ચેન્નાઈ, દિલ્હી, જયપુર, હૈદરાબાદ… જેવા મોટા શહેરોમાં ‘ફ્યુનરલ સર્વિસ સેન્ટર’ (FSC) કોરપોરેટ કંપનીની માફક શરુ થઈ છે. આવા એક ગૃહની ઇન્ક્વાયરી ઓફિસેથી જાણવા મળેલી વિગતો…
સ્મશાનમાં સ્લોટ બુકિંગ :
જેવા આપ લાભાર્થીને લઈ પહોંચો નો વેઈટિંગ. અનામત ક્વોટા ફીક્સ્ડ. પારંપરિક શાસ્ત્રીય વિધિ માટે બ્રાહ્મણ. પંડિતની સેવા ઉપલબ્ધ.
સગા-વહાલાં : સાહેબ, બહાર બોર્ડ પર ગોલ્ડ પેકેજ અને બેઝીક પેકેજ એમ લખેલું જ છે. એ બંનેમાં શું તફાવત છે !
મેનેજર : સાહેબ બેઝીક કરતા ગોલ્ડ પેકેજનો દર દોઢા… થી બમણો હોય છે. એ ઉપરાંત બીજી ખાસ વધારાની સવલતો અપાય છે.
સગા-વહાલાં : બેઝીકમાં કઈ કઈ વસ્તુ… વિધિ થાય ?
મેનેજર : એમાં તમને ભઠ્ઠીનો ઓપશન મળે. લાકડાની ચિતા જ મળે. ત્રણથી ચાર કલાક સમય લે. ગરમી
ધૂમાડો વધુ થાય. ઘી ચાલુ વપરાય. પંડિત વિધિવાળો એક જ હોય (એની મદદમાં તમારામાંથી કોઈએ હાજર રહેવું પડે.) બેસણાની જાહેરખબરને બદલે અવસાન નોંધ દરેક છાપામાં મોકલી આપીએ. શબને હોસ્પિટલમાંથી લાવતા વાર લાગે તો કલાકને હિસાબે અલગ ચાર્જ…
સગા-વહાલાં : ગોલ્ડ પેકેજ છે તો બહુ મોંઘુ. આ ભાવ સાંભળીને તો કદાચ મડદું ય બેઠું થઈને ના પાડી અમને ધમકાવે. છતાંય એની સ્પેશ્યાલીટી શું છે ?
મેનેજર : સાહેબ, હું તો તમને ગોલ્ડ પેકેજની જ ભલામણ કરું. જીવ્યો ભલે ઠાઠથી ના હોય મોતનો તો મલાજો રાખવો પડે ને !
*એક તો ઇલેક્ટ્રીક ભઠ્ઠી અને એસી હોલમાં બધાની બેઠક. કલાકમાં નિકાલ. તમને અને ભઠ્ઠી લાભાર્થી માટે કંર્ફટેબલ.
*દર પા કલાકે ઠંડી ચિલ્ડ બીસલેરી વોટર ફ્રી.
*ભઠ્ઠીમાં ઘી ગિરનારી ગાયનું શુદ્ધ ઘી. (લાભાર્થીને જરાય પીડા ના થાય. વળી પાછું એન્ટીસેપ્ટિક)
*બેસણાની જાહેરાત મુખ્ય અખબારમાં
*ફૂલો, નાળિયેર, ધાણા ચાદર બધું એક્સપોર્ટ ક્વોલિટીનું
*અરે ! ડાઘુઓ ઓછા પડતા હોય તો અમારા સ્ટાફમાંથી ય ચોક્કસ રકમમાં ઉભા રહેશે…
* અને સાહેબ… આ ખર્ચા માટે લોનની પણ વ્યવસ્થા !
તા.ક. મરણ પછીના અસ્થીવિસર્જનનો ચાર્જ આમાં સામેલ નથી. એ અલગથી ચૂકવવા પડશે. વિધિ માટેનાં સાંસ્કૃતિક પંડિત (સાંસ્કૃતિક પંડિત યજમાન પાસેથી દક્ષિણા લેશે ! ફી નહીં !) અને તેમની ટીમના અગાઉથી ચૂકવવા પડશે.
હાટમાં ચાલો, વાટમાં ચાલો
ઘાટમાં ચાલો ભેળાં
હાડકાં રહ્યા બાકી
એના ભરો બજારે મેળાં
‘છૂટવાની’ આ વેળાં
આ લોકોને ઘી-કેળાં !