Spread the love

નોકરી માટે ઉપસ્થિત ઉમેદવારને મેનેજમેન્ટના ચેરમેને વારા ફરતી બોલાવતા હતા. અને સહુને એક જ પ્રશ્ન પૂછતાં : “અમારે તમને શું માટે નોકરી આપવી જોઈએ ?” સામેથી જવાબો મળતા :

હું બેરોજગાર છું એટલે.
હું ગરીબીથી કંટાળી ગયો છું એટલે.
બધે લાગવગ ચાલે છે. કદાચ આપણી કંપનીમાં નહીં ચાલતી હોય એ આશાએ.
નવું – કશું કરવા મારી પાસે પૈસા નથી એટલે લાચાર હોવાને કારણે.
હવે છેલ્લા ઉમેદવારનો વારો હતો. એણે કહ્યું : “હું મારા લાભ માટે નહીં પણ આપણી કંપનીના લાભાર્થે નોકરી કરવા જોડાવા ધારું છું.”
ચેરમનને એની વાતોમાં રસ પડયો.

તમારા પાસે એવું શું છે ? જે અમારી કંપનીના ઉત્કર્ષમાં મદદરૂપ થઈ શકે ?

ઉમેદવારે ગૌરવપૂર્વક કહ્યું : “મારું ખિસ્સું ખાલી છે, પણ મારી પાસે મારા ઉત્તમ વિચારોનું ભાથું છે.”

“ક્યા વિચારો ? આપને વાંધો ન હોય તો જણાવશો ?” ચેરમેને પૂછ્યું.

ઉમેદવારે કહ્યું :

હું બેતાજ બાદશાહ છું પણ મારે માથે મારો મુગટ છે આત્મસન્માનનો. હું એકલો હોઉં ત્યારે પણ મારી જાતને નગણ્ય માનતો નથી.

હું સંવેદનશીલ છું, અંદરથી કોમળ છું, પણ મારી જાત પર શાસન કરવામાં કઠોર.

કોઈ પણ વસ્તુ મને ન મળે ત્યારે હું તેનો અફસોસ નથી કરતો પણ

આત્મદર્શન કરું છું કે મારા વ્યક્તિત્વ કે સ્વભાવની કંઈ મર્યાદાએ મને પરાજિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

હું કોઈને છેતરતો નથી પણ સાથે સાથે એ વાતનો પણ ખ્યાલ રાખું છું કે કોઈ મને છેતરી જાય એવો બુધ્ધુ ન બનું.

મારી આંખને મેં રડવાનો કોન્ટ્રાકટ નથી આપ્યો અને મારી પાંખને ઉદ્દેશહીન દિશામાં ઉડવાની પરવાનગી નથી આપી.

હું મારી કાર્યકુશળતાથી અહંકારી નથી બનતો અને શિષ્ટતાને કદી નેવે નથી મૂકતો.

નોકરીના સ્થળને હું તીર્થસ્થાન માનું છું ત્યાં મલિન મને કાર્ય ન થાય પણ કર્મને દેવતા ગણી તેની આરતી ઉતારાય., પ્રામાણિકતા

વિસર્યા સિવાય.

યુવકના જવાબથી ચેરમેન ખુશખુશાલ થઈ ગયા. એમણે તેને પૂછ્યું : “તમારી વધારેમાં વધારે કેટલા પગારની ઈચ્છા છે ? કંપની પોતાની ઉદારતા દેખાડવામાં કંજૂસાઈ નહીં દાખવે.”

યુવકે કહ્યું : “સર, મારી વાતોથી પ્રભાવિત થઈ મારું મૂલ્યાંકન ન કરશો. મારા કામને બોલવા દો. મારે પગારદાર નથી બનવું. પણ કાર્યસેવી બનવું છે. માણસ નોકરીમાં જોડાય ત્યારે શુક્લ પક્ષના બીજના ચંદ્ર જેવો દેખાય છે. પોતાને પ્રમોશન મળે ત્યાં સુધી ચૌદશ – પૂનમનો ચંદ્ર પણ નોકરીમાં કાયમ થયા પછી ધીરે-ધીરે તેની ગતિ અમાવસ્યા તરફ હોય છે. મારી

ખુરશી ચોવીસે કલાક મહેકવી જોઈએ. એમાંથી ક્યારેય દુર્ગંધ પ્રગટવી ન જોઈએ. હવે મને વિદાય આપો, મારી લકવાગ્રસ્ત માતાને સ્નાન કરાવવાનો સમય થઈ ગયો છે.”

ઉમેદવારે નમ્રતાપૂર્વક વિદાય લીધી. બીજે દિવસે સવારે કંપનીના ચેરમેન જાતે તેને નોકરી પર હાજર થવા માટે તેડવા આવ્યા.

એ યુવકે પોતાના ઘરના પ્રવેશદ્વારની ભીંત પર “જીઓ શાન સે”નું એક પ્રેરક વાક્ય લખીને લટકાવી રાખ્યું હતું : “મારા જીવનનો ઉદ્દેશ એક સચ્ચારિત્ર્યશીલ અને નિષ્ઠાવાન વ્યક્તિ બનવાનો છે. હું મારા દેશની સહાયતા કરવા ઈચ્છું છું. હું દિવ્ય સ્વાસ્થ્ય અને

માનસિક શાંતિ હાંસલ કરવા ઈચ્છું છું.” ચેરમેનના આનંદની કોઈ સીમા નહોતી. એ યુવકે ચેરમેનને આવકારતાં કહ્યું : “સર, આપ જાતે આવ્યાં ? મને ફોન કરીને બોલાવી લેવો હતો ને !”

ચેરમેને કહ્યું : “મને લોટરી લાગી છે. એનો આનંદ વ્યક્ત કરવા ઈચ્છું છું” – કહી ચેરમેને એ યુવકના હાથમાં એક પત્ર મુક્યો. એમાં લખ્યું હતું : “શ્રીમાન, મને ચેરમેન તરીકે ચૂંટવા બદલ આભાર. આજથી જ એક ઉત્તમ યુવકના દર્શનનો લાભ આપવાનું શરુ કરજો.” અને ચેરમેન વધારે કશું બોલ્યા સિવાય સ્મિત સાથે વિદાય થયા હતા.

જેને આ યુવક જેવો “કર્મયોગી” કર્મચારી મળે એ નોકરીદાતાએ માનવું જોઈએ કે એની સંસ્થાને લોટરી લાગે છે.

કોઈ પણ દેશની તાકાત એના પગારદાર કર્મચારીઓ કે ઉચ્ચ હોદ્દા પર આસીન અમલદારો નહીં પણ કર્તવ્યભક્તિને વરેલા કર્મસેવીઓ પર હોય છે. ભારત માતા પોકારી – પોકારીને કહે છે – “સપૂતોની સંખ્યા ઘટશે અને કપૂતોની સંખ્યા વધશે તો કરોડો સંતાનોની માતા બન્યા છતાં હું મારી જાતને નિઃસંતાન ગણીશ. મારાં સંતાનો ધનભક્ત, પદભક્ત, સત્તાભક્ત, બને એટલા માટે હું આઝાદ થવા નહોતી ઈચ્છતી. આજે મારા પુત્રો દુર્યોધન બનાવામાં જીવનની સાર્થકતા માનશે, તો હું ક્યા મોંઢે કહી શકાય કે હું એક મહાન દેશના નાગરિકોની માતા છું.”

જિંદગી કોઈની ખુશામત, કૃપા, પ્રલોભન કે સ્વાર્થના પ્રયોગ – ઉપયોગથી સુખી બનાવના અભરખા જાગે ત્યારે માનજો કે તમારી બુદ્ધિમાંથી દિવ્ય તત્વ નષ્ટ થઈ ગયું છે અને દાનવત્વનું થાણું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. ખુમારી અને ખમીર ગુમાવનાર માણસ નથી પણ તૃષ્ણાને દોરે નાચતું પૂતળું છે. એક દ્રષ્ટાંત મુજબ એક રાજાએ બીજા રાજ્ય પર ચઢાઈ કરી પરાજિત રાજાને મારી નાખીને તે રાજ્યનો કબ્જો લઈ લીધો. થોડા દિવસ ત્યાં રહ્યા પછી એ રાજાએ અમલદારને કહ્યું : “આ મરેલા વંશનો કોઈ માણસ હોય તો બોલાવો, આપણે તેને ગાદીએ બેસાડીએ.”

અમલદારોએ કહ્યું : “રાજા વંશમાં કોઈ નથી, પણ એક સગૌત્રી માણસ છે, પણ તે વિરક્ત થઈને સ્મશાનમાં રહે છે.” રાજાએ તેને બોલાવી લાવવાનો હુકમ કર્યો. બોલાવ્યા છતાં તે માણસ આવ્યો નહીં. એટલે રાજા સામેથી તેને મળવા ગયો અને કહ્યું. “હું તમને રાજગાદી આપવા માંગુ છું.” પણ તે માણસે ઇન્કાર કર્યો. રાજાએ કહ્યું : “તો તમે ઈચ્છો તે બીજું કાંઈ પણ માંગો.” તે માણસે ફરીથી કહ્યું : “મારે કશું નથી જોઈતું.” રાજાએ તેને ખૂબ આગ્રહ કર્યો, ત્યારે એણે કહ્યું : “મારે એવું જીવન જોઈએ કે પુનઃ મૃત્યુ ન આવે. મારે એવો આનંદ જોઈએ કે જેથી કોઈ દિવસ દિલગીર ન થવાય. ત્રીજી વાત મારે એ જોઈએ છીએ કે મને ઘડપણ ન આવે.”

રાજાએ કહ્યું : “એ તો ઈશ્વરના હાથમાં છે. મારા હાથમાં નથી.” પેલા માણસે જવાબ આપ્યો :”રાજન, મેં ઈશ્વરનો આશ્રય લીધો છે હવે હું રાજ્યને લઈને શું કરું ?” આનું નામ સાચી ખુમારી. અત્યારના તો રાજા પણ પોતાને “ફકીર” તરીકે ઓળખાવે છે ! જે સાચી ખુમારી નથી. જે દેશના નાગરિકો દેશ સાથે લાગણીને બદલે માગણીના સબંધ રાખે છે, એ દેશની સંસ્કૃતિ સામે ખતરો ઊભો થાય છે. તમારે તમારા યૌવનને દીપાવવું છે ?

તો સાત બાબતો યાદ રાખજો :-

(૧) આત્મગૌરવ સાચવો, પણ ઘમંડી ન બનશો.

(૨)કોઈ પણ સ્વાર્થ ખાતર તમારી જાતને કોઈનો ગુલામ ન બનાવશો કે ‘વેચાઉ માલ’ ન બનશો. ક્રોધ પર કાબૂ રાખજો.

(૩)તમારે જે કાંઈ જોઈએ તે કોઈની કૃપા કે પ્રલોભનથી નહીં પણ તમારી બુદ્ધિ, સ્વાવલંબન, કોઠાસૂઝ અને યોગ્યતા કેળવી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખજો.

(૪) જીવનમાં કારકિર્દી તેજસ્વી બને એ કબૂલ પણ માનવતા લજવાય એવું ક્યારેય કરશો નહીં.

(૫) બિનવફાદારી, કૃતજ્ઞતા, સ્વાર્થ અને લોભવશ પરિવાર કે દેશને નુકસાન થાય એવું કોઈ કાર્ય કરશો નહીં.

(૬) વડીલો અને ઉપકારકોની કદી ઉપેક્ષા નહીં.

(૭) ખિસ્સાને સમૃદ્ધ બનાવવા કરતાં મન અને હૃદય શુદ્ધ અને સમૃદ્ધ બને તેને મહત્વ આપજો.