Spread the love

કર્મની વ્યવસ્થા ખૂબ ગહન અને સચોટ છે. એમાં ક્યાંય અપવાદ નથી. કર્મની નોંધણી આપણી બહાર થતી નથી અને તેના ભોગવટા માટે કોઈના હુકમની રાહ જોવાતી નથી હોતી. કર્મની સમગ્ર વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. તેને કોઈ કમ્પ્યુટરની રચના સાથે સરખાવી શકાય. કમ્પ્યુટર તેને આપેલા કમાન્ડ-આદેશો પ્રમાણે ચોક્કસાઈથી કામ કર્યા કરે છે તેમ કર્મની બાબતમાં પણ છે. કમ્પ્યુટર નિર્જીવ છે તેથી તેને પ્રથમ આપણે ડેટા-વિગતો આપવી પડે છે પછી તે વિગતો અનુસાર પોતાનું કાર્ય કર્યા કરે છે. લગભગ તેવી જ વ્યવસ્થા આપણી અંદર ગોઠવાયેલી છે. આપણી ચેતનામાં પળે પળે રાગ-દ્વેષના ભાવો જે ઉછાળા મારે છે અને તેના પ્રેર્યા આપણે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને લીધે આપણી અંદર પ્રત્યેક પળે ડેટા ફીડ થતો રહે છે – વિગતો ઉતરતી રહે છે જેની આપોઆપ નોંધ થઈ જાય છે. આ નોંધ જ્યાં થઈ જાય છે તેને કર્મદેહ કે કાર્મણ શરીર તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્મણ દેહ અતિ-અતિ સૂક્ષ્મ પરમાણુઓનો બનેલો હોય છે અને ભવોભવ તે જીવની સાથે જાય છે – રહે છે. આ કાર્મણ શરીર, જીવ સાથે ઓતપ્રોત થઈને રહેલું હોય છે અને તેમાં જ કર્મની વિગતો નોંધાય છે અને તેમાંથી આવતા આદેશો મુજબ જીવ પોતાની ગતિ-વિધિ કરે છે. આ આદેશોનું પાલન કરતાં કરતાં વળી પાછો જીવ જે ભાવો સેવે છે, જે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તેનાથી વળી કર્મદેહમાં નવી ડેટા – નવી વિગતો ફીડ થાય છે અને આમ ને આમ કર્મનું ચક્ર નિરંતર ભવોભવ ચાલ્યા કરે છે જયારે ચૈતન્ય જાગે ઊઠે છે અને કર્મશરીરમાં સંગ્રહીત થયેલી બધી માહિતી કાઢી નાખે છે – ખાલી થઈ જાય છે પછી જ જીવ જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી તે કૃતકૃત્ય થઈ જાય છે અને તેને કંઈ મેળવવાપણું રહેતું નથી. ત્યારપછી તે પોતાના અસ્તિત્વમાં વિરમે છે જે પરમ આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. આ અવસ્થાને તત્વવેત્તાઓ સદ્-ચિદ અને આનંદની અવસ્થા કહે છે.

આપણી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, આપણી રુચિ અને આંતરિક વલણ એ બધાંને કારણે બ્રહ્માંડમાં વ્યાપ્ત કર્મ-પરમાણુઓ ખેંચાઈને આપણા જીવ સાથે ઓતપ્રોત થઈ જાય છે જેને કર્મબંધ કહેવામાં આવે છે. કર્મનો બંધ થવામાં પ્રવૃત્તિ કરતાં વૃત્તિ-ભાવ વધારે મહત્વનો ભાગ ભજવે છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે જેને કારણે કર્મ બનવાની ક્ષમતાવાળા પરમાણુઓ જીવ પોતાની તરફ ખેંચી લે છે અને ભાવની તીવ્રતા પ્રમાણે તેને આત્મસાત કરી દે છે.

જે વૃત્તિઓને કારણે જીવ પ્રવૃત્તિ કરે છે તે વૃત્તિઓને કષાયો અને નોકષાયોના નામથી ઓળખવામાં આવે છે. કષાયો અને નોકષાયો જીવનું ભાવજગત છે. ક્રોધ, અભિમાન, માયા-કપટ, લોભ-મોહ એ મૂળ ભાવો છે અને તેના સહાયક ભાવો છે, હાસ્ય, રતિ-ગમો, અરતી-અણગમો, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને ઉભયનો વેદ એટલે નપુંસક વેદ. આ બધા મૂળ ભાવો અને ઉત્તર ભાવોને કારણે આપણામાં વિચાર આવે છે અને તે પ્રમાણે આપણે ક્રિયા કે પ્રતિક્રિયા કરીએ છીએ જે મન-વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. આ યોગને કારણે કર્મ બનાવની યોગ્યતાવાળા પરમાણુઓ જીવ પોતાની તરફ ખેંચીને પોતાની સાથે ભેળવી દે છે. પણ કેટલા વેગથી અને રસથી કેટલા પ્રમાણમાં જીવે આ કર્મ-પરમાણુઓ ગ્રહણ કર્યા તેના આધારે કર્મનાં વિવિધ બંધો પડે છે અને તેની વ્યવસ્થા ગોઠવાય છે.

આપણી અંદર પ્રવર્તમાન કર્મદેહનું કમ્પ્યુટર એટલું તો સંપૂર્ણ અને કાર્યદક્ષ છે કે જેવો જીવને કર્મનો બંધ પડયો કે તુરત જ તેનું વિભાગીકરણ થઈ જાય છે કે આ કર્મ કેવા પ્રકારનું છે અને તે કેવું પરિણામ આપશે. આને પ્રકૃતિ બંધ કહે છે, જેને આઠ પ્રકારનો ગણવામાં આવે છે. કેટલાંક કર્મો જીવની જ્ઞાનદશાને આવરી લે છે તો કેટલાંક તેની દર્શનશક્તિને આવરે છે. કેટલાંક કર્મ જીવને મોહાંધ બનાવી ભ્રમમાં નાખનાર હોય છે જેને પરિણામે જીવને જે ઇષ્ટ છે તે અનિષ્ટ લાગે ; અને જે અનિષ્ટ છે તેને તે ઇષ્ટ લાગે. આ પ્રકારના કર્મથી જીવ ભ્રામક માન્યતા સેવે છે, વળી, આ પ્રકારનું બીજું જોડિયું કર્મ છે, જે જીવને યથાયોગ્ય પ્રવૃત્તિ કરવા દેતું નથી. તેની અસર હેઠળ જીવ કરવા યોગ્ય નથી કરતો. ઘણીવાર તેની માન્યતા સાચી હોય, વાત સાચી કરતો હોય પણ તે પ્રમાણે આચરણ ન કરી શકે. આ પ્રકારનું કર્મ મનુષ્યની કાર્યશક્તિને રોકે અથવા તો વિપરીત આચરણ કરાવે. અમુક પ્રકારનાં કર્મોથી મનુષ્યને સુખ-શાંતિનો અનુભવ થાય છે તો વળી અમુક પ્રકારનાં કર્મોના પ્રભાવ હેઠળ જીવને અશાંતિ, દુઃખ અને વેદનાનો અનુભવ થાય છે. જીવ પોતાના જ કર્મનાં બંધથી હવે પછી તેનો જન્મ કઈ ગતિમાં થશે તે નક્કી કરે છે ; અને તે ગતિમાં આયુષ્યના કેટલા પરમાણુઓનો જથ્થો ભોગવશે તે પણ નક્કી કરી નાખે છે. હવે પછીના ભવમાં જીવ, પશુ, પક્ષી, દેવ કે નારકીનું આયુષ્ય ભોગવશે તે વાત પણ જીવનાં કર્મોથી જ નક્કી થાય છે. આમ, જીવની ગતિ તેના પોતાના કર્મને આધીન છે એટલું જ નહિ પણ તેનો દેખાવ કેવો હશે, તે સુંદર, સોહામણો દેહ ધારણ કરશે કે કદરૂપો-બેડોળ દેહ ધારણ કરશે તેનો આધાર પણ પોતાનાં કર્મ ઉપર રહે છે. જીવને યથા-તથા ભવમાં ઇન્દ્રિયો સાંગોપાંગ મળશે કે ખોડખાંપણવાળી મળશે, તે બુદ્ધિશાળી હશે કે ઠોઠ-ગમાર રહેશે. તેનો કેવો પ્રભાવ પડશે, કીર્તિ કે અપકીર્તિ મળશે આ બધાંનો આધાર જીવે પોતે બાંધેલાં કર્મોને આધીન છે. અરે, તે ઊંચ કુળમાં જન્મશે કે નીચ કુળમાં જન્મશે, જન્મની સાથે તેને સારા અને અનુકૂળ સંજોગો મળશે કે પ્રતિકૂળ વાતાવરણ મળશે એ બધાનો આધાર પણ જીવે પોતે બાંધેલાં કર્મો ઉપર છે.

એક વિશિષ્ટ પ્રકારનું કર્મ પણ જીવ બાંધે છે જે તેના જીવનમાં અંતરાયો ઊભા કરે છે. કેટલોય પુરુષાર્થ કરવા છતાંય ખાસ કંઈ મળે નહિ, તો વળી કોઈને સહેજમાં સુખનાં સાધનો-સગવડો-સંપત્તિ મળે પણ તેનાથી મળતું સુખ તેનાથી ભોગવાય નહિ, ભર્યા ભંડારો હોય પણ તે ભોગવવા જેટલી તબિયત જ સારી ન હોય, ભાતભાતનાં ભોજન ઘરમાં થતાં હોય પણ પોતાને તો રોટલો એન્ડ ઘેંશ જ પચે. તો વળી કેટલાક જીવોને એવું કર્મ હોય છે કે ભોગવે બધું પણ માલિકી પોતાની નહિ. અદ્યતન બંગલો, ગાડી ઈત્યાદિની સંભાળ રાખનાર મેનેજર હોય, નોકરચાકર હોય, શેઠ ન ભોગવે એટલું તે ભોગવે પણ તે કોઈ વસ્તુનો મલિક નહિ. શેઠ વિફરે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કાઢી મૂકે. આવું પણ કર્મ હોય છે. સુંદર-સુશીલ પત્ની મેળવવી તે પણ કર્મને આધીન છે તો એવી પત્નીને ભોગવવી, તે માટેની શક્તિ હોવી, સંજોગો હોવા તે પણ કર્મને આધીન છે. ઘણીવાર એવું બને કે બધી મોટી વાતે જીવ સુખી હોય પણ નાની નાની વાતે તે દુઃખી રહ્યા કરે અને મન અશાંત રહ્યા કરે કે જીવ જાણે બળ્યા કરે. તો બીજી બાજુ કેટલાક માણસોએ એવું કર્મ બાંધ્યું હોય છે કે સુખ-સંપત્તિનાં સાધનો પાસે ન હોય, આમ જોઈએ તો અગવડોનો કે ઉપાધિઓનો પાર ન હોય પણ તેને કોઠે શાંતિ હોય – ટાઢક હોય. આ બધી કર્મની લીલા છે.

સંપત્તિની છોળો ઊડતી હોય પણ કોઈ આપવા માટે હાથ લાંબો થાય જ નહિ અને વળી કદી એવી ઈચ્છા થાય તો કોઈ લેનાર પણ ન મળે. તો બીજી બાજુ એવું પણ કર્મ છે કે આપનાર આપવા તૈયાર છે પણ એવા સંજોગો ઓચિંતા ઉપસ્થિત થાય કે લેનાર લઈ શકે નહિ. ખરી વખતે કંઈ વિઘ્ન આવી પડે કે લેનાર જઈ શકે નહિ કે આપનારને એવું કંઈ કામ આવી પડે કે તેને બહાર જવું પડે. કોઈ ઠેર ઠેર હાથ લંબાવીને માગ્યા કરે પણ બધેથી લંબાવેલો હાથ ખાલી ને ખાલી પાછો ફરે અને મળે તો માંડ ઓછું-અદકું મળે. તો વળી કોઈએ માંગ્યું નથી અને ધનના કે વસ્તુના ઢગલા થઈ જાય. માન્યામાં નહિ આવે પણ આ બધું કર્મને આધીન છે. ગત જન્મોમાં આપણે ક્યાંક એવાં કર્મો બાંધ્યા છે કે જે ઉદયમાં આવતા આપણે તે યથા-તથા ભોગવ્યા વિના છૂટકો નથી.

ઘણીવાર એમ સાંભળવામાં કે જોવામાં આવે છે કે નાનું બાળક કોઈ મોટા અસાધ્ય રોગનો ભોગ બન્યું હોય છે. કોઈ સારો માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતો હોય તો કોઈ અનાચારી, લુચ્ચો માણસ લહેર કરતો હોય છે. આવું જોઈને કે સાંભળીને આપણને પ્રશ્ન થાય કે આમ કેમ બને ? આવી વાતથી ઘણીવાર માણસોને કર્મ ઉપરથી શ્રદ્ધા ઊઠી જાય છે. પણ એક સામાન્ય ગેરસમજને કારણે આપણે આ સંજોગોને મૂલવવામાં ભૂલ કરી બેસીએ છીએ. આપણે આવા સમયે મનુષ્યના વર્તમાનને જોઈને વિચાર કરીએ છીએ તેથી આ ભૂલ થાય છે. વર્તમાન જીવનના પડદા પાછળ હજારો-લાખો જન્મોનો ઇતિહાસ પડ્યો છે જે આપણી નજર બહાર રહે છે. આ જન્મો દરમ્યાન જીવે કેટલાંય કર્મો બાંધ્યાં હોય છે જે અત્યારે ઉદયમાં આવ્યાં હોય છે. કર્મની વ્યવસ્થા ન સમજવાને કારણે, તેના નિયમોથી અજાણ હોવાને કારણે, માણસો આ જન્મનાં કે આ કાળનાં કર્મોને નજરમાં રાખીને અભિપ્રાય આપે છે કે તારણ કાઢે છે ત્યારે તે

મૂંઝાય છે અને તેને કર્મ સાથે ખાસ મેળ બેસતો હોય તેમ લાગતું નથી. આપણે એક વાત બરોબર સમજી લઈએ કે કર્મ એ મહાસત્તા છે જેના કાળની સીમાઓ હજારો અને લાખો જન્મો સુધી ફેલાયેલી છે.આમ, આપણે જે પ્રકારના કર્મબંધોની વાત કરી તેને પ્રકૃતિબંધના શબ્દથી ઓળખવામાં આવે છે અને તેનું વિભાગીકરણ કરી બતાવનાર પારિભાષિક શબ્દો છે : (૧) જ્ઞાનવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય. જીવ કેવા પ્રકારે કર્મ ભોગવશે તે પ્રકૃતિ બંધથી નક્કી થાય છે અને તેને માટે જીવનાં મન, વચન અને કાયાના યોગો વધારે જવાબદાર હોય છે. વળી, આગળ આપણે ચર્ચા કરી ગયા હતા કે કર્મબંધ વખતે જીવ કર્મના પરમાણુઓ-સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ રજ ગ્રહણ કરે છે. જીવ જેટલા જથ્થામાં આ અતિ સૂક્ષ્મ રજને ગ્રહણ કરે છે. તેને શાસ્ત્રીય ભાષામાં પ્રદેશબાંધ કહે છે. પ્રકૃતિબંધની જેમ જ આ પ્રદેશબંધનો આધાર પણ મોટે ભાગે જીવના પોતાનાં મન-વચન અને કાયાના યોગો ઉપર રહેલો હોય છે. પણ આ કર્મ જીવની સાથે કેટલો સમય રહેશે તેની મુદતનો આધાર જીવના કર્મબંધ સમયના જે તે ભાવો સાથે સંકળાયેલો હોય છે. વળી, સૌથી મહત્વની વાત એ છે કે જીવ બાંધેલાં કર્મને જેટલી તીક્ષ્ણતાથી કે તીવ્રતાથી ભોગવશે ? તે પણ મુખ્યત્વે જીવની કર્મબંધ સમયની વૃત્તિઓ, રુચિ, અરુચિ ઇત્યાદિ ઉપર અવલંબે છે. જેટલા તીવ્ર રસથી જીવનો ભાવ કે દુર્ભાવ હોય, સદ્દભાવ હોય એટલી તીવ્રતાથી કે તીક્ષ્ણતાથી જીવને કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગવવું પડે છે. કર્મ જીવની સાથે કેટલી મુદત-સમય સુધી રહેશે તેને સ્થિતિબંધ કહે છે અને જીવ કેટલી તીવ્રતાથી કર્મ ભોગવશે તે બંધને રસબંધ કહે છે. આમ, કર્મના પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ એમ ચાર પ્રકારે બંધ છે અને આ સમગ્ર વ્યવસ્થા બંધ પડતાંની સાથે કર્મ-કમ્પ્યુટરમાં આપોઆપ થઈ જાય છે અને તે કાર્યરત બની જાય છે.