માણસે પોતાના ચારિત્ર્યને નિષ્કલંક રાખવા ક્યાં છ ઉપાયો અજમાવવા જોઈએ ?

પોલીસે એક યુવાનને ભયાનક ગતિએ મોટર બાઈક ચલાવતા રોક્યો. એનો પરિચય પૂછ્યો. એ યુવાને કહ્યું : “તમને નથી લાગતું કે હું કોઈ સામાન્ય પિતાનો પુત્ર નથી ! હું એક મંત્રીનો પુત્ર છું. એથી વધારે કશું પૂછવું છે ?”

પોલીસે હેલમેટ નહીં પહેરવા બદલ એક સ્કૂટી-સવારને રોકી તેનો પરિચય પૂછ્યો. એણે કહ્યું : “હું એક ગરીબ શ્રમજીવીનો પુત્ર છું. મારા પિતા બિમાર હોવાથી ડોક્ટરની સૂચના મુજબ મારે દવા અને ઇંજેક્શન જલ્દી હાજર કરવાના હતા. એટલે ઉતાવળમાં હેલમેટ પહેરવાનું રહી ગયું. આપ જે સજા કરો તે હું નમ્રતાપૂર્વક સ્વીકારીશ.”

પુત્રો તો બંને હતા. એક સત્તાધારીનો પુત્ર અને બીજો ગરીબ શ્રમજીવીનો પિતૃભક્ત પુત્ર. એકમાં અહંકારનું વિષ હતું અને બીજામાં ઉત્તમ ચારિત્ર્યનું અમૃત.

દેશ ઉજળો હોય છે ઉમદા ચારિત્ર્યશીલ નાગરિકોથી. જેનામાં ચારિત્ર્યનો છાંટોય ન હોય એ ભલે નેતા કે ચૂંટાયેલો પ્રતિનિધિ, પણ એ “નાગરિક” નથી ! એ માત્ર શ્વાસ લેતું પૂતળું, દેશની ખરી સંપત્તિ અમીરી નથી પણ સત્વશીલ, ચારિત્ર્યશીલ નાગરિકો છે. સ્વાર્થ ખાતર ખોટાની પ્રશસ્તિ કરનાર સત્તાધારીઓ અને નેતાઓ માનવતાના મહાશત્રુઓ છે. સ્વાર્થ માણસને લાભ અને લોભના કારાગારનો કેદી બનાવે છે. ચારિત્ર્યની નિકટ પહોંચાડે છે. આજનો માણસ દ્વિધાગ્રસ્ત છે. દેવત્વ ફળશે કે નહીં તેનામાં તેને શંકા છે, પણ શેતાનિયત નિષ્ફળ જવાની નથી એની એને ફાવી ગયેલા દુષ્ટોમાંથી પ્રેરણા મળી છે. એટલે મનુષ્ય ચારિત્ર્યની ચિંતા કરવાને બદલે મનોવાંછિત સફળતાની ચિંતા કરે છે. ચારિત્ર્ય તે તપ છે. એ જાળવવા અને જીરવવા જાતને તપાવવી અને ખપાવવી એ નિષ્ઠા, સમર્પણ અને ત્યાગ માગી લે છે. આપણું જીવન એ કાર્યો અને સત્કાર્યોથી મપાય છે. અંતઃકરણ ઉપરથી જ તેનું માપ થાય છે. શ્વાસોચ્છવાસ દ્વારા થતું નથી. લાગણીઓ ઉપરથી મપાય છે, ઘડિયાળના કાંટે મપાતું નથી. જે માણસ શુદ્ધ વિચારે છે અને ઉત્તમોત્તમ મનોવૃત્તિઓ ધરાવે છે અને ઉત્તમોત્તમ કાર્યો કરે છે તે જ માણસ સૌથી વિશેષ જીવે છે. સદ્દગુણોનું મૃત્યુ થતું નથી કારણ કે એની સુવાસ શાશ્વત હોય છે. એક માણસ અમીર હતો ચારિત્ર્યને ભોગે એણે લક્ષ્મીનો સંચય કર્યો હતો. પાછળથી એને ખૂબ પશ્ચાતાપ થયો. એ બિમાર પડ્યો ત્યારે ડોક્ટરે તપાસીને કહ્યું હતું… અભિનંદન તમારું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. પેલા માણસે કહ્યું : “ડોક્ટર, તમારું નિદાન ખોટું છે. હું તો ક્યારનોય મરણ પામેલો છું, કારણ કે મેં મારા આત્માને નષ્ટ કર્યો છે, જે ધબકી રહ્યું છે, એ મારો આત્મા નથી પણ ખોળિયા દ્વારા લેવાતા શ્વાસનું નાટક છે ! હું એ વાત સમજી શક્યો હોત કે ચારિત્ર્યની રખેવાળી ન કરવી એ જ મરણ છે, તો જીવતા રહેવાની કોશિશ કરી હોત. કહેવાય છે કે લંડનના એક ચોકમાં જ્યોર્જ પીઓડીના પૂતળાનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે એ પવિત્ર પુરુષના પૂતળાને તૈયાર કરનાર શિલ્પિને તેનું પ્રવચન કરવાની વિનંતી કરવામાં આવી. એ શિલ્પીએ ઊભા થઈને એ મહાપુરુષની પ્રતિમાના ચરણમાં વંદન કરીને કહ્યું : “આ મારું ભાષણ છે. આ કરતાં વિશેષ પ્રભાવશાળી બીજું શું હોઈ શકે ! ચારિત્ર્યને કોઈની કશી ભલામણની જરૂર નથી તે પોતે જ પોતાની ભલામણ કરે છે.”

સ્વાર્થ ખાતર ગણતરીબાજો અને પ્રસિદ્ધિ ભૂખ્યા માણસોની સંખ્યા વધે અને દેશ માટે મરનાર કરતા મારનારની સંખ્યા વધે ત્યારે માનવું કે દેશ પતનના માર્ગે છે. ભાગ્યના સ્રષ્ટાઓમાં એટલે જ દરેક માતા, દરેક ઘર અને શાળામાં એવો સંદેશો મૂકતી તકતી મુકવાની વિનંતી કરવામાં આવી છે કે –

“ચારિત્ર્ય એ જ સર્વોત્તમ શક્તિ છે, ચારિત્ર્ય એ જ સર્વોત્તમ સંપત્તિ છે, ચારિત્ર્ય એ જ સર્વોત્તમ ધર્મ છે, ચારિત્ર્ય એ જ સર્વોત્તમ મોક્ષ છે.”

રાજકારણીઓ અને નેતાઓ પોતાની સત્તાપ્રિયતાનો વારસો પોતાના સંતાનને આપવા ઈચ્છે છે કારણ કે તેમણે પોતાના જીવનમાં ઉત્તમ નાગરિકત્વ અને ચારિત્ર્ય-ઘડતરને લક્ષ્ય બનાવ્યું નથી ! એક પ્રસંગ કથા મુજબ શાહજહાંને તેના પુત્ર ઔરંગઝેબે પદભ્રષ્ટ કરી કારાગૃહમાં કેદ કર્યો ત્યારે શાહજહાંની પુત્રી જહાનઆરાએ પોતાના પાપી બંધુઓને આશ્રયે રહી સુખ ભોગવવાની ઈચ્છા કરતાં પોતાના વ્યથિત પિતાની સાથે કારાગૃહમાં રહેવાનું પસંદ કર્યું હતું. દિલ્હીમાં આવેલ તેની કબર પર તેના મૃત્યુ સમયના શબ્દો કોતરવામાં આવ્યા છે : “મારી કબર પર કોઈ કિંમતી ચાદર ઢાંકશો નહીં. પવિત્ર પુરુષોની એક રંક, ક્ષુદ્ર અને ક્ષણભંગુર શિષ્યા અને શાહજહાંની પુત્રી જહાનઆરાની કબર માટે આ ઘાસ જ ઉત્તમ ચાદર છે”. આવી ચારિત્ર્યશીલ પુત્રી કે પુત્ર જેને પ્રાપ્ત થાય તે માતા-પિતા દુનિયાના સૌથી ભાગ્યશાળી માણસો છે. પોતાનું ભયાનક અહિતકાર પ્રત્યે પણ ક્ષમાશીલ રહે એવા ચારિત્ર્યવાન લોકોથી દેશ – પરદેશનો ઇતિહાસ ઉજળો છે. એડ મૂર નામનો ગૃહસ્થ પોતાના બાગમાં ટહેલતો હતો ત્યારે એક સ્પેનિશ યોદ્ધો તેની પાસે આવીને આજીજી કરતાં આશરો માંગવા લાગ્યો. મેં એક સદ્દ્ગૃહસ્થને મારી નાખ્યો છે તેથી કેટલાક માણસો મને મારી નાખવા મારી પાછળ પડ્યા છે. મને તમારા ઘરમાં છુપાવી દો. તો મહેરબાની થશે.” મૂરે તેને આશરો આપી રાત્રે નાસી જવાની તક મળે ત્યાં સુધી પોતાના એક ઘરમાં છૂપાવી રાખ્યો.

ત્યારબાદ થોડા સમયમાં જ એ સદ્દ્ગૃહસ્થ મૂરના પુત્રનું મડદું લઈને કેટલાક લોકો તેમણે ઘેર આવ્યા. એ લોકોએ ખૂનીની નિશાનીઓ આપી તે ઉપરથી મૂરને ખ્યાલ આવી ગયો કે જેને પોતે આશરો આપ્યો તે પેલો સ્પેનીશ જ પોતાના પુત્રનો ઘાતક હતો. તેમ છતાં મૂરે પોતાનું દુઃખ અને આઘાત ગુપ્ત રાખી તેને બચાવ્યો. રાત્રે તેણે પેલા ખૂનીને ઘરની બહાર રાખી કહ્યું કે તે જે તરુણનું ખૂન કર્યું એ જ મારો એક નો એક પુત્ર છે. તારા અપરાધને કારણે તું સખત સજાને પાત્ર છે. પરંતુ મેં તને બચાવવાનું વચન આપ્યું છે. એટલે એ  આ ઝપાટાબંધ દોડનાર ખચ્ચર અને રાત્રિના અંધકારનો લાભ લઈ ભાગી જા. તારા હાથ લોહીથી ખરડાયેલા છે પણ મારો ઈશ્વર મારા ચારિત્ર્યને નિષ્કલંક રાખવાની મને સલાહ આપે છે… ધન્યવાદ”

ચારિત્ર્ય વગરની બુદ્ધિ અને ચાલાકી દેખાડનાર અમુક માનવીઓ ભારતમાતાના છે ! માણસે પોતાના ચારિત્ર્યને નિષ્કલંક રાખવા ક્યા છ ઉપાયો અજમાવવા જોઈએ ?

૧. ધન વૈભવ અને સત્તાની પાછળ ઘેલા બનવાને બદલે શુદ્ધ અંતઃકરણ સાચવવાનો પ્રયત્ન કરવો !

(૨) રોજ-બરોજના જીવનમાં ક્ષમા, દયા, કરૂણા અને સહિષ્ણુતાના ઉપાસક રહેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી.

(૩) કોઈપણ કાર્ય કરવાની બાબતમાં અંતઃકરણને પૂછવું કે હું જે કરું તે ઈશ્વરની નજરમાં પવિત્ર છે ?

(૪) મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ સત્ય અને ન્યાયના પંથના પ્રવાસી બનવાનો આગ્રહ, પ્રેમ અને સેવાભાવના.

(૫)વેર-વૃત્તિ, ઈર્ષ્યા, લોભ અને સ્વાર્થ ત્યજી માનવતાને જ સર્વસ્વ ગણવાની ભાવના.

(૬)જગતમાંથી કશું લેવાને બદલે જગતને પોતાનું સર્વશ્રેષ્ઠ અર્પણ કરવાની તમન્ના.