદાર નથી જ નથી. કોઈ ભ્રષ્ટાચારીઓના પરિવારમાં આવું કહેવાની હિંમત છે ખરી ? ભ્રષ્ટાચાર થકી આડકમાણી જીવનમાં પ્રાપ્ય સુંવાળપ અને સગવડો તથા વૈભવી ભપકદાર જીવનની લીલા ઊભી કરે છે – એટલે ભ્રષ્ટાચારીઓના સ્વજનો લક્ષ્મી ચાલ્લો કરવા આવે ત્યારે મોં ધોવાની લેશમાત્ર ચિંતા કરતાં નથી ! આ કડવી વાસ્તવિકતા છે ત્યારે… વાત ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની છે. તળિયેથી શરૂઆત કરવાની હોય તો ક્યાંથી શરૂઆત કરવી ? પટાવાળા કે ચપરાશીથી ? કે પછી વડાપ્રધાનથી યા રાષ્ટ્રપતિથી ? અહી તો “ઇસ ચમન મેં સભી નંગે હૈ યારો” જેવો ઘાટ છે ત્યારે “ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન” ચલાવવું જરૂરી છે. જે ચલાવવા માટે નીતિમતાને વરેલા દેશવાસીઓ હોવા જોઈએ. આર્થિક સમૃદ્ધિ વિના પણ જીવનમાં સુંદર રીતે જીવી શકાય તેની એક સુંદર મજાની કથા છે.
બોકૂજુ નામે એક ઝેન ફકીર થઈ ગયા છે. એ જયારે નાના હતા અને ગુરુની પાસે આશ્રમમાં રહેતા ત્યારનો પ્રસંગ છે : આશ્રમમાં એમનું કામ ગુરુના નિવાસસ્થાનને સાફ રાખવાનું હતું. ગુરુ જ્યાં બેસતા, ઉપદેશ આપતા, શિષ્યોની સમસ્યાઓનું સમાધાન કરતાં તે રૂમમાં એક મહામૂલી મૂર્તિ હતી. ગુરુને એ મૂર્તિ અતિશય પ્રિય હતી કેમ કે ગુરુના ગુરુ એમના પણ ગુરુ દ્વારા એ ખૂબ જતનથી સચવાઈને પ્રતિષ્ઠિત થઈ હતી. જેટલી એ સુંદર હતી એટલી જ પ્રાચીન પણ હતી. બોકૂજુ પણ ખૂબ પ્રેમ અને જતન સાથે જ એની સફાઈ કરતો હતો. પરંતુ એક દિવસ એવું બન્યું કે મૂર્તિને સાફ કરવા જતાં અજાણતા જ ઠોકર વાગી અને ધડામ દઈને એ નીચે પડી, ખંડિત થઈ ગઈ. બોકૂજુને અત્યંત દુઃખ થયું અને સાથે ગભરામણ પણ થવા લાગી કે ગુરુ શું કહેશે ? એમનો અભિગમ કેવો હશે ? ગુરુથી કશુંક છુપાવવા કે ખોટું બોલવામાં તો પોતે માનતો ન હતો. નાનો હોવા છતાં એ અત્યંત બુદ્ધિશાળી અને સમજદાર પણ હતો અને એટલે જ ગુરુ એના તરફ ખૂબ આશાથી જોતા. મૂર્તિ તૂટી જવાથી ગુરુને હવે કેવી રીતે જાણ કરવી એની મથામણમાં હતો ત્યાં જ ગુરુએ રૂમમાં પ્રવેશ કર્યો. બોકૂજુ ગભરાયા વિના જ મૂર્તિને પોતાની તરફ આડશ આપી ઊભો રહી ગયો અને ગુરુને કહ્યું કે મારે એક વાત પૂછવાની છે. જયારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે એ શા કારણથી થાય છે ? વ્યક્તિનું શરીર શા માટે છૂટી જાય છે ? તો ગુરુએ કહ્યું : અહીં કોઈપણ વસ્તુ શાશ્વત નથી. આકારધારી પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિનો નાશ સુનિશ્ચિત છે. બસ, એનો સમય આવે અને અહીંથી જવાનું નિશ્ચિત બની જાય છે. અસ્તિત્વના મહાનિયમ પ્રમાણે જ અહીં બધું ચાલે છે. કોઈ એક ક્ષણ માટે વધું કે ઓછું રહી શકતું નથી. વસ્તુઓ, વ્યક્તિઓ, જીવજંતુઓ, મોટા મોટા પહાડો દરેક અહી સમય જતા નામશેષ થઈ જાય છે.”
મૂર્તિ આગળથી પોતાના દેહને હટાવીને બોકૂજુએ કહ્યું કે : “તો આપની આ મૂર્તિનો પણ સમય પૂરો થઈ ગયો હશે, નહીં તો એ મારા હાથથી આજે તૂટે જ શા માટે ?” તપસ્વી અને ત્યાગીની શોભા તેનામાં રહેલી ક્ષમાભાવનામાં છે. ક્ષમા પોતે જ એક તપ છે. અવૈરની ઉદાત ભાવના એનો આધાર છે. માનવની સાચી પિછાણ છે, એટલે જ વિશ્વના ધર્મોએ ક્ષમાભાવનાનો જયજયકાર કર્યો છે. જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ એટલે જ એ વાત પર ભાર મૂકતા કહ્યું છે કે “હું સર્વજીવોને ક્ષમા આપું છું, સર્વજીવો મને ક્ષમા આપે.”. બધા જીવોની સાથે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેરભાવ નથી. તેમણે જે કહ્યું તેને આચરણ દ્વારા ચરિતાર્થ કરી દેખાડયું. કાનમાં ખીલાઓ ઠોકી બેસાડનાર ગોવાળિયો, ચંડકૌશિક ફણીધર કે મંખલિપુત્ર ગૌશાલક તરફથી પીડાઓ અપમાનો પામ્યા છતાં એમણે ક્ષમાભાવ જ દાખવ્યો. અવૈરની ઉદાત ભાવના એનો આધાર છે. માનવની સાચી પિછાણ છે, એટલે જ વિશ્વના ધર્મોએ ક્ષમાભાવનાનો જયજયકાર કર્યો છે. જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ એટલે જ એ વાત પર ભાર મૂકતા કહ્યું છે કે “હું સર્વજીવોને ક્ષમા આપું છું, સર્વજીવો મને ક્ષમા આપે.”. બધા જીવોની સાથે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેરભાવ નથી. તેમણે જે કહ્યું તેને આચરણ દ્વારા ચરિતાર્થ કરી દેખાડયું. કાનમાં ખીલાઓ ઠોકી બેસાડનાર ગોવાળિયો, ચંડકૌશિક ફણીધર કે મંખલિપુત્ર ગૌશાલક તરફથી પીડાઓ અપમાનો પામ્યા છતાં એમણે ક્ષમાભાવ જ દાખવ્યો. ખ્રિસ્તી ધર્મમાં પણ ક્ષમા મૂર્તિ મસીહા ઈસુએ પોતાને મૃત્યુના મુખમાં ધકેલનાર કાવતરાબાજોને પણ ક્ષમા આપી તેમનું કલ્યાણ વાંછયું હતું. હજરત અલીએ પણ ક્ષમાધર્મને બિરદાવતા કહ્યું કે ક્ષમાપ્રદાન એટલે શત્રુ વિજયનું અમોઘ શસ્ત્ર… વિશેષમાં મહાભારતકાર વ્યાસજીએ ક્ષમાને બ્રહ્મ અને સત્યનો પર્યાય માની ક્ષમાની પવિત્રતા પ્રશંસી છે. ક્ષમાને સંપૂર્ણ જગતને ધારણ કરવાની શક્તિ ધરાવતું પરિબળ ગણાવી છે. ક્ષમા આપવાનું કામ કાચાપોચા માણસોનું નહિ પણ દરિયાદિલ માનવનું છે. વેઠેલા ત્રાસ, અત્યાચાર, હિંસા, અપમાન, ઉપેક્ષા વગેરે ભૂલીને સદ્ભાવ, મૈત્રી અને નિર્મળ પ્રેમ માટે હાથ લંબાવવો એ કામ વીર જ કરી શકે ! બોકૂજુના ગુરુ દરિયાદિલ મહામાનવ હતા તેઓ હસ્યા અને આનંદ સાથે બોલ્યા – “જે તું મને સમજાવી રહ્યો છે તેને તું તારા જીવનમાં પણ યાદ રાખજે. કેમ કે તારા જીવનમાં પણ ઘણી બધી મૂર્તિ તૂટવાના પ્રસંગો બનશે અને ત્યારે તું આ એક જ સૂત્ર યાદ રાખજે કે “એનો સમય થઈ ગયો હશે”., જે ઋણાનુબંધ હતા તે પૂરા થઈ ગયા હશે. અસ્તિત્વના મહાનિયમને અહીં ક્યારેય કોઈ તોડી શક્યું નથી” મૃત્યુ અતિથિ છે, ક્યારેય પણ આવી શકે છે ! તે ઘડપણમાં જ આવે એવું કોઈ જરૂરી નથી, તે બાળપણમાં, જવાનીમાં ક્યારેય પણ આવી શકે છે ! તે રવિવારે પણ આવી શકે છે. જે શ્વાસ અંદર જાય તે પાછો આવશે તેની કોઈ ગેરંટી નહી, એટલે જ તનના પાંજરાંમાંથી પ્રાણ-પંખેરું ઊડે તેના પહેલા મનમંદિરમાં પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી લો.
અને બોકૂજુ કાયમ આ પ્રસંગને યાદ કરી કહેતા હતા કે આ એક જ સૂત્ર મારા જીવનને બદલવાનું નિમિત્ત બની ગયું. ગુરુએ આપેલી આ ચાવી લગાવીને જ મે સામે આવેલ સમસ્યાના પ્રત્યેક તાળાને ખોલ્યા છે. કશુંક તૂટી જાય, મહામૂલી લાગતી કોઈ વસ્તુ અચાનક ખંડિત થાય તો સૌથી પહેલા આજ સૂત્ર યાદ આવતું – “એનો સમય પૂરો થઈ ગયો હશે.” પોતાની નિશ્ચિત અવધિથી એક પળ પણ વધારે કોઈ અહીં રહી શકતું નથી. જીવન એક મહાયાત્રા જેવું છે. બસ, હવાઈજહાજ, રેલવે કે કોઈપણ વાહનમાં એકી સાથે અનેક લોકો યાત્રા કરી રહ્યા હોય છે પણ પોતાનું સ્ટેશન આવતા જ, ખાસ્સો સમય સાથે બેસીને આત્મીય સંબંધો બાંધી લીધા હોય એવા યાત્રીને પણ ઊતરી જવું પડે છે. એ જ રીતે યાત્રા દરમિયાન લડાઈ ઝઘડા કર્યા હોય, મારા – મારી સુધી વાત પહોંચી હોય, એકબીજાની સામે જોવા જેટલો પણ સંબંધ ન હોય એવા લોકો પણ સમય પહેલા ઊતરી શકતા નથી અને સ્ટેશન આવ્યા પછી એક ક્ષણ પણ વધારે રોકાઈ શકતા નથી. માતા, પિતા, ભાઈ-બહેન, પત્ની, બાળકો, મિત્ર, શત્રુ, પ્રિય કે અપ્રિય સૌ કોઈ આ સંસારરૂપી મહા જહાજના સહ પ્રવાસીઓ છે. વધુમાં પરમસત્તા પરમાત્માએ એનો એના બેસવા તથા ઉઠવાનો એનો સમય આગળથી સુનિશ્ચિત કરેલ છે ! કોને ક્યાં જવાનું છે ? અને ક્યાં ઉતરવાનું છે ? એનો સામાન્ય પ્રવાસમાં તો સૌ કોઈને ખ્યાલ હોય છે. પરંતુ સંસારની આ યાત્રા એટલી તો રહસ્યપૂર્ણ છે કે લાખમાંથી બે પાંચને પણ પોતાને ક્યાં જવાનું છે ? અને ક્યાં ઊતરવાનું છે ? એનો ખ્યાલ જ નથી, હા, ક્યારેક કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ મીરા કે રાબિયા, એકાદ કોઈ કબીર યા પતંજલિને ખ્યાલ હોય છે કે પોતાની યાત્રાનું પ્રયોજન શું છે ? ક્યાં જવાનું છે ? અને ક્યારે સમય આવતા ઊતરી જવાનું છે ? ઘણીવાર આ લોકો (કૃષ્ણ વગેરે) બીજા વિષે પણ જાણતા હોય એ રીતે યાત્રાનું પ્રયોજન અને અને આગળની મંજિલ વિષે યાદ અપાવતા હોય છે, પણ બાકીના બધા એ જહાજમાં ચાલતા, નાચ-ગાન, ખાન-પાન અને મહેફિલમાં એટલા તો મશગુલ હોય છે અને જુદા જુદા નશાકારક પદાર્થોના સેવનથી એટલા તો ચકચૂર અને બેહોશ હોય છે કે આવા લોકોની વાતો લગભગ બકવાસ જેવી જ લાગે છે. ભર ઊંઘમાંથી ઢંઢોળી ઢંઢોળીને એ કહેતા હોય છે કે, “ભાઈ, તમારે ફલાણી ફલાણી જગ્યાએ જવાનું છે અને હવે બસ થોડોક જ સમય બાકી છે” પણ આવા લોકો કશુંક કહે ત્યારે ઊલટાની બગાડતા હોય એવા લાગે છે. આજના કહેવાતા અને બની બેઠેલા ધર્મ-ધૂરંધરો સારા છે ઊંઘમાંથી જગાડીને ઊંઘ બગાડતા નથી ! કારણ કે આજના કહેવાતા અમુક મહાન ધર્મ-ધૂરંધર શ્રી ૧૦૮, શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહાબંડલેશ્વર સ્વામી, રાજાધિરાજ, સમાજભૂષણ વગેરે માટે અનેક વિશેષણોનો મારો ઘણીવાર માત્ર ખુશામત કરવા વપરાય છે. ખરેખર તો જેને લાગુ પાડવાનો પ્રયત્ન કરાય છે તેને આમાંનું એક પણ વિશેષણ લાગુ પડતું નથી. વિશેષણો માત્ર ખુશામતિયાઓ આપે છે અને મોટાભાગના લોકો સ્વીકારી લે છે અને વ્યર્થ આદર આપે છે. જે વિશેષણોને સાર્થક કરતા હોય તેને લાખ-લાખ સલામ, નરસિંહ મહેતા, કબીર અને રોહિદાસે ક્યારેય તેમના નામની આગળ મહાન ધર્મ-ધૂરંધર શ્રી ૧૦૮, શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહાબંડલેશ્વર સ્વામી, રાજાધિરાજ, સમાજભૂષણ વગેરે માટે અનેક વિશેષણો પોતાના નામની આગળ લખાવેલ નથી, છતાં આજે પણ લોકો તેમને યાદ કરે છે. કારણ કે તેઓએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ઉપયોગ મઠ, મંદિર કે ભવ્ય આશ્રમ બાંધવા માટે ક્યારેય કર્યો નહોતો. જયારે આજના ઘણા મઠ, મંદિર કે આશ્રમનો ઠઠારો માત્રને માત્ર ધર્મપ્રેમીઓના નાણાં લઈને થાય છે અને ધર્મપ્રેમીની આર્થિક સદ્ધરતા મુજબ સવલતો સેવન સ્ટાર હોટલની જેમ આપવામાં આવે છે, વિશેષમાં મઠ, મંદિર કે ભવ્ય આશ્રમમાં પરમાત્માના દર્શન કરવા માટે પણ નાણાં ઉઘરાવવામાં આવે છે ! જયારે કબીર, રોહિદાસ, રાજા જનક અને ચાણક્ય કઈ રીતે જીવન જીવતા ? સમજજો-વિચારજો અને તપાસજો !
જીવનને બદલવું જ હોય તો મોટા મોટા શાસ્ત્રો, પુસ્તકોના થોથા કે લાંબા લાંબા પ્રવચનો વાંચવા યા સાંભળવાની જરૂર નથી. જીવનને બદલવાની ઋષિ પ્રવર પોતાના શિષ્યોને મહર્ષિ વાલ્મિકીના ડાકુમાંથી ઋષિ બનવાની સુંદર કથા કહે છે. કથા સાંભળીને એક શિષ્યના મનમાં પ્રશ્ન ઉદ્દભવ્યો. તે પૂછવા લાગ્યો, “ગુરુવર, ગુરુકુળની પરંપરા અનુસાર આપણે નિત્યક્રમમાં વેદોક્ત પૂજા-ઉપાસનાનો ક્રમ અપનાવીએ છીએ, ત્યારે પણ કેટલીક આધ્યાત્મિક પ્રગતિ દેખાતી નથી, તો કેવળ “મરા – મરા”નો જપ કરવાથી મહર્ષિ વાલ્મિકીને પરમપદની પ્રાપ્તિ કેવી રીતે થઈ ? ઋષિ મલકાયા અને બોલ્યા, “વત્સ ! શ્રદ્ધા અને આસ્થા અંતઃકરણની પ્રવૃત્તિઓ છે, પણ એ ત્યારે ફળદાયી બને છે જયારે તે વિધેયાત્મક હોય. અચલ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ હોય તો માટીની મૂર્તિ પણ એકલવ્યને વિદ્યા પ્રાપ્ત કરાવી શકે છે. ઉપાસના અને કર્મકાંડનું મહત્વ જ્યાં સુધી તેની સાથે ભાવનાત્મક પરિષ્કારની પ્રક્રિયા જોડાયેલી હોય ત્યાં સુધી જ છે, અન્યથા ફક્ત દેખાડાના પ્રયોજનથી કંઈ સાર્થક લાભ મળી શકવાનું સંભવ નથી. જીવનને બદલવા માટે સારા વિચાર અને સારા કામની પુનરુક્તિ દૂષણ નથી પણ ભૂષણ છે. ધર્મથી લોકોને જીતી શકાય છે. લોકો એટલે સમસ્ત પૃથ્વીના માનવો તો ખરા જ, પણ શાસ્ત્રોમાં જે ચૌદ લોકની કલ્પના છે તે ચૌદ લોક ઉપર પણ ધર્મથી વિજય પામી શકાય છે. ભક્ત ભૂષણ નરસિંહ મહેતા કહે છે, એવા વૈષ્ણવજન થનાર વ્યક્તિ જ સ્વનું તથા સર્વનું કલ્યાણ કરી શકે છે. વણલોભી અને કપટરહિત હોય, કદી નિંદા ન કરે, વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, કામ-ક્રોધને તજી દે અને સમદર્શી હોય તથા તૃષ્ણાનો ત્યાગ કરનાર હોય એવો પરમ વૈષ્ણવજન જ પોતાના કાર્યક્ષેત્રને આબાદીના સર્વોચ્ચ શિખરે લઈ જાય છે. વૈષ્ણવજન જગતમાં સેવા અને સ્મરણ કરવાના ધ્યેય સાથે જીવન જીવે છે, એટલે “સેવા તો જનસેવા કરવી, લેવું રામનું નામ.” જનસેવા અને રામનું સ્મરણ એ જ સાચું ધન છે.
કોઈક ખેડૂત પાસે ધનની જેમ ઢગલાબંધ અનાજ ખડકાયેલું પડયું હોય છે, જયારે કોઈકને તો અન્ન અને દાંતને લગભગ વેર જેવું થઈ પડયું હોય છે. કોઈક ભાગ્યશાળીને જ અનાજનાં દર્શનનો લાભ મળે છે એવું હોતું નથી. ખેતીનું કામકાજ એકધારી રીતે ચાલુ રહે છે તેના જ પ્રતાપે ઢગલાબંધ અનાજ ખડકાય છે. ખેતીના કામમાં જોડાઈ જવાથી પુષ્કળ અનાજ થઈ જાય તે હકીકત છે. જે માટે કોઈપણ અનાજને માટીમાં વાવવું પડે. અનાજની વાવણીનું કામ થયા પછી ખેતરમાં અંકુર ફૂટવા લાગે છે. અંકુર ફૂટવા લાગે પછી છોડ સુકાઈ ન જાય તે માટે પાણી આપવું જરૂરી છે, કારણ કે કુમળા છોડનું જીવન પાણી છે. વધુમાં સાથે સાથે ખેતરની ચોતરફ કાંટાની વાડ લગાવવી પડે. વિશેષમાં “છોડની વચમાં જે ઘાસ ઊગ્યું હોય તે તમામને નીંદવું જોઈએ. અનાજની વૃદ્ધિમાં તે અંતરાયરૂપ છે.” એક દિવસ અનાજ મળશે કારણ કે “આ તો બધું ઈશ્વરકૃપા ને સ્વાશ્રયનું જ ફળ છે. અનાજની જેમ જ જીવનમાં સાચું સુખ મેળવવું હોય તો સાધકે જગતનાં નાશવંત સુખનો ત્યાગ કરવો જોઈએ. જીવનનો એક પણ દિવસ જનસેવા વિનાનો જવા દેવો નહી. જનસેવાથી પ્રેમમય થવાય છે. “શસ્ત્રબળ અમુક સમય સુધી યશસ્વી થાય છે” પણ શાશ્ચવત સુખ જોઈતું હોય તો પ્રેમથી પમાય છે.
ઈશ્વરસેવા મનથી પણ થાય છે. કહેવાય છે કે અર્જુન સ્વર્ગલોકમાં ગયા ત્યારે સ્વર્ગની અપ્સરાઓને તેની સામે લાવવામાં આવી. તેમણે કહ્યું કે, “અમે તમારા જેવા એક દીકરાને જન્મ આપવા માંગીએ છીએ. તેમનો મતલબ અર્જુન સાથે સંપર્ક વધારવાનો હતો. અર્જુને કહ્યું કે મા ! મારાથી જે દીકરો થશે કે દીકરી જન્મશે તે મારા જેવા થવાને બદલે ફૂવડ થયા તો ? અને પછી તે ઘણા વર્ષો પછી મારા જેવો થશે. હું તો બત્રીસ વર્ષનો છું. આપે બત્રીસ વર્ષ રાહ જોવી પડશે, ત્યારે મારા જેવો દીકરો થશે. હું તો આજથી જ તમારો દીકરો થઈ જાઉં છું. તમે મારી મા અને હું તમારો દીકરો. દીકરો ઈચ્છો છો ને ? બસ, હું તો ઉછરેલો દીકરો તૈયાર છું જેણે તમારા પેટમાં પણ તકલીફ નથી આપી. તમારું દૂધ પણ નથી પીધું. તમારી જુવાની પણ નથી બગાડી. લો હું તરત જ તમારો દીકરો થઈ જાઉં છું. ઉચ્ચકોટિના સિદ્ધાંત ઉચ્ચ કોટિના આ દ્રષ્ટિકોણ મનથી સેવા છે. ઉચ્ચ કોટિના સિદ્ધાંત અને ઉચ્ચ કોટિના દ્રષ્ટિકોણ ધરાવતા સંતાનને જન્મ આપી શકાય છે. માતા-પિતા બંને મળીને પોતાના મન અને તનને એક સંતાનના સ્વાગત માટે તૈયાર કરે અને એનાથી પણ આગળ ચાલીને જે વાતો તેઓ પોતાના બાળકમાં નથી ઇચ્છતા એ બધાંથી તેઓ પોતે દૂર રહે, મતલબ તેઓ એક તપ સાધના કરે તો નિશ્ચિત પણે તેમને ત્યાં જે બાળક જન્મ લેશે તે સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને બધાંથી વધીને એક અધિક વિકસિત આત્મા લઈને આવશે. પાણીનું એક ટીપું, જો તાવડી પર પડે ત્યારે તેનું અસ્તિત્વ માટે છે, એ જો કમળના પણ પર પડે તો, મોટી જેવું ચમકી ઊઠે છે, અને જો છીપમાં પડયું તો મોતી જ થઈ જાય છે. પાણીનું ટીપું એ જ તફાવત માત્ર સહવાસનો…
મનની સેવાથી બ્રહ્મચારી બનાય. બ્રહ્મચારી હંમેશા સદાચારી હોય. સદાચારી અન્યની દીકરી, બહેન અને મા ને પોતાની જ દીકરી, બહેન અને મા સમાન આદર આપે છે. સદાચારી જ આબાદીના સર્વોચ્ચ શિખરે પહોંચે છે. આબાદીના સર્વોચ્ચ શિખરે પહોંચવું એટલે વિજય પામવો. ધર્મથી જ વિજય પામી શકાય છે. એ વાત મહાભારત કહે છે. પાંડવો શક્તિ, સંપત્તિ અને સંખ્યાબળમાં નાના હતા પણ ધર્મને પાળનારા હતા. તેથી વિજય પામ્યા ! કૌરવો શક્તિ, સંપત્તિ અને સંખ્યામાં પાંડવો કરતાં અનેકગણાં બળવાન હતા, પણ અધર્મ આચરનારા હતા.. તેથી હાર્યા અને મર્યા ! જીવનના જીવનના બધાં જ ક્ષેત્રોમાં ધર્મપાલન એટલે પ્રગતિ અને અધર્મનું આચરણ એટલે અધોગતિ. બસ, ધર્મનું એકાદ કોઈ સૂત્ર પકડીને ચાલવાનું શરુ કરીએ તો પણ સંતોના વચનો એવા હોય છે કે જે સત્ય સુધી પહોંચાડી દે ! એકાદ કોઈ વચન, એકાદ કોઈ નાના મંત્ર જેવું વાક્ય જો જીવવા માટે પસંદ કરી લેવામાં આવે તો એ છેક શિખર સુધી લઈ જાય છે. છેક શિખર સુધી પહોંચવું હોય તો એક સાથે અનેક કામ ન કરવા જોઈએ, કારણ કે એક સાથે અનેક કામ નિપટાવવાના ચક્કરમાં દિલથી કોઈ કામ પૂરાં કરી શકાતા નથી. અરધાં પરધાં કામ છોડીને મન બીજા કામ તરફ દોડવા માંડે છે. અહીથી મહેનત અને સમયની બરબાદી શરુ થાય છે તથા મનમાંને મનમાં ખીજ ચડવા લાગે છે. વિચાર અને કાર્ય મર્યાદિત અને સંતુલિત કરી લેવાથી શ્રમ અને શક્તિનો બગાડ અટકી જાય છે. બોકૂજુ એક નાનકડા સૂત્રને પકડીને જીવનને બદલી શક્યા અને સફળતાનાં શિખરે પહોંચી ગયા હતા. બોકૂજુની જેમ જ એક નાનકડું સૂત્ર તમારા જીવનનેય બદલી શકે છે !
વર્ષોથી જેની સાથે મિત્રતા હોય એવી કોઈ વ્યક્તિ અચાનક મિત્રતાનો દોર તોડી, શક્ય છે કે શત્રુ પણ બની જાય, તો જેની પાસે આ સૂત્રની સમજ છે તેણે ખુશ થઈને કહેવું જોઈએ – “અસ્તિત્વની કદાચ આ જ ઈચ્છા હશે”. આનાથી આગળ એ મિત્ર ઈચ્છે તો પણ મારી સાથે સંબંધ રાખી ન શકે, કેમ કે એનો આ નિશ્ચિત થયેલો સમય હતો. કોઈ સ્નેહી કે પ્રિયજન સાથ છોડીને ચાલ્યું જાય. અચાનક એનું અવસાન થાય તો સમજી જવું જોઈએ કે અસ્તિત્વનો એ જ નિર્ણય હશે ! એનાથી એક ક્ષણ પણ, મને જે અતિશય વહાલી હતી એવી વ્યક્તિ સ્વયં ઈચ્છે તો પણ મારા સાથે રહી ન શકે. સમાજના નિયમો તો કેટલાક લોકો તોડી પણ નાખતા હોય છે. પરંતુ અસ્તિત્વના મહાનિયમ સામે એક પણ વ્યક્તિ અપવાદ નથી. શરીર જેને પણ મળે છે, તેણે તે અનિવાર્ય રીતે છોડવું જ પડે છે. પછી એ મહાશક્તિશાળી માણસ હોય કે એકદમ દુર્બળ, અતિ ધનવાન હોય કે એકદમ અકિંચન, સુંદર હોય કે અસુંદર, એકનો એક દીકરો હોય કે એકની એક દીકરી, વહાલસોઈ માતા હોય કે છત્રછાયા બનીને જીવતા પિતા, બધાને એ મહાનિયમ સામે ઝૂકી જવું પડે છે. હા, મૃત્યુને “સમજી” શકાય છે પણ તેને “અવગણી” શકાતું નથી. સૃષ્ટિના સમસ્ત બુદ્ધ પુરુષોની ઘોષણા છે કે અસ્તિત્વમાં એ જ થતું હોય છે જે થવા માટે નિર્માયું હોય. માણસ વૃથા પોતાની જાતને વચ્ચે લાવીને નિયતિ સામે લડે છે !