
ચૈત્ર માસનો તપ્ત સૂર્ય વાતાવરણને વધુ વ્યાકુળ બનાવી રહ્યો હતો.વિશાળ બગીચાનું સુબેદાર અશ્વ પર બેસી નિરીક્ષણ કરી રહ્યા હતા. અશ્વપાળ ઘોડાની લગામ પકડી ધીરે ધીરે સાથે ચાલતો હતો. સાથે સાથે ઉપવનના બે માળી સુબેદાર સાહેબને બગીચામાં રહેલ વૃક્ષો, ફૂલો અને ફળોનું સુપેરે પરિચય આપતા હતા.
એક આમ્ર કુંજ નીચે ઠંડા છાંયડાની અને શીતળ પવનની લહેર સુબેદારને સ્પર્શી ગઈ. તેને કાંઈક સારું લાગ્યું. કાફલાને અટકાવવાનો હુકમ કર્યો.
સુબેદારે ઉપર જોયું તો એક ઘટાદાર આમ્ર વૃક્ષ આસપાસનાં બધાં વૃક્ષો કેરીના નાના ફળથી લચી પડેલાં હતાં પણ આ વૃક્ષ પર એક પણ આમ્ર ફળ ન હતાં જેથી સુબેદારે આશ્ચર્ય સાથે પૂછ્યું કે, આ શેનું વૃક્ષ છે ? આમાં કોઈ ફળ કેમ નથી ? માળીએ જવાબ આપ્યો કે, આ આંબો ફળાઉ નથી એટલે આને ફળ આવતા નથી.
સુબેદાર કહે છે કે, તો આટલી મોટી જગ્યા રોકી બાગમાં આ હજુ સુધી કેમ ઊભું છે ? અહીંના વનપાલક કોણ છે ? માળી કહે, આ પરગણાના સંગ્રામસિંહ સોની અહીંના વનપાલક છે. હમણાં જ બોલાવો તેને – સુબેદારનો હુકમ છૂટ્યો.
સંગ્રામસિંહ સોની ઉપવનમાં આવતાં જ સુબેદાર પૂછે છે કે, આ ઝાડ ફળ આપતું નથી તો તેને કેમ રાખ્યું છે ? ખોટી જગ્યા રોકે છે. તેને ઉખેડી નાખવું જોઈએ. સંગ્રામસિંહ કહે છે કે નામદાર ! આ વૃક્ષથી અહીં શીતળ છાંયા મળે છે. વળી કેટલાંય પક્ષીઓના માળા આમાં છે. ઊખેડીશું તો કેટલાય જીવોની હત્યા થશે. વળી ક્યારેક ફળ પણ આવવા મંડાશે, માટે તેને કાઢી નાખવું ઉચિત નથી.
હું એક મહિના પછી પાછો આવવાનો છું, ત્યારે કાં તો આંબા પર ફળ આવવા જોઈએ નહીં તો આ ઝાડ અહીંથી ઉખાડી નાખવું જોઈશે. સુબેદારની કરડી આંખ અને તીક્ષ્ણ અવાજ સાથે હુકમ છૂટ્યો.
ભગવાન મહાવીરની જીવદયામાં શ્રદ્ધા ધરાવતાં સંગ્રામસિંહને રાત્રે ઊંઘ નથી આવતી. તેને ચિંતા છે કે એક વૃક્ષનું છેદન કરવાથી એકેન્દ્રીયથી પંચેન્દ્રીય જીવોનો કેટલો મોટો ઘાત થાય.
તે કર્મબંધનથી બચવા તે ઉપાયો વિચારે છે. માતા પૂછે છે કે, તું ચિંતિત કેમ છે ? જે હોય તે બતાવ. તે માતાને ઉપવનની ઘટનાની વાત કહે છે.
માતા કહે છે કે, જીવદયા અને અહિંસામાં શ્રદ્ધા રાખવાથી રસ્તો જરૂર નીકળશે. સવારે સાત વાગે આપણે સહુ તે આંબાના વૃક્ષ નીચે બેસી અને એક કલાક નવકાર મંત્રના જાપ કરીશું. તે વૃક્ષના મૂળમાં દેશી ખાતર અને પાણીનું સિંચન કરીશું ને પ્રાર્થના કરીશું કે હે વનસ્પતિ દેવ ! જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે આ વૃક્ષને ફળો પ્રદાન કરો. દરરોજ સવારે એક કલાક આખો પરિવાર વૃક્ષ નીચે મંત્રજાપ – જળસિંચન વગેરે કરે છે. એક અઠવાડિયા પાછી આંબાની ડાળીમાં મોર-મરવો દેખાવા લાગ્યો. બીજા અઠવાડિયે નાની ખાખટી કેરી દેખાઈ. ત્રીજે અઠવાડિયે નાનકડી કેરીઓ દેખાણી અને ચોથા સપ્તાહને અંતે નાની-મોટી કેરીના ઝુમખા દેખાણા. સુબેદાર રાજના અતિથિગૃહમાં પધાર્યા છે. સંગ્રામસિંહ એક થાળામાં થોડી કેરીઓ ઉપર રેશમી કપડું ઢાંકી તેને ભેટ ધારે છે અને કહે છે કે, આપ ઉપવનમાં પધારો ને વૃક્ષને જુઓ – સુબેદાર પ્રસન્નતા અને રાજીપો વ્યકત કરે છે. બીજાનું ભલું કરવાની ઈચ્છા અને ધર્મમાં શ્રદ્ધા રાખવાથી પ્રકૃતિ પણ તેને સહાય કરે છે. આ ધર્મમંત્રનો દુરુપયોગ કે ચમત્કાર નથી. આ વિધાયાત્મક વિચારધારાનું સુપરિણામ રશિયાની કિલીયન દંપતીએ વૃક્ષો પર આવા પ્રયોગ કરી સિદ્ધ કર્યું છે. કે પોઝિટીવ થિંકિંગ સત્કાર્ય માટે સારું ઝડપી પરિણામ લાવી શકે છે.