
સુનંદા એક રાજપુત્રી હતી. હજુ તો તે પૂર્ણ વયમાં આવે તે પહેલાં તેને એક જગાએ પતિને તેની પત્નીને મારઝૂડ કરતા જોયો. આ જોઈને તે છળી ઊઠી અને તેણે મનોમન પોતે ન પરણવાનો નિર્ધાર કર્યો. લગ્નની વાત નીકળે ત્યાં જ તે ખૂબ બેચેન બની જતી હતી તેથી પરિવારમાં સૌ કોઈ તેની પાસે લગ્નની વાત જ કરતાં નહિ. પણ સુનંદા સોળ વર્ષની ઉંમર વટાવી ગઈ અને તેના ભાવો પલટાવા લાગ્યા. એવામાં તેણે અટારીમાંથી એક નવપરણિત યુગલને પ્રેમચેષ્ટાઓ કરતું નિહાળ્યું અને તેના મુખમાંથી નિઃસાસો નીકળી ગયો. થોડાક સમયમાં સુનંદાનું યૌવન આકારો ધારણ કરતું નિખારવા લાગ્યું અને એકાદ વર્ષ જતામાં તો સુનંદા કન્યામાંથી સ્વરૂપવાન તરુણી બનવા લાગી. હૃદયમાં નવા ભાવો જાગતા અને પગ જાણે કંઈ ઊડવા માગતા હોય તેવો તનમનાટ તેના શરીરમાં વ્યાપી રહ્યો.
એવામાં સુનંદાએ રાજમાર્ગ ઉપર ઊભા રહેલા એક સુંદર અને શરીર સૌષ્ઠવવાળા યુવાનને જોયો અને તેને જોઈને તેનું મન વિહવળ થઈ ગયું. હૈયું હાથમાં ન રહેતાં તેણે એક ચિઠ્ઠી લખીને દાસી સાથે તે યુવાનને મોકલાવી :
निरर्थक जन्म गतं नालिन्याः यया न दृष्टं तुहिन्नांशु बिम्बं
જેણે ચંદ્ર જોયો નથી તે કમલિનીનો જન્મ નિરર્થક છે.
દાસીએ એ સુંદર યુવાનને સુનંદાની ચિઠ્ઠી આપી. જોગાનુજોગ એ યુવાનનું નામ રૂપસેન હતું અને તે રસિક પણ હતો. ઝરૂખામાં ઊભી રહેતી સ્વરૂપવાન નમણી રાજકુમારીને જોતાં રૂપસેન મોહી ગયો અને તેણે ઉત્તર પાઠવ્યો :
उत्पत्तिरिन्दोरपि निष्फलैव द्रष्टा विनिद्रानलिनी न येन
જેને જોઈને નલિની વિક્સ્વર થઈ નથી તે ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે.
પછી તો આમ પરસ્પર પત્રોની આપ-લે થવા લાગી અને દૂરથી ભાવભરી આંખોનાં મિલન થતાં હતાં પણ પ્રત્યક્ષ મળવું મુશ્કેલ હતું. બંને પ્રેમીઓના દિલમાં મિલનની ઝંખના વધતી ગઈ પણ કોઈ માર્ગ મળતો ન હતો. એવામાં કૌમુદી ઉત્સવ આવ્યો અને રાયથી રંક સુધીના સૌ તેમાં ભાગ લેવા ઉમંગે ઉમંગે તૈયાર થઈને જવા લાગ્યા. આ પહેલાં સુનંદા અને રૂપસેન વચ્ચે મિલનનો સંકેત થઈ ગયો હતો તેથી સુનંદા અસ્વસ્થ તબિયતનું બહાનું કાઢી ઘરે રહી અને રૂપસેન પણ એ જ રીતે ઘરે રોકાઈ ગયો હતો. રાજમહેલમાંથી સૌ ગયા પછી સુનંદાએ પ્રકાશ સહેવાતો નથી એમ બહાનું કાઢી પોતાના ખંડોના દીવા બુઝાવી નાખ્યા અને રૂપસેન માટે મહેલની અટારીએથી દોરડાની એક નિસરણી લટકાવી. વિશ્વાસુ દાસીઓ રૂપસેનના આવવાની રાહ જોવા લાગી અને સુનંદા અંધકાર ભરેલા પોતાના શયનકક્ષમાં પ્રિયતમની રાહ જોતી પલંગ ઉપર બેસી રહી.
યોગાનુયોગ એવામાં ત્યાંથી મહાલવ નામનો એક ચોર નીકળ્યો અને તેણે મહેલની પાછળના આ ભાગમાં અંધકાર જોયો. વળી અટારીએથી લટકતી નિસરણી પણ જોઈ. મહાલવ તે દિવસે જુગારમાં ઘણું હાર્યો હતો એટલે કોઈ મોટી ચોરી કરવા ફાંફાં મારતો હતો. તે ચુપકીદીથી નિસરણી પાસે આવી ઉપર ચડવું કે ન ચડવું – તેમ વિચાર કરતો હતો ત્યાં તો દાસીએ ઉપર આવવા ઈશારો કર્યો. ચોરે આવેલી તક ઝડપી લીધી અને ઉપર ચડી ગયો. દાસીએ ધીમેથી કહ્યું : “રૂપસેન, તમે કંઈ બોલશો નહિ. રાણીસાહેબ હમણાં જ આવીને ગયાં છે. હજુ બહાર નીકળ્યાં નથી.” અને દાસી રૂપસેનને સુનંદાના શયનકક્ષમાં દોરી ગઈ. ખંડમાં પૂર્ણ અંધકાર હતો. વળી અવાજ ન થાય તેની કાળજી રાખવાની હતી તેથી કામાતુર સુનંદાએ કંઈ પણ બોલ્યા વિના રૂપસેનનો હાથ પકડી લીધો અને ગાઢ આલિંગન આપ્યું. મહાલવ તો કંઈ પણ વાત સમજે તે પહેલાં તે વિશિષ્ટ પરિસ્થિતિમાં આવી પડયો. સામેથી આવી મળેલી સ્ત્રીની અવગણના કરવા જેટલું સત્ત્વ તો તેનામાં હતું નહિ. પળવારમાં બંને વચ્ચે સમાગમ થઈ ગયો. અને પછી સત્વરે વિદાય આપતાં સુનંદા ધીમેથી બોલી, “હાલ તો પધારો. ફરી મળીશું ત્યારે નિરાંતે બીજી બધી વાતો કરીશું.” વિધિનો વિચિત્રયોગ થઈ ગયો. ધનની ચોરી કરવા આવેલા ચોરના હાથમાં અનાયાસે રાજકુંવરીનું યૌવનધન આવી પડ્યું. મહાલવ તો આનંદથી નિસરણીનાં પગથિયાં ઊતરીને પળમાં ક્યાંય સરકી ગયો.
હવે આ બાજુ તો રૂપસેન પૂર્વસંકેત પ્રમાણે ઘરેથી નીકળ્યો. હજુ તો રાત્રીની શરૂઆત થઈ છે. ગામ આખું બહાર ઉપવનમાં કૌમુદી મહોત્સવ માણવા ગયું છે. રાજકુંવરી સાથે થનારા પ્રથમ મિલનના વિચારોમાં તે આગળ જઈ રહ્યો છે ત્યાં તો બાજુમાં આવેલા ઘરની એક નોંધારી જીર્ણ ભીંત તેના ઉપર તૂટી પડી અને તે તેની નીચે દબાઈને મરી ગયો. તે સમયે રૂપસેનનું ચિત્ત સુનંદામાં આસક્ત હતું. ‘હવે તો પળવારમાં પરસ્પર મળીશું, પ્રેમગોષ્ટિ કરીશું, વિષયસુખ માણીશું,’ એવાં તીવ્ર રાગવાળા ભાવોમાં રૂપસેન રમતો હતો અને તે સમયે જ તેનું મૃત્યુ થયું તેથી આયુષ્ય કર્મના યોગે તે સુનંદાની કૂખમાં જ ઉત્પન્ન થયો જેની શરૂમાં તો સુનંદાને ખબર પણ ન પડી. કૌમુદી મહોત્સવના બીજે દિવસે સુનંદાને રૂપસેનના ભીંત નીચે દટાઈને થયેલા મૃત્યુની વાત ખબર પડતાં તે ખૂબ ચિંતામાં પડી ગઈ. તેણે તો એમ જ માની લીધું કે મને મળીને પાછા જતાં રૂપસેનને આ અકસ્માત નડયો અને તે મૃત્યુ પામ્યો.
કર્મની ગતિ ઘણી વિચિત્ર છે. રૂપસેનનો જ જીવ સુનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યો છે અને દિવસે દિવસે ગર્ભ વિકસી રહ્યો છે. થોડાક સમયમાં ગર્ભનાં એંધાણ વર્તાયાં અને ચતુર દાસીની સહાયથી તેણે ગર્ભપાત કરી નંખાવ્યો. આમ, અજાણતાં જ સુનંદાના હાથે જ રૂપસેનના જીવનો, જન્મ લેતા પહેલાં જ ઘાત થઈ ગયો.
સુનંદાના ઉદરમાંથી ગર્ભ પડી જતાં રૂપસેનનો જીવ પછીના જન્મમાં સાપ થયો. આ બાજુ સુનંદાનાં લગ્ન બાજુમાં આવેલા પ્રદેશના એક રાજવી સાથે થઈ ગયાં છે. સુનંદા પૂર્વકાળની આ વાતને ભૂલીને સુખે પોતાના દિવસો રાજવીના સાથમાં પસાર કરી રહી છે. હવે સાપ થયેલો રૂપસેનનો જીવ સુનંદા તરફની તીવ્ર આસક્તિને લીધે સુનંદાના મહેલમાં તેના જ શયનખંડમાં આવી પહોંચ્યો અને સુનંદાને જોતા આનંદમાં આવી જેઇ તેની સામે પોતાની ફણા ઊંચી કરી ડોલવા લાગ્યો. સુનંદાએ ગભરાઈને ચીસ પાડતાં ચોકીદારો ઘસી આવ્યા અને તેમણે સાપને પકડીને મારી નાખ્યો.
સાપનો ભવ અકાળે જ પૂરો થઈ જવાથી પાછો એ જ જીવ કાગડો થઈ સુનંદાના મહેલના બગીચામાં રહેવા લાગ્યો. જયારે જયારે તે સુનંદાને જુએ ત્યારે તે ખૂબ આનંદમાં આવી જઈને કા-કા-કા- કરતો સુનંદાની પાસે આવી જતો હતો. એક વખતે વસંતોત્સવ વેળાએ મહેલના બગીચામાં સંગીતની મહેફિલ યોજવામાં આવી હતી. મહેફિલ શરુ થઈ અને સુનંદા પોતાના પતિ સાથે મહેફિલમાં આવી ત્યાં તો કાગડાએ તેને જોઈ. સુનંદાને જોતાં જ કાગડાએ ઉલ્લાસમાં આવી જઈ કાગારોળ મચાવી મૂકી. સંગીતસભામાં વિક્ષેપ પડવા માંડયો. વળી કાગડો ઊડી ઊડીને સુનંદા પાસે આવી જતો હતો. સેવકોએ કાગડાને ઉડાડવા ખૂબ કોશિશ કરી પણ કાગડો ત્યાંથી ખસે જ નહિ. છેવટે રાજાએ ગુસ્સે થઈને કાગડાને વીંધી નાખ્યો.
હવે રૂપસેનનો જીવ કાગડાના ભવમાંથી હંસના ભવમાં આવે છે પણ રહે છે તો સુનંદાના રાજમહેલના ઉદ્યાનમાં આવેલા જળાશયને તીરે. ગ્રીષ્મ ઋતુમાં રાજા-રાણી નમતી સંધ્યાએ જળાશયની પાસે આવીને બેસે ત્યારે આ હંસ સુનંદાની સામે જોતો જોતો પાણીમાં સરક્યા કરે અને વખતોવખત હર્ષની કિકિયારી કરે. હવે અહીં તેને સુનંદા કે તેના પતિ તરફથી ભય ન હતો. પણ થવા કાળ એવો કે એક વખત જળાશયની પાળે રાજા-રાણી બેઠાં હતાં અને ઉપરથી પસાર થતું કોઈ પક્ષી ચરક્યું. જેની ગંદકી રાજા ઉપર પડી. રાજાએ ચીડાઈને પક્ષીનો વેધ કરવા નિશાન તાક્યું ; પણ યોગ જ એવો ગોઠવાયો કે જળાશયને સામે તીરે બેઠેલું પક્ષી ઊડી ગયું અને વીંધાઈ ગયો હંસ. સુનંદા સામે જોતાં જોતાં તરફડીને હંસે પ્રાણનો ત્યાગ કર્યો.
પૂર્વ ભવની પ્રીતિની વાસનાથી તે પાસેના જ જંગલમાં હરણ થઈને જન્મ્યો. એક વખતે રાજા સુનંદાના સાથમાં અન્ય રસાલા સાથે શિકારે નીકળ્યા હતા ત્યાં તેમણે હરણોનું એક વૃંદ જોયું. કોમળ ઘાસ અને નવપલ્લવો ચરતાં સુંદર હરણાંઓને જોઈ રાજાએ શિકાર માટે અનુસંધાન કરવા માંડયું. માણસોના અણસારથી બધાં હરણાં ઠેકડા ભરતાં નાઠાં પણ રૂપસેનના જીવવાળું હરણ તો સુનંદાને જોતાં જ ગેલ કરવા માંડયું. હરણ લુબ્ધ નજરથી સુનંદાને જોવામાં જ તલ્લીન થઈ ગયું હતું તે જ સમયે રાજાએ તીરથી હણી નાખ્યું. આ હરણ હજુ તો કુમળું અને નાનું હતું તેથી તેનું માંસ ખૂબ મીઠું લાગશે એમ સમજીને તેના મૃતદેહને સાથે લઈ લીધો. શિકારેથી પાછા ફર્યા પછી રસોઇઆએ એ હરણના માંસની સ્વાદિષ્ટ વાનગી બનાવીને રાજા-રાણીને નાસ્તામાં આપી. ઉદ્યાનમાં હીંચકા ઉપર બેસીને રાજા-રાણી આ નાસ્તો કરી રહ્યા હતા ત્યાં બાજુમાંથી બે જ્ઞાની મુનિઓ નીકળ્યા. આ દ્રશ્ય જોઈને મોટા મુનિથી ‘અ-રે-રે’ એમ સહેજ ચીસ પડાઈ ગઈ અને તેમણે રાજા-રાણી તરફથી પોતાનું મુખ ફેરવી લીધું. મુનિ ભૂત અને ભવિષ્ય જોઈ શકતા હતા. તેમને અવધિ જ્ઞાન થયેલું હતું.
રાજા અને રાણીને મુનિ મહારાજનું આ વર્તન વસમું લાગ્યું. તેમણે તેમને ઊભા રાખી પૃચ્છા કરી. વાત કહેવાથી આ જીવોને લાભ થશે એમ ખાતરી થતાં મુનિએ કહ્યું, “તમારા અતિ આગ્રહથી હું વાત કરું છું તે તમે જીરવી જાણજો. તેનો સાર ગ્રહણ કરી બાકી રહેલું જીવન સુધારી લેજો.” આમ, બંનેને સાવધ કરી મુનિએ રૂપસેનના છ ભવ કેવી રીતે થયા અને દરેકનો અંત કેવી રીતે આવ્યો તે જણાવ્યું. વાત બરોબર મળતી આવી જતાં રાજા-રાણીને વિશ્વાસ પડયો. સંસારના આવા સ્વરૂપનું ચિંતન કરતાં બંનેને વૈરાગ્ય આવ્યો. સુનંદાએ ગદ્દ-ગદ્દ કાંઠે રાજાની માફી માગી અને સાધ્વી થવાની તૈયારી કરી. તેણે જ્ઞાની મુનિને પૂછ્યું. “રૂપસેને તો મને ભોગવી નથી અને મારે કારણે તેના છ – છ ભવ થયા અને તેના મૃત્યુનું કારણ દરેક વખતે હું જ બની છું. મારું હૃદય આ વિષમતા જીરવી શકતું નથી અને વેદનાથી ચીરાઈ જાય છે. મુનિ મહારાજ ! મને કહો કે અત્યારે હવે તેનો જીવ ક્યાં છે ? અને તેને હું કેવી રીતે મોહના આ વલયમાંથી મુક્ત કરું ?”
મુનિ મહારાજે ધીરજથી ઉપદેશ આપી સુનંદાને શાંત કરી અને આવા વિષમ સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ સમજાવીને કહ્યું, “અત્યારે રૂપસેનનો જીવ વિંઘ્યાચળના સુગ્રામ પાસે આવેલી અટવીમાં હાથી થયો છે.”
સુનંદાને સંસાર અકારો તો લાગી જ ગયો હતો પણ તેના મનમાં એક ભાવ પ્રબળ હતો કે જેણે મારા માટે સાત સાત ભાવ કર્યા તેને કોઈ રીતે ઉગારી લઉ. તેથી તે ચારિત્ર અંગીકાર કરી સાધ્વી થયા પછી પણ ગુરુની આજ્ઞા લઈ વિંધ્યાચળની આ અટવી જવા નીકળી. સુગ્રામ તો નાનકડું જ ગામ હતું અને તેના પાદરમાં જ જંગલ શરુ થઈ જતું હતું.
ગામના લોકોએ આમ જંગલમાં ન જવા સુનંદાને સમજાવવા પ્રયાસ કર્યો પણ સુનંદા માની નહિ. સુનંદા સૌની સલાહ અવગણીને આગળ ચાલી અને હજુ જંગલમાં માંડ પ્રવેશ કરે ત્યાં તો પેલા હાથીએ તેને જોઈ.
સુનંદાને દૂરથી જોઈને જ હાથી એકદમ ગેલમાં આવી ગયો. આનંદની ચીચીયારીઓ કરતો તે સુનંદા તરફ દોડતો આવવા લાગ્યો. ગામલોકોએ આમ હાથીને પાગલની જેમ દોડતો આવતો જોઈ નાસભાગ કરી મૂકી. લોકોએ સુનંદાને નાસી જવા, બચી જવા કહ્યું પણ તે તો અડગ ઊભી જ રહી. હાથીએ પાસે આવીને પોતાની સૂંઢ લાંબી કરીને સુનંદાના ગળાની આસપાસ વીંટાળી. હાથીની આંખોમાં તૃપ્તિનો આનંદ વર્તાતો હતો જે સુનંદાએ જોયો. સાધ્વી બનેલી સુનંદાએ પૂર્ણ આત્મબળથી કરુણાથી આદ્ર બનતાં હાથીને સંબોધતાં કહ્યું, “રૂપસેન યાદ કર, મારા મોહને લીધે તેં સાત સાત ભવ કર્યા. તું પશુ બન્યો, પંખી બન્યો, સાપ બન્યો. એમ મારા કાજે તું ભવભ્રમણ કરતો જ રહ્યો. છતાંય તું મને મેળવી તો શક્યો જ નહિ ; ઊલટાનો મારા પ્રત્યેના સ્નેહથી-મોહથી તું વીંધાતો જ ગયો. મને ભોગવ્યા વિના મારા માટેની વાસનાથી જ તારા આ હાલ થયા છે તો વળી કોઈ ભવમાં મને ભોગવવા મળશે તો પછી તારા શુંય હલ થશે ! હવે તો સમાજ. મારા પ્રત્યેનો રાગ છોડીને પાછો વળી જ. બસ હવે અહીં જ અટકી જા અને આગળનો ભવ સુધારી લે. જો મેં તો સંસાર છોડી દીધો છે તો તું હવે નહિ સમજે ?”
સુનંદાના શબ્દોની હાથી ઉપર ધારી અસર થઈ. તેને પૂર્વભવનું જાણે જ્ઞાન થયું અને સુનંદાની વાત માની ગયો. શાંત થઈ ગયો. તેણે સૂંઢ નીચી કરીને સુનંદાને નમસ્કાર કર્યા. હાથીની આંખો સજળ બની ગઈ અને તે ઘીમાં પગલાં ભરતો જંગલમાં પાછો વળી ગયો. જંગલમાં જઈ જળાશયને કાંઠે તેણે લંબાવ્યું અને અન્નજળનો ત્યાગ કરી મનોમન સંસારના સ્વરૂપનું ચિંત્વન કરતો સમતાપૂર્વક આરાધનાના ભવમાં સ્થિર થઈ ગયો. કથાનક કહે છે કે શુભ ભાવ અને તપશ્ચર્યાને પરિણામે હાથી પછીના ભવમાં દેવગતિને પ્રાપ્ત કરે છે અને ઉત્તરોત્તર તે આગળ વધતો જશે.
આગમોમાં નિરૂપાયેલી આ કથા ખૂબ સૂચક છે. જીવ ભોગવીને તો કર્મ બાંધે અને તેના યથાતથા વિપાકથી દુઃખો વેઠે, પણ ભોગવવાની માત્ર વાસના જ કેટલાં ભયંકર પરિણામો લાવી શકે છે તેનો આ કથાનક સચોટ ખ્યાલ આપે છે. ભોગની વાસનાને લીધે જેને માટે રૂપસેને સાત સાત ભવ કર્યા તે સુનંદાનો તો હજુ એનો એ જ ભવ ચાલે છે. કર્મની કેવી વિચિત્રતા ? કર્મવાદનાં રહસ્યો આ રીતે ઘણાં ગહન છે. જીવ તીવ્ર રાગ અને દ્વેષના ભાવોને લીધે ભવોની જન્મોની પરંપરા કરતો રહે છે. જીવનમાં ક્યારેય તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ કરવા નહિ અને જો કર્યા હોય તો તેનો પશ્ચાતાપ કરી દિલમાંથી કાઢી નાખવા જેથી જન્મોની પરંપરા તો ન ચાલે.
વળી, આ કથાનક બીજી પણ એક મહત્વની વાત કહી જાય છે જેને શાસ્ત્રોમાં અનર્થ દંડને નામે ઓળખવામાં આવે છે. અનર્થ એટલે કે જેનો કોઈ અર્થ નથી ; જેનું કંઈ પ્રયોજન નથી તેવી વાત માટે દંડ ભોગવવો પડે. પાપકર્મનો દંડ તો જીવ ભોગવે એ સમજી શકાય એવી વાત છે પણ જે પાપ આપણે કર્યું નથી, જેનો આપણે કંઈ લાભ લીધો નથી તેના માટે જીવ દંડાય એ કોઈ સમજુ માણસ ચલાવી લે ? રૂપસેનની વાત બહુ જુદા જ પ્રકારની છે ? જે ભોગ તેણે ભોગવ્યો નથી, જે નારીનો તેણે સંપર્ક પણ કર્યો નથી તે નારી માટે તેણે સાત સાત ભવ કર્યા તે નાનીસૂની વાત નથી. જયારે સુનંદાને અનાયાસે ભોગવનાર જીવ તો ક્યાંય બાજુએ રહી ગયો. પાપનો દંડ તેણે ભોગવવો પડયો હશે પણ તે વાસનારહિત-આસક્તિરહિત રહ્યો હશે તેથી તેણે સુનંદાની આસપાસ ભ્રમણ કર્યું નથી. આમ, ભોગ ભયંકર છે તેના કરતાં તેની વાસના વધારે ભયંકર છે. બચવાનું તો બંનેથી છે. પણ વાસના સૂક્ષ્મ છે તેથી માણસો ભ્રમમાં રહી જાય છે અને તેનું મહત્વ ઓછું આંકે છે. કર્મના વ્યવસ્થા તંત્રનો જેને ખ્યાલ હોય તે તો વાસનાનો સળવળાટ થતાં જ ચોંકી ઊઠે અને સાવધ થઈ જાય અને અનર્થ દંડમાંથી સહેલાઈથી બચી જાય.
જીવનમાં આપણે કેટલીય વાર વગર ફોગટનાં આવાં કે આને મળતાં કર્મો બાંધીએ છીએ જે આપણને ભાવિ જન્મોમાં અસહ્ય દંડ આપશે કે દુઃખ આપશે. માટે સવેળા ચેતી જઈએ. જાગ્યા ત્યાંથી સવાર.