Spread the love

ન્યૂઝીલેન્ડના નિકોલસ લૂસલીએ આ ઘોર વિસંગતિ તરફ એક અનોખી પહેલ દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું. નિક ગરીબ પરિવારમાંથી નથી આવતો. તેમજ તેનો પરિવાર હોટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો છે, પરંતુ ભૂખનું દુઃખ કેવું હોય છે ? તેનો તેને પૂરો અહેસાસ છે. બ્રિટનની શુમાકર યુનિવર્સીટીમાં ગ્રીન ઇકોનોમિક્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરતાં કરતાં કેટલીક વિગતો અને વાસ્તવિકતા તેને જાણવા મળી, જે એના હૃદય અને મનને બેચેન બનાવી ગઈ. પ્રાપ્ત આંકડાઓના અભ્યાસથી એણે જાણ્યું કે દુનિયામાં રોજ કરોડો લોકોને ભૂખ્યા પેટે સૂવું પડે છે, બીજી બાજુ વિશ્વમાં ઉત્પાદિત અન્નના ત્રીજા ભાગનું અનાજ બરબાદ થઈ રહ્યું છે.

નિક લૂસલી વિચારવા લાગ્યો કે આનો ઉપાય શું ? નીકને આમાં એટલે બધો રસ પડયો કે ભોજનના બગાડને કેવી રીતે રોકી શકાય ? તે તેના સંશોધનનો વિષય બની ગયો. આ માટે તેણે લંડનથી સ્પેન સુધી મુસાફરી કરી. અનેક ક્લબો, સામુદાયિક રાત્રી ભોજનના સ્થાનો, કૂકિંગ સ્કૂલો અને કચરો લઈ જનારા કેન્દ્રો વિશે ઊંડું અધ્યયન કર્યું. ૨૦૧૪ના એક વૈશ્વિક સર્વે દ્વારા એણે જાણ્યું કે ન્યૂઝીલેન્ડમાં પણ દર “છ”માંથી એક ન્યૂઝીલેન્ડવાસી પૂરું ભોજન ખરીદવા સમર્થ નથી. આમ વિકસિત દેશમાં પણ “ફૂડ પોવર્ટી” એક મોટી સમસ્યા છે. જયારે તે માસ્ટર્સનો અભ્યાસ પૂરો કરીને ડિગ્રી લઈને ૨૦૧૭માં પોતાના વતન ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પહોંચ્યો, ત્યારે એના મનમાં એક નક્કર વિચારે આકાર લઈ લીધો હતો. તેના પરિણામ સ્વરૂપ એણે “એવરીબડી ઇટ્સ” નામની રેસ્ટોરન્ટ શરુ કરી. પોતાના એક હજાર ડોલરથી આ મિશનની શરૂઆત કરી. એની પાછળનો હેતુ એ હતો કે અનાજનો બગાડ અટકે, કોઈ ભૂખ્યું ન રહે અને ન્યૂઝીલેન્ડમાં સામાજિક અસમાનતા ઓછી થાય.

“એવરીબડી ઇટ્સ” રેસ્ટોરન્ટમાં કોઈ પણ વ્યક્તિ આવીને ભોજન લઈ શકતો અને પોતાની શક્તિ પ્રમાણે પૈસા આપે અથવા ન આપે એવી સગવડ હતી. નિકના આ વિચારે સહુને પ્રભાવિત કર્યા. હોટલ ઉદ્યોગ અને ઓકલેન્ડમાં વસતા શ્રીમંતોએ ઘણી મદદ કરી. કેટલાક મોટા રેસ્ટોરન્ટોએ પોતાની જગ્યા અને ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. શહેરના જાણીતા શેફે આમ સ્વૈચ્છિક યોગદાન આપ્યું. આ એક નવો પ્રયોગ હતો. શહેરના વકીલો, ઉદ્યોગપતિઓ અને વર્ષોથી ફૂટપાથ પર જીવનારા ખુલ્લા પગે ફરનારા ગરીબો એક જ જગ્યાએ ભોજનનો આનંદ લઈને તેની ચર્ચા કરતા હતા. આ ટેબલ પર અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ખતમ થઈ જતી અને ભાઈચારો તથા માનવતા મહોરી ઉઠતી. જોત જોતામાં ઓકલેન્ડની બેજોડ ખૂબીઓમાં “એવરીબડી ઇટ્સ”નો સમાવેશ થઈ ગયો. નિકે એ વાતનો ખાસ ખ્યાલ રાખ્યો કે અહીં આવનારા લોકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રહે અને એટલે જ ઓકલેન્ડના ત્રણસોથી વધુ ગરીબો દર સોમવારે અહીં નિઃસંકોચ આવવા લાગ્યા.

“એવરીબડી ઇટ્સ” અને નિકની સફળતાએ એને સમગ્ર ન્યુઝીલેન્ડમાં “પે એઝ યુ ફીલ” મોડલ પર રેસ્ટોરન્ટ શરુ કરવા માટે પ્રેરિત કર્યા. ક્રાઈસ્ટચર્ચ, વેલિન્ગટન, હોક્સ વે, પામેશર્ન નોર્થમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ શરુ કરવા માટે એને એક લાખ વીસ ડોલરની જરૂર હતી એને માટે એણે અપીલ કરી. ગયા વર્ષે ક્રાઉડ ફંડિંગથી તેને સત્યાશી હજાર ડોલર મળી ચૂક્યા હતા, પરંતુ કોવિડ-૧૯ની મહામારી આવવાથી અવરોધ ઊભો થયો. નિક લૂસલી માને છે કે દરેક વ્યક્તિના ટેબલ પર તૈયાર ભોજન આવી જાય છે, તેથી તેઓ બગાડ કરતા અચકાતા નથી. ખરેખર તો અનાજ ઉત્પાદન માટે બીજ, વાવણી, લણણી, પાણી, ખાતર અને ખેડૂતનો શ્રમ જોવો જોઈએ. વ્યક્તિને ખબર હોય કે અન્નનું ઉત્પાદન કેવી રીતે થાય છે ? તો આટલો બગાડ ન થાય. નિક પોતાના આ મિશન દ્વારા માત્ર ગરીબોનું કલ્યાણ નથી કરી રહ્યો, પરંતુ અન્નનો બગાડ અટકાવીને તેમાં વપરાતા પાણીનો બચાવ કરી રહ્યો છે. તેમન અન્નના બગાડથી ઉત્પન્ન ગ્રીન હાઉસ ગેસને તે અટકાવે છે, જેનાથી પર્યાવરણને થતું નુકસાન અટકે છે. બે વર્ષમાં એણે ત્રીસ ટન ભોજન બચાવીને લોકોને ત્રીસ હજાર ટંકનું ભોજન પૂરું પાડયું. શરૂઆતમાં માત્ર સોમવારે સાંજે ચાલતી “એવરીબડી ઇટ્સ” આજે ઘણી જગ્યાએ કાયમી રીતે તો ક્યાંક રવિવારથી ગુરુવાર સુધી ચાલે છે. નિકને તેના આ કામ માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેમાંનો એક છે ૨૦૨૦નો ન્યૂઝીલેન્ડ લોકલ હીરો ઓફ ધ યર.

આજે વિશ્વને અનેક નિક લૂસલીની જરૂર છે.