આત્મા – પરમાત્મા અને કર્મ
આ વિશ્વની રચના સમજવા માટે આપણી પાસે બે માર્ગો છે. એક છે પ્રત્યક્ષ જ્ઞાનનો અને બીજો છે અનુમાનનો. મનુષ્યની પાસે મન છે તેથી વસ્તુને જાણવાની તેની ક્ષમતા સૃષ્ટિના અન્ય જીવો કરતાં વધારે છે. મનુષ્યની ઇન્દ્રિયોનો પણ વધારે વિકાસ થયેલો હોય છે તેથી તે શબ્દથી, સ્પર્શથી, રૂપથી અને ગંધથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યવહારમાં તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. (પણ વાસ્તવિકતામાં તે પરોક્ષ છે કારણ કે તેમાં ઇન્દ્રિયો અને મનની સહાય લેવામાં આવે છે) અધ્યાત્મમાં જે જ્ઞાન થાય છે તેનું ક્ષેત્ર ઘણું મર્યાદિત છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની બીજી રીત અનુમાનની છે તે મનની સહાયથી મળે છે. તે પણ મર્યાદિત તો પણ તેની અવધિ (સીમા) ઘણી વધારે છે. તેનો વિસ્તાર ઘણો મોટો છે. જે જ્ઞાન ઇન્દ્રિયો કે મનની સહાય વિના સ્વયં પ્રકાશી ઊઠે તેને અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. કેવળજ્ઞાન તે આ પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે અને આત્મા ઉપરથી કર્મનાં બધા આવરણો દૂર થતાં જ્ઞાનનો જે અનુભવ થાય છે તે પ્રત્યક્ષ છે. જ્ઞાનનો અનુભવ કરવા માટે એકવાર મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસ કરતાં વધુ પ્રભાવશાળી હોય છે

આત્મા-પરમાત્મા અને કર્મ એ સૂક્ષ્મ છે – અતિસુક્ષ્મ છે તેથી તે વિશેનું જ્ઞાન ઇન્દ્રિયોથી મેળવી શકાતું નથી. આ વિષયોને જાણવા માટે અનુમાનનો જ સહારો લેવો પડે છે. જગતના મોટાભાગના ધર્મોએ પરમાત્માનો સ્વીકાર કર્યો છે તે અનુમાનને આધારે જ કર્યો છે. આમ જોઈએ તો પરમાત્માને કોણે જોયો ? પણ વિશ્વની સંરચના સમજવા માટે ધર્મોએ પરમાત્માની ધારણા કરી અને પછી જે ગણિત માંડયું તેનાથી પરમાત્માની પુષ્ટિ થઈ. નિશાળે જતાં બાળકો પણ ગણિતના અઘરા દાખલા ગણતી વેળાએ એક રકમ ધારીને દાખલો ગણે છે અને પછી પોતાનો તાળો મેળવી લે છે. જગતના ઘણા બધા ધર્મોએ આમ પરમાત્માની ધારણા કરીને જ વિશ્વની રચનાઓ, વિશ્વની વ્યવસ્થાનો પોતાનો દાખલો ગણ્યો છે – તાળો મેળવ્યો છે.

આત્મા અને કર્મ પણ અતિ સૂક્ષ્મ છે – ઈન્દ્રિયાતીત છે. તેથી જો તેને સમજવાં હોય તો પણ અનુમાનથી જ આગળ વધવું પડે. જગતમાં જન્મ, જરા અને મૃત્યુનું ચક્ર ચાલે છે અને તે ચક્ર દરમ્યાન આપણને જીવોની બુદ્ધિ, સમૃદ્ધિ, લબ્ધિ, ક્ષમતા ઈત્યાદિની જે તરતમતા દેખાય છે તેનો કર્મનું અનુમાન કર્યા વગર મેળ બેસે નહિ. કર્મનું અસ્તિત્વ હોય તો તેનો કરનાર અને ભોગવનાર કોઈ હોવા જોઈએ. તેથી આત્માના અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો રહ્યો. જો આપણે આત્માનો સ્વીકાર કરીએ તો પછી પરમાત્માની કે પરમ તત્ત્વની વિચારણા આગળ આવીને ઊભી જ રહે. કેટલાક

ધર્મોએ પરમાત્માનો વ્યક્તિવિશેષ તરીકે સ્વીકાર કર્યો. તેમણે પરમાત્માની પ્રાપ્તિને સાધ્ય ગણ્યું. જે ધર્મોએ પરમાત્માનો વ્યક્તિવિશેષ તરીકે સ્વીકાર ન કર્યો તેમણે પરમ તત્ત્વની પરમાત્મ તત્ત્વની તો ધારણા કરી છે. તેમણે પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિને-પરમાત્મ પદને સાધ્ય ગણ્યું.

જીવ માત્રને સુખ-દુઃખનો જે અનુભવ થાય છે તે અનુભવ કરનાર કોણ ? વેદનાથી કણસતો માણસ જયારે કહે કે – હે ભગવાન, હવે મને આમાંથી છોડાવ ત્યારે એમાં બોલતો ‘મને’ કોણ ? અને ‘મને’ કહેનાર કોણ ? જો આપણે મનને માથે એ જવાબદારી નાખીશું તો પછી મન અને આત્મા વચ્ચે ઝાઝો ફરક નહિ રહે. જે ચિંતકોએ મનને અભ્યંતર ઇન્દ્રિય જ ગણી તેમણે તેની ઉપર રહેલી સત્તાને આત્મા કહ્યો. જે લોકો મનને જ સર્વ ગણી વિરમી ગયા તે લોકો ઝાઝું આગળ ન વધી શક્યા. મનુષ્ય, પશુ, પક્ષી એ બધાંય ઇન્દ્રિયો સાબૂત અને સક્ષમ હોવા છતાંય મૃત્યુ પામી શકે છે તેથી અનુમાન થાય છે કે ઇન્દ્રિયોની પાછળ જે જોનાર હતો, સાંભળનાર હતો, અનુભવ કરનાર હતો તે ચાલ્યો જતાં મૃત્યુ થયું. આ જે-તે વિષયોની અનુભૂતિ કરનારને આપણે જીવ તરીકે ઓળખીએ કે આત્મા કહીએ તો એમાં ઝાઝો ફેર નથી. હજુ સુધી વિજ્ઞાન શરીર-ઇન્દ્રિયો ઇત્યાદિને ભેગાં કરી તેને સજીવ નથી કરી શક્યું અને કરી શકે તેમ લાગતું પણ નથી. આમ, શરીર-ઇન્દ્રિયો ઈત્યાદિની પાછળ ચેતનાનો જે ધબકાર વર્તાય છે તેને વિશિષ્ટ તત્ત્વના આવિર્ભાવ તરીકે ગણવો રહ્યો. આ વિશિષ્ટ તત્ત્વ તે આત્મતત્ત્વ. તેને પછી પરમાત્માના અંશ તરીકે ગણો કે સ્વતંત્ર ગણો એ જુદી વાત છે.

જે ધર્મોએ આત્માનો સ્વીકાર કર્યો તે બધા ધર્મોએ આસ્તિક દર્શનો તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે અને જે ધર્મોએ આત્માનો કે પરમાત્માનો સ્વીકાર ન કર્યો તેને નાસ્તિક દર્શનો ગણવામાં આવે છે. વેદાંત, બૌદ્ધ, જૈન જેવાં દર્શનોએ ચૈતન્યનો સ્વીકાર કર્યો છે અને તેને આત્મતત્ત્વ કે પરમાત્મ તત્ત્વ તરીકે ઓળખ્યું છે. પાશ્ચાત્ય ધર્મોએ આત્મતત્ત્વ ઉપર સ્વતંત્ર રીતે ઝાઝો વિચાર કર્યો હોય તેમ લાગતું નથી પણ તેમણે સર્વશક્તિમાન ચૈતન્યને પરમાત્મા તરીકે વધારે સ્થાપ્યો છે. અરે, પ્રાચીન કાળના ચાર્વાક અને વર્તમાનકાળના નિત્સે જેવા જેવા નાસ્તિકોએ ચેતના વ્યાપારનો-ચૈતન્યનો સ્વીકાર કર્યો છે. સૌની વચ્ચે જે મતભેદ પડે છે તે ચૈતન્યના સ્વરૂપ અંગેનો. આસ્તિકોએ તેને શાશ્વત ગણ્યું જયારે નાસ્તિકોએ તેને અનિત્ય ગણ્યું. બૌદ્ધોએ ચૈતન્ય તત્ત્વને શાશ્વત ન ગણ્યું પણ સંસ્કાર દ્વારા ચાલુ રહેતી પરંપરાને – સંતતિધારાને તો નિત્ય ગણી. જૈનોએ આત્મ તત્ત્વને નિત્ય ગણ્યું પણ તેનાં બદલાતાં વિવિધ સ્વરૂપોને-પર્યાયોને અનિત્ય ગણી, તેનું આરોપણ આત્મામાં કરી. આત્મ તત્ત્વને નિત્યાનિત્ય ગણ્યું. જેમણે આત્માને – જીવને પરમાત્માનો અંશ ગણ્યો તેમને માટે તો અનિત્યતાનો તો

પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે તેમણે પરમાત્માને શાશ્વત-નિત્ય-આદિ અને અંતરહિત સર્વશક્તિમાન ગણ્યો છે. આત્મતત્ત્વ તેની અંતગર્ત આવી ગયું.

આમ, સૌએ આત્મ તત્ત્વનો એક કે બીજા પ્રકારે અથવા એક કે બીજા સ્વરૂપે સ્વીકાર તો કર્યો છે. કોઈએ શ્રદ્ધાથી સ્વીકાર કર્યો તો કોઈએ અનુમાનથી સ્વીકાર કર્યો. એ જ રીતે પરમાત્મ તત્વનો પણ જે સ્વીકાર થયેલો છે તેમાં અનુમાનની પ્રબળતા રહેલી છે કારણ કે તે પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. હવે જે ધર્મોએ-દર્શનોએ આત્માની નિત્યતા સ્વીકારી, સાતત્ય સ્વીકાર્યું તેમણે દેહના મૃત્યુ પછી જીવનું

વિવિધ યોનિઓમાં આવાગમન સ્વાભાવિક રીતે જ સ્વીકારવું રહ્યું અને સંસારમાં સૌ જીવો વચ્ચે બુદ્ધિનું, શક્તિનું, લબ્ધિનું, સમૃદ્ધિનું જે વત્તા-ઓછાપણુંજોવા મળે છે – જે તરતમતા છે તેને કર્માધીન ગણી.
આમ, કર્મવાદ અસ્તિત્વમાં આવ્યો.

આત્મા, પરમાત્મા અને કર્મ એ ત્રણેય અનુમાનથી જ સિદ્ધ થાય છે. કારણ કે તે ઇન્દ્રિયોનો વિષય નથી. જે ઈન્દ્રિયાતીત છે તેને જાણવા માટે અનુભૂતિ જોઈએ. આપણે વ્યવહારમાં ‘માનવું’ અને ‘જાણવું’ એ બે શબ્દોનો બહુ સરળતાથી ઉપયોગ કરી છીએ. જયારે વાસ્તવિકતામાં એ બંને શબ્દોના ભાવાર્થમાં ઘણો તફાવત છે. અમેરિકા, રશિયા, જાપાન વગેરે દેશો જાતે જોયા વગર કોઈ માહિતીના આધારે કહે કે હું જે-તે દેશ વિશે જાણું છું, પણ વાસ્તવિકતામાં તે માણસ તે દેશોને જાણતો નથી પણ તે દેશ વિશે જે કંઈ વાંચ્યું છે – સાંભળ્યું છે તેને તે માને છે. માહિતીથી માની શકાય, અનુમાનને આધારે માની શકાય પણ જાણવા માટે અનુભૂતિ જોઈએ. એ દેશોની મુલાકાત લઈ આવનાર, ત્યાં રહેનાર કહી શકે કે હું તે દેશને જાણું છું. વાસ્તવિકતામાં આત્માને આપણે જાણતા નથી, આપણે પરમાત્માને જાણતા નથી, આપણે કર્મને પણ જાણતા નથી, પણ અનુમાનથી આ બધાંને આપણે માનીએ છીએ. બહુ જ

સ્થૂળ ઉદાહરણ લઈએ તો આપણે આપણા વડદાદાને પ્રત્યક્ષ જોયા નથી પણ આપણી ઉત્પત્તિ જ એ વાતનો સબળ પુરાવો છે કે આપણા દાદાઓનું અસ્તિત્વ હતું. એકવાર આપણે ‘માનવું’ અને ‘જાણવું’ એ બાબત સ્પષ્ટ થઈ જઈએ પછી અનુમાન અને અનુભૂતિ વચ્ચેનો તફાવત સમજાઈ જશે.

આત્માની અનુભૂતિ સાધ્ય છે. એ જ્ઞાનનો વિષય નથી. જેમ દીવા વડે દીવાને જાણી શકાય, સૂર્ય વડે જ સૂર્યને જોઈ શકાય તેમ આત્માના પ્રકાશમાં આત્મા જોઈ શકાય. આત્માને જાણવા અન્ય કોઈ સાધન કામમાં ન આવે. આ અવસ્થાને “આત્મજ્ઞાન”ની અવસ્થા કહે છે, પરમાત્માનું દર્શન કહે છે. આ અવસ્થા અતિ શુદ્ધ અવસ્થા છે. જીવ જયારે કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે જ આ શક્ય બને. તે અવસ્થાને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન અવસ્થામાં જ આત્મા, આત્માને જોઈ શકે. જોનાર આત્મા, જોવાનો વિષય આત્મા અને જોવાનું સાધન પણ આત્મા. ત્યાં સાધક-સાધ્ય અને સાધન ત્રણેય એકાકાર થઈ જાય છે. આ અવસ્થા કેવળજ્ઞાનની અવસ્થા છે. એમાં આત્મા કર્મને જોઈ શકે અને પરમાત્મ પદ પ્રાપ્ત કરેલ પરમાત્માને પણ જોઈ શકે. આપણી પાસે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે સાધનો છે તેની ક્ષમતા જ નથી કે તે આત્માને જોઈ

શકે કે જાણી શકે. આપણે યોગ્ય સાધનોના અભાવમાં, યથયોગ્ય ક્ષમતાના અભાવમાં આત્મા-પરમાત્મા અને કર્મને અનુમાનથી જ માનવા રહ્યાં ! આટલી વાત સમજી લઈએ તો આપણે નિરર્થક શંકા-કુશંકામાં ન ફસાઈએ.

જીવ પહેલો કે કર્મ પહેલું ?

કર્મની સાથે બીજી જે વાય સામાન્ય રીતે આપણા મનમાં ઊઠે તેવી છે કે કર્મ પહેલું કે આત્મા પહેલો ? જો જીવ પહેલાં હતો તો વિશુદ્ધ એવા આત્માને, અશુદ્ધ એવાં કર્મ કેમ વળગ્યાં ? કર્મના અભાવમાં આત્માને વળી એવી પ્રવૃત્તિ કરવાનું શું કારણ મળ્યું કે તેનાથી કર્મ ઉત્પન્ન થઈને તેને ચોંટી ગયાં કે તેની સાથે ઓતપ્રોત્ત થઈ ગયાં ! જો પ્રથમ કર્મનું અસ્તિત્વ માનીએ તો સ્વાભાવિક રીતે વિચાર આવે કે જીવ વિના – આત્મા વિના કર્મને કોણે પેદા કર્યા ? અને ઉત્પન્ન થયાં તો તે આત્માને વળગ્યાં શી રીતે ? જો જીવને પહેલો ગણીએ તો એ જ પ્રશ્ન

આવે કે જીવને કોણે ઉત્પન્ન કર્યો અને શા માટે ઉત્પન્ન કર્યો ? વળી ઉત્પન્ન થયેલા શુદ્ધ આત્માને કર્મ વળગી શકે શકે તો પછી આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરવાનો અર્થ જ ક્યાં રહ્યો ? તો પછી ધર્મ-ધ્યાન, દેવ-દર્શન, જપ-તપ વગેરે કરવાનું પ્રયોજન શું ? બધી ધર્મક્રિયાઓ કે અનુષ્ઠાનો કરી શુદ્ધ થયેલા આત્માને ફરીથી જો કર્મ લાગવાનાં જ હોય, તેને મલિન કરવાનાં હોય તો વિશુદ્ધિ પ્રાપ્ત કરવાની મહેનત કોણ કરે ? શા માટે કરે ? આમ, આપણે ગોળ ને ગોળ ફર્યા કરવાના પણ વાતનો છેડો ક્યાંય નહિ મળવાનો.

આમ, તો પહેલી-કોયડો આત્માને કે કર્મને પ્રથમ માણવાથી નીપટતો નથી. પ્રથમ ઇંડુ કે પ્રથમ કૂકડી ? પ્રથમ સ્ત્રી કે પ્રથમ પુરુષ ? રાત્રિ પહેલી કે દિવસ પહેલો ? આ બધા પ્રશ્નોમાં પહેલું આ અને બીજું તે એમ કહી શકાય તેમ હોતું જ નથી. જ્ઞાનીઓ કહે છે કે જિંદગી આખી વિચાર કરો, ગમે તેટલી શોધખોળ કરો પણ તેનો સંતોષકારક ઉત્તર નથી જ મળવાનો. માટે આપણા માટે તો એટલી હકીકત પૂરતી સમજો કે સંસારમાં આપણું ધાર્યું કંઈ થતું નથી. આપણને પસંદ ન હોય એવી વાતો આપણા જીવનમાં આવી પડે છે. આપણે હંમેશ સફળ થઈ શકતા નથી. એક રીતે પગલે પગલે આપણને પ્રતીતિ થયા કરે છે કે આપણે અસહાય છીએ. જીવનમાં અશાંતિ છે – અસુખ છે અને પુરુષાર્થ કરવાથી તે ઓછું થઈ શકે છે. આપણી ઈચ્છા ન હોય છતાંય આપણે મરવું પડે છે અને આપણને વગર પૂછ્યે આપણો જન્મ થઈ જાય છે. આ બધું દર્શાવે છે કે આપણે ક્યાંક પરાધીન છીએ, બંધાયેલા છીએ. મૂળ વાત એ છે કે આપણે કર્મથી બંધાયેલા છીએ અને તેને આધીન છીએ અને છતાંય ક્યાંક સ્વતંત્ર છીએ – અને સ્વાધીન થઈ શકીએ તેમ છીએ. જો આટલી વાત સમજાઈ જાય અને તેનો સ્વીકાર થઈ જાય તો પછી પહેલાં જીવ કે પહેલાં કર્મ – એ વાતનો ઉકેલ ન મળે તો પણ આપણું કામ ચાલી જશે. જેમ સુવર્ણ અને માટે ભૂગર્ભમાં સાથે જ

પડેલાં મળે છે એમ જીવ અને કર્મ સાથે જ રહેલાં મળે છે. માટીને દૂર કરી, ભઠ્ઠીમાં તપાવીને આપણે શુદ્ધ સુવર્ણ મેળવી શકીએ છીએ તેમ આપણે આત્માને કર્મની ઉપાધિથી-કર્મના મળથી અલગ કરી કર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તે જ કરવા જેવો પુરુષાર્થ છે.

આત્માની કર્મરહિત અવસ્થા શૂન્ય નથી. કોઈ રાખે માને કે ત્યાં કોઈ રહેતું નથી. આત્માની શુદ્ધ અવસ્થા એ જ પરમાત્મ દશા અને ત્યાં આનંદ અનંત છે. – ચિરંતન છે. આત્મા કર્મથી બંધાયેલો છે એવું પણ આત્માને ભાન ન થાય એ આત્માની બહિરાત્મ દશા. પોતે કર્મથી બંધાયેલો છે એમ સમજાઈ અને તેણે મુક્ત થવાનું સમજાઈ જાય અને તે માટે પ્રયાસ કરે તે આત્માની અંતરાત્મ દશા અને તે જયારે કર્મથી સર્વથા મુક્ત થઈ જાય તે આત્માની પરમાત્મ દશા. આ છે કર્મો મર્મ. આ છે કર્મનું રહસ્ય !