Spread the love
માણસ સત્તામાં સર્વસ્વ ગુમાવી બેઠી. લેણદારોએ તેનું બેંક બેલેન્સ પણ પડાવી લીધું. કેટલાકે જમીન પણ લખાવી લીધી. કોર્ટ કેસમાં હારી જતાં એણે પોતાની સર્વ સંપત્તિ ગુમાવી દીધી. એ ઘેર આવીને ધ્રુસકે – ધ્રુસકે રડતાં પોતાની પત્નીને કહેવા લાગ્યો : “આપણે બરબાદ થઈ ગયા. હવે જીવવા જેવું કશું રહ્યું નથી ! એની પત્ની શાણી હતી. એણે પતિને આશ્વાસન આપતાં કહ્યું : “શું સરકારી જપ્તી કરવા આવનાર તમને વેચી દેશે ?”
‘ના રે ના’ એ તો શક્ય જ નથી- પેલા માણસે કહ્યું.
‘ત્યારે શું મને અને બાળકોને વેચી દેશે ?’ પત્નીએ પૂછ્યું.
‘એવી તાકાત કોઈનામાં નથી’ – પતિએ કહ્યું.
‘તો પછી ફરી કદીએ એવું બોલતા નહીં કે આપણે બરબાદ થઈ ગયા. આપણી પાસે દિમાગ છે, બે હાથ છે. હૈયામાં હામ છે. અંતઃકરણમાં આત્મવિશ્વાસ છે. પરિશ્રમ માટે પ્રતિજ્ઞા છે. કોણ કહે છે કે તમે રંક છો. આંસુ લૂછી નાખો. ચહેરા પર સ્મિત રેલાવો, નિરાશા ખંખેરી નાખો. જ્યાં પ્રેમ અને લાગણી છે, ત્યાં ગરીબી શબ્દે ઉચાળા ભરવા પડે છે. કહેવાય છે કે વિશ્વ વિજેતા બન્યા પછી સિકંદર માનસિક રીતે રંક જ રહ્યો. એણે સ્વર્ગ પર અધિકાર મેળવવાની ઈચ્છા સેવી. એણે સ્વર્ગના દ્વારે પહોંચીને સ્વર્ગનો દરવાજો ખખડવ્યો. અંદર વિરાજમાન દેવે બહાર પહેરો ભારત દેવને પૂછ્યું : “આપણે દરવાજો કોણ ખખડાવી રહ્યું છે ? પહેરો ભરતા દેવે કહ્યું : ‘એ પોતાનું નામ સિકંદર છે, એમ જણાવે છે.’
અંદરથી દેવે પૂછ્યું : ‘કોણ સિકંદર ?’ જવાબ મળ્યો : ‘વિશ્વવિજેતા સિકંદર, મહાન સિકંદર.’
સ્વર્ગાધિપતિ દેવે કહ્યું : ‘એને કહી દો કે અમે એવા કોઈ સિકંદરને ઓળખતા નથી. સ્વર્ગમાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગ-બલિદાનના ગુણો ધરાવતા ધર્મનિષ્ઠા લોકોને જ પ્રવેશ મળે છે.’ ત્યારે હાલના ધર્મગુરુઓ મંદિર-મઠ અને સેવન સ્ટાર જેવા આશ્રમમાં ભોજન માટે પણ નાણાં વસુલતા હોય છે ત્યારે તેણે પણ પ્રવેશ કેમ મળશે ? એ વિચારવું રહ્યું ! દુન્યવી ભાષામાં માત્ર રૂપિયાને જ “ધન” ગણવામાં આવે છે અને જેની પાસે ધન છે, પણ નૈતિકતા અને પ્રામાણિકતા નથી એ રંક છે. જેની પાસે સંપત્તિ છે પણ સંતાનો કહ્યામાં નથી અને પત્ની કર્કશા છે, તે રંક છે. જે સ્વમાનને ગીરો મૂકીને કેવળ પગાર માટે શેઠની શઠતાનો ભાગીદાર બને છે તે રંક છે. જે કર્મને દેવતા માનવાને બદલે કામચોરી અને હરામખોરીને લક્ષ્મી મને છે એ રંક છે. જેની પાસે સુંવાળી પથારી છે, પણ ચિંતાને લીધે ઊંઘ નથી એ નિર્ધન છે.
તમારી પાસે ફળદ્રુપ દિમાગ છે, તો તમે અમીર છો. તમારી પાસે સંતોષ છે, તો તમે અમીર છો. તમે વધુ પૈસાદાર થવા દેવદર્શને જાઓ છો તો તમે ગરીબ છો. ઈશ્વર કહે છે તમે થાકો કે હારો ત્યારે કુદરત તરફ નજર કરો. ફૂલની મહેક, તારાથી ખચોખચ ભરેલું રૂપાળું આકાશ, નાચતું-કૂદતું પથ્થરનો ઉપહાસ કરીને આગળ વધતું ઝરણું, કોઈ ઉત્તમ કલાકારે તૈયાર કરેલું ચિત્ર, તમારા બાળકનું નિર્દોષ સ્મિત તમારી વફાદાર પત્નીનો હૂંફાળો પ્રેમ લીલીછમ વનસ્પતિ અને ખેતરના પાકમાં પરમાત્માની કૃપાનું દર્શન કરી શકે એવું શ્રદ્ધાવાદી મન શું ખુશ રહેવા અને તમારી જાતને શ્રીમંત માનવ પૂરતું નથી ? આજકાલ હૃદયથી ગરીબ અમીરોની સંખ્યા વધતી ગઈ, માટે જ જગત દુઃખી છે. સુખી થવાની વિવેકહીન ભૂખ ધરાવતા માણસ જેવો બીજો કોઈ દુઃખી નથી. જેમની પાસે સહૃદયતા, સહજ ઉલ્લાસ, ચિંતામુક્ત મન અને માનસિક પ્રસન્નતાનો ખજાનો છે, તેણે પોતાની જાતને ક્યારેય ગરીબ માનવી જોઈએ નહીં. લક્ષ્મી પાછળ દોડી-દોડીને હાંફી ગયેલા લોકોને ભાગે અંતે પશ્ચાતાપ સિવાય બીજું કશું રહેતું નથી. માણસ શરીર અને મનને સુખી કરવા અને રાખવા જેટલી ચિંતા કરે છે, તેટલી ચિંતા આત્માને સંતુષ્ટ રાખવા અને તૃષ્ણા પરિત્યાગી બનવા રાખતો હોત તો તે સાચી શ્રીમંતાઈનો આનંદ માણી શકત.
તૃષ્ણા જેટલી કદાવર તે માણસ તેટલો ગરીબ, જે જેટલો દિલાવર તેટલો તે અમીર. જગાર દુરાચારી અમીરોની દાદાગીરી અને હતાશ થઈ પોતાને ગરીબ માનતા લોકોની કમજોર મનોવૃત્તિને કારણે જ દિવસે-દિવસે દુઃખી બનતું જાય છે.
પૈસા પાછળ પાગલ બનનારનું મન કેટલું ગરીબ હોય છે તે વાત મુજબ ઈ.સ.૧૮૪૩માં પેંડ્યુઆ નામના શહેરમાં એક શ્રીમંત ધનલોભી માણસ રહેતો હતો. તે કોઈપણ માણસને સત્કાર્ય માટે એક પણ પૈસો આપતો નહીં. પૈસા ડૂબી જવાના ભયથી બેંકોમાં પણ પૈસા મુકતો નહીં. હાથમાં પિસ્તોલ અને તલવાર પકડી આખી રાત બેસી રહેતો. પૈસાના રક્ષણની ચિંતામાં એણે એક ભોંયરું બનાવ્યું અને તેમાં એવી એક સ્પ્રિંગ બનાવી કે તેના પર ચોર પગ મૂકે તો નદી વહેવા માંડે અને તેમાં પડનાર માણસ તણાઈ જાય ! એ ભોંયરામાં બધું બરાબર છે કે કેમ તેની તપાસ કરવા એ પોતે ગયો અને ભૂલથી પેલી સ્પ્રિંગ પર તેનો પગ મુકાયો અને ધોધમાર પાણીનો પ્રવાહ વહેતાં તે માણસ પોતે જ ઊંડા ગુપ્ત ધારામાં તણાઈને મરણ પામ્યો.
પૈસાને ધિક્કારો પણ નહીં અને પંપાળો પણ નહીં એણે આઝાદીથી રમવા દો. ચિંતક યંગના શબ્દોમાં કહીએ તો ‘તારો ખજાનો ક્યાં છે ?’ સુવર્ણ જવાબ આપ્યો કે “મારામાં નથી”. હીરાને પૂછ્યું તો તેણે પણ કહ્યું : “મારામાં પણ નથી” તે ખજાનો તારા આત્મામાં જ શોધ ! સારાંશ એ જ કે તમારી જાતની પૂછો : તમે સુવર્ણ ઊંચકનાર પશુ છો કે ઉત્તમ આદર્શ ધરાવનાર ઇન્સાન ? તમે પૈસા વગર પણ અમીર છો, એ જાણવા તમારી જાતને ક્યા છ સવાલો પૂછશો ?
(૧)શું તમે તમારી જાતને તુચ્છ તો નથી માનતાને ?
(૨) ગમે તેવી પાયમાલી કે વિકટ સંજોગોમાં તમે આત્મબળ ટકાવી શકો છો ? તમે તૃષ્ણાના દાસ તો નથી ને !
(૩) તમને તમારી પ્રેમાળ, વફાદાર પત્નીને સંતાનોની હૂંફ છે ?
(૪)પૈસાની લાલચમાં તમે ઈમાનદારીનું બલિદાન તો નથી આપતાને ?
(૫) તમે કુદરતના અપાર સૌંદર્યનો આનંદ માણી શકો છો ?
(૬) તમારી પાસે ઉમદા ચારિત્ર્યની મૂડી છે ?