Spread the love

ફૂલની વાડીનો માલિક એક માળી હતો. રોજ વહેલી સવારે ગામની બહાર આવેલી પોતાની વાડીએ આવે. વાડીમાં તેણે ભાતભાતનાં સુગંધી-રંગબેરંગી પુષ્પો ઉગાડેલાં, જે ફૂલો સવારે ખીલી ઊઠયાં હોય તે બધાં તે સાચવીને ચૂંટીને ફૂલોથી છાબો ભરીને ઘરે લાવે. પછી ઘરનું દરેક જણ એકેક છાબ લઈને શહેરમાં આવેલાં દેવ-મંદિરોએ પહોંચી જાય અને પગથિયાં પાસે ઊભા રહીને ફૂલ વેચે. મંદિરમાં દેવ-સેવા માટે આવનાર ભાવિક ભક્તો ભગવાનની પૂજા માટે આ પુષ્પો ખરીદીને અંદર જઈ ભગવાનને ફૂલ ચઢાવે. કેટલાક એ ફૂલોથી ભગવાનની સુંદર અંગરચના કરે. ફૂલપૂજાથી શોભતી ભગવાનની મૂર્તિનાં દર્શન કરતાં કેટલાય માણસોના હૈયામાં આનંદની હેલી ઊઠે. આખા શહેરમાં આ માળીના વાડીનાં ફૂલ વખણાય અને શહેરનાં કેટલાંય મંદિરો-દેરીઓ ઇત્યાદિ ધર્મસ્થળોમાં એ ફૂલ વપરાય. પણ આ માળી પોતે એક ફૂલ પણ ભગવાનને ન ચડાવે. પોતે તો ભગવાનની પૂજા માટે એક પણ ફૂલ મફત ન આપે પણ ઘરમાંથીય કોઈને એમ ફૂલ આપવા ન દે.

ઉનાળાના દિવસો હતા. તાપ વધારે પડતો હતો. વાડીમાં ફૂલ ઓછાં ઊતરતાં હતા. એમાં એક દિવસ તેને મોડું થયું. યોગાનુયોગ તે દિવસે મંદિરમાં કોઈએ ફૂલપૂજાનો મનોરથ કરેલો અને સમય થઈ ગયો હતો તેથી તે ઉતાવળે ઉતાવળે ફૂલની છાબ લઈને જતો હતો, ત્યાં અડફટમાં કંઈક આવ્યું જેથી તેણે સમતુલા ગુમાવી. તેનો પગ સહેજ લથડયો અને ફૂલની છાબ વાંકી વળી ગઈ અને કેટલાંક ફૂલો નીચે કાદવમાં પડી ગયાં. નીચે પડેલાં પુષ્પોએ આમેય દેવસેવા માટે લેવાય નહિ અને આ તો વળી કાદવમાં ખરડાયેલાં હતાં માળીનો જીવ તો ઘણો બળી ગયો પણ હવે શું થાય ? છેવટે તેને વિચાર આવ્યો : આટલા બધા લોકો ભગવાનની પૂજા કરે છે તો લાવને હું પણ આજે ભગવાનને ફૂલો અર્પણ કરું. આમ જે ફૂલો નીચે પડી ગયાં છે તે પણ કામમાં આવી જશે. વળી મંદિરની બહાર બેસી રહેતો હતો તેથી કથા-વાર્તાના ચાર શબ્દો પણ તેને કાને પડેલાં કે ભગવાનની પૂજામાં ભાવ જ બહુ મહત્વનો છે. તેથી પૂર્ણ ભાવથી બોલવા લાગ્યો : આ ફૂલો હું ભગવાનને અર્પણ કરું છું. કૃષ્ણાર્પણ. આમ બોલીને તે આગળ વધ્યો અને મંદિરમાં પહોંચી બાકીના બધાં પુષ્પો વેચી દીધાં. ફૂલો વેચીને તે ઘરે પાછો આવ્યો પણ પેલાં પડી ગયેલાં પુષ્પો તેના મનમાંથી ખસે નહિ. તેથી વારે વારે “કૃષ્ણાર્પણ કૃષ્ણાર્પણ” એમ બોલતો જાય અને મનોમન ભાવ કરે કે હે ભગવાન આ ફૂલ મેં તમને અર્પણ કર્યા.

કાળે કરીને માળી મૃત્યુ પામ્યો અને યમદૂતોએ તેને ધર્મરાજાના દરબારમાં ખડો કર્યો. ચિત્રગુપ્તે ચોપડો કાઢી તેના પાપ-પુણ્યનો હિસાબ જોયો તો ત્યાં પાપથી જ પાનાં ભરાયેલાં. ક્યાંય પુણ્યનું નામનિશાન મળે નહિ. છેવટે છેક છેલ્લે પાને થોડુંક પુણ્ય જમા થયેલું દેખાયું. તે દિવસે જમીન ઉપર પડી ગયેલાં ફૂલો તેણે કૃષ્ણાર્પણ કરેલાં એટલું જ પુણ્ય ; પણ વારંવાર ભાવથી “કૃષ્ણાર્પણ કૃષ્ણાર્પણ” એમ બોલેલો તેથી પુણ્યનો ગુણાકાર થઈ ગયો હતો.

ધર્મરાજાએ નિર્ણય જણાવ્યો – “માળીને પૂછી લો કે તેણે પહેલાં પુણ્ય ભોગવવું છે કે પહેલાં પાપ ભોગવી લેવું છે ?”

માળીને વિચાર આવ્યો કે પાપ તો ઘણું છે. કોણ જાણે ક્યારેય પૂરું થાય ? એકવાર પુણ્ય ભોગવી લઉં તો પછી પાપ ભોગવતી વખતે બીજો કંઈ વિચાર ન આવે – નિરાંતે પાપ ભોગવાય. માળીએ પ્રથમ પુણ્ય ભોગવવાનું પસંદ કર્યું. ધર્મરાજાએ માળીના પુણ્યનું ફળ દર્શાવ્યું : આ માળીને દેવલોકના સુંદર ઉદ્યાનમાં-બગીચામાં લઈ જાઓ. બે ઘડી તે દેવલોકના બગીચાનું સુખ ભોગવે. પછી પાપ ભોગવવા તેને દરિદ્રલોકમાં મોકલી આપો”.

દેવના દૂતો માળીને સ્વર્ગના ઉદ્યાનમાં લઈ આવ્યા. મૂળેય માળી અને વળી દેવોનો બગીચો. રંગબેરંગી પુષ્પો અને તેની દિવ્ય સુગંધથી માળી તો જાણે ગાંડોતુર થઈ ગયો. વળી બગીચામાં વહેતાં નાનાં ઝરણાંઓ અને ભાતભાતના ફુવારાઓમાંથી જળનો જે છંટકાવ થાય તેનાથી માળીનું તપ્ત અંગ શીતળતા અનુભવવા લાગ્યું. શીતળતા, સુગંધ, રમણીયતા આ બધાંથી માળીનું મન શાંત થઈ ગયું. ત્યાં તેના મનમાં વિચાર ઝબક્યો : જો ભોંય પર પડેલાં ચાર-છ ફૂલો કૃષણાર્પણ કર્યાનું આટલું બધું સુખ મળે તો આ આખાય બગીચાનાં ફૂલો કૃષ્ણાર્પણ કર્યા હોય તો તો કેટલુંય સુખ મળે ! બસ પછી તો માળીએ છોડો ઉપરથી, લતાઓ ઉપરથી બાચકે બાચકે ફૂલ તોડવા માંડયાં અને “કૃષ્ણાર્પણ કૃષ્ણાર્પણ” એમ બોલી નીચે ફેંકવા માંડયાં. થોડીકવારમાં તો માળી ગાંડોતુર બની ગયો હોય તેમ આખા બગીચામાં ફરી વળ્યો અને ફૂલોના ઢગલેઢગલા પૂર્ણભાવથી કૃષ્ણાર્પણ કરી દીધા. સ્વર્ગનું ઉદ્યાન બે ઘડીમાં તો જાણે ઉજ્જડ થઈ ગયું અને બગીચામાં ચોગરદમ ફૂલોના ઢગલેઢગલા થઈ ગયા. દેવદૂતો આવ્યા ત્યારે ઉદ્યાનની દશા જોઈ અચંબામાં પડી ગયા અને તેને ધર્મરાજા પાસે પુનઃ રજૂ કરતા કહ્યું : “આ માણસે સ્વર્ગનો બગીચો ઉજ્જડ કરી નાખ્યાનું મહાપાપ કર્યું છે જેની સજા પણ લખી આપો.”

ધર્મરાજાએ પાછો ચોપડો ઉઘાડયો તો તેમાંથી પાપનાં પાના લગભગ ભૂંસાઈ ગયેલાં અને પુણ્યનાં પાને પાનાં ભરાઈ ગયાં હતાં. ધર્મરાજાએ હિસાબ માંડી ચુકાદો આપ્યો : “હવે આ માળીને દરિદ્રી લોકમાં નહિ મોકલાય. તેને સારે ઠેકાણે પૃથ્વી ઉપર મોકલી આપો જ્યાં તેને ઈશ્વરસેવાની તક મળે. હવે તે એક તકનો અધિકારી બન્યો છે.”

વાસ્તવિકતામાં દેવલોકમાં કોઈ ચિત્રગુપ્ત બેસતો નથી અને આમ ન્યાય થતો નથી; પણ આ પૌરોણિક કથામાં કર્મવાદનું એક ગહન રહસ્ય છુપાયેલું છે. સામાન્ય રીતે કોઈપણ જીવ-મનુષ્ય એકલું પાપ જ નથી કરતો કે કેવળ પુણ્ય જ નથી કરતો. પુણ્ય અને પાપ સાથે ચાલે છે. જે પ્રબળ થાય તે આગળ આવી જાય, જે નબળું પડે તે પાછળ રહી જાય અને તેની અસર ખાસ ન વર્તાય. વળી આ કથા એ તરફ નિર્દેશન કરે છે કે જયારે અનુકૂળ સમય હોય – સંજોગો હોય ત્યારે પુણ્ય કરી લેવા જેવું છે. પુણ્યનું ભાથું ભરી લીધેલું હશે તો ભવાટવીમાં ગમે ત્યારે કામ આવી શકશે. જ્યાં સુધી મોક્ષમાર્ગ સીધો ન મળે ત્યાં સુધી પુણ્યકર્મનો સહારો આવશ્યક છે. પુણ્યે પાપ ઠેલાય તે લોકોક્તિમાં ઘણું તથ્ય છે પણ તુરત ને તુરત એમ ન બને એ વાત ખ્યાલમાં રાખવા જેવી છે. કર્મની આ કથાની સત્યતા જોવાની નથી. આવી કથાઓ કર્મની ગૂંચો ઉકેલવા માટે હોય છે. તેમાંથી સામાન્ય જીવોને પણ સરળ માર્ગદર્શન મળી રહે તે તેનો આશય છે.