
મગધનો રાજવી તેના મહેલના ઝરૂખામાં ઊભો ઊભો વર્ષાના ભયાનક તાંડવને નિહાળી રહ્યો છે. દુશ્મનના દળ જેવા કાળાં ડીબાંગ વાદળાંઓનો ક્યાંય છેડો દેખાતો નથી અને બારેય મેઘ વિના રોક-ટોક અનરાધાર વરસી રહ્યા છે. આકાશને ચીરી નાખતી વીજળીના કડાકાથી જાગી ઊઠેલી રાણીએ જોયું કે પતિ પલંગમાં નથી એટલે તે પણ ઝરૂખામાં આવીને ચિંતીત પતિને ખભે માથું ઢાળીને ઊભી રહીને પ્રકૃતિના આ મિજાજને જોઈ રહી છે. ત્યાં વીજળીનો એક મોટો લિસોટો થયો અને તેણે પાથરેલાં અજવાળામાં રાજા-રાણીએ સામે ઉછળતી શોણ નદીના પાણીમાં એક માણસને કંઈક શોધતો જોયો. ગાંડીતૂર બનેલી નદીના વહેણમાં તણાઈ આવેલાં લાકડાંને, આ માણસ નદીમાં ઊતરીને બહાર લઈ આવી કિનારા ઉપર ભેગાં કરતો હતો. આ માણસની હાલત જોઈ રાણીથી બોલ્યા વિના ન રહેવાયું.
“રાજન ! તમે તો કેવા રાજવી ? આવી ભયંકર રાતે તમારો એક પ્રજાજન નદીમાં પડીને લાકડાં એકઠાં કરે છે. તેણે કેવું દુઃખ હશે ? કેટલો દરિદ્રી હશે ?”
રાજાએ નીચે ફરતા ચોકીદારને હાક મારી બોલાવી એ માણસને લઈ આવવા સૂચના આપી. કેડે નાની પોતડી વીંટેલો પાણીથી ભીંજાયેલો એ માણસ સામે હાથ જોડીને ઊભો રહ્યો. રાજાએ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું, “મારી પાસે બે બળદ છે. એમાં એક બળદ તો બરોબરનો છે પણ બીજો બળદ બરોબર નથી તેથી બળદની જોડ જામતી નથી. મારી એ ખંડિત જોડી પૂર્ણ કરવા – સરખી કરવા માટે આ કાળી રાતે મજૂરી કરવી પડે છે. હમણાં લાકડાં મોંઘા છે અને પૂરમાં ઘણાંય તણાય છે. જો તે ભેગાં કરી લઉં તો થોડો ખર્ચો બચે અને બળદની જોડી બરોબરની કરવાની મારી ઈચ્છા પાર પડે.”
રાજાએ કહ્યું “વૃદ્ધ, તમે ફિકર ન કરો. કાલે તમે રાજ્યની પશુશાળામાં આવીને જોઈએ તેવો વૃષભ લઈ જાજો, પણ આવી ભયંકર અઘોર રાત્રીએ નદીમાં લાકડાં ભેગા કરવા ન પડશો.”
બીજે દિવસે એ દરિદ્ર દેખાતો માણસ આવીને ઊભો રહ્યો. રાજસેવક તેને રાજ્યની પશુશાળામાં લઈ ગયા અને એકેકથી ચડે તેવા બળદો બતાવ્યા પણ પેલા માણસે એકેય બળદ પસંદ ન કર્યો. સેવકોએ પાછા આવી રાજાને કહ્યું, “મહારાજ ! આ માણસને તો પશુશાળામાંનો એકેય બળદ પસંદ પડતો નથી.”
રાજવીએ વૃદ્ધ પ્રુરુષ સામે હોયુ તો તેણે પોતાની મુશ્કેલી જણાવતાં કહ્યું, “મહારાજ ! મારા ઘરે જે બળદો છે તે સુવર્ણમય અને રત્નજડિત છે. એક બળદ તો મેં પૂરો સજાવ્યો છે, બીજો પણ આમ તો પૂરો થવા આવ્યો છે પણ તેનાં શિંગડાં માટે થોડા રત્નો ખૂટે છે.”
રાજા-રાણીએ આ માણસનો બળદ જોવાનું નક્કી કર્યું. તેઓ ગરીબ લાગતા આ માણસની હવેલીએ આવ્યા. હવેલી વિશાળ હતી. પેલો માણસ રાજા-રાણીને ઉપરને માળે લઈ ગયો. ત્યાં તેણે બે બળદ ઉભા કરેલા હતા. તેણે બળદો ઉપર આચ્છાદિત કરેલું કપડું દૂર કર્યું ત્યાં તો આખા ખંડમાં ઝગમગાટ થઈ ગયો.
સુવર્ણથી મઢેલા બળદો તેજના પુંજ સરખા હતા. વળી આ બળદો ઉપર વિવિધ પ્રકારનાં રત્નો જડેલાં હતાં. એક બળદના શિંગડાં ઉપર કેટલાંક રત્નો જડેલાં હતાં પણ થોડાં બાકી હતાં. એ બળદને બતાવતાં પેલા માણસે કહ્યું, “મહારાજ ! આ શિંગડાં પૂર્ણ કરવાની મારી અભિલાષા છે. તેના માટે મારે થોડાં રત્નોની જરૂર છે.”
રાજાએ ઝવેરીઓને બોલાવી એ રત્નોની પરીક્ષા કરાવી તો તેમણે બળદની કિંમત કરોડો સોનૈયાની કરી. રત્નો પણ અમૂલ્ય છે તેમ જણાવ્યું. રાજા ઊંડા વિચારમાં ગરક થઈ ગયો ત્યાં પેલા માણસે રાજાને પગે પડતાં કહ્યું, “મહારાજ ! જો રાજભંડારમાંથી ખૂટતાં રત્નો મળી જાય તો પછી મારે કંઈ મહેનત કરવાની જરૂર ન રહે. બસ, પછી બધો વ્યવસાય બંધ કરીને શાંતિથી રહું.”
રાજાએ કહ્યું, “તમારા બળદોની જોડી પૂર્ણ કરવા મારા રાજભંડારમાં રત્નો નથી. તમારી ધન-દોલત જોઈ મને ખુશી થાય છે. પણ કાળી રાતે પૂરે ચઢેલી નદીમાં લાકડાં ભેગા કરતા એવા તમારો વિચાર કરતાં મારું મન મૂંઝવણમાં પડી જાય છે.”
ત્યાં તો આ કંજૂસ માણસના ચાકરો રાજા-રાણી માટે હળવો પેય પદાર્થ લઈને આવ્યા. રાજવી પાસે તેમણે બે કટોરા મૂક્યા અને બીજા એક વાસણમાં તેમના શેઠ માટે બાફેલા ચોળા અને થોડુંક તેલ મૂક્યું. રાજાને આ વિચિત્ર વ્યવહાર જોતાં નવાઈ લાગી. ત્યાં તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું, “રાજન ! મારી પાચનશક્તિ વિચિત્ર છે. બાફેલા ચોળા અને તેલ સિવાય હું બીજું કશું કંઈ લઈ શકતો નથી. મારા જીવનમાં એવી બીજી પણ વિષમતાઓ છે. કોઈ કીમતી વસ્તુનો ઉપભોગ કરું છું તો હું અસ્વસ્થ થઈ જાઉં છું. જો કઠિન શારીરિક શ્રમ ન કરું તો મને નિંદ્રા નથી આવતી. પણ જ્યાં હાથ નાખું ત્યાંથી મને લક્ષ્મી મળે છે. ધન-સંપત્તિ જોઈને મને અપૂર્વ આનંદ આવે છે. ઘણીવાર મને મારા જીવનની વિષમતાઓ વિષે વિચાર આવે છે પણ તે વાત મને સમજાતી નથી.”
મગધના રાજવીને આ માણસની વિશિષ્ટતા જાણવાની ઉત્કંઠા થઈ. યોગાનુયોગ પૃથ્વીને પાવન કરતાં ભગવાનનાં પગલાં તે જ ભૂમિ ઉપર પડતાં હતાં. રાજવીએ ભગવાન પાસે જઈને પ્રશ્ન કર્યો, “પ્રભુ ! આ માણસ એક બાજુ અઢળક સંપત્તિનો મલિક છે અને બીજી બાજુ તે બાફેલા ચોળા સિવાય કંઈ ખાઈ શકતો નથી, કંઈ ભોગવી શકતો નથી અને પરિશ્રમ કર્યા વગર સુખે સૂઈ શકતો નથી – તેનું રહસ્ય શું છે ?
ત્રિકાલને જોઈ શકતી ભગવાનની દ્રષ્ટિમાં તો સૌ વાત હસ્તામલક હતી. તેમણે આ ધનસંપન્ન માણસના આગળના ભવો જોયા. એક ભવમાં તે પૂરા પ્રેમથી-ભાવોલ્લાસથી સાધુ મહાત્માઓને ગોચરીમાં લાડુ આપે છે. ક્યાંકથી આવેલા બધા જ લાડુ તે સાધુ મહાત્માના પાત્રમાં ઠાલવી દે છે. પછી વાસણમાં ચોંટી રહેલ લાડુના ભૂકાને તેણે મોંમાં મૂકયો તો તે તેને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યો. તેના સ્વાદમાં તે એટલો તો લુબ્ધ થઈ ગયો કે તે દોડતો દોડતો સાધુ મહારાજની પાછળ ગયો અને તેમની પાસે એક લાડુ પાછો માગ્યો. સાધુએ તેને સમજાવ્યું કે એક વખત ભિક્ષાપાત્રમાં પડેલું અન્ન પાછું આપવાનો તેમનો આચાર નથી. વળી તેઓ પોતે પણ ગુરુ મહારાજ માટે ભિક્ષામાં મળેલા અન્નનો ઉપયોગ ન કરી શકે. ગુરુની આજ્ઞા વિના ભિક્ષાન્ન કોઈને અપાય નહિ – તેનો ઉપયોગ પણ ન થાય. એક વાર દાન દીધા પછી તે અન્ન હવે સાધુનું થઈ ગયું જે હવે ગૃહસ્થ લઈ શકે નહિ. તેને આ રીતે પાછું આપવાનો શાસ્ત્રોમાં નિષેધ છે. પણ આ માણસ આ વાત માન્યો નહિ. છેવટે તેણે સાધુના પાત્ર ઉપર તરાપ મારી એમાંથી લાડુ લઈ લેવા કોશિશ કરી. કોઈ રીતે આ માણસે લાડુ પાછો લેવાની જીદ ન છોડી એટલે ન છૂટકે સાધુએ પાત્રમાંથી લાડુ કાઢીને હાથથી મસળી નાખી તેનો ચૂરો કરીને ધૂળમાં ભેળવી દીધો. આ જોઈને આ માણસ ખૂબ ગુસ્સે થઈ ગયો અને સાધુની નિંદા કરતો, તેમના આચારને વખોડતો પોતે આપેલા દાન અંગે ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યો. આ વાત તેના મનમાંથી દિવસો સુધી ખસી નહિ. તેણે સાધુને આપેલા દાન માટે ખૂબ પસ્તાવો કર્યો અને સાધુઓના આચારની નિંદા કરી.
આ જીવે ખૂબ પ્રેમથી અને ભાવથી સાધુને સરસ આહારનું દાન દીધું હતું તેથી તેણે અઢળક પુણ્ય બાંધ્યું હતું તેને પરિણામે તેને આ જન્મમાં અઢળક સંપત્તિ મળે છે પણ તેણે સાધુને આપેલું દાન પાછું લેવા જે ઉત્પાત કર્યો હતો અને સાધુને ભિક્ષાન્નથી વંચિત કર્યા હતા તેના પરિણામે તે આ ભવમાં હવે કંઈ ભોગવી શકતો નથી. એમાંય વિશેષ કરીને સારું ભોજન કરી શકતો નથી અને જીરવી શકતો નથી.
પૂર્ણ ભાવથી દાન આપી તેની અનુમોદના-પ્રશંસા કરવાથી લાભાંતરાય કર્મ તૂટે છે તેથી જીવને જ્યાં હાથ નાખે ત્યાંથી લાભ જ થાય. પણ પ્રાપ્ત થયેલા લાભને ભોગવવા માટે ભોગાંતરાય કર્મ તૂટેલું હોવું જોઈએ. મળતા લાભને ભોગવવા માટેનો હવાલો ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મ પાસે છે. વસ્તુનો લાભ એક વાત છે અને તેનો ભોગવટો બીજી વાત છે. ભોગાંતરાય કે ઉપભોગાંતરાય કર્મ નડતું ન હોય તો જીવ વસ્તુ ભોગવી શકે પછી ભલેને વસ્તુની માલિકી તેની ના હોય. તો બીજી બાજુ જો લાભાંતરાય કર્મ તૂટેલું હોય તો લાભ મળે અને ધન-દોલતના ઘરે ઢગલા થાય. કર્મની આ સૂક્ષ્મ વાત છે. વસ્તુ પ્રાપ્ત કરવાનું કર્મ અને વસ્તુ ભોગવવાનું કર્મ એ બે ભિન્ન પ્રકારના કર્મ છે. બંનેની પ્રાપ્તિ માટેનું પુણ્ય પણ જુદા પ્રકારનું છે. જો આ વાત એક વાર સમાજમાં આવી જાય તો સંસારમાં જોવા મળતી આવી અનેક વિષમતાઓનો તાળો મળી જાય.
નોકર-ચાકરને ખાતાં ઉઠાડીએ, પશુઓને ખાતાં હાંકી કાઢીએ, પક્ષીઓને ચણતાં ઉડાડી મૂકીએ, કોઈના હાથમાં આવેલો કોળિયો મુકાવી દઈએ તો આવા ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મ બંધાય. આ વાત એકલા ભોજનની જ નથી. કોઈને સુખે પહેરવા-ઓઢવા ન દઈએ તો આપણે કોઈ ભવમાં પાસે કપડાંથી પટારા ભરેલા હોય પણ તે પહેરવાનો આપણને જોગ જ ન થાય. કોઈની નિદ્રામાં વિક્ષેપ પાડીએ તો આપણે સુખે નિંદ્રા ન લઈ શકીએ. કર્મની આ ગહન વાતો સમજીને આપણે આપણો વ્યવહાર રાખીએ તો આવી અનેક વિષમતાઓ આપણા જીવનમાં ન આવે.
જૈન શાસનમાં આ કથા મમ્મણ શેઠની કથા તરીકે જાણીતી છે.