Spread the love

ગૌરીનાં લગ્ન વિનાયક સાથે ઘણી ધામધૂમથી થયાં હતાં અને બંનેને પરસ્પર ઘણી પ્રીતિ હતી. એકની “હા”, તો બીજાની “હા” અને એકની “ના” તો બીજાની “ના”. વિનાયકનાં માતા-પિતા તો સારી એવી મિલકત વિનાયકને વારસામાં આપી મરણ પામ્યાં હતાં. યુવાન વયમાં વિનાયકે બાપીકો ધંધો સંભાળી લીધો હતો એટલું જ નહિ પણ નવા વિચારો, સાહસ અને ચોકસાઈથી તેમાં સારો એવો વધારો કરી સધ્ધર કર્યો હતો. સમાજમાં પણ વિનાયકે યુવાન વયે સારો એવો મોભો મેળવ્યો હતો અને ઘણી સંસ્થાઓ સાથે તે સંકળાયેલો હતો. પોતે યુવાન હતો છતાંય લોકો તેની સફળતા અને સાહસિકતા જોતાં તેને પૂર્વકાળની જેમ ‘શેઠ’ કહીને સંબોધતા જે વિનાયકને અંદરથી જોતાં ગમતું હતું પણ બહાર તો વિવેકથી ‘ના’ જ કહેતો હતો. પરિણામે યૌવનના પગથાર ઉપર માંડ પગલાં ભર્યા હતાં ત્યારે ગૌરી પણ શેઠાણી કહેવાતી હતી.

ગૌરી તેનાં માતા-પિતાનું વ્હાલસોયું સંતાન હતી. વર્ષો સુધી કુટુંબમાં સંતાનપદે તે એકલી જ હતી તેથી થોડી હઠીલી અને માની હતી. માતા-પિતા પણ પોતાની રીતે સુખી હતાં અને યથાયોગ્ય સંપત્તિનાં માલિક હતાં. લગ્ન થયાં ત્યારે ગૌરી ‘એક માત્ર સંતાન” હતી પણ પાછળથી તેની માને ઉત્તરાવસ્થામાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. આમ ગૌરી માટે પિયરનું બારણું હંમેશ માટે ખુલી ગયું. ભાઈ-બહેન વચ્ચે ઉંમરનો સારો એવો તફાવત હતો અને બહેન જન્મતા પહેલાં જ ગૌરીનાં લગ્ન થઈ ગયાં હતાં તેથી બંને સાથે રમવા-ઝઘડવાનો મોકો મળ્યો હતો નહિ. ગૌરી પોતાનાં લગ્નજીવનમાં મસ્ત હતી તેથી પિયરમાં પ્રસંગ સિવાય ઝાઝું આવતી નહિ. ગૌરીનાં માતા-પિતાને ગૌરી અને વિનાયકની ઓથ લાગતી હતી છતાંય તેમને પાછલી અવસ્થામાં આવી મળેલ પુત્રની ચિંતા રહ્યાં કરતી હતી અને વારંવાર તેઓ તેમના પુત્ર કુમારની ગૌરી અને વિનાયકને ભાળવણી કરતાં હતાં. દૈવયોગે પિતા આગળ ચાલ્યા અને વિયોગમાં ઝૂરતી માતાએ પણ જીવનની લીલા ટૂંકમાં સંકેલવા માંડી. કુમાર તો હજી માંડ આઠ-દસ વર્ષની ઉંમરનો થયો હતો પણ તે પરિસ્થિતિની ગંભીરતા સહજ રીતે સમજી ગયો હતો અને નાનપણથી તે શાણો અને ગંભીર બની રહ્યો હતો.

માતાના મૃત્યુ પછી કુમાર માટે ગૌરી અને વિનાયક સિવાય કોઈ સહારો હતો નહિ. આટલી નાની વયના છોકરા માટે પિયરનું ઘર ખુલ્લું રખાય તેમ હતું નહિ તેથી ગૌરી ભાઈને પોતાને ત્યાં લઈ આવી અને વિનાયકે કુમારની બધી મિલકત સંભાળી ઘર બંધ કરી દીધું. કુમાર એકચિત્તે ભણતો હતો. એ ભણવામાં આગળ રહેતો હતો. આમ તો ગૌરીના ઘરમાં કુમારની સારી એવી સંભાળ લેવાતી હતી. પણ વધતી જતી સંપત્તિ અને મોભાને લીધે તેમજ યુવાનીના જોસમાં ગૌરી અને વિનાયકને સારું એવું હરવા ફરવાનું અને બહાર જમવાનું રહેતું હતું. લગભગ રોજ ને રોજ સાંજે બંનેને કંઈ જવાનું હોય અને પ્રસંગ પ્રમાણે ગૌરી બની-ઠનીને નીકળતી. એક વાર બંને તૈયાર થઈને બહાર જવા નીકળતાં હતાં ત્યાં કુમાર આવી પહોંચ્યો. તેણે નિયમ મુજબ બંનેને ‘આવજો’ વગેરે કહ્યું. ગૌરીએ તેનાં પ્રત્યે થોડુંક વહાલ દર્શાવ્યું ત્યાં કુમારની નજર ગૌરીના ગળામાં પહેરેલા હાર ઉપર પડી અને સહજ ભાવે કુમાર બોલ્યો, “બહેન, આ હાર તો મારો છે ને ?”

ભાઈના પ્રશ્નથી ગૌરી જરા વિચારમાં પડી ગઈ અને કંઈ ઉત્તર આપે તે પહેલાં વિનાયક બોલી ઊઠયો, “ના, એ તારો નથી, એ તો ગૌરીનો છે.” ગૌરીને આ હાર બહુ ગમતો હતો તેથી વિનાયકે વિચાર્યું હતું કે હાર તેઓ રાખી લેશે અને જરૂર લાગશે તો તેના બદલામાં આછી પાતળી વસ્તુ કુમાર માટે કરાવી લેશે. આમેય ગૌરી એક કાળે તો પિયરની સર્વ મિલકતની વારસ હતી. ગૌરીને એમ હતું કે ભાઈને તો હારની ઝાઝી ખબર નથી અને તેના લગ્ન વખતે ભળતો હાર કરાવી કુમારની વહુને આપીશું. પણ ઓચિંતાના આ હારની વાત નીકળી પડી અને કુમારે તેને દોહરાવ્યા કરી. એક બાજુ તેઓ ઉતાવળમાં હતાં અને કુમાર વાત છોડતો ન હતો તેથી ગૌરી અને વિનાયક ચીડાઈ ગયાં અને કહ્યું. “આ હાર તો અમારો છે. અમે શું તારી મિલકત ખાઈ જવાના છીએ ? આટલો નાનો છે અને અમારા ઉપર આક્ષેપ મૂકે છે તો આગળ જતાં તો કોણ જાણે શું ય કરશે ?”

કુમાર હતાશ થઈને ઉપર ચાલ્યો ગયો. તેણે કંઈ ખાધું-પીધું નહિ. એકલો ડૂસકાં ભરતો માને યાદ કરતો સૂઈ ગયો. મોડી રાતે પાછા ફર્યા પછી ગૌરીએ તપાસ કરી તો ખબર પડી કે તેણે કંઈ ખાધું નથી. તે કુમાર પાસે જવાનું કરતી હતી ત્યાં વિનાયકે કહ્યું, “આટલી રાતે તેને શું કરવા ઉઠાડે છે ? આમને આમ તો આપણું જીવન ચૂંથાઈ જાય છે.”

ગૌરીને આમેય કુમાર માટે ઝાઝી પ્રીત હતી નહિ. થોડેક અંશે ફરજના ખ્યાલથી અને એક રીતે લોકલાજે અને કંઈક અંશે માતા-પિતાના સંતાન તરીકે જે સાહજિક પ્રીતિ હતી તેનાથી કુમારને પોતાને ત્યાં રાખ્યો હતો. એમાં અત્યારે વિનાયક ચીડાયેલ હતો તેથી ગૌરી પણ પાછી વાલી ગઈ અને પોતાનાં શયનખંડમાં ચાલી ગઈ.

બીજે દિવસે કુમાર જમવા માટે નીચે ન આવ્યો. નિશાળે પણ ન ગયો. ગૌરીએ બોલાવ્યો તો તેણે કહ્યું, “બહેન, હું કંઈ તમારા દયા-દાન ઉપર નથી જીવતો. તમે મારી પાછળ જે કંઈ ખર્ચો કરો છો તે મારી મિલકતમાંથી ગણી લેજો ; પણ હાર તો મારો છે અને તે તો મને મળવો જ જોઈએ.”

આમ સાંજ સુધીમાં વાત ઘણી વધી પડી. આડોશી-પાડોશી ભેગાં થઈ ગયાં. પડોશમાં રહેતી વિધવા ડોશીને તો જાણે કામ મળી ગયું. તે સૌને ગૌરી-વિનાયકની ભલમનસાઈની અને કુમારની શઠતાની વાત બધાને રસપૂર્વક કહેતી જાય. આમ કરતાં કુમારે ભૂખે-તરસે ત્રણ દિવસ કાઢયા. હવે તો વાતને પૂરો વળ ચઢી ગયો હતો. છેવટે વિનાયકે ગુસ્સામાં કહી દીધું, “તેને મરવું હોય તો તેને ત્યાં મરે. આપણે ખોટા બદનામ થવું નથી.” ગૌરીએ પિયરનું ઘર ખોલી સાફસૂફી કરાવી અને ત્યાં કુમારની બધી વ્યવસ્થા કરી, પાડોશીને ભાળવણી કરી અને અશ્રુભીની આંખે જતી હતી ત્યાં કુમારે કહ્યું, “બહેન, ભલે તું હાર રાખે. મને તેનો વાંધો નથી પણ હાર તો મારો છે એ વાત તો તું જાણે છે.”

ગૌરી કંઈ બોલ્યા વિના ઘરની બહાર નીકળી. તેણે કુમારના જમવાની વ્યવસ્થા પડોશી સાથે કરી દીધી હતી અને સાંજે તે આંટો મારે જશે તેમ પડોશીને કહીને ગઈ. બપોરે કુમારની હાલત બગડી. પડોશીએ રાબ પીવડાવી તો તેણે થોડીક પીધી. પછી તેણે પડોશીને કહ્યું, “તમે મારી પાસે બેસી હું જે લખાવું તે લખી લો. હવે હું જીવવાનો નથી. પણ તમે મારું એક આટલું કામ કરજો. ભગવાન તમારું ભલું કરશે.”

કંઈક ઉત્સુકતાથી તો કંઈ દયાથી પડોશી વાણિયાએ કુમારે કહ્યું તે બધું લખી લીધું અને તેના કહ્યા પ્રમાણે કરવા ખાતરી આપી દીધી. બધું લખાવી દીધા પછી કુમારે દેહ છોડી દીધો. ગૌરી, વિનાયક અને અન્ય લોકો આવી પહોંચ્યા. અંત્યેષ્ટિની ક્રિયા થઈ ગઈ. લોકો આમેય બોલે અને તેમેય બોલે. પણ ગૌરીની પડોશણ વિધવા ડોશી તો બધાને ઉત્સાહથી કહેતી રહી-જોયું, ભલાઈનો જમાનો છે ! ભાઈને રાખ્યો, આટઆટલું કર્યું-સાચવ્યું તોય છેવટે અપજશ આપીને ગયો.

થોડાક મહિનામાં વાત વિસારે પડી ત્યાં ગૌરીને સારા દિવસો છે એવી ખબર પડી. આનંદ-મંગળ વર્તાઈ રહયાં એમાં પણ પેલી ડોશીએ પાછી વાત કાઢી “જો ભાઈનું લીધું હોય તો આવો સારો દિવસ આવે ખરો ? આ તો ભગવાને જાણે ભલાઈનો બદલો આપ્યો.”

ગૌરીના સીમંતને દિવસે પોળમાં-પડોશમાં બધે ધામ-ધૂમ હતી ત્યાં જ ખબર પડી કે ઉતાવળમાં નિસરણી ઊતરતાં પડોશી ડોશી પડી ગયાં અને પળવારમાં તેમનો પ્રાણ નીકળી ગયો. રંગમાં ભંગ પડયો પણ ડોશી કંઈ સગાં ન હતાં તેથી માંડેલો પ્રસંગ થોડીક સાદાઈથી ઉકેલ્યો. દરમ્યાન કુમારના પડોશીભાઈના આ બાજુના હેરા-ફેરા વધી ગયા હતા. જૂના સંબંધને દાવે અને કુમારની અંતિમ સાર-સંભાળ લેવાના હકથી કે ગમે તે રીતે તેણે ગૌરી અને વિનાયક સાથે ઘરોબો કરી દીધો હતો.

પૂરે દિવસે ગૌરીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. વિનાયક અને સૌ આનંદમાં આવી ગયાં. ઉત્સાહથી ધર્મક્રિયાઓ કરાવી, સગાંસંબંધીઓને પ્રીતિભોજન માટે નોતર્યા. આનંદની છોળોમાં કુમાર તો ક્યાંક ભુલાઈ ગયો. કાળનો પ્રવાહ તો આગળ વધતો જ રહ્યો. ગૌરીનો પુત્ર નિશાળે ગયો, સારી રીતે ભણી રહ્યો અને પિતાની જેમ નાની વયે પેઢીએ પણ જવા લાગ્યો. દરમ્યાન ગૌરી અને વિનાયકનો સંસાર સ્થિર અને સમૃદ્ધ થઈ ગયો હતો. સારી કન્યા જોઈને વિનાયક અને ગૌરીએ પુત્રની સગાઈ કરી અને થોડાક સમયમાં તેનાં લગ્ન પણ લેવાયાં. મોભા પ્રમાણે લગ્નની તૈયારીઓ થવા લાગી, કન્યા માટે ઘરેણાં-આભૂષણો લેવાયાં, ઘર રંગાવ્યાં. યથા સમયે ઘરને આંગણે મંડપ બંધાવ્યો અને ગામના અગ્રણીઓને નોતર્યા. જોશીએ કાઢી આપેલ મહુરતે વરઘોડો ચડયો અને વાજતેગાજતે જાન કન્યાને માંડવે આવી. લગ્ન કરાવીને જાન ધૂમ-ધડાકા કરતી પાછી ફરી અને હવેલીના મુખ્ય દ્વારે ગૌરી, સોળે શણગાર સજીને, પુત્ર અને પુત્રવધુને પોંખી લેવા તૈયાર થઈને ઊભી છે. વરરાજા-નવપરિણીત વહુને લઈને ઘરને આંગણે આવીને ઊભા છે. માએ વર-વધૂના જોડાને પોંખી લેતા વરઘોડિયું માને પગે પડયું. માએ બંનેને ઊભા કરી છાતીસરસાં ચાપ્યાં. ત્યાં પુત્રની નજર માના ગળામાં શોભતા હાર ઉપર પડી. હાર જોતાં પુત્રની આંખો પાસેથી જાણે ભૂતકાળનાં પડળ ઓગળી ગયાં અને તે બોલ્યો, “બા, આ હાર તો મારો.”

માતાએ પૂર્ણ સ્નેહથી કહ્યું, “ભાઈ, આ હાર તારો જ છે. લે અત્યારથી જ તને આપ્યો.” એમ કહી ગૌરીએ પુત્રવધૂની કોટમાં હાર પહેરાવી દીધો.

બસ આટલામાં જાણે શું બની ગયું કે ધબાક કરતોને પુત્ર ઊમરા ઉપર જ ફસડાઈ પડયો. હજુ તો વર-વહુના છેડા પણ છૂટ્યા નથી અને કોઈ કંઈ સાંજે કે ઉપચાર કરે તે પહેલાં તો પુત્રનું પ્રાણ પંખેરું ઊડી ગયું.

મંડપમાં હાહાકાર વર્તાઈ ગયો. શરણાઈના સૂર બંધ કરાવવામાં આવ્યા. નિકટના સગા-સંબંધી ટોળે મળ્યાં અને દૂરના માણસો કુટુંબીજનોને અનુકૂળતા આપવા વિખરાવા લાગ્યાં. વિનાયક સૂનમૂન થઈ ગયો. ગૌરી પછાડો ખાતી હૈયાં-માથાં ફૂટે છે. નવી વહુ તો ઓચિંતાના આવી પડેલા આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ. તેનામાં ન રહ્યા રડવાના હોશ કે કંઈ કહેવાના હોશ. વિસ્ફારિત નેત્રે તે નીચે પડેલા પોતાના સૌભાગ્યને જોઈ રહી. રોક્કળ વધી રહી હતી ત્યાં કુમારનો પેલો પડોશી ભીડ વચ્ચેથી માંડ માર્ગ કાઢતો ગૌરી પાસે પહોંચ્યો અને તેના કાન પાસે જઈને બોલ્યો,

“બહેન હવે રડે શું વળે ? આ તો તમારો ભાઈ કુમાર જ પુત્ર થઈને હાર લેવા આવ્યો હતો. આ નવી વહુ તે બીજું કોઈ નહિ પણ તમારી પડોશણ વિધવા, જે સીમંતને દિવસે મરી ગઈ હતી. તેણે તમારી બંનેની વાતમાં વચ્ચે વગર લેવા-દેવાની ટાપસી પૂરી કુમારને ખૂબ દુઃખી કર્યો હતો. ચોપડે હિસાબ માંડી જુઓ. પુત્રના ઉછેરમાં, ભણાવામાં અને છેવટે આ લગ્નમાં જે પૈસા ખર્ચાયા છે તેમાં પેલા હારની કિંમત આવી ગઈ અને વ્યાજ વસૂલ કરવા આ વહુ મૂકતો ગયો.” આમ કહી પડોશીએ કુમારે અંતિમ સમયે લખાવેલ કાગળ ગૌરીના હાથમાં આપ્યો અને ધીમેથી ભીડમાંથી બહાર નીકળી ગયો.

કર્મના હિસાબ ચોખ્ખા થતાં થોડી વાર લાગે પણ છેવટે હિસાબ થઈ ગયો. લેણું વસૂલ કરવાની કર્મની રીત બહુ આગવી છે. કોઈ કર્મનું લેણું ચૂકવવામાંથી છટકી શકતું નથી. આ કંઈ એકલાં નાણાંની વસૂલાત નથી પણ તેમાં વેદના અને દુઃખની પણ બાદબાકી થઈ ગઈ. કુમારનો વિશ્વાસઘાત થવાથી તેને જે માનસિક ત્રાસ થયો હતો અને તેના જીવને જે વેદના સહેવી પડી હતી તેનો પણ આમાં હિસાબ આવી ગયો. ગૌરી અને વિનાયકના પુત્રના આમ અકાળે થયેલા અવસાનથી જીવનભર હવે જે ત્રાસ અને વેદના રહેશે એમાં કુમારની વેદનાની બાદબાકી થઈ. હવે ગૌરી અને વિનાયકને જીવનમાં કંઈ રસ-કસ રહ્યો નહિ. સમૃદ્ધિ અકારી થઈ પડી. આમ, દુઃખનું ખાતું સરભર થયું અને પેલી પડોશણ ડોશી આ જન્મે કુંવારી વિધવા થઈ તેનાં કર્મ જીવનભર ભોગવશે.

કર્મના સિદ્ધાંતથી જે માહિતગાર ન હોય, જેને કર્મની વસૂલાતની નીતિ-રીતિનો ખ્યાન ન હોય તેને તો ભાગ્યે જ ખબર પડે કે આ હિસાબ કેવી રીતે મંડાયો ? અને કેવી રીતે ચૂકતે થયો. કુમારના મૃત્યુ પછી ગૌરીને ચડતા દિવસ રહ્યા અને જતે દિવસે પુત્રનો જન્મ થયો ત્યારે કોણ સમજી શકે કે આ તો કર્મ તેની બાજી ગોઠવી રહ્યું છે. લેણું લેવા પણ પુત્ર આવે. લગ્નની પહેલી રાત્રિ પણ જોયા વિના લગ્નના દિવસે વરનું અવસાન અને કુમળી કન્યાનું વૈધવ્ય જોતા લોકોને કર્મની વ્યવસ્થા જાણ્યા વિના કેવી રીતે સમજાય કે કુદરત ક્રૂર નથી. ભગવાન કોઈનું સારું-માઠું કરતો નથી. આ તો બધાં આપણે કરેલાં કર્મોના લેખન-જોખાં છે અને પૂર્વજન્મનાં લેણાં-દેણાંની વસૂલાત છે.