કર્મ એક પ્રબળ સત્તા છે અને દરેક જીવ-મનુષ્ય આ કર્મ સત્તાને આધીન રહીને જીવે છે. કર્મનો નચાવ્યો તે નાચે છે, કૂદે છે, રડે છે, હસે છે, જન્મે છે અને મરે છે. કર્મની પ્રબળ સત્તા સામે કોઈ વીરલાઓ જ માથું ઊંચકી શકે છે અને હંફાવી શકે છે. પણ તેમ કરતા પહેલાં કર્મસત્તાની શક્તિ ક્યાં છે ? કેટલે સુધી છે ? તે સમજી લેવું ખૂબ જરૂરી છે. કર્મસત્તાની અનર્ગળ શક્તિને લીધે ઘણા લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તે છે કે આખો સંસાર કર્મને આધીન છે. અને તેની સત્તામાં મીનમેખ મારી શકાય નહિ. જો આમ જ સ્વીકારી લેવામાં આવે તો પછી માણસે કંઈ કરવાપણું રહેતું નથી. કર્મ જેમ દોરે તેમ દોરાવાનું અને નચાવે તેમ નાચવાનું. આવા લોકોએ કર્મસત્તાને એટલી હદ સુધી સાર્વભૌમત્વ આપ્યું કે તે જાણે ઈશ્વરની બરોબરીની બની ગઈ. બીજી બાજુ કેટલાય તત્ત્વચિંતકો જેમનાથી કર્મસત્તાનું આ સાર્વભૌમત્વ સાંખી ન શકાયું કે તે એટલું વાજબી ન લાગ્યું તેમણે એની ઉપર ભગવાનને મૂકી દીધો. તેમણે એ તો કબૂલ્યું કે કર્મ એ ખૂબ પ્રબળ સત્તા છે. પણ ભગવાન તેનાથી પર છે. ભગવાન કર્મસત્તા ઉપર પોતાનો વટહુકમ બહાર પાડીને કર્મના ચુકાદાઓમાં ફેરફાર કરી શકે. કોઈની સજા મુલત્વી રાખી શકે તો કોઈની સજામાં ઘટાડો કરી શકે અને ઠીક લાગે તો કોઈને સજામાંથી માફી પણ આપી દે. આમ, ઈશ્વરને વચ્ચે લાવવાથી એવી એક પરિસ્થિતિ ઊભી થઈ કે જેના માટે ઈશ્વરને પણ દોષિત ગણાવી શકાય. જો ઈશ્વર આમ મનમાની કરે તો પછી તેનું ઐશ્વર્ય ઝાંખું પડી જાય. ભગવાન પોતાને ભજનારાઓને બચાવી લે અને તેની અવગણના કરનારાઓને દંડે કે તેમની સાર-સંભાળ ન લે તો પછી ઈશ્વરમાં અને માણસમાં શું ફેર રહ્યો ? માણસોને પણ ખુશામત ગમે અને ઈશ્વરને પણ તે ગમે, પછી ભલેને ઈશ્વરની ખુશામતને ભક્તિ જેવા સારા શબ્દથી ઓળખવામાં આવે. જેમ કોઈ રાજકારણી પોતાના પક્ષના માણસોને કે સ્વજનોને ન્યાલ (માલામાલ) કરી દે અને વિરોધીઓને હેઠા પાડે-રખડતા કરી મૂકે તેમ ભગવાન પણ કરતો થઈ જાય તો તેનું ભગવદપણું ક્યાં રહ્યું ? આમ તો ઈશ્વરને જ અન્યાય થઈ બેસે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. તો પછી શું કર્મસત્તાને જ સર્વ કંઈ માનવી રહી ? તેને જ સર્વોપરી ગણી તેને નમી પડવાનું રહ્યું ? હા, આપણે એક વાત તો સ્વીકારવી જ રહે કે કર્મસત્તા મહાબળવાન છે, એ વાત ખરી પણ તે પરમન્યાયી છે. કોઈના તરફ તે પક્ષપાત કે દ્વેષ રાખતી નથી. કર્મ-સત્તા પાસે વગ-વસીલો ચાલતો નથી. રાય કે રંક હોય સૌ કર્મસત્તા પાસે સરખા છે. ત્યાં કોઈની શેહ-શરમ પહોંચતી નથી. તો પછી કર્મસત્તાને આધીન થઈ જીવવામાં શું વાંધો ? આપણે કર્મસત્તા સામે લડાઈ શા માટે ? કર્મ સાથે આપણે લડાઈ છે તેનું કારણ એ નથી કે તે અન્યાયી છે. કર્મ આપણને આત્મિક સુખથી – સાચા સુખથી વંચિત કરે છે તે માટે આપણે કર્મસત્તા સામે લડાઈ માંડવાની છે. કર્મની હાજરીમાં આપણો સ્વભાવ પ્રગટ થતો નથી. આપણી આત્મિક સંપત્તિનો આવિર્ભાવ થતો નથી તેથી જ્ઞાનીઓ કર્મમાત્રને ફગાવી દઈને નિજ સ્વરૂપમાં આવી જવાની સલાહ આપે છે અને તેનો માર્ગ બતાવે છે. આપણને જ્યાં સુધી આપણે માનેલાં સુખ-સગવડો મળે છે ત્યાં સુધી આપણને કર્મસત્તા ખટકતી નથી પણ જેવી પ્રતિકૂળતાઓ સામે આવે છે કે આપણને કર્મસત્તા ખટકે છે. આમ જોઈએ તો કર્મસત્તાએ આપણને આપેલાં સુખો પણ સરવાળે નુકસાનકારક છે કારણ કે તે આપાત ભદ્ર પણ પરિણામે વિરૂપ છે. તેનો સ્વાદ મીઠો છે પણ તેની અસર માઠી છે. જે જ્ઞાનીઓએ કર્મનું સ્વરૂપ જાણ્યું અને ઓળખ્યું તેમણે એ વાત કરી કે કર્મમાત્ર દુઃખદાયક છે માટે તેની ચુંગાલમાંથી આપણે નીકળી જવું જોઈએ. ગમે તેવો સારો રાજા હોય તો પણ આપણે તેના પગ નીચે તો ખરા જ ને ! તે વિફરે કે તેને કંઈ વાંકું પડે ત્યારે આપણી ખાના-ખરાબી થયા વિના રહે નહિ. માટે ધર્મપુરુષોએ ઘોષણા કરી કે કર્મ સત્તાની સરહદો ઓળંગીને પોતાના પ્રદેશમાં આવી જાવ-પોતાની સત્તામાં જ આવી જાવ. છતાંય જો તે શક્ય ન હોય તો એવાં સદ્દકાર્યો કરો, એવા સદ્દભાવ રાખો કે કર્મસત્તાને તમારા ઉપર રુઠવાનો વખત જ ન આવે. એવું નીતિપૂર્ણ જીવન જીવો કે કર્મસત્તા તમારાથી ખુશ થઈ જાય અને છેવટે મનાવીને-સમજાવીને તેને સંમતિથી તેની સરહદો પાર કરી જાવ. શ્રમ આત્મવંશ સુખ ; સર્વપરવશં દુઃખ – આ વાત તો મનુસ્મૃતિએ પણ કરી છે, જ્યાં આપણે સ્વાધીન છીએ ત્યાં સુખ ; જ્યાં આપણે પરાધીન છીએ ત્યાં દુઃખ જ છે. આમ, મૂળ વાત તો કર્મસત્તામાંથી નીકળી સ્વસત્તા – આત્મસત્તામાં આવવાની વાત છે પણ તે પહેલાં આપણે ઘણો લાંબો અને વિકટ માર્ગ કાપવાનો છે. આ વિકટ માર્ગે પ્રયાણ કરતા પહેલાં આપણે સમજી લઈએ કે આપણા દુઃખનું કારણ શું છે ? તેને કેવી રીતે દૂર કરી શકાય ? દુઃખને તાત્કાલિક દૂર ન કરી શકાય તો કેવી ભોગવાય કે તે હાથમાંથી છટકી ન જાય અને તેનો ભોગવટો પણ ઉત્તરોત્તર સુખ અને શાંતિનું કારણ બને અને છેવટે પરમસુખની નિષ્પત્તિ થાય. કર્મશાસ્ત્ર – કર્મવિજ્ઞાન કે કર્મસિદ્ધાંતને સમજ્યા વિના આ માર્ગ મળવો મુશ્કેલ છે અને તેથી જ તો કર્મવાદના અભ્યાસનું મહત્વ છે.

કર્મસત્તા બળવાન છે – પ્રબળ છે પણ જો આપણે તેની સામે કળથી કામ લઈએ તો તેના ઉપર વિજય પ્રાપ્ત કરવાનું એટલું મુશ્કેલ નથી. એકવાર કર્મવ્યવસ્થાનાં રહસ્યો સમજી લઈએ તો કર્મના ગઢમાં ક્યાં ક્યાં નબળી જગ્યાઓ છે ? તેનો આપણને ખ્યાલ આવી જાય અને પછી ત્યાં ગાબડાં પાડી કર્મના ગઢમાં પગપેસારો થઈ શકે. એકવાર કર્મનો ગઢ તૂટ્યો અને ચૈતન્ય સત્તાનો તેમાં પ્રવેશ થયો પછી કર્મના ગઢને પડતાં વાર નહિ લાગે.