Spread the love

ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા અનુસાર એકવાર કેટલાક જીવોને બોધ આપવા નીકળ્યા હતા. દરમ્યાન તેમને એક ખેડૂતનો ભેટો થઈ ગયો. ખેડૂત હતો તો નિરક્ષર પણ જીવ હળુકર્મી (ચીકણાં ભારે કર્મ વિનાનો) હતો. ગૌતમ સ્વામીના ઉપદેશથી ખેડૂતને અપૂર્વ શાંતિનો અનુભવ થયો અને સંસાર છોડી સાધુ ધર્મ અંગીકાર કરવા તે તત્પર થઈ ગયો. ગૌતમ સ્વામીના માત્ર સાનિધ્યથી પણ આ ખેડૂતને મનોમન ખૂબ શાંતિ મળતી અને આનંદ થતો હતો તેથી તેણે ગૌતમ સ્વામીને પોતાને દીક્ષા આપવા વિનંતી કરી. ગૌતમ સ્વામીને જીવનો ભાવિ-ભાવ સારો લાગ્યો તેથી તેમણે તેને દીક્ષા આપી અને જણાવ્યું કે હવે હું તને મારા ગુરુનાં દર્શન કરાવું. તેઓ સાક્ષાત ભગવાન છે. તેમને જોતાં જ તને અદ્દભૂત આનંદ આવશે અને અપૂર્વ શાંતિ લાગશે.

ખેડૂતને તો બહુ નવાઈ લાગી-આવા મહાજ્ઞાનીને વળી પાછા ગુરુ છે ? આ સાધુ પાસે પણ મને આટલી શાંતિ અને આનંદ મળે છે તો તેમના ગુરુ પાસે તો કેટલીય વધારે શાતા અને સુખ મળશે. વળી, કહે છે કે તેઓ ભગવાન છે. ભગવાનનાં દર્શન કરવા મળશે તો પણ ક્યાં ? આમ વિચારતાં ખેડૂત ગૌતમ સ્વામીના ગુરુ-ભગવાન મહાવીર પાસે જવા તૈયાર થઈ ગયો. પોતાનું ખેતર સ્વજનોને ભળાવી અને જરૂરી સલાહ-સૂચનો આપી, માયા-મમતા છોડી તે ગૌતમ સ્વામી સાથે ચાલી નીકળ્યો. માર્ગમાં પણ તે ભગવાન કેવા છે ? કેવું બોલે છે ? કેવી રીતે ચાલે છે ? એવા અનેક પ્રશ્નો પૂછતો પૂછતો ઉત્સાહથી જાણે દોડતો જાય.

આમ, વિહાર કરતા કરતા ગૌતમ સ્વામી પોતાના ઉત્સાહી અને નવા શિષ્યને લઈને ભગવાન જ્યાં બિરાજતા હતાં તે સ્થળની નજીક આવી પહોંચ્યા. તે સમયે ભગવાન ધર્મપર્ષદામાં બિરાજમાન હતા. દુઃખ માત્રથી જગતના જીવો કેવી રીતે મુક્ત થઈ શકે ? એ વિષે ભગવાન મધુર વાણીમાં સમજાવતા હતા અને સંયમમાર્ગથી મહત્તા સમજાવતા હતા. તેમની વિશાળ અને વૈભવપૂર્ણ સભા દૂરથી દેખાતી હતી અને તેમના શબ્દોનો મધુર ધ્વનિ વાતાવરણમાં ગૂંજતો હતો. ગૌતમ સ્વામીએ દૂરથી આ ખેડૂતને સભા બતાવી અને મધ્યમાં અશોકવૃક્ષ નીચે ત્રણ છત્રથી શોભતા સિંહાસન ઉપર બેઠેલા ભગવાન મહાવીરને બતાવતાં કહ્યું, “જો, પેલા મારા ગુરુ બેઠા છે. જોયોને એમના આત્માનો અપૂર્વ વૈભવ ! હું તને તેમની પાસે લઈ જાઉં છું. તેમનાં દર્શન અને શ્રવણથી ભવોભવનાં તારાં બંધન તૂટી જશે. તને અપૂર્વ શાંતિ અને આનંદ થશે.”

આ જાણી ખેડૂત પણ ધર્મસભાની દૂરથી પણ રોનક જોઈને વિસ્મય પામ્યો હતો. ધીમે ધીમે તેઓ પાસે આવી રહ્યા હતા. એમ કરતાં થોડીવારમાં તેઓ ભગવાનની પર્ષદા (સભા)ની નજીક આવી પહોંચ્યા. હવે તો ભગવાનની વાણી સ્પષ્ટ સંભળાતી હતી અને તેમની સૌષ્ઠવપૂર્ણ દેહાકૃતિનાં દર્શન પણ થતાં હતાં. જેમ જેમ ખેડૂત નજીક આવતો ગયો તેમ તેમ તેને કંઈ ન સમજાય તેવી મૂંઝવણ થવા લાગી હતી. અને નજીક આવતાં જેવા તેણે ભગવાન મહાવીરને જોયા કે તેના મનમાં તેમના પ્રત્યે જબ્બર અણગમો થયો. ગૌતમ સ્વામી તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં આગળ ડગલાં ભરતા હતા પણ ખેડૂત તો હવે લથડવા લાગ્યો હતો. ગૌતમ સ્વામી ધર્મસભાનાં પગથિયાં જેવા ચડવા જતા હતા ત્યાં તો ખેડૂત વીફર્યો, “શું આ જ માણસ તારો ગુરુ છે ? તું આનાં વખાણ કર્યા કરતો હતો ? આ જ તારો ગુરુ હોય તો મારે તેની પાસે નથી આવવું. લે આ તારો ઓઢો. (જૈનસાધુચર્યા માટેનું આવશ્યક સાધન.) હું તો આ પાછો ચાલ્યો.” ખેડૂતને પાછો જતો જોઈ ઇન્દ્ર વગેરે સભાજનો હસી પડયા અને ગૌતમ સ્વામી ખસિયાણા પડી ગયા. ગૌતમ સ્વામીએ તેને ઘણુંય સમજાવ્યો પણ તે માન્યો નહિ અને તેણે ઓઘો ફેંકી દેતાં કહ્યું, “લે રાખ આ તારો ઓઘો. તારા ભગવાન તારી પાસે.” અને ખેડૂત નાસી ગયો.

આવી વિષમ વાત ગૌતમ સ્વામીના જીવનમાં તો પહેલવાર જ બની તેથી તે તો સ્તબ્ધ થઈ ગયા. ત્યાં તો મંદ મંદ સ્મિત કરતાં ભગવાન બોલ્યા, “ગૌતમ ! હવે તેને જવા દે, પણ તારો ફેરો ફોગટ ગયો નથી. તે જીવ પામી ગયો છે. તારા ઉપદેશનું જે બીજ તેનામાં પડયું છે તેમાંથી કાળે કરીને અંકુર ફૂટશે અને ફૂલશે-ફાલશે.”

ધર્મસભા પૂર્ણ થઈ. ગૌતમ સ્વામી તેમના જીવનમાં આજે બનેલા અપૂર્વ પ્રસંગથી વ્યથિત થઈ ગયા હતા. વળી તેમને એ વાત સમજાતી ન હતી કે જે માણસ મારાથી રીઝયો તે ભગવાનને જોતાં જ આટલો નારાજ કેમ થઈ જાય અને નાસી જાય ! ભગવાન સમક્ષ આવનાર વ્યક્તિ તો ઉલ્લાસમાં આવી જાય તેના બદલે આજે એ ખેડૂત તો ભગવાનને જોઈને ભાગી ગયો. કેવી વિચિત્રતા ! ભગવાન ગૌતમ સ્વામીના મનમાં રમતી વાત પામી ગયા હતા. તેમણે તેમણે પાસે બોલાવીને કહ્યું, “ગૌતમ ! તને યાદ નથી પણ એ તારા, મારા અને એના પૂર્વભવની કથની છે. જે ભવમાં હું ત્રિપુષ્ટ વાસુદેવ હતો તે સમયે ઉપદ્રવ કરી રહેલા સિંહને દંડ દેવા આપણે રથમાં નીકળ્યા હતા. તું રથનો સારથી હતો. જંગલમાં સિંહ સામે મળ્યો અને આપણને જોઈને તેણે ત્રાડ નાખી. વાસુદેવ હોવાથી મારામાં અપૂર્વ બળ હતું. મેં સિંહને ગરદનમાંથી પકડયો અને તેના મોંમાં બંને હાથ નાખી તેને હાથથી જ ફાડી નાખ્યો. ચીસ પાડીને સિંહ નીચે પડયો. હું તો મારા પરાક્રમમાં મસ્ત બનીને આસપાસ આંટો મારતો હતો. તરફડતા સિંહને જોઈને તારા દિલમાં ખૂબ કરુણા થઈ. પાસેના જળાશયમાંથી તું પાણી લઈ આવ્યો અને તે સિંહને પીવડાવ્યું. તેના શરીર ઉપર હાથ ફેરવી તે તેને સાંત્વના આપી જેનાથી સિંહના જીવને થોડી શાતા (શાંતિ-સુખ) થઈ અને તેણે દેહ છોડયો. કેટલાય ભવો પહેલાની આ વાત છે. મેં એક ભવમાં તેને ક્રૂર રીતે મારી નાખ્યો હતો તેથી મને જોતાં તેને મારા પ્રત્યે ભારે અણગમો થઈ ગયો અને તે નાસી ગયો. પણ તે, તે જીવ સાથે માયાળુ અને દયાપૂર્ણ વ્યવહાર રાખ્યો હતો, તેને અંતિમ સમયે સાંત્વન આપ્યું હતું – શાતા આપી હતી જેથી તને જોતાં જ ખેડૂતને ખૂબ શાંતિ લાગી, તને સાંભળતાં ખૂબ આનંદ થઈ ગયો અને તારામાં તેને વિશ્વાસ બેઠો. તારી સાથે રહેવા મળશે તે વિચારથી તે સંસાર છોડવા તૈયાર થઈ ગયો પણ મને જોતાં જ નારાજ થઈ ગયો. તેને મારામાં વિશ્વાસ ન પડયો. મારા તરફ તેને દ્વેષ થયો.

કર્મની આવી વાતો આપણા જીવનમાં અજાણી નથી પણ આપણે તેની ઉપર યથાયોગ્ય ધ્યાન આપતા નથી. સૌ કોઈને અનુભવ છે કે કેટલીક વ્યક્તિઓને જોતાં આપણને અકારણ આનંદ થાય છે તો કોઈને જોતાં જ આપણને અણગમો થઈ જાય છે. કોઈ વ્યક્તિ સૌને ગમતી હોય, બધા તેનાં વખાણ કરતાં ધરાતા ન હોય પણ આપણને તે ન ગમે, ત્યાં તેની પ્રશંસાની તો વાત જ ક્યાં રહે ? કેટલીક વ્યક્તિઓ પ્રતિ આપણે ઉદાસીનતાનો ભાવ અનુભવીએ છીએ. તેમને જોઈને આપણા દિલમાં તેમને માટે નથી ગમો હોતો; નથી અણગમો થતો. આ બધાની પાછળ ગત જન્મોના તે જીવો સાથેના આપણા સંબંધો મહત્વનો ભાગ ભજવે છે. જે જીવે આપણને કોઈ ભવમાં શાંતિ-સુખ આપ્યાં હોય તે જીવવાળી વ્યક્તિ આપણને જોતાં જ ગમી જાય છે. જે જીવે આપણને કોઈ ભવમાં પીડા આપી હોય, દુઃખ આપ્યું હોય તે જીવવાળા વ્યક્તિને આ ભવમાં જોતાં જ આપણા મનમાં એક પ્રકારની ઘૃણા, દ્વેષ થઈ આવે છે અને તેનાથી દૂર જતા રહેવાનું આપણને મન થાય છે. અરે વ્યક્તિઓ તો શું સ્થળ માટે પણ આપણને આવા અનુભવો થાય છે. કોઈ સ્થળ આપણને જોતાં જ ગમી જાય છે તો કોઈ સ્થળ ગમે એટલું સુંદર હોય તો પણ તે જોતાં જ આપણે ઉચાટમાં પડી જઈએ છીએ. ક્યારેક તો અમુક સ્થળેથી આપણને જતા રહેવાનું મન થાય છે. કોઈ ભવમાં એ સ્થળે આપણા જીવનના જે સારા-માઠા પ્રસંગો બન્યા હોય છે તેની આ ભવમાં પણ સૂક્ષ્મ અસર વર્તાય છે. અને તે જોતાં જ આપણા મનમાં વિવિધ પ્રકારના ભાવો જાગે છે. આ બધાંની પાછળ કર્મ રહેલું છે. જે કર્મના ગાઢ સંસ્કાર આપણા ઉપર પડયા હોય છે તે ભવાંતરે-બીજા ભવમાં જે-તે નિમિત્ત મળતાં ઊભરાય છે. આ ભવમાં અકારણ થતા ગમા-અણગમાનું કારણ આમ ભવાંતરના સંસ્કારમાં છે અને સંસ્કારનું કારણ તે ભવના કર્મમાં રહેલું છે.

ગૌતમ સ્વામીના દર્શનથી-સહવાસથી ખેડૂતને શાતાનો અનુભવ થયો અને મહાવીરને જોવા માત્રથી અશાતાનો (અશાંતિનો) અનુભવ થયો એની પાછળ પૂર્વભવનાં શાતા વેદનીય અને અશાતા વેદનીય કર્મ રહેલાં હતાં.