
પોતનપુરનો રાજવી પરમ તત્વને પામવા સંસારને અસાર ગણી રાજપાટનો ત્યાગ કરી વનની વાટે ગયો છે. બાળકુંવરનો રાજ્યાભિષેક કરી રાજ્યની ધુરા મંત્રીઓના હાથમાં સોંપી છે. રાજ્ય બહાર આવેલા ઉપવનમાં સૂર્યની આતાપના લેતાં ધ્યાનમાં લીન થઈને ઊભો છે. રાજાએ સંસારમાંથી ચિત્ત ખસેડી લીધેલું છે અને આત્માભિમુખ કર્યું છે. ત્યાં બાજુની કેડી ઉપરથી બે સૈનિકો પસાર થઈ રહ્યા છે. રાજવીને સાધુના વેશમાં કષ્ટદાયક આસને ઊભેલો જોઈને એક સૈનિક બોલ્યો, ‘અહો ધન્ય છે. આ મુનિ ભારે તપ કરી રહ્યા છે. તેમને માટે દેવલોક તો શું મોક્ષ પણ દૂર નહિ હોય.” ત્યાં બીજો સૈનિક મુનિને જોતાં બોલ્યો, “અરે ! આ તો પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર છે. નાના બાળક પુત્રને માથે આખા રાજ્યનો ભાર નાખી, મંત્રીઓને કારભાર સોંપી પોતે ભગવાનને મેળવવા નીકળી પડયા છે. આમ કંઈ મોક્ષ મળશે ? ત્યાં રાજ્યમાં તો મંત્રીઓ ખટપટ કરી રહ્યા છે. ચંપાનગરના રાજા દધિવાહન સાથે કંઈક રંધાય છે. થોડાક દિવસમાં નવાજૂની થશે. રાજ્ય તો જવાનું જ પણ રાજકુમારનો જાન બચે તો પણ ઘણું.”
ધ્યાનસ્થ અવસ્થામાં પણ મુનિને ઊંડે ઊંડે આ વાત સંભળાઈ. પોતે સંસારનો ત્યાગ કર્યો છે છતાંય પોતાના પુત્રનો ઘાત થઈ જશે એવી વાત સાંભળતાં તેમની ધ્યાનની ધારા તૂટી અને સંસાર પ્રતિ વહેવા લાગી :
“અરે, હજુ હમણાં તો રાજ્યની ધુરા મેં મંત્રીઓને સોંપી છે. મંત્રીઓએ વફાદારીપૂર્વક રાજ્યનો વહીવટ કરવાનું અને કુમારને સંભાળવાનું વચન આપ્યું છે, અને ચાર દિવસમાં વાત આટલે આવી પહોંચી ! આ મંત્રીઓને ધિક્કાર છે. હું રાજ સિંહાસન ઉપર હોત તો એકેએકને ભારે દંડ દેત અને પાંશરા કરી નાખત.”
ત્યાં વળી તેમના કાનમાં પેલા શબ્દોનો જાણે પડઘો પડયો-મંત્રીઓ કુમારને ઘાત પણ કરે. રાજકુમારનો જાન બચે તો પણ ઘણું-બસ પછી તો રાજવી મનોમન ઊકળી ઊઠયા : ‘હજુ તો હું અહીં જીવતો બેઠો છું. મંત્રીઓ સમજે છે શું ? તેમને તો ઠેકાણે જ પાડવા રહ્યા. અને આમને આમ પ્રસન્નચંદ્ર મનોમન મંત્રીઓ સાથે યુદ્ધે ચડયા. બાહ્ય રીતે તો તેઓ ધ્યાનની કાષ્ટમય મુદ્રામાં જ સૂર્યની આતાપના લઈ રહ્યા છે. પણ અંદર તો ધ્યાનની ધારા બદલાઈ ગઈ. મનથી તો રાજવી મંત્રીઓ સાથે ધમાસાણ યુદ્ધ કરે છે. ત્યાં રાજમાર્ગ ઉપરથી મહારાજા શ્રેણિક પોતાના રસાલા સાથે ભગવાન મહાવીરને વંદન કરવા જઈ રહ્યા હતા. તેમની નજર પ્રસન્નચંદ્ર ઉપર પડી અને તે વિચારવા લાગ્યા : ધન્ય છે આ રાજવીને. હું તો હજુ રાજ-કાજમાં લબ્ધાયેલો પડયો છું. જયારે તેમણે તો પળવારમાં કુટુંબ, સમૃદ્ધિ, વૈભવ બધું છોડી દીધું.’ આમ, મુનિની પ્રશંસા કરતાં શ્રેણિક મહારાજાએ તેમને વંદન કર્યા અને આગળ વધ્યા. ભગવાન પાસે આવીને વંદન કરીને બેઠા પછી શ્રેણિકે સહજ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો ;
“પ્રભુ ! માર્ગમાં આવતાં મેં પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા. તેઓ આકરું તપ કરતા ધ્યાનમાં લીન હતા. તેઓ જો એ જ અવસ્થામાં મૃત્યુ પામે તો તેમનો જીવ ક્યાં જાય ?”
“સાતમી નર્કે.” પ્રભુએ ટૂંકો ઉત્તર આપ્યો. શ્રેણિકને લાગ્યું કે ક્યાંક ગેરસમજ થઈ છે કારણ કે સાધુને તો નરક ગમન સંભવે જ નહિ. તેથી થોડીકવાર રહીને તેમણે ફરીથી પ્રશ્ન કર્યો.
“હે ભગવાન ! પ્રસન્નચંદ્ર ઋષિ જેમણે સંસાર છોડયો છે, રાજ્યનો ત્યાગ કર્યો છે અને અત્યારે તપ તપી રહ્યા છે તેમની વાત હું કરું છું કે તેઓ અત્યારે કાળે કરે (મૃત્યુ પામે) તો તેમનો જીવ કઈ ગતિમાં જાય ?”
ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, “સર્વાર્થ સિદ્ધ નામના ઉચ્ચતમ દેવલોકમાં જાય.”
શ્રેણિક ભગવાનની પરસ્પર વિરોધી લાગતી વાતોથી મૂંઝાઈ ગયા તેથી તેમણે સ્પષ્ટતા કરવા ભગવાનને ફરીથી પૂછ્યું, “ભગવંત, આપે થોડીકવારના અંતરમાં આમ પરસ્પર બે વિરોધી વાત કહી તેથી મને સમજ નથી પડતી કે મારે શું માનવું ?
ભગવાને સ્પષ્ટતા કરતાં કહ્યું, “શ્રેણિક તે જયારે પ્રથમવાર પ્રશ્ન કર્યો ત્યારે એ રાજવીના મનમાં ધમાસાણ ચાલતું હતું. તેઓ મનોમન તેમના મંત્રીઓ સાથે યુદ્ધે ચડેલા હતા અને તેમનો વધ કરવા તત્પર થયા હતા. આવા રૌદ્ર ધ્યાનમાં જીવ મરે તો તે સાતમી નરકે જાય. તે બીજી વાર પ્રશ્ન કર્યો ત્યારે તે રાજવીના મનોભાવ પલટાઈ ગયા હતા. મંત્રીઓ સાથે માનસિક યુદ્ધ કરતાં તેમનાં બધાં શસ્ત્રો પૂરાં થઈ ગયાં. તેથી છેવટે તેમણે પોતાના માથા ઉપર રહેલો મુગટ કાઢી તેનાથી દુશ્મનો સાથે લડવા માથા ઉપર હાથ મૂક્યો ; ત્યાં તેમને ભાન થયું કે માથું તો મુંડિત છે – મુંડાયેલું છે. તેઓ તો સાધુ થયેલા છે અને તેમણે રાજ-પાટનો ત્યાગ કરેલો છે. તેમને અને રાજ્યને શો સંબંધ ? પોતાનું કોણ ? અને પારકું કોણ ? માટે સાધુને વળી શત્રુ કેવા ? અને યુદ્ધ કેવું ? કષાયો-રાગ અને દ્વેષ એ જ મારા શત્રુઓ. મારે તો તેમની સામે લડવાનું છે. પેલા સૈનિકની વાત સાંભળીને હું ક્યાં વળી દુર્ધ્યાનમાં ચડી ગયો ? અરર ! હજુ તો મારા મનમાં સંસાર દબાઈને-છુપાઈને પડેલો છે. છેક ઊંડાણમાં હજુ રાગ અને દ્વેષના અગ્નિના કણિયા પૂરા બુઝાયા નથી. તેના ઉપર રાખ વળેલી છે પણ અંદર તો અગ્નિ સળગે છે જેમાંથી નિમિત્ત મળતાં ભડકો થયો. આમ ચિંતન કરતાં તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા. મનથી કરેલા યુદ્ધની નિંદા કરતાં તેમના ધ્યાનની ધારા પલટાઈ અને આત્મા તરફ વળી ગઈ. પછી આત્માના ગુણોનું અને સંસારના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં ધર્મ ધ્યાનની ધારાએ ઊંચે ચડવા લાગ્યા તેથી પરિસ્થિતિ તદ્દન પલટાઈ ગઈ. તે સમયે તેમના ભાવો એટલા સુંદર હતા કે જો તેઓ તે સમયે મૃત્યુ પામે તો ઉચ્ચતમ દેવલોકમાં જાય. તેથી મેં તે પ્રમાણે ઉત્તર આપ્યો. આમ, થોડીકવારમાં તને જુદા જુદા બે ઉત્તરો મળ્યા એટલે તું મૂંઝાઈ ગયો પણ તેનું કારણ તેમની અંદર પલટાતા ભાવો અને બદલાતા ધ્યાનની ધારા છે.”
મહારાજા શ્રેણિક હજુ તો ભગવાને કરેલી વાતનો વિચાર કરે છે એટલામાં તો જરા દૂર દેવ-દુંદુભિ વાગવા લાગ્યાં. આમ અચાનક દિવ્ય ધ્વનિ સંભળાતાં શ્રેણિકે વિસ્મયથી પ્રશ્ન કર્યો, “ભગવાન ! આ બધું શું બની રહ્યું છે ? આ દિવ્ય ધ્વનિ ક્યાંથી આવી રહ્યો છે ?”
“પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આત્માના ગુણોનો ઘાત કરનારાં તમામ ઘાતી કર્મોનો તેમણે નાશ કરી નાખ્યો તેથી દેવો મહોત્સવ માનવી રહ્યા છે.” ભગવાને ગંભીર વાણીમાં વાત સમજાવી.
પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રસંગ કર્મની એક ગહન વાત સમજાવે છે. કરોડો જન્મોનાં કર્મ ભોગવીને પૂરાં ન થાય. કર્મોના આ અખૂટ સંચય તોડવા માટે, ખાલી કરવા માટે ધ્યાન જેવું કોઈ સબળ સાધન નથી. જેમ અગ્નિનો એક કણિયો આખા જંગલને સળગાવી શકે છે તેમ ધ્યાનાગ્નિ પ્રજવલિત થતાં અનેક જન્મોનાં કર્મો પળવારમાં ભસ્મીભૂત થઈ જાય છે. પણ તે ધ્યાન ઉચ્ચ કોટિનું હોવું જોઈએ અને આત્માનાં પરિણામ સતત વિશુદ્ધ થઈને ચઢતાં રહેવાં જોઈએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિની ધ્યાનની ધારા જેવી પલટાઈ કે તુરત જ તેમના આયુષ્ય બંધની યોગ્યતામાં ઘણા મોટા ફેરફાર થઈ ગયા. ધ્યાનધારા કલુષિત બની હતી ત્યારે તેઓ સાતમી નરકનું આયુષ્ય બાંધતા હતા પણ ધ્યાનધારા વિશુદ્ધ બની ગઈ ત્યારે આયુષ્યના કર્મબંધની યોગ્યતા ઉચ્ચતમ દેવલોકની થઈ ગઈ. વળી વિશુદ્ધ ધ્યાનની ધારા એટલી તો પ્રબળ બનતી રહી કે છેવટે ઉચ્ચતમ દેવલોકના આયુષ્યબંધની ક્ષમતાને પાર કરીને તેથીય આગળ ઊંચે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરીને વિરમી પ્રસન્નચંદ્ર કૃત્યકૃત્ય થઈ ગયા.
આ પ્રસંગને સમાંતર કહી શકાય એવી બીજી એક વાત જીરણ શેઠની વાત આવે છે. ભગવાન મહાવીર ચાતુર્માસના ઉપવાસ છોડે ત્યારે તેઓ પોતાને ત્યાં પારણાં કરે તેવો તેમને ભાવ છે. આ માટે તેઓ રોજ ભગવાનને વિનંતી કરવા જાય છે અને ઘરે આવી પોતાના કુટુંબ સાથે, ભગવાનનાં પારણાં સમયે શું શું કરીશું તેનું ઉલ્લાસપૂર્વક ચર્ચા-વિચારણા કરે છે. આમ, વાતો કરતાં કરતાં એક વખતે તેમના મનમાં ભગવાન, ભગવાનનો પ્રરૂપેલો ધર્મ, સંસારનું વિષમ સ્વરૂપ ભગવાનનું તપ અને પોતાને ત્યાં ભગવાન જેવા ભગવાન પારણાં કરવા પધારશે એમ ચિંત્વન કરવા લાગ્યા. ચિંતન કરતાં કરતાં તેમની ભાવધારા શુદ્ધ-વિશુદ્ધ થવા લાગી અને આત્માનાં પરિણામો ઉત્તરોત્તર ચઢતાં હતાં. ત્યાં ભગવાનનાં પારણાં બીજે ક્યાંક થઈ ગયાનો સૂચક દેવદુંદુભિ નાદ તેમને કાને પડતાં તેમના ધ્યાનની ધારા તૂટી. કથાકાર કહે છે કે જીરણ શેઠની એ ધ્યાનધારા ન તૂટી હોત તો થોડીકવારમાં તેમને કેવળજ્ઞાન થઈ ગયું હોત એટલા તેમના ભાવો શુદ્ધ હતા અને આત્માનાં પરિણામો ચડતાં હતાં. આ ધ્યાનધારા તૂટવાને લીધે તેમણે બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. આમ, એક બાજુ ધ્યાનની ધારા સહેજ તૂટી અને પલટાઈ ત્યાં બીજી બાજુ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અસંખ્ય વર્ષોનું અંતર પડી ગયું.
કર્મ જ સંસારમાં રખડાવે છે. કર્મસત્તા ખૂબ પ્રબળ છે પણ તેનો પરાજય કરવા માટે ધ્યાન જેવું કંઈ અસરકારક નથી. પણ આ વાત છે ધર્મધ્યાનની. ધર્મથી ધ્યાનની ધારાએ ચઢેલો જીવ છેવટે શુક્લ ધ્યાનની ધારા પકડી લે છે અને પછી તો મોક્ષ ઘણો નજીક આવી જાય છે આમ જોઈએ તો અવશ્ય લાગે કે ધ્યાનનો માર્ગ ટૂંકામાં ટૂંકો છે પણ તે દેખાય છે એટલો સરળ નથી. ધ્યાન માર્ગ ખૂબ દુર્ગમ છે. અહીં અત્યારનાં પ્રચલિત ધ્યાનોની વાત નથી. એવા ઘ્યાનોથી શરીરની ક્ષમતા વધે કે મન ઉપરની તાણ ઓછી થાય અને મન શાંત તેમજ સ્વસ્થ બની શકે. પણ કર્મનો ગઢ જીતવા માટે એ ઘ્યાનોની તાકાત ઓછી પડે. આપણે આ વિવાદમાં નથી પડવું પણ તેનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે આપણે ધ્યાનના ભ્રમમાં રહીને ક્યાંક ભવભ્રમણ વધારી ન દઈએ. ધ્યાન મોટેભાગે તો અપવાદ માર્ગ છે બાકી રાજમાર્ગ તો છે પંચાચરના પાલનનો.
પંચાચર શબ્દ જૈન પરિપાટીનો છે. જ્ઞાન, ધ્યાન, ઇત્યાદિ માર્ગો કઠણ પરિશ્રમ, આત્માનું બળ અને અપૂર્વ શુદ્ધિ માગી લે છે જે સૌ જીવો માટે સુગમ નથી. તેથી જૈનાચાર્યોએ પંચાચારનો આગ્રહ રાખ્યો છે અને તેનું ખૂબ મહત્વ આંક્યું છે. પંચાચાર પાંચ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જ્ઞાનાચારમાં આત્મા, કર્મ, બંધન, મુક્તિ, ધર્મ એ બધા વિષયો જાણવા માટે અભ્યાસ કરવાનો હોય છે. અને ગુરુની નિશ્રામાં કે દોરવણી હેઠળ આ બધું યોગ્ય રીતે જાણવામાં આવે તો પછી આગળ વધવું મુશ્કેલ ન રહે. દર્શનાચારમાં ભગવાનનાં દર્શન-વંદન-પૂજન ઇત્યાદિ હંમેશા કરતા રહેવાનું હોય છે જેથી વિવેકપૂર્વકની ધર્મ ઉપર શ્રદ્ધા થાય અને દર્શનની શુદ્ધિ થાય. તેથી આપણે ત્યાં દેરાસર બંધાવવામાં આવે છે અને દર્શનનાં વિધિ-વિધાનો ગોઠવવામાં આવ્યાં છે. જાણ્યું, જોયું, માન્યું પણ તેનું આચરણ ન કર્યું તો બધું વ્યર્થ નીવડયું. માર્ગ જાણીએ પણ એના ઉપર ચાલીએ જ નહિ તો હતા ત્યાંને ત્યાં જ રહી જવાના. આ છે ચારિત્રાચાર. તેમાં આચરણ અને સંયમના પાલનનું મહત્વ છે. જૈન ધર્મ કર્મરહિત અવસ્થાને મોક્ષ ગણે છે અને કર્મને તોડવા માટે, કર્મથી મુક્ત થવા માટે તપ જેવું કોઈ સુલભ સાધન નથી. તેથી જૈન ધર્મે તપાચારનું પાલન આવશ્યક ગણ્યું છે. જયારે છેલ્લો આવે છે-વીર્યાચાર. અહીં વીર્યાચાર શબ્દ પુરુષાર્થ, ઉત્સાહ, પ્રવર્તન એવા અર્થમાં વપરાય છે. જાણવા માટે, જાણેલું દ્રઢ કરવા માટે, આચરણ કરવા માટે અને તપ કરવા માટે – એમ ચારેય આચારનું પાલન કરવા માટે વીર્ય (શારીરિક અર્થમાં નથી) ફોરવવાનું છે, એટલે ઉત્સાહ રાખવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. આમ, પંચાચરનું પાલન એ જૈન ધર્મનો રાજમાર્ગ છે. ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કર્યા વિના, પંચાચરની અવગણના કરનાર મોટે ભાગે ભટકી જાય છે. પોતાની ભૂમિકા ઊંચી છે એમ માનનારા ઘણુંખરું આત્મવંચના કરતા રહી જાય છે.