Spread the love

આશરે બસો ત્રણસો વર્ષ પહેલાની વાત છે. અંગ્રેજોના શાસનની શરૂઆત થઈ ન હતી. દેશ અનેક રાજ્યોના સીમાડાઓથી ઉતરડી ગયેલો હતો. તે સમયનાં રાજ્યોમાં શેઠ શ્રીમંતોની ભારે વગ ચાલતી હતી. રાજદરબારમાં તેમનું સ્થાન મહત્વનું બની રહેતું કારણ કે રાજા કહો કે જાગીરદાર કહો તેમને આ મહાજનોની મદદની વાર-કવારે મદદની જરૂર પડતી હતી. એવા કાળમાં એક વચલા વગાના શહેર જેવા ગામમાં એક કંજૂસ શેઠ રહેતો હતો પણ તેનો વેપાર દૂર દેશાવર સુધી પથરાયેલો હતો. ઘરે અઢળક સંપત્તિ હતી પણ સગા છોકરા-વહુને પણ કંઈ આપતાં તેનો જીવ કચવાતો હતો. યોગાનુયોગ એ ગામમાં કોઈ સંત-મહાત્મા ચાતુર્માસ માટે રોકાયા હતા. શેઠ વ્યવહાર ખાતર રોજ તેમના વ્યાખ્યાનમાં ધર્મશ્રવણ માટે જતા હતા. ત્યાં સંત ઘણીવાર દાન-ધર્મનો મહિમા સમજાવે. ચોમાસું પૂરું થવાની તૈયારી હતી એટલે સંતે ગામમાં કોઈ સદાવ્રત ખોલવાની ભલામણ કરી. આખી સભામાં સૌએ આ શેઠનું નામ આગળ કર્યું. આમ, બીજી બાજુ શેઠના મનમાં પણ હવે થોડી ભૂખ જાગી હતી. વળી રોજ કથા સાંભળતાં દાન કરવાનો થોડો ભાવ પણ થયો હતો. લોકોએ તો મશ્કરી ખાતર જ શેઠનું નામ આગળ કર્યું હતું પણ શેઠે તો સાચેસાચ સદાવ્રત ખોલવાની “હા” ભણી. શેઠે સંતના હાથે સદાવ્રતનું ઉદ્દઘાટન કરાવ્યું.

હવે તો ગામમાં રોજ સવારથી સાંજ સુધી સદાવ્રતમાં જે જાય તેને દાળ-રોટી મળી રહેતી હતી. સદાવ્રતના પ્રભાવે શેઠની આબરૂ વધી ગઈ અને લોકો વાહ-વાહ કરવા લાગ્યા. કીર્તિ એ પણ નશો છે – જેનો શેઠને પાસ લાગી ગયો અને શેઠે સદાવ્રત માટે સખાવત કરી. પણ મૂળમાં તો શેઠે આ બધું કીર્તિ માટે અને વધારે તો કંજૂસાઈનું કલંક ધોવા માટે કર્યું હતું. બાકી તેમના હૃદયમાં ક્યાંય કરુણાનો વાસ ન હતો. મૂળ સ્વભાવ તો એવો ને એવો જ કૃપણ રહ્યો હતો.

એકવાર સદાવ્રતનો સમય પૂરો થઈ ગયો હતો ત્યાં પરગામથી આવેલો કોઈ ભિખારી આવી પહોંચ્યો. શેઠે બીજે દિવસે આવવા જણાવ્યું. ભિખારી ત્રણ દિવસનો ભૂખ્યો હતો. ઘણું કરગર્યો પણ શેઠ સમયપાલનના તેમના નિયમમાં અડગ રહ્યા, કારણ કે તેમના દિલમાં દયા તો હતી નહિ, તેમના દાન પાછળ ભાવ નામનો-કીર્તિનો હતો. ભૂખ્યો નિર્બળ ભિખારી લથડી પડયો અને ભોંય ઉપર પડતાં રામ-શરણ થઈ ગયો. પણ ત્યાં તો એક કૌતુક થયું. ભિખારીના પડવાનો ધડીમ કરતાકને જે અવાજ થયો તે વિચિત્ર લાગતાં શેઠે પાસે જઈ જોયું તો ભિખારીનું શબ સોનાનું થઈ ગયેલું લાગ્યું. શેઠે ખાતરી કરી શબમાંથી બનેલ સુવર્ણપુરુષને સદાવ્રતની નીચેના ભંડકિયામાં મૂકી દીધો. કેટલાક દિવસો પછી વળી આવો જ બનાવ બન્યો અને સદાવ્રતના આંગણામાં મરી જનાર ભિક્ષુકનો સુવર્ણપુરુષ બની ગયો હતો. પછી તો શેઠને લોભ લાગ્યો. સદાવ્રતને આંગણે પડીને કોઈ મરે તેની તેઓ આતુરતાથી રાહ જોવા લાગ્યા. પણ દિવસો સુધી કોઈ મર્યું નહિ તેથી એક વખત શેઠે સાંજને પહોરે એક દૂબળા પાતળા ભિખારીને કોઈ જોતું નથી તેનો ખ્યાલ રાખી લાકડીથી મારી નાખ્યો અને તે પણ મરીને સુવર્ણપુરુષ થઈ ગયો. શેઠે તેને પણ ભંડકિયામાં ભંડારી દીધો. પણ યોગાનુયોગ શેરીના વળાંક ઉપર આવી રહેલા એક માણસે આ બનાવ જોયો. સુવર્ણપુરૂષની તો તેને ખબર ન હતી પણ શેઠના આ અત્યાચારથી તેનું  દિલ કકળી ઊઠયું : હે ભગવાન ! આવા પાપીને ત્યાં ધનના ભંડારો ભરાય છે. કોઈ તેનું નામ પણ લેતું નથી અને ઊલટાની લોકોમાં-રાજદરબારમાં તેની કીર્તિની-સખાવતની વાતો થાય છે. બીજી બાજુ ધર્મી અને સીધા માણસને ત્યાં જાણે ધાડ પડે છે અને રાજ્ય પણ તેને રંજાડે છે. ધર્મ-સદાચાર અને નીતિથી રહેનારને ત્યાં ખાવાના સાંસા પડતા હોય છે. વળી લોકો પણ તેનો અનાદર કરે છે.

તેવામાં ગામની ભાગોળે આવેલા એક અવાવરું મંદિરમાં એક બાવાજી ધૂણી ધખાવીને બેઠા હતા. તે કોઈની સાથે ઝાઝી વાત કરતા નહિ પણ લોકોમાં તેમના ચમત્કારની વાતો ઘણી થતી હતી. બીજે દિવસે પેલો માણસ બાવાજી પાસે જઈને બેસી રહ્યો. સાંજે અવરજવર બંધ થઈ એટલે તેણે બાવાજી પાસે સરકીને શેઠની અને સદાવ્રતની વાત કરી. છેવટે તેણે નજરે જોયેલો શેઠનો ચમત્કાર કહેતાં પૂછ્યું, “બાપજી ! આ જગતમાં ભગવાન-બગવાન જેવું કંઈ છે કે નહિ ? ધર્મ અને ન્યાય જેવું તો કંઈ રહ્યું જ નથી. આમને આમ ચાલે તો અમારા જેવા જે થોડોકે ધર્મ કરતા હશે તેમનો પણ ધર્મમાંથી વિશ્વાસ ઉઠી જશે.”

બાવાજી ગંભીરતાથી આ માણસની વાત સાંભળી રહ્યા હતા. થોડીક વારમાં તેમણે આંખો મીંચી દીધી અને સમાધિ લગાવી. કેટલાક સમય પછી સમાધિમાંથી બાવાજી બહાર આવ્યા. સામે પડેલા કુંડમાંથી થોડી રાખ કાઢીને તેમણે માણસના કપાળમાં લગાડી શક્તિપાત કરતાં કહ્યું : ” બેટા અબ દેખો-ક્યા દિખતા હૈ ?’ માણસે થોડીકવારમાં ધ્યાનમાં ઊતરતાં કહ્યું, “બાપજી, ઘીથી ભરેલો એક સાગર મેં જોયો અને તેણે કાંઠે નાનો દીવો ટમ-ટમ થતો બળે છે – જાણે હોલવાઈ જવાની તૈયારીમાં છે.”

“બસ, યે બાત હૈ. પુણ્ય કા દીપક બુઝનેવાલા હૈ ઓર પાપ કા સાગર જલ ઉઠેગા.” બાવાજી બોલ્યા.

થોડાક દિવસ ગયા ત્યાં પેલા કૃપણ શેઠે વળી કોઈને મારીને ભંડકિયામાં સુવર્ણપુરુષને મૂકી દીધો. હવે તો શેઠ ખુશ-ખુશાલ રહેતા. તેમણે સદાવ્રતમાં છૂટે હાથે દાન દેવા માંડયાં. હવે તો રાત સુધી સદાવ્રત ખુલ્લું રહેતું હતું અને લાગે આવે ત્યારે કોઈને મારીને સુવર્ણપુરુષ મેળવી લેતા હતા. એક બાજુ શેઠના દાનની ધારાનો પટ વિસ્તરતો ગયો તેથી લોકોમાં તેમની વાહ-વાહ થવા લાગી. બીજી બાજુ ગામમાં ગને-હને વાત ફેલાવા લાગી કે માનો ન માનો સદાવ્રત પાસે કંઈ કૌતુક થાય છે અને ત્યાં ગયેલો માણસ ઘણીવાર પાછો ફરતો નથી. જાણે સદાવ્રત તેને ગળી જાય છે. આમ કેટલોક સમય ચાલ્યું.

ત્યાં એક દિવસ સદાવ્રત ખુલતાં ભિક્ષુકોએ નાક આડે કપડું દબાવી દીધું. કર્મચારીઓને પણ સમજ ન પડી કે આ અસહ્ય દુર્ગંધ ક્યાંથી આવે છે ? છેવટે બધાને લાગ્યું : માનો કે ન માનો પણ દુર્ગંધ સદાવ્રતની નીચેના ભોંયરામાંથી આવે છે. છેવટે ભિક્ષુકોએ ભોંયરાનાં બારણાં તોડી નાખ્યાં તો દુર્ગંધનો જાણે ધોધ વછૂટ્યો. શેઠે અંદર મૂકેલા બધા સુવર્ણપુરુષનાં વળી પાછાં શબ થઈ ગયેલાં અને તેમાંથી આ અસહ્ય દુર્ગંધ નીકળતી હતી. ગામમાં હો-હો થઈ ગઈ. થાણેદાર આવ્યો. સિપાઈઓ આવ્યાં. શેઠના હાથમાં કડીઓ નાખીને તેમને કેદમાં નાખ્યા. રાજ્યે તેમના આ ક્રૂર કૃત્ય માટે આકરી સજા કરી અને તેમની બધી મિલકત જપ્ત કરી લીધી.

ત્યાં પેલો માણસ દોડતો બાવાજી પાસે ગયો અને તેણે શેઠની આ બધી લીલા વર્ણવી. બાવાજીએ સ્મિત કરતાં વળી તેના કપાળમાં ભભૂતિ લગાવી તો તેને દેખાયું કે ઘીનો દીવો હોલવાઈ ગયો છે અને બાજુમાં રહેલો ઘીનો આખો સાગર સળગી ઊઠયો છે અને તેમાંથી ભીષણ જવાળાઓ ભભૂકી રહી છે.

આ છે પાપકર્મ અને પુણ્યકર્મના ઉદયની આંટીઘૂંટી જે ઘણા સમજતા નથી અને તેને કારણે તેમને ધર્મ, નીતિ અને સદાચારની સફળતામાં શંકા જાગે છે. જનસમાજમાં એક મોટી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે કરેલાં કર્મનું પરિણામ તુરત જ આવે. અમુક ગણ્યાંગાંઠયા અપવાદો સિવાય કરેલાં કર્મો ભાગ્યે જ તે જન્મમાં ઉદયમાં આવે છે. કર્મોને ઉદયમાં આવવાની અવધિ આમ તો કરોડો વર્ષો અને કરોડો જન્મોની છે પણ જો બહુ જ જલદીથી તે ઉદયમાં આવે તો પણ બે-ત્રણ ભાવ નીકળી જાય કે સહેજમાં સો-બસો વર્ષ નીકળી જાય. આપણે પહેલા ભાગમાં એની ચર્ચા કરી છે કે કર્મ બંધાતી વેળાએ તે ક્યારે ઉદયમાં આવશે તેના કાળની અવધિ નક્કી થઈ જાય છે. ક્યારે તે સત્વરે ઉદયમાં આવે અને ક્યારે વર્ષો પછી તેનો પરિપાક થાય તેનું ગણિત છે. તે ન જાણતા હોવાને આપણે ઉતાવળા થઈને અભિપ્રાય બાંધી દઈએ છીએ કે જગતમાં ન્યાય જેવું કંઈ નથી. કર્મસત્તા બિલકુલ નિષ્પક્ષ રહીને તેનો ન્યાય કરે છે, પણ તેની વ્યવસ્થા વિષે જો આપણને જ્ઞાન ન હોય તો આપણે ખોટે રવાડે ચડી જઈએ.

આ કથાનકમાં પણ શેઠનું જે પાપકર્મ ઉદયમાં આવ્યું તે મોટેભાગે આ જન્મના પાપનું ન હોય. અનેક જન્મોનાં પાપકર્મ, કોઈ પ્રબળ પુણ્યકર્મના ઉદયથી પાછળ રહી ગયાં હતાં. પુણ્યકર્મ ભોગવાઈ જતાં પાપકર્મ ઉદયમાં આવ્યાં અને જેનો પરચો આપણે જોયો. જે સમયે જે કર્મના ઉદયનો પ્રવાહ જોરદાર હોય તેમાં અન્ય કર્મો ખેંચાઈ પણ જાય અને તેની ખાસ અસર ન વર્તાય. પુણ્યકર્મનો પ્રવાહ જયારે ઘસમસતો વહી રહ્યો હોય ત્યારે પાપકર્મો કાં તો તેમાં તણાઈ જાય કે કાં તો કિનારે ફેંકાઈ જાય. ગ્રીષ્મમાં શોષાઈ ગયેલ નદીની જેમ જેવો પુણ્યપ્રવાહ પાતળો પડે કે તુરત જ પાપકર્મોનો ઉદય વર્તાવા લાગે. આવી જ વાત પાપકર્મના પ્રવાહ માટે પણ ખરી ઠરે. કર્મવાદનું રહસ્ય એના ઉદયના કાળની અવધિમાં છે. કર્મને ઉદયમાં આવતાં વર્ષોના વર્ષો અને જન્મોનાં જન્મો થાય છે. જે કર્મનો પ્રબળ ઉદય પ્રવર્તતો હોય તેમાં નબળું કર્મ પોતાનો પ્રભાવ ન દેખાડી શકે. આ કથાનકમાં પણ શેઠનું જે પાપકર્મ ઉદયમાં આવ્યું તે મોટેભાગે આ જન્મના પાપનું ન હોય. અનેક જન્મોનાં પાપકર્મ, કોઈ પ્રબળ પુણ્યકર્મના ઉદયથી પાછળ રહી ગયાં હતાં. પુણ્યકર્મ ભોગવાઈ જતાં પાપકર્મ ઉદયમાં આવ્યાં અને જેનો પરચો આપણે જોયો. જે સમયે જે કર્મના ઉદયનો પ્રવાહ જોરદાર હોય તેમાં અન્ય કર્મો ખેંચાઈ પણ જાય અને તેની ખાસ અસર ન વર્તાય. પુણ્યકર્મનો પ્રવાહ જયારે ઘસમસતો વહી રહ્યો હોય ત્યારે પાપકર્મો કાં તો તેમાં તણાઈ જાય કે કાં તો કિનારે ફેંકાઈ જાય. ગ્રીષ્મમાં શોષાઈ ગયેલ નદીની જેમ જેવો પુણ્યપ્રવાહ પાતળો પડે કે તુરત જ પાપકર્મોનો ઉદય વર્તાવા લાગે. આવી જ વાત પાપકર્મના પ્રવાહ માટે પણ ખરી ઠરે. કર્મવાદનું રહસ્ય એના ઉદયના કાળની અવધિમાં છે. કર્મને ઉદયમાં આવતાં વર્ષોના વર્ષો અને જન્મોના જન્મો થાય છે. જે કર્મનો પ્રબળ ઉદય પ્રવર્તતો હોય તેમાં નબળું કર્મ પોતાનો પ્રભાવ ન દેખાડી શકે.

એક વાત ખાસ સમજવા જેવી છે કે આ જન્મમાં કરેલાં કર્મોને આપણે ભાગ્યે જ આ જન્મમાં ભોગવીએ છીએ. તેમાં એક બે અપવાદ છે પણ તેનું ગણિત જુદું છે – જેની વાત અહીં અસ્થાને છે. આપણને જયારે લાગે કે આપણી દશા પલટાઈ રહી છે ત્યારે પણ તે ગત જન્મોનાં કર્મોના ઉદયની અદલાબદલી થવાને કારણે હોય છે. આ જન્મમાં કરેલા પુણ્યકર્મનું કે પાપકર્મનું ફળ આ જન્મમાં ભાગ્યે જ મળે છે. આ જન્મના કર્મનો ઉદય તો Rarest of Rarest – દુર્લભમાંય દુર્લભ છે.