Spread the love

વીરસિંહ એક મોટી રિયાસતનો ગિરાસદાર હતો. તેના ઘરે સુખ-સંપત્તિ હતાં પણ ખોળાના ખૂંદનાર વિના રાજગઢ સૂનો હતો. વળતી ઉંમરે એ વાતની પણ ખોટ ભગવાને ભાંગી પણ તે પુત્રીથી. કન્યારત્નને પણ વીરસિંહ અને રાણીએ વધાવી લીધું. રાજ-જ્યોતિષીએ જન્મકુંડળી માંડી પણ ભવિષ્ય ભાખતાં જરા વિચારમાં પડી ગયા. વીરસિંહ રજપૂત હતો. તેણે જોશીને કહ્યું ગમે તે હો પણ મને સ્પષ્ટ વાત કરજો. વીરસિંહનું હૈયું વજ્જરનું છે.” જોશીએ કહ્યું, “બાપુ, એવી ચિંતાનો વિષય નથી. કન્યા બધી વાતે સુખી થશે, પણ વચ્ચે વિયોગનો જરા વિચિત્ર યોગ દેખાય છે. વિચિત્ર એટલા માટે કે વિયોગ કાયમનો નથી. અખંડ ચૂડી-ચાંદલે બહેનબા જાય તેવો યોગ છે. તેથી સાર એટલો કે લગ્ન કરવામાં કાળજી રાખજો.”

વાતને વર્ષો વીતી ગયાં. અંજલિનો કન્યાકાળ વહી રહ્યો હતો અને યૌવનને પગથાર તેણે પગલાં માંડયા હતાન. વીરસિંહે પુત્રી માટે સમોવડિયા કુટુંબમાંથી જન્મપત્રિકાઓ મંગાવવા માંડી અને રાજપુત્રોનાં ચિત્રો મંગાવ્યાં. એમ કરતાં બે રાજકુમાર અંજલિને યોગ્ય લાગ્યા. રાજ-જ્યોતિષીએ આવીને એ બંનેની કુંડળીઓ માંડી ગ્રહોનું ગણિત ગણવા માંડયું. છેવટે તે બોલ્યા “રાજન ! બંને રાજકુમાર કુંવરી માટે આમ તો યોગ્ય છે. સુજાનસિંહ વધારે ધર્મજ્ઞ છે પણ તેનું આયુષ્યબળ મને અલ્પ લાગે છે. જયારે બીજા પવનસિંહનું આયુષ્ય લાંબુ છે પણ જરા ઉતાવળિયો નીવડશે. બાકી તો બંને લગભગ સરખે સરખા ઊતરે છે. તેથી આપણે પવનસિંહને પસંદ કરીએ તો વધારે સારું રહે. વળી, અત્યારે કન્યાના લગ્નનો પ્રબળ યોગ છે. તે ચૂકી જઈએ તો પછી ઘણો કાળ રાહ જોવી પડે એમ લાગે છે.

વીરસિંહની આણ અને શાન સારી હતી. પવનસિંહનાં માતા-પિતાએ આનંદ સાથે અંજલિનું કહેણ સ્વીકારી લીધું અને ઘડિયાં લગ્ન લેવાયાં. પવનસિંહે અંજલિના રૂપ-ગુણ વિષે ઘણી વાતો સાંભળી હતી તેથી તેણે કન્યા જોવાનું મન થયું. પણ તે કાળના રજપૂત રિવાજો મુજબ તે વાત સ્વીકાર્ય બને તેમ હતી નહિ. તેથી ઘરે કોઈને ખબર આપ્યા વિના એક મિત્રને લઈને વીરસિંહના ગામમાં આવી પહોંચ્યો. રાજગઢમાં જતાં-આવતાં કન્યાને જોઈ લીધી. કન્યાને જોઈને પવનસિંહ ઘણો મોહિત થઈ ગયો તેથી વધારે રોકાઈ ગયો. સાંજે અંજલિ તેની સખી સાથે ગામની બહાર આવેલા મંદિરે જવા નીકળી ત્યારે બંને મિત્રો છુપાઈને તેની પાછળ પાછળ ગયા. ભગવાનનાં દર્શન કરી બંને સખીઓ પાસે આવેલા બગીચામાં વિશ્રામ કરવા બેઠી ત્યારે પણ આ બંને મિત્રો ઝાડવાંને ઓથે છુપાઈને ઊભા રહ્યા. હમણાં વિવાહ થયેલા હોવાથી અંજલિની સખીએ મોકળાશ જોઈ વાત કાઢી :

“બહેનબા, સાંભળ્યું છે કે તમારા હાથ માટે સુજનસિંહ અને પવનસિંહ બંનેની વાત ચાલતી હતી. એમાં સુજાનસિંહ વધારે ગુણિયલ, જ્ઞાની અને શીલ-સંસ્કારમાં આગળ હતો પણ તેને અલ્પ આયુષ્યનો યોગ હતો તેથી તમારા પિતાએ તેને પસંદ ના કરતાં પવનસિંહને પસંદ કર્યો.”

પવનસિંહે ઉત્તર સાંભળવા કાન સરવા કર્યા ત્યાં અંજલિ તો સહજભાવે બોલી : “બહેન અમૃતનાં તો ચાર ટીપાંય ક્યાં ? બે બિંદુ અમૃતની મીઠાશે તો આયખું ભરાઈ જાય, જયારે કૂવાને કાંઠે તો રોજ પાણી ભરવું પડે.” સામાન્ય અભિપ્રાય તરીકે બોલેલા શબ્દો સાંભળી પવનસિંહ સળગી ઊઠયો અને બંને મિત્રો ઝાડની ઓથેથી નીકળી પોતાના ગામ તરફ જવા નીકળી પડયા.

આમેય આ મુલાકાત ખાનગી હતી અને વાત કોઈને કહેવાય તેવી હતી નહિ. વળી લગન ઠેલવા માટે આ કારણ વજૂદવાળું ગણાય નહિ, તેથી લગ્ન તો લેવાઈ ગયાં પણ પવનસિંહને અંજલિના શબ્દોની જે ઝાળ લાગી હતી તેથી તે લગ્નની રાતે જ અંજલિનો ત્યાગ કરી દેશાટને જવા નીકળી ગયો. પુત્રના આમ એકાએક જતા રહેવાનું કારણ અંજલિ જ છે એવું પામી જવામાં શ્વસુર કુટુંબને ઝાઝી વાર ન લાગી. આમ, અપશુકનિયાળ ગણાયેલી વહુને કેટલા કાળ પછી ગામને છેવાડે આવેલું એક ઘર લઈ આપી જુદી કાઢી અને તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો. અંજલિએ પિયેરથી આ વાત શરૂઆતમાં ગુપ્ત રાખી હતી પણ એવામાં વીરસિંહનો દેહાંત થયો અને થોડાક કાળમાં તેમનો ગિરાસ પણ જતો રહ્યો. આ આઘાત ન જીરવી શકવાથી અંજલિની મા પણ સ્વર્ગે સિધાવી. આમ, અંજલિને માટે પિયરનાં દ્વાર પણ બંધ થઈ ગયાં. દુઃખ આવે ત્યારે ચારેય બાજુથી આવે – એ વાત બની.

પવનસિંહ ઘણો કાળ દેશાટન કરતો ફર્યો પણ મનમાં ક્યાંય શાંતિ ન લાગતાં તીર્થસ્થળોમાં ભ્રમણ કરવા લાગ્યો. એક દિવસ સરોવરને કાંઠે સાંજ વીતી ગયા પછી તે ગમગીન થઈને બેઠો હતો ત્યાં તેણે એક પક્ષીને આક્રંદ કરતું જોયું. ભોમિયાને પૂછતાં તેને જાણ થઈ કે રાત્રી પડતાં હવે પોતાનો પ્રીતમ ચક્રવાક નહિ મળે તેથી આ ચક્રવાકી વિલાપ કરે છે. આ પ્રસંગથી પવનસિંહને અંજલિદેવી યાદ આવી. વિયોગનો ભોગવટાકાળ પૂરો થવા આવ્યો હશે તેથી તેને વિચાર આવ્યો : વિના વાંકે ત્યજાયેલી મારી પ્રિયા અંજલિ આમ જ વિલાપ કરતી હશે. આમ વિચારતાં તેનું હૃદય ભરાઈ આવ્યું અને સ્વદેશ પાછા ફરવાનો તેણે નિર્ણય કર્યો.

પવનસિંહ ગામ પહોંચ્યો ત્યારે સંધ્યાના ઓળા ઉતરી ચૂક્યા હતા. ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે અંજલિને ગામને છેવાડે નાનું મકાન ફાળવવામાં આવ્યું છે અને તે ત્યાં રહે છે. પોતે અંજલિનો ત્યાગ કર્યો તેમાં અંજલિનો કંઈ દોષ નથી પણ પોતાની જ ભૂલ હતી તે વાત સૌને સમજાવી તે અંજલિના ગૃહે પહોંચ્યો. અંજલિની સ્થિતિ જોઈ તેણે ખૂબ દુઃખ થયું અને તેણે અંજલિની ક્ષમા માગી. અંજલિની તો જાણે વર્ષોની તપશ્ચર્યા ફળી. પતિની પુનઃપ્રાપ્તિ તેને મન મહત્વની હતી. પોતાના ભાગ્યના દોષે જ તે દુઃખી થઈ છે – એમ કહી અંજલિ પવનસિંહને પગે પડી. રાતભર વાતો કરી બંને વિરહી હૈયા હળવાં થઈ ગયાં. સવારે મંદિરે જઈ ભગવાનને પગે લાગી પછી ઘરે જવાનું નક્કી થઈ ગયું. સૂર્યનું પ્રથમ કિરણ નીકળ્યું ત્યાં તો

બંને જણ મંદિર પહોંચી ગયાં. ભગવાનને પગે લાગી ગદ્દગદ્દ કંઠે સ્તુતિ કરતાં તેઓ બહાર નીકળતાં હતાં ત્યાં તેમણે મંદિરના પ્રાંગણમાં વહેલી સવારે ધર્મકથા કરતા એક તેજસ્વી મહાત્માને જોયા. તેમની વાણી પ્રભાવશાળી હતી અને યોગાનુયોગ તેઓ કર્મની જ વાત કરતા હતા. એમાં ક્યાંક ‘વિયોગ’ની વાત સાંભળી બંનેને કથા સાંભળવાનું મન થઈ ગયું અને ત્યાં જ બેસી પડયાં.

મહાત્માજી કહેતા હતા : જીવ હસીને કર્મ બાંધે છે પણ તે સમયે તેને ખ્યાલ નથી હોતો કે એ કર્મ રડીને ભોગવવાં પડશે. ક્યારેય કોઈને તેના ઇષ્ટ જનથી વિયોગ ન કરાવવો. પશુ-પક્ષીને પણ છૂટાં ન પાડવાં. કોઈને કંઈ ગમતું હોય, કંઈ ઇષ્ટ લાગતું હોય તો તેનાથી તેનો વિજોગ ન કરાવવો. કોઈને ગમતી વસ્તુ લઈ લેવામાં ચોરીનો તો દોષ લાગે છે પણ ઇષ્ટના – પ્રિયના વિયોગથી જીવને જે દુઃખ થાય છે તેનું ભારે કર્મ બંધાય છે અને પરિણામે કોઈ ભવમાં વિરહની ભારે વેદના વેઠવી પડે છે.

કર્મના વિપાક કેવી રીતે થાય છે તે બાબત સમજાવતાં મહાત્માએ કથાનુયોગમાં આવતી સતી અંજનાની કથા કહી. અંજના પૂર્વભવમાં કોઈ ધનવાનની પત્ની હતી. તેની સાથે તેની શોક્ય પણ રહેતી હતી જે ખૂબ ધાર્મિક હતી. તે તેની પાસે દેવસેવા રાખતી હતી અને દેવની સેવા-પૂજા કર્યા વિના મોંમાં અન્નનો કણ કે પાણીનું ટીપુંય મૂકતી નહિ. અંજના પોતે કંઈ ખાસ ધર્મિષ્ઠ હતી નહિ, વળી, તે પતિને પ્રિય હતી તેથી ઘરમાં તેનું જ ચલણ હતું. શોક્યની ઈર્ષાથી અને કંઈ ટીખળથી તેણે શોક્યની દેવસેવાની પ્રતિમા ગુમ કરી દીધી. સવારે ઇષ્ટદેવની પ્રતિમા ન જોતાં અંજનાની શોક્ય ખૂબ દુઃખથી આક્રંદ કરવા લાગી. તેને દુઃખી થતી જોઈને અંજના વિશેષ આનંદમાં આવી ગઈ. પ્રતિમાનું પૂજન કર્યા વિના પેલી સ્ત્રીએ મોંમાં અન્નનો દાણોય ન મૂક્યો અને જળ પણ ન પીધું. આમ ને આમ બાર મુહૂર્ત નીકળી ગયાં. છેવટે શોક્યને ભૂખી-તરસી જોઈ અંજનાને દયા આવી અને તેણે દેવની પ્રતિમા બતાવી દીધી. દેવના ઉપર લાગેલી ધૂળ દૂર કરી તેનું પૂજન-અર્ચન કરી છેવટે તે સ્ત્રીએ અન્ન-જળ લીધાં. બાર મૂહુર્ત સુધી તે સ્ત્રીને તેણે ઇષ્ટદેવનો-પ્રિયનો વિયોગ કરાવી અંજનાએ તેને જે માનસિક ત્રાસ આપ્યો અને તેની પીડા જોઈ વળી જે આનંદ લીધો તેને લીધે વિયોગના કર્મનો એવો સજ્જડ બંધ પડયો પરિણામે બીજા જન્મમાં તેને તેના પતિથી બાર મુહૂર્ત નહિ પણ બાર વરસ વિયોગ વેઠવો પડયો અને ઝૂરવું પડયું.

મહાત્માની વાત સાંભળીને અંજલિ અને તેના પતિને પોતાના મનમાં ધોળાતા પ્રશ્નનો જાણે ઉત્તર મળી ગયો. તેમણે મનમાં નક્કી કર્યું કે હવે ક્યારેય કોઈ વહાંલાનો વિજોગ ન પડાવવો. કોઈની પ્રિય વસ્તુ ઓળવવી નહિ. અરે મશ્કરીમાં પણ કોઈને તેની પ્રિય કે ઇષ્ટ વ્યક્તિથી અથવા વસ્તુથી પણ વિખૂટું પાડવું નહિ. હવે તેમના મનમાં કોઈના પ્રત્યે કંઈ કડવાશ રહી નહિ.

કર્મના ગણિતમાં ભાવથી કે રસથી આવા ગુણાકાર થાય છે. કોઈને દુઃખ આપ્યું કે તુરત જ યથાતથા કર્મ બાંધ્યું. પણ વાત એટલેથી નથી પતતી. એ કર્મ બાંધતી વખતે જેટલો તેમાં રસ રેડયો, જેટલું રાચ્યા-માચ્યા તેના ઉપર કર્મના ભોગવટાની તીવ્રતા અને સમય નક્કી થાય છે. કર્મ તો ચાસણી જેવું છે. સાકર જેટલી વધારે ઊકળે તેટલી ચાસણી કડક થાય અને વધારે તાર કાઢે.

કર્મ ગણિતમાં જેમ ગુણાકાર થાય છે તેમ ભાગાકાર પણ થાય છે. કર્મ કર્યા પછી પશ્ચાતાપ થાય, તેનું પ્રાયશ્ચિત થાય અને સાચા દિલથી દુઃખ થાય તો કર્મનો ભાગાકાર પણ થઈ જાય. માટે જ્ઞાનીઓ કહે છે કે દુષ્કર્મનો પસ્તાવો કરો પણ સદ્કર્મોની પ્રશંસા કરો – અનુમોદના કરો.