
ભગવાન મહાવીરના સમયની વાત છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન જીવોના ઉદ્ધાર માટે જુદા જુદા પ્રદેશોમાં વિહાર કરતા ફરી રહ્યા છે. સામાન્ય રીતે તેઓ જ્યાં જાય ત્યાં ગામની બહાર આવેલા ઉદ્યાનમાં થોડોક સમય સ્થિત વાસ કરે અને લોકોને ઉપદેશ આપી ધર્મમાં જોડે. આસપાસના બધા પ્રદેશોમાં અહિંસાનો જયઘોષ થઈ રહ્યો હતો. લોક તેમની મધુર વાણી સાંભળી મુગ્ધ થઈ જતા હતા અને દિવસે દિવસે ચતુર્વિધ સંઘ વૃદ્ધિ પામતો હતો. સામાન્ય ગ્રામજનોથી માંડીને પ્રખર જ્ઞાનીઓ, શ્રેષ્ઠીઓ અને રાજા-મહારાજાઓ પણ જૈન ધર્મ અંગીકાર કરવા લાગ્યા હતા. વિહાર કરતા કરતા મહાવીર રાજગૃહી નગરી પાસે આવી પહોંચ્યા અને બહાર આવેલા ઉદ્યાનમાં તેમણે રોકાણ કર્યું. એ પ્રદેશનો રાજવી શ્રેણિક તો ક્યારનોય ભગવાનનો ઉપાસક બની ગયો હતો અને મહાવીરના આગમનથી તેનું રોમે રોમ આનંદથી ઊભરાઈ રહ્યું હતું. સવારે તેમની દેશના સાંભળવા માણસોનો પ્રવાહ ઉદ્યાન તરફ વહી રહ્યો હતો. મહારાજા શ્રેણિક પણ પોતાના તેજસ્વી અશ્વ ઉપર બેસીને આ ધર્મસભામાં આવી પહોંચ્યા અને ભગવાનના ચરણ પાસે બેસી એકચિત્તે ભગવાનની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. ભગવાનની વાણીની એક વિશિષ્ટતા હતી કે તેઓ ધર્મનાં ગહન રહસ્યો સરળ રીતે રજુ કરતા હતા. સૌને જાણે એમ જ લાગે કે ભગવાન તેને જ અનુલક્ષીને વાત કરી રહ્યા છે. આખું ઉદ્યાન શ્રોતાઓથી ખીચોખીચ ભરાયેલું હતું અને લોક ભારે તૃષાથી તેમના એકેક શબ્દનું પાન કરતા હતા ત્યાં ભગવાનના મુખમાંથી શબ્દો સર્યા :
પરિચય ત્યાં પ્રીતિ ; પ્રીતિ ત્યાં આસક્તિ અને આસક્તિ ત્યાં ઉત્પત્તિ; પ્રીતિ પણ રાગનો જ પ્રકાર છે માટે દેવાનુપ્રિયો રાગને ઓળખો. રાગથી બચો.
મહારાજા શ્રેણિકે ઊભા થઈ, નતમસ્તકે વિનીતભાવે પૂછ્યું, “ભંતે ! આ વાત નથી સમજાતી. પ્રીતિ તો સંસારની ધરી જેવી છે. પ્રીતિ વિના વ્યવહાર કેવી રીતે નભે ? વળી પ્રીતિ નિર્મળ હોય તો તે સંસારનું કારણ કેવી રીતે બને ?”
મધુર સ્મિત કરતાં મહાવીર બોલ્યા : “શ્રેણિક, આજે અત્યારે અહીં મારું પ્રવચન સાંભળવા માટે તું આવતો હતો ત્યારે તારાથી એક જીવનો ઘાત થયો છે તેની તને ખબર છે ?”
શ્રેણિક મહારાજા પોતાનાથી હિંસા થઈ છે તે વાત જાણી કંપી ઊઠયા. તેમનું મોં ખિન્ન થઈ ગયું. તેમણે અપરાધ ભાવે કહ્યું ; “ભંતે ! હું આ હિંસાથી અજાણ છું. મારાથી જો કોઈ જીવનો પ્રમાદવશ પણ ઘાત થયો હોય તો હું પ્રાયશ્ચિત માંગુ છું.”
“શ્રેણિક, અહીં આવવાની ઉતાવળમાં તારો અશ્વ તેજ ગતિએ આવતો હતો ત્યારે એક દેડકો પણ ઉત્સાહથી કૂદતો કૂદતો વાવની બહાર આવી આ સભામાં આવવા નીકળ્યો હતો. ઘોડાની તેજ ગતિ અને તારા બેધ્યાનપણામાં એ દેડકો તારા ઘોડાના પગ નીચે આવી ગયો અને મૃત્યુ પામ્યો. હજુ એ દેડકાનું મૃત શરીર એ વાવની પાસે જ પડેલું છે.” આ વાત સંભાળી શ્રેણિકના મુખમાંથી અરેરાટી નીકળી ગઈ. ભગવાનની વાણી તો અસ્ખલિત વહી રહી હતી.
“શ્રેણિક તને નવાઈ લાગશે પણ એ દેડકાનો જીવ અત્યારે આ સભામાં ઉપસ્થિત છે. તે અહીં આવી પહોંચ્યો છે અને પૂર્ણ રસથી આ વ્યાખ્યાન શ્રવણ કરી રહ્યો છે.”
શ્રેણિક રાજા વિસ્મયથી ચારે બાજુ જોવા લાગ્યા ત્યાં ભગવાનના મુખ ઉપર જાણે સહેજ સ્મિત ફરક્યું, “શ્રેણિક ! મારી આ બાજુ ચિર યૌવનને ધારણ કરેલા સુકુમાર સ્વરૂપવાન જે દેવો બેઠા છે તેમાં એ દેડકાનો જીવ અત્યારે દેવના દેહમાં શોભી રહ્યો છે.”
આખી સભા સ્તબ્ધ થઈને સાંભળી રહી, “આ દેડકો ગયા ભવમાં આ જ પ્રદેશમાં મનુષ્યના ભવમાં એક પ્રતિષ્ઠિત મણિયાર હતો. ધર્મના વિવિધ અનુષ્ઠાનો તે ભાવપૂર્વક કરતો હતો. એક દિવસે તેણે નિર્જળા – પાણી પીધા વિના ઉપવાસ કર્યો હતો. તે રાત્રીએ તેને ખૂબ તરસ લાગી, કંઠે શોષ પડતો હતો છતાંય તેણે રાત્રીમાં પાણી ન જ પીધું. પણ રાત્રી દરમ્યાન તેના મનમાં પાણીના જ વિચારો આવ્યા કર્યા અને તેણે મનોમન એક સુંદર વાવ બંધાવવાનો વિચાર કર્યો. દિવસ ઊગતાં તેણે યથાવિધિ જળપાન કર્યું. તેણે ઉપવાસ છોડયો પણ તેના મનમાંથી વાવના વિચાર ન છૂટ્યા. થોડાક દિવસ પછી તેણે વાવનું આયોજન કરી, વાવ બંધાવવાનું શરુ કર્યું. પોતે ખૂબ રસથી આ કામ કરાવતો હતો અને જાતે દેખરેખ રાખતો હતો તેથી વાવ પણ સુંદર બંધાઈ ગઈ. કેટલાય લોકો તેમજ પશુ-પંખી એ વાવના પાણીથી પોતાની તૃષા છીપાવતા હતા. વાવનાં ખૂબ વખાણ થતાં હતાં અને સાથે સાથે એ વાવ બંધાવનાર નંદ મણિયારની પણ ખૂબ પ્રશંસા થતી હતી. મણિયારની પાણી તરફની પ્રીતિ, વાવ માટેની આસક્તિમાં પરિણમી. પરિણામે નંદ મણિયાર મરીને એણે જ બંધાવેલી વાવમાં દેડકા તરીકે ઉત્પન્ન થયો.”
“આજે વાવમાં પાણી ભરવા આવેલી પનિહારીઓ અહીંના મારા આગમનની અને વ્યાખ્યાનની વાતો કરતી હતી તે સાંભળીને પૂર્વ ભવનું જ્ઞાન થયું. તેને થયું “અરેરે… મેં અમૂલ્ય મનુષ્ય ભવ વાવની આસક્તિમાં ગુમાવી દીધો. એ દેડકાને હવે મારું ધર્મપ્રવચન સાંભળવાની તીવ્ર ઈચ્છા થતાં છલાંગ મારીને વાવની બહાર આવ્યો. ઉત્સાહમાં આવીને કૂદતો કૂદતો તે માર્ગ ઉપર દોડવા લાગ્યો ત્યાં તારા ઘોડાની હડફેટમાં આવી ગયો. તે સમયે તેના મનમાં ધર્મ સાંભળવાનો-દેશનામાં-વ્યાખ્યાનમાં-આવવાનો તીવ્ર ભાવ હતો તેથી તે ઉચ્ચ દેવગતિ પામ્યો. પળમાં તે દેવલોકમાં ઉત્પન્ન થયો અને દેવભવને પ્રત્યક્ષ અવધિજ્ઞાનથી તેણે આ સભા જોઈ અને તુરત જ અહીં આવીને અત્યારે તે સભામાં ઉપસ્થિત થઈ ગયો છે. હજુ તો તેના પૂર્વભવ દેડકાનું શબ વાવની પાસે માર્ગ ઉપર પડયું છે.”
નંદ મણિયારના બંને ભવોની કથા કર્મવાદના ગૂઢ રહસ્યને સ્પર્શે છે. જીવ જ્યાં પ્રીતિ કરે છે ત્યાં સ્વાભાવિક રીતે તેને આસક્તિ બંધાય છે અને જો તે સમયે તેના આયુષ્યનો બંધ પડી જાય તો ત્યાં જ તેની ઉત્પત્તિ થાય છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વાર પડે છે; બાકી બીજાં બધાં સાતેય પ્રકારના કર્મોના બંધ જીવનભર સતત પડતા રહે છે. પ્રીતિ-ગાઢ પ્રીતિ આસક્તિનું કારણ છે અને આસક્તિ ઉત્પત્તિનું કારણ છે. કર્મના મર્મને જાણનાર જીવો આસક્તિથી સજાગ બની જાય છે – સાવધ થઈ જાય છે. પાણી કે વાવમાં કંઈ ખોટું ન હતું. પાણીને સૌ જીવોને ખપ છે અને વાવ તેના માટેનું સરસ સાધન હતું, પણ વાંધો હતો આસક્તિનો. દેડકાને ધર્મશ્રવણનો ભાવ થયો તે પણ એક પ્રકારે આસક્તિ તો કહેવાય. તેને રાગ પણ કહી શકાય; પણ તેને પ્રશસ્ત-પ્રશંસાને પાત્ર ગણવામાં આવે છે. કારણ કે છેવટે તે જીવને આગળ લઈ જાય છે. આમ તો રાગ માત્ર છોડવાનો છે પણ પ્રશસ્ત રાગને સાધન તરીકે સ્વીકાર્ય ગણ્યો છે. સાધન કદીય સાધ્ય ન બની જાય તેની જીવે અહર્નિશ જાગૃતિ રાખવાની છે.