Spread the love

કર્ણાવતીનો પ્રખર જ્યોતિષી સવારના પ્રહરમાં દેવમંદિરથી દર્શન કરીને આવી રહ્યો હતો ત્યાં તેના આંગણમાં જ એક દુઃખી જણાતો માણસ પગમાં પડયો અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. જ્યોતિષીએ એ માણસને સ્નેહથી ઊભો કર્યો અને રડવાનું કારણ પૂછ્યું પણ તેના ડૂસકાં અટકતાં ન હતાં. જ્યોતિષી તેને ઘરમાં લઈ ગયા અને આગ્રહ કરી જળપાન કરાવ્યું. થોડીવારે શાંત થતાં પેલા દરિદ્રી માણસે જ્યોતિષી સામે પોતાની જન્મપત્રિકા પાથરી દીધી અને કહ્યું, “મહારાજ, મારા ગ્રહો જોઈને કહો કે મારા દુઃખનો અંત આવશે ખરો ? મને ક્યારે સુખ-શાંતિ મળશે ?”

જોશીએ જન્મકુંડળી ઉપર નજર નાખી. ચલિતનું ચક્ર જોયું. દશાઓના આવાગમનનું નિરીક્ષણ કર્યું. ગ્રહોને દ્રષ્ટિઓનો ક્યાસ કાઢી લીધો. જન્મકુંડળી જોતાં શરૂઆતમાં જોશીમાં મુખ ઉપર ઉત્સાહ વર્તાયો હતો તે ધીમે ધીમે ઓસરી ગયો. તેમની વેધક નજરે કોઈ સૂક્ષ્મ વાત પકડી લીધી. સામે બેઠેલો માણસ તો પૂર્ણ ઉત્સુકતાથી જ્યોતિષી સામે મીટ માંડીને બેઠો હતો. જોશીએ પ્રેમપૂર્વક તેને પૂછ્યું, “ભાઈ, તમે શું ધંધો કરો છો ? તમારી આજીવિકાનો આધાર શું છે ? તમારા જન્માક્ષર જોઈ લીધા છે. તમારો પ્રશ્ન કહો. મારી સૂઝ મુજબ હું તેનો ઉત્તર આપીશ.”

દરમ્યાન આગંતુકે સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી. તેણે શાંતિથી વાત કરી : “મહારાજ ! મેં કેટલાયને મારી જન્મપત્રિકા બતાવી. સૌ મને કહે છે કે તમારી કુંડળીમાં શનિ ઉચ્ચનો છે. તુલાના શનિવાળો રાજસાહેબી ભોગવે. વર્ષોથી હું એ શનિ સામે મીટ માંડીને બેઠો છું. રાજ્ય તો શું, પણ સામાન્ય સુખનાં ય મારા જીવનમાં ઠેકાણાં નથી. જ્યોતિષી વિદ્યા ખોટી છે કે મારી કુંડળી ખોટી છે ? આપના ચુકાદા ઉપર મારા જીવનનો આધાર છે. આમ, ઝાંઝવાનાં જળથી તૃષા કેવી રીતે છીપે ?”

જ્યોતિષીએ મર્માળુ સ્મિત કરતાં પૂછ્યું, “હાલ તમે શું ઉદ્યમ કરો છો ? તમારી આજીવિકા કેવી રીતે ચાલે છે ?

“સવારથી ફેરી કરવા નીકળું છું. ક્યાંક કંઈ હટાણું કરીને આખા ગામમાં ફરીને નાની મોટી વસ્તુઓ વેચતો ફરું છું. બપોરે તો બે લોટા પાણી પીને પેટની આગ બુઝાવું છું. દિવસે જે મળ્યું હોય તેમાંથી દાણો-પાણી લઈ ઘરે જાઉં ત્યારે મારી પત્ની રોટલા ઘડીને બેઠી હોય છે. સાથે દાળ કે શાક જેનો જોગ હોય તે તેણે બનાવ્યું હોય. સાંજે પેટનો ખાડો પૂરીને નિસાસા નાખતાં પેલા તુલાના શનિના વિચાર કરતાં રાત ગુજારું છું.”

“હવે તમારો મુખ્ય પ્રશ્ન છે તે કહો. તમારે શું જાણવાની ઈચ્છા છે ? જોશીએ કહ્યું.

“ગરીબી તો છે પણ મોટી મૂંઝવણ મને એ થાય છે કે બધા જોશીઓ કહે છે કે મારા નસીબમાં રાજસુખ છે પણ આજ સુધી મને તેનો ઓછાયો પણ જોવા મળતો નથી. તુલાનો શનિ મારા ઉપર કેમ રીઝતો નથી ? બસ, તમે ફેંસલો કરી આપો પછી કુંડળીની પૂજા કરું કે તેને બાળી નાખી રાખ કરી દઉં.”

જ્યોતિષીએ ધીરજ આપતાં કહ્યું, ‘બંનેમાંથી કંઈ પણ કરશો નહિ. વિવેકબુદ્ધિ રાખી પુરુષાર્થ કરતા રહેશો તો રોટલામાંથી તો નહિ જાવ પણ કાળક્રમે દાળ-ભાત-રોટલી અને શાક સહિતની થાળી મળશે. બાકી સુખ-સાહેબીની વાત મને બેસતી નથી.”

“પણ સાહેબ, મારી કુંડળીમાં તો તુલાનો શનિ છે. ઉચ્ચનો શનિ ફક્ત રોટલી આપીને બેસી રહેશે ? તુલાના શનિવાળા તો ન્યાલ થઈ જાય છે.”

જોશીએ ગંભીર થતાં થોડાક દુઃખ સાથે કહ્યું, “તમને તુલાનો શનિ નહિ ફાળે. તમારી કુંડળીમાં તેનો શૂન્ય યોગ થઈ ગયો છે. ઉચ્ચનો શનિ મૃતપ્રાય થઈને તમારી કુંડળીમાં પડયો

છે. ઉચ્ચ સ્થાનમાં બેઠો છે; પણ છે બળ વિનાનો તેથી તેનું કંઈ નીપજતું નથી.”

“કારણ….?” રડું રડું થતાં માણસે પૂછ્યું.

“કારણ કે આ યોગ વિશિષ્ટ છે. લખ્યા લેખ ભોગવવાના છે – પણ તે વાંચતા આવડે તે કહી શકે.”

“પણ જોશીજી, આવા વિશિષ્ટ યોગનું કંઈ કારણ હશે કે નહિ ?”

“ખરુંને ગત જન્મનાં કર્મ જેને કારણે આવો વિશિષ્ટ યોગ છે.” જોશીએ સમજાવતા કહ્યું.

“મેં એવાં તો શું કર્મ કર્યા હશે કે મારે આવો શૂન્ય યોગ પડયો ?” માણસે અધીરા થઈને પૂછ્યું.

જ્યોતિષી કર્મશાસ્ત્રના અભ્યાસી હતા, તેમણે એક શ્લોક ટાંકતાં કહ્યું કે કોઈ ગત જન્મમાં તમે તમારી કન્યાનો વિક્રય કર્યો છે. પૈસા લઈને તમે તમારી એ કોમળ કોડભરી કન્યાને કોઈ વૃદ્ધ અને બિમાર માણસ સાથે પરણાવી હતી. રોજ રાત્રે તે ખાંસી ખાતા, દમના વ્યાધિથી પીડાતા એ વૃદ્ધ વરને જોઈને બેસી રહેતી. કુટુંબના સંસ્કાર અને તત્કાલીન સમાજ વ્યવસ્થાથી તે અસહાય હતી. તેના જીવનની દરેક રાત તેણે નિસાસા નાખી નાખી વિતાવી છે. તેના નિસાસે નિસાસે તમે કર્મ બાંધ્યું છે; જેને પરિણામે તમારી આ ભવની કુંડળીમાં શનિની યોગ થઈ ગયો છે.”

“તો હવે શું થાય ? આ કર્મ કેમ છૂટે ?’ માણસે ખૂબ દર્દ સાથે પૂછ્યું.

“હવે તો આ કર્મ ઉદયમાં આવી ગયું છે. તેનો વિપાક તમારે ભોગવવો જ રહ્યો. નિસાસે નિસાસે આ કર્મ તૂટશે. જે દિવસે ફેરી નહિ કરો તે દિવસે ભૂખ્યા સૂવાનો પણ વારો આવે.”

“તો પછી શનિ….?”

“હવે શનિની વાત ભૂલી જાવ. જીવનમાં સુખ-સાહેબીનાં ખાલી સ્વપ્નો સેવવાને બદલે, મળ્યામાં સંતોષ માનીને ધર્મ તરફ વળી જાવ અને પુરુષાર્થ કરતા રહો. આ ભવ તો બગડયો પણ આવતો ભવ તો સુધારી લો.” જોશીએ તત્વની વાત કરી.

આવાં છે કર્મના રહસ્યો. જ્યોતિષ વિદ્યા સાચી પણ તે કર્મના પડછાયા જેવી. પૂર્વ જન્મોનાં કર્મ પ્રમાણે જન્મની કુંડળી પડે. ગ્રહો જાતે કોઈનું સારું ખોટું કરતા નથી. તે તો ગત જન્મોનાં કર્મનાં આ જન્મે કેવાં ફળ મળશે એ જ બતાવે છે. કર્મસત્તાને કોઈ થાપ આપી શકતું નથી. કન્યાના નિસાસે નિસાસે જ કર્મ બાંધ્યું તે નિસાસે નિસાસે જ ભોગવવું રહ્યું. એ કોણ મિથ્યા કરે ? સંત તુલસીદાસે કહ્યું છે : તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય, તુલસીદાસના દુહાનો અર્થ ખૂબ સૂચક છે. લોખંડની છરીથી કસાઈએ ઢોરને મારી નાખ્યું. મરેલા ઢોરના ચામડામાંથી લુહારની કોઢમાં ધમણ બની. કોઢમાં લોઢાને ઓગાળવા માટે લુહાર ધમણ ફૂંકતો જાય અને તેના પવનથી અગ્નિ તેજ થઈને લોઢાને ઓગાળી નાખે. તુલસીદાસને ધમણના ફૂંકાતા અવાજમાં પેલા મરેલા ઢોરના નિસાસા સંભળાય છે. એ નિસાસાના પવનથી અગ્નિ પણ તેજથી જલી ઊઠે છે અને જે લોઢાની છરીએ ઢોરને મારેલું તે જ લોઢાને એ નિસાસા ઓગાળી નાખે છે – લોખંડને ભસ્મ કરી નાખે છે.

વિપાકમાં આવેલા કર્મના ભોગવટામાંથી નાસભાગ કરવાનો કંઈ અર્થ નથી. એમાંથી બચી ન શકાય. જે કર્મનો વિપાક થઈ ચૂક્યો છે તે તો વેઠવું જ પડે. પણ ધર્મ આપણા હાથની વાત છે. અર્થપ્રાપ્તિ માટે પ્રારબ્ધ જોઈએ પણ ધર્મ કરવામાં પુરુષાર્થ જોઈએ એ વાત ઘણા ભૂલી જાય છે. જે બગડી ચૂક્યું છે તેને સુધારવાનું આપણા હાથમાં નથી પણ હવે બીજું તો ન બગડે તે વાત તો આપણા હાથની છે – આપણા ઉદ્યમની છે.