
વિષ્ણુને બારણે માણસોની કતાર જામી ગઈ. બધાં પોતાને જોઈતી વસ્તુઓ માગવા લાગ્યા. કોઈ પૈસા, કોઈ પુત્ર, કોઈ સુખ, કોઈ દવા, કોઈ ઊંઘ, કોઈ આરામ, કોઈ નિરાંત, કોઈ નોકરી, કોઈ પદ, કોઈ પદવી, કોઈ સ્થાન, કોઈ સફળતા ! ભગવાન વિષ્ણુ બધાને આપતા જ રહ્યા. જેને જે જોઈએ તે મળવા લાગ્યું. ભગવાનની બાજુમાં જ લક્ષ્મીજી બેઠાં હતાં. તેમને ચિંતા થઈ. તેમણે ભગવાનનો હાથ પકડયો : ‘આમ બધાંને બધું, આપી દેશો તો વૈકુંઠ ખાલી થઈ જશે.’
હસીને ભગવાને કહ્યું ‘નહિ થાય. કેમ કે આ માણસો તો માંગવા જેવી વસ્તુ તો માંગતા જ નથી. અને એ વસ્તુઓ જ્યાં સુધી આપણી પાસે રહેશે ત્યાં સુધી આપણને કોઈ જ તકલીફ નહિ પડે.’
દેવી લસમીએ પૂછ્યું : ‘કઈ છે એ વસ્તુઓ ?’
હસીને ભગવાન કહે : “શાંતિ અને સંતોષ.’
પછી એ જ રીતે હસીને જણાવ્યું : ‘માનવજાત બધું માગે છે, પણ બે જ વસ્તુઓ માગતા નથી, અને એ બે વસ્તુ સિવાયની બીજી બધી વસ્તુઓ નકામી છે. શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે. એ સિવાયનાં બધાં સુખ અલ્પવિરામ છે. એકડા વગરનાં મીંડા જ કહોને દેવી ! આપણી પાસે વૈકુંઠમાં એ બે વસ્તુ છે અને એટલે જ આપણે તેને વૈકુંઠ કહીએ છીએ.
જીવનનું રહસ્ય સાંભળી લક્ષ્મીજી પણ મરક મરક હસી રહ્યા હતાં.