
માણસ મોતથી એકવાર મારે છે, પરંતુ વગર મોતે હજારવાર મૃત્યુ પામે છે. આજના માનવીને માટે જીવનની મોજ અને મૃત્યુની શાંતિ લગભગ અશક્ય થઈ ગઈ છે.
ડગલે અને પગલે એને મોતનો પડછાયો ઘેરી વળેલો છે. એવા મોતનો સામનો માનવી મનની નિડરતાથી જ કરી શકે. શાક્ય વંશના કપિલવસ્તુમાં રાજધાની ધરાવતા રાજા શુદ્ધોધનના પુત્ર, યશોધરાના પતિ અને રાહુલના પિતા બુદ્ધે વૃદ્ધ, રોગી અને મૃતદેહના આકસ્મિક દર્શનથી ગૃહત્યાગ કર્યો અને મહાભિનિષ્ક્રમણ બાદ બુદ્ધગયામાં જ્ઞાન પ્રાપ્તિ કરી.
ભગવાન બુદ્ધે વારંવાર એ ઉપદેશ આપ્યો કે વેરથી વેર શમતું નથી, પણ ક્ષમાથી શમે છે. આમ છતાં ભગવાન બુદ્ધનો એક ભિખ્ખુ દેવદત્ત એમનો પરમ શત્રુ હતો. દેવદત્ત ભિક્ષુ સંઘમાં હતો, પરંતુ એણે લૌકિક સિદ્ધિઓ પામવા માટે આંધળી દોટ મૂકી હતી અને તેથી એ ખોટે માર્ગે ચડી ગયો હતો. વળી એ ઈચ્છતો હતો કે ભગવાન બુદ્ધ વૃદ્ધ થયા છે, માટે ભિક્ષુસંઘનું નાયકપણું એને સોંપીને તેઓ બાકીનો સમય શાંતિથી પસાર કરે. પણ ભગવાન બુદ્ધે નાયકપદ માટે એને અયોગ્ય ઠેરવ્યો અને તેથી એના મનમાં સતત ભગવાન બુદ્ધ પર વેર લેવાના વિચારો મનમાં ગૂંજતા હતા.
ભિક્ષુ દેવદત્તે રાજા અજાતશત્રુને યોગસિદ્ધિનો ચમત્કાર બતાવીને વશ કર્યા હતા અને તેથી એના બદલામાં દેવદત્તના કહેવાથી અજાતશત્રુએ બુદ્ધની હત્યા કરવા માટે મારાઓ મોકલ્યા હતા. આ હત્યારાઓને માટે માણસ મારવો અને માખી મારવી સમાન હોય છે. છેક આદિકાળથી લઈને આજ સુધી આ સંસ્થા ચાલી આવી છે.
આ મારાઓ ભગવાન બુદ્ધ પાસે આવ્યા, ત્યારે તેઓએ કહ્યું, “ભાઈઓ ! તમારા કામમાં સગવડ થાય એ રીતે વર્તવા હું તૈયાર છું. મારે મન તો જીવન જેટલું જ મૃત્યુ સુંદર છે.”
પથ્થરમાં પણ દિલ હોય છે. મારાઓ બુદ્ધની વાણી અને મુખમુદ્રા જોઈ પીગળી ગયા ભિખ્ખુ દેવદત્તે આ સમાચાર સાંભળ્યા, ત્યારે તેણે કહ્યું, ‘ઓહ ! દુનિયા કેવી કાયર થઈ ગઈ છે !’ અને એણે એક નવી તરકીબ રચી.
ગૃધફૂટ પર્વતની છાયામાં જયારે મહાગુરુ ફરી રહ્યા હતા, ત્યારે તેણે ઉપરથી મોટો પથ્થર ગબડાવ્યો, એ પથ્થર ખૂબ વજનદાર હતો, પણ માર્ગમાં એ શીલા સાથે અથડાયો ને તેના બે ટુકડા થઈ ગયા.
એમાંનો એક ટુકડો ઊડીને મહાગુરુ બુદ્ધના પગમાં વાગ્યો, ને પગ જખમી થયો, ઊનું ફળફળતું લોહી વહી નીકળ્યું.
બુદ્ધે દેવદત્ત તરફ જોઈને કહ્યું, ‘તે ભારે દુષ્કૃત્ય કર્યું. આ રીતે તો કોઈ ન મરે.’
મહાગુરુ જખમી થયા છે, ને ભિખ્ખુ દેવદત્ત એમની હત્યા કરવા માટે અહર્નિશ પ્રયાસ કરે છે, એ વાત બધે જાણીતી થઈ ગઈ.
ભિક્ષુઓ એકઠા થયા અને તેઓએ મહાગુરુ જ્યાં રહેતા હતા, એ વિહારમાં પહેરો ભરવા માંડયો. કોઈ માણસ એ તરફ આવતો – જતો દેખાય છે કે તરત એની તપાસ કરે, પૂછપરછ કરે, કોણ છે ? ક્યાંનો છે ? એની જાણ મેળવે.
આ ચોકી કરવા માટે ભિક્ષુઓ પૂરું ઊંઘે પણ નહિ. રાતોની રાતોના ઉજાગરા થવા લાગ્યા. આ વાતની મહાગુરુ બુદ્ધને જાણ થઈ.
તેઓએ પૂછ્યું, ‘તમે લોકો શા માટે અહીં પહેરો ભરો છો ?
ભિક્ષુઓએ કહ્યું, ‘આપનું ખૂન કરવા દેવદત્ત યત્ન કરે છે. એનો યત્ન નિષ્ફળ કરવા માટે અમે પહેરો ભરીએ છીએ.’
ભગવાન બુદ્ધે હસીને કહ્યું, “આ દેહની આટલી બધી કાળજી વ્યર્થ છે.’
ભિક્ષુઓએ કહ્યું, ‘આપના દેહ પર અમને મોહ છે.’
ભગવાને કહ્યું, ‘એ મોહ મારી રક્ષા કરે, એમ હું સહેજે ઈચ્છતો નથી. તમે અહીં પહેરો ભરવા કરતાં જ્ઞાન-ધ્યાનમાં લાગી જાઓ, તો એ મને વધુ ગમશે.’ ભગવાન બુદ્ધનાં વચનો દેખીતી રીતે સહુએ સ્વીકાર કર્યો, પણ અંતરમાં તો તેઓ તેમના દેહની ચિંતા કરવા લાગ્યા.
થોડા દિવસે એમના પગનો જખમ રૂઝાયો, એટલે તેઓ રાજગૃહીમાં ભિક્ષાર્થે આવ્યા. દેવદત્ત તો રાહ જોઈને જ બેઠો હતો. એ દોડીને ગજશાળામાં ગયો. ગજશાળામાં નાલાગિરિ નામનો ભયંકર હાથી હતો. એ હાથીના મહાવત મહૂર્તને દેવદત્તે કહ્યું,
‘તું જાણે છે કે હું તારા રાજાનો ગુરુ છું ?’
‘હા, જી, આપ રાજા જેટલા જ મારે માટે વંદ્ય છો.’
‘તો મારી આજ્ઞાનું પાલન કરીશ ને ?’
‘જી, હા.’
‘જો એક સાધુ આ ગલીમાંથી પસાર થશે, એ વખતે તું નાલાગિરિ હાથીને છૂટો મૂકી દે જે. આ કામનું તને મોટું ઇનામ મળશે.’
મહાવતે કહ્યું, ‘આપની આજ્ઞા મારે શિરોધાર્ય છે.’
બુદ્ધ એ ગલીમાંથી નીકળ્યા કે મહાવતે નાલાગિરિ હાથીને છૂટો મૂકી દીધો. યમરાજ જેવો ભયંકર હાથી. આસપાસના લોકો જીવ બચાવીને નાસવા લાગ્યા. કોઈ છાપરા પર ચઢી ગયા તો કોઈ ઝાડ પર ચઢી ગયા. બુદ્ધના શિષ્યો આડા ફર્યા ને બોલ્યા.
‘ભયંકર હાથી ચાલ્યો આવે છે. આપ બાજુની ગલીમાં વળી જાઓ.’
બુદ્ધે જરા પણ ડર્યા વગર કહ્યું, ‘બુધ ડરીને આડી અવળી ગલીનો આશ્રય લેતો નથી. હાથી પણ વિશ્વમૈત્રીનો જીવ છે. એ જીવ સાથે મારી મિત્રતા છે. હું મારા માર્ગે જ આગળ વધીશ.’
અને ભગવાન બુદ્ધ આગળ વધ્યા. લોકોએ માન્યું કે બે ઘડીમાં તેઓ હતા ન હતા થઈ જશે ને રાજગૃહની શેરીઓ પવિત્ર લોહીથી ગોઝારી બની જશે. હાથી ત્રાડ પાડતો સામે ઘસી આવ્યો. બુદ્ધ પોતાની પ્રેમભરી આંખોથી એને નિહાળી રહ્યા. અજબ ચમત્કાર સર્જાયો. હાથી નરમ પડી ગયો અને જમીન પર બેસી ગયો.
બુદ્ધે તેના શિર પર હાથ ફેરવતા કહ્યું, ‘નાગે નાગનો મારવો ન ઘટે.’
નાગ એટલે હાથી. નાગ એટલે આગ વગરનો – પાપ વગરનો પુરુષ.
હાથી જાણે આ શબ્દો સમજતો હોય તેમ નીચો નમ્યો. બુદ્ધના ચરણની રજ લઈ માથે ચઢાવી, આગળના બે પગ વાળીને વંદન કર્યા અને પોતાની ગજશાળા તરફ ચાલ્યો ગયો અને જઈને ખીલા પાસે ખડો રહ્યો. આમ બુદ્ધને મારવાના દેવદત્તના પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે એણે નવી તરકીબ વિચારી.
બુદ્ધનો પક્ષ તોડી પાડવાની, એના ભિક્ષુઓને સિદ્ધાંતના રવાડે ચઢાવી આખું સંગઠન વિખેરી નાખવાની. એક દિવસે એ બુદ્ધ પાસે આવ્યો ને બોલ્યો.
‘ભિક્ષુઓ ઐહિક સુખોથી અલિપ્ત રહે, એ માટે સાધુ સંઘ માટે કેટલાક નિયમો વિચાર્યા છે. એક તો ભિક્ષુઓએ સદા અરણ્યમાં રહેવું. બીજું કોઈના ઘેર ન જવું. ત્રીજું ગૃહસ્થ પાસેથી વસ્ત્ર ન લેવાં. ચીંદરડા વીણી ચીવર બનાવી પહેરવાં. ચોથું ઝૂંપડી કે ઘરમાં ન રહેવું. હંમેશા ઝાડ નીચે રહેવું ને પાંચમું મત્સ્ય માંસ ન ખાવું. આ પાંચ નિયમ પાળવામાં કચાશ કરે, તેને અપરાધી ઠરાવવો.’
ભગવાન બુદ્ધ મધ્યમ માર્ગના હિમાયતી હતા. આવા એકાંત નિયમોમાં તેઓ માનતા નહોતા. વિવેકબુદ્ધિથી જો સત્ય જણાય તો જ તેનું ગ્રહણ કરવું એવો એમનો ઉપદેશ હતો. વળી ગુરુ કહે માટે સત્ય જ છે એવી અંધશ્રદ્ધાનો નિષેધ કરતા હતા. આથી તેમણે કહ્યું. ‘જેને આ નિયમો પાળવા હોય તે ખુશીથી પાળે, બાકી આ નિયમોથી આધ્યાત્મિક ઉન્નતિમાં કાંઈ મદદ મળી શકશે, એમ હું માનતો નથી. આ નિયમો સંઘમાં ફરજિયાત નહિ બને.’
બસ, ભગવાન બુદ્ધના આ સ્પષ્ટ શબ્દોનો દેવદત્તે ભારે અનર્થકારી વાવંટોળ ચગાવ્યો. બુદ્ધની ફજેતી કરી. સંઘના કેટલાક ભિક્ષુઓને ભોળવી લીધા. દેવદત્તનો પક્ષ જોરમાં આવી ગયો. અનેક ભિક્ષુઓ એની પાસે રહેવા લાગ્યા. એ બધાંને ઉપદેશ આપવા લાગ્યો. ભગવાન બુદ્ધ તો પક્ષની સ્થિતિ કમજોર જોઈ જરાય ચિંતાતુર નહોતા. તેઓએ કહ્યું,
‘પક્ષ કાર્યસાધક છે, પણ ઘણીવાર પક્ષ ન હોવો એ વિશેષ કાર્યસાધક છે.
ભગવાન બુદ્ધ તો મસ્તીમાં રહેવા લાગ્યા, પણ તેમના બે મુખ્ય શિષ્યો સારિપુત્ત અને મહોમોગ્ગલાયન દેવદત્તના પક્ષની સ્થિતિ જોવા ચાલ્યા. દેવદત્ત સ્વયં આ નિયમોથી થાકી ગયો હતો. દેખીતા ધર્મથી ખેંચાયેલા ભિક્ષુઓ પણ ધીરે ધીરે કંટાળ્યા હતા. દેવદત્તે વિચાર્યું કે આ બે સાધુઓ પણ બુદ્ધથી કંટાળીને આવ્યા છે, માટે ભલે આવે. તેઓ આ સંઘને સંભાળશે, તો મને આશાયેશ મળશે.
રાત ઠીક ઠીક વીતી હતી. દેવદત્ત ઉપદેશનું કામ આ બે સાધુઓને ભળાવી પોતે આરામ માટે ચાલ્યો હતો. સારિપુત્તે ઉપદેશ શરુ કર્યો. એનો ઉપદેશ સાંભળી બધા સાધુઓ ભગવાન બુદ્ધ પાસે જવા તૈયાર થઈ ગયા.
સવારે દેવદત્ત જાગ્યો ત્યારે વિહારમાં તેના સિવાય ત્યાં બીજું કોઈ નહોતું. એ ધમપછાડા નાખતો બુદ્ધ પાસે પહોંચ્યો. ભગવાન બુદ્ધે કહ્યું, ‘ભાઈ, તું પાંખ વગર ઊડી ન શકનાર પંખી છે, તારે પક્ષ જોઈએ, પક્ષ ન હોય તો પક્ષી જમીન પર પડી કોઈ પ્રાણીનો ખોરાક બની જાય, તારું બળ તારામાં નથી, પક્ષમાં છે. મને તો પક્ષ હશે તો પણ ચાલશે, નહિ હોય તો પણ ચાલશે, પક્ષમાં કલ્યાણ છે, એમ હું માનતો નથી.’
દેવદત્તે ઘણી મહેનત કરી પણ કોઈ ભિખ્ખુ એની સાથે જવા તૈયાર ન થયો. પક્ષ (પાંખ) વગરના પક્ષીની જેમ એ તરફડી રહ્યો.