
જગતના લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તા સ્વીકારી છે. સંસારમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે જે અસમાનતા દેખાય છે તેને કેવી રીતે વાજબી ગણવી એ મહાપ્રશ્ન છે. પૂર્વકર્મનું અસ્તિત્વ સ્વીકાર્યા સિવાય, સંસારમાં પ્રવર્તતી અસમાનતા સમજાવવાનું લગભગ અશક્ય છે. તેથી સર્વ ધર્મોએ એક કે બીજે પ્રકારે કર્મનું પ્રભુત્વ સ્વીકાર્યું. આમ, અસામાનતાનું કારણ શોધતાં શોધતાં સૌને કર્મ કે પૂર્વકર્મનો સહારો લેવો પડયો.
કોઈ એક બાળક ધનવાનને ત્યાં જન્મે છે અને અનાયાસે જન્મતાંની સાથે જ કરોડોની સંપત્તિનો માલિક બની જાય છે. જયારે બીજું કોઈ બાળક ગંદી-અંધારી કોટડીમાં જન્મે છે જેને માટે સામાન્ય અન્ન કે વસ્ત્ર મેળવવાં પણ મુશ્કેલ હોય છે. કોઈ જન્મતાંની સાથે ખોડખાંપણવાળું હોય છે તો કોઈને ગમે તેમ અથડાવા-કુટાવા છતાંય કંઈ થતું નથી. કોઈને ભણવા માટે નિશાળે જવાનાં ય ઠેકાણાં હોતાં નથી તો વળી બીજા કોઈ માટે જીવનમાં આગળ વધવાની તકો સહજ પ્રાપ્ત હોય છે. કેટલાક માણસ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ કાઢી આગળ વધે છે તો બીજી બાજુ કેટલાક મળેલા ભાગ્યને-તકોને ગુમાવીને છેવટે રસ્તે રખડતા ભિખારી થઈ જાય છે. કોઈ દેખાવે સુંદર-સોહામણું હોય છે તો
કોઈની સામે જોવાનું પણ મન થાય નહિ તેવું કદરૂપું હોય છે. કોઈ પોતે દેખાવમાં સાવ સામાન્ય હોય પણ તેને રૂપાળી પત્ની મળે તો બીજી બાજુ કોઈ સ્વરૂપવાન સ્ત્રીને સાવ સામાન્ય પતિની પત્ની થઈ સંસાર માંડવો પડે છે. કોઈને સુશીલ સ્વભાવની પત્ની મળે છે તો કોઈ મહાન માણસને કર્કશા સ્વભાવની પત્ની મળે છે. કોઈનો પડયો બોલ ઝીલાય તો કોઈ પગમાં પડે તો પણ ન ખમાય. જન્મજાત અસમાનતા – રંગની, રૂપની, સંપત્તિની, બુદ્ધિની, સંજોગોની, સ્વભાવની, વ્યક્તિત્વની – માટે કોણે જવાબદાર ગણીશું ?
જો ભગવાન જ આપણને જન્મ આપતો હોય તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આવો વહેરો-આંતરો કેમ રાખે ? જો ભગવાન જ વહાલાં-દવલાં કરતો હોય તો પછી માણસ ક્યાં જઈને ન્યાય માંગે ? અને આમ ભેદભાવ રાખનારને ભગવાન કહેવાય પણ ખરો ? સંસારમાં બે પ્રકારે અસમાનતા જોવા મળે છે. એક છે જન્મજાત અસમાનતા. દેખીતી રીતે વિના વાંકે કે વિના કારણે જન્મ લેનાર શિશુઓ વચ્ચે દેખાવની, સંજોગોની, સંપત્તિની, શરીરરચનાની ઇત્યાદિ જે ભિન્નતા રહે છે તે માટે પૂર્વકર્મ સિવાય આપણે બીજા કોઈને જવાબદાર ન ગણી શકીએ. બીજા પ્રકારની અસમાનતા પણ સંસારમાં પ્રવર્તે છે. એક જ પ્રકારનો પુરુષાર્થ બે જણ કરે પણ એક વધારે સફળ થાય તો બીજાનો પુરુષાર્થ નિષ્ફળ જાય કે તેને ખાસ સફળતા મળે નહિ. એક જણને સહેજમાં કીર્તિ મળે તો બીજાને કેટલીય લાયકાત હોવા છતાંય કોઈ જાણે પણ નહિ. એક જણ કોઈનું કંઈ કામ ન કરે છતાંય બધા તેનો પડ્યો બોલ ઝીલી લે જયારે બીજો તન તોડીને સૌના કામ કરતો હોય છતાંય તેની વિનંતીનેય કોઈ ગણકારે નહિ. કોઈને અનેક સુખ-સગવડો વચ્ચે પણ અશાંતિ હોય તો વળી કોઈ સૂકો રોટલો ખાઈને, સામે આવેલી નદીનું પાણી પીને કિનારે આવેલા ઝાડ નીચે નિરાંતે ઊંઘતો હોય. કોઈને પથ્થર ખાય તો પણ પછી જાય તો કોઈને માંડ ઘેંશ પચતી હોય અને પાણી જેવી છાશ ઉપર જીવવું
પડે છે. કોઈ અગાશીમાંથી પડે તો પણ તેનો વાળ વાંકો ન થાય તો કોઈને સહેજ ઠોકર વાગે, હાડકું ભાંગે અને છ મહિનાનો ખાટલો થાય. કોઈની સ્મૃતિ એટલી તેજ હોય કે એકવાર વાંચેલું તેને યાદ રહી જાય છે તો કોઈને રાત-દિવસ કેટલુંય ગોખે ત્યારે થોડું યાદ રહે. કોઈની પાસે સુખેની રેલમછેલ થતી હોય પણ ભોગવાય નહિ ત્યારે બીજા કોઈ પાસે ભોગવવાની તાકાત હોય પણ વસ્તુનો અભાવ હોય, કોઈને એવું હોય કે ભોગવે ઘણું બધું પણ તે તેનો માલિક ન હોય, ત્યારે બીજો માલિક હોય પણ તેનાથી ભોગવાય નહિ. આ બધી વિષમતાના મૂળમાં પણ કર્મ રહેલાં છે.
વિષમતા અને તરતમતાથી ભરેલો આ સંસાર કર્મને માન્યા સિવાય સમજી શકાય નહિ. જેમ રોગને જાણ્યા વિના તેનો ઉપચાર ન થઈ શકે તેમ કર્મને સમજ્યા સિવાય તેની ચુંગાલમાંથી છૂટી શકાય નહિ. કર્મને હઠાવ્યા વિના ઇષ્ટની પ્રાપ્તિ થઈ શકે નહિ. સાંસારિક સામગ્રી અને સફળતા મેળવવી હોય તો પણ કર્મને સમજીને તેને યથાયોગ્ય રીતે ગોઠવવાં પડે. કર્મ એ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનું તો વિજ્ઞાન છે. એમાં બધું તર્કબદ્ધ અને કડીબદ્ધ છે. જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો છે તેમ કર્મને પણ પોતાનો સિદ્ધાંત છે. અને તે અનુરૂપ આપોઆપ કર્મ કાર્યાન્વિત થાય છે. કર્મના સિદ્ધાંતમાં ક્યાંય અપવાદને સ્થાન નથી. આપણે કર્મને શ્રદ્ધાનો વિષય ગણીને બાજુએ મૂકી શકીએ તેમ નથી અને જો તેમ કરીશું તો સરવાળે આપણે જ સહન કરવું પડશે.
હાલ જેનેટિક એન્જીનિયરિંગ નામની વિજ્ઞાનની શાખાએ જન્મજાત તરતમતા અંગે ઘણું સંશોધન કર્યું છે અને તેમાંથી જે તારણો કાઢ્યાં તે કર્મ સિદ્ધાંતને વધુ પુષ્ટ કરે એવાં છે. જેનેટિક વિજ્ઞાન એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યું કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની બધી તરતમતાનો આધાર જિન ઉપર છે. જિન આપણી શરીરરચનાનો અંતિમ ઘાતક છે. વિજ્ઞાન તેને મૂળ ઘટક ગણે છે, આ જીનમાં સંસ્કારસૂત્રો રહેલાં છે અને તેને આધારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તરતમતા રહે છે. માણસનો દેખાવ, સ્વભાવ, બુદ્ધિ, ભાવિ રોગો, શરીરરચના એમ ઘણાબધાનો આધાર આ સંસ્કારસૂત્રો ઉપર રહેલો હોય છે. જિનનું નિર્માણ માતા-પિતાના બીજમાંથી થાય છે અને પ્રત્યેક જિનમાં કમ્પ્યુટરની જેમ ઘણા સૂક્ષ્મ સંસ્કાર આદેશો હોય છે જેને ક્રોમોસોમ કહે છે. આમ જેનેટિક વિજ્ઞાન તો કર્મના સિદ્ધાંતની વધારે નજીક આવી ગયું છે. આગળનો પ્રશ્ન એ છે કે પ્રત્યેક જિનમાં તેના ગણસૂત્રોમાં – સંસ્કારસૂત્રોમાં ભિન્નતા કેમ ? આ ભિન્નતા માટે જો મા-બાપનું બીજ કારણભૂત હોય તો એક જ માતા-પિતાનાં બે બાળકો વચ્ચે કેમ ભિન્નતા રહે છે ? અરે, ઘણીવાર તો એક જ માતા-પિતાનાં સંતાનો વચ્ચે ગુણમાં-દોષમાં, દેખાવમાં આસમાન-જમીનનો તફાવત રહે છે. આ તફાવતનું જેટલું મહત્ત્વ છે એના કરતાંય એ વાતનું વધારે મહત્વ છે કે અમુક સંતાનને જેનેટિક વારસામાં બધું સારું મળ્યું અને બીજા સંતાનને બધું ખરાબ મળ્યું અને ત્રીજાને માતા-પિતાના જેનેટિક વારસામાં મિશ્ર દેખાવ અને સંસ્કારો મળ્યા. પરિણામે
પ્રત્યેક સંતાનને સંસારમાં જે સહન કરવું પડશે કે લાભ મળશે તેમાં પણ તરતમતા રહેવાની, આ તરતમતા માટે કોણ જવાબદાર ?
જેનેટિક વિજ્ઞાન પાસે તેનો ફક્ત ઉત્તર છે કો-ઇન્સિડન્સ. આ તરતમતાને આકસ્મિક ગણાવ્યા સિવાય તેમને છૂટકો નથી. પણ આ આકસ્મિક વાતમાં અમુક સંતાનને સહન કરવું પડ્યું અને અમુક સંતાનને લાભ થઈ ગયો તેનું શું ? તો પછી ત્યાં ન્યાય ક્યાં રહ્યો ? કાર્ય-કારણનો નિયમ આ જગ્યાએ ખોટકાઈ જ ગયો ને !
કર્મવિજ્ઞાન પાસે આ તરતમતા ઉત્તરો છે. એને માટે કશું આમ આકસ્મિક નથી. કર્મ જિનનીય પાછળ જાય છે અને અમુક સંતાન ઉપર આ પ્રકારના જિનનો જ પ્રભાવ કેમ પડ્યો તે વાત કહી જાય છે. જિનના ઘટકની પાછળ પૂર્વજન્મના સંસ્કારો રહેલા છે અને તેને લીધે એક જ માતા-પિતાના બીજમાંથી ઉત્પન્ન થતાં સંતાનોમાં પણ ભિન્નતા અને તરતમતા રહે છે. આમ, કર્મવિજ્ઞાન જિનેટિક વિજ્ઞાનથી આગળ છે એટલું જ નહિ પણ જયારે આપણેતેનો અભ્યાસ કરીએ ત્યારે લાગ્યા વિના નથી રહેતું કે કર્મવિજ્ઞાન ઘણું આગળ છે. વિજ્ઞાનની બધી શાખાઓમાં સૌથી મહત્વની શાખા કર્મવિજ્ઞાનની છે. જે કર્મ ઉપર આપણી ચઢતી-પડતી, મુક્તિ-બંધન, સુખ-દુઃખ, શાંતિ-અશાંતિનો આધાર છે એ કર્મને સમજ્યા વિના આપણને સુખ-સમૃદ્ધિનો માર્ગ ન મળે. જો જીવનમાં કંઈ મેળવવું જ હોય, મળેલા મનુષ્યજીવનને સાર્થક કરી લેવું હોય તો કર્મસિદ્ધાંતને સમજીને આગળ વધવું રહ્યું.