Spread the love

વગર મહેનતે, રાતોરાત લોકોને લાખોપતિ, કરોડપતિ થવું હોય છે અને આ માટે આજકાલ અવળે રસ્તે ચાલતાં માણસ જરાય શરમાતો નથી, અચકાતો નથી કે નથી માણસાઈની ગરિમા સાચવતો. બધું ભેગું કરવાની લ્હાયમાં ખોટે રસ્તે ચાલી માણસ ન કરવાના કામો કરી રહ્યો છે. કોઈનું ખૂન કે હત્યા કરતાં પણ ખચકાતો નથી. સાયબર ક્રાઇમ તો પાછા અલગ.

સાંપ્રત સમયમાં દરેક ધર્મને એવો લૂણો લાગી રહ્યો છે, ધર્મગુરુઓ એવા એવા કારનામા કરી રહ્યા છે કે ઈશ્વર ઉપરથી ભરોસો ઉઠી જાય. આ દેશનો કોઈ ખૂણો બાકી નથી રહ્યો જ્યાં આપણા કહેવાતા સંતો, મહંતો, સાધુઓ, સ્વામીઓ, પ.પૂ.ધ.ધૂ.ઓ. ભક્તજનોની લાગણી ન દુભાવી હોય… આવી જ હાલત રાજકીય નેતાઓની છે. ધર્મમાં ધંધો ઘુસાડી દઈ આપણા કહેવાતા આ બાબાઓએ મધ્યમ ગરીબ જનોના ગજવા ખાલી કરી કેવળ પોતાના ગાલે જ લાલિમા પાથરી છે. વાસ્તવમાં માનસિક રીતે નબળા, અસહાય, અંધશ્રદ્ધાળુઓની દુઃખતી રગ પારખીને આ ઢોંગી-ઠગારાઓ પ્રજાને જાળમાં ફસાવી લાચાર અને દીનહિન પ્રજાની માનસિકતાનો લાભ ઉઠાવે છે. બાધા માનતા, દોરાધાગા, તંત્રમંત્ર, માદળિયા અને ભુવા-ભોપાડામાં કમાવાનું કશું જ નથી. ચમત્કારની વાતો કેવળ હબંગ અને ગપગોળા જ છે. અવનવા ચમત્કારની વાતો કરતા આ બહુરૃપીયા બાવાઓ મૃત્યુને રોકવાના ચમત્કારો કેમ નથી કરતા ? કોરોનાના આગમનની આગાહી કેમ કોઈ જ્યોતિષ કે બાબાએ કરી નહીં ?

સંસારની ક્ષણભંગુરતાની વાતો કરી આ ટિલા-ટપકાંધારીઓ ઐય્યાસીની હદ વટાવી જાય છે, ત્યારે એમની કથની અને કરણી ખૂલી પડી જાય છે. સફેદ અને ભગવાં વસ્ત્રો ધારણ કરી તેઓ જાત, જગત અને જગદીશ્વર સાથે છેતરપિંડી જ કરતા હોય છે. સત્ય અને અસત્ય સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી રાખતા.

ધર્મ એ બહુ સંવેદનશીલ, નાજુક અને વ્યક્તિગત બાબત છે. એમાં કોઈનો દબાવ આવકાર્ય નથી. કોઈના કહેવાથી કે કરવાથી એ અમલમાં નથી મુકાતો. ધર્મ પોતાના અંદરથી પેદા થતો હોય છે. અનુભવ અને સમજણથી ધર્મ વધારે ખીલે અને ખુલે પણ. ખાલી-ખાલી સવાર-સાંજ ધાર્મિક કસરતો કરવાથી દહાડા ના વળે. ભક્તિમાં ભાવ ભલે તો જ રંગત જામે.

સમાજમાં એવા કેટલાય અનામી દાતાઓ હોય છે કે જેઓ લોકોપયોગી તથા સર્વજનસુખાય થાય એવા ક્ષેત્રે દાનનો દરિયો વહાવી નિજાનંદને પોતાનો ધર્મ સમજે છે. અબોલ પશુઓ-પંખીઓનો પેટનો ખાડો પૂરી ધર્મ બજાવી લે છે. ધર્મ એ કરવા કરતાં તો જીવવાની વસ્તુ વધારે છે. કોકનું હૈયું બાળવું તે અધર્મ કહેવાય અને કોકનું હૈયું ઠારવું તે ધર્મ કહેવાય.

આજકાલ ધર્મનો આશરો લઈ, ધર્મને પ્યાદુ બનાવી, ધર્મને ખભે બંદૂક રાખી અસત્ય આચરી માણસ બહુ સિફતથી કોકને ઉલ્લુ બનાવી પોતાનું કામ કઢાવી લેતો હોય છે. લોકો મજાકમાં એવું કહેતા થઈ ગયા છે કે ધર્મના ધંધામાં કદી મંદી નથી આવતી. પણ જીવનમાં અસત્ય આચરીને આગળ આવનાર ક્યારેક તો ઉઘાડો પડી જ જતો હોય છે. કારણકે અસત્ય પાસે ભલે ઝડપ હોય છે, છતાં આ ઝડપની કોઈ સધ્ધરતા નથી હોતી. જયારે સત્યની પાસે તાકાત હોય છે. જીવનભર ખુમારીથી જીવી શકાય એટલી તાકાત હોય છે. તેથી કહેવાય છે કે ‘Truth is like surgery. it my hurt, but it cures !! ‘lie’ is like a pain killer, it gives relief immediately, But it has side effect later. સાચું તો સો ગાઉ જાય. સાચને આંચ ન હોય.

સત્ય જ શાંતિ અને આનંદ પમાડે છે. અસત્ય તો ઊંઘવા પણ નથી દેતું. અસત્ય તો ઘણીવાર આત્મામાં એટલું બધું ડંખતું હોય છે કે માણસ પોતાના આત્માનું હનન કરવા બેસી જાય છે. તેથી તો કહેવાય છે કે “સત્યમેવ જયતે”.