
બે મિત્રો મોટર બાઈક પર સવાર થઈ પસાર થઈ રહ્યા છે. બેફામ ગતિએ વાહન હંકારતા એક વાછરડાને હડફેટે લે છે. મોટર બાઈક ચાલક મિત્ર તેને સારવાર માટે પશુ દવાખાને પહોંચાડવાનો આગ્રહ રાખે છે પણ બીજો મિત્ર કહે છે કે આવી નાની – નાની ક્રિયાઓમાં વ્યસ્ત રહીએ, તો બીજા કામો ચૂકી જઈએ. બહુ ભાવાવેશી ના થવાય. પણ મુખ્ય મોટર બાઈક ચાલાક દયાવાન હતો. પાપ-પુણ્યમાં માનતો હતો. એણે પોતાના અપરાધનો સ્વીકાર કર્યો અને વાછરડાને પશુ દવાખાને પહોંચાડયો જયારે બીજો મિત્ર બારોબાર ઘેર પહોંચી ગયો.
એણે જોયું કે તેના ૬૫ વર્ષની ઉંમરવાળા પિતા તેના ૮૫ વર્ષના દાદાને સ્નાન કરાવી રહ્યા છે. એણે કહ્યું : “પપ્પા, આ કામ તો એક નોકર પાસે કરાવી શકત.” તમે નાહક સમય વેડફી રહ્યા છો. તમે દલીલ કરશો. મા-બાપની સેવા કરવી એ પુણ્ય છે અને તેમની ઉપેક્ષા કરવી એ પાપ છે. નિવૃત્તિ બાદ આવાં નાનાં-નાનાં કામોને કરવાને બદલે પાર્ટ ટાઈમ નોકરી કરી હોત તો બે પૈસા મળત. લક્ષ્મીની સેવા કરવી એ જ મોટું પુણ્ય છે. કહી સંયત ચાલતો થયો. જયારે મોટરબાઈક ચાલાક યુવાન સ્મરણ આખો દિવસ વાછરડાની સેવામાં રોકાયા બાદ ઘેર ગયો. તેના પપ્પાએ તેને પશુ સેવાના કાર્ય બદલ શાબાશ આપી.
આજના માણસમાં પાપ શબ્દનો ડર ઘટી ગયો છે. કોઈપણ કાર્ય પાપ છે કે નહીં. તેનો વિચાર કરવાની પણ તેને ફુરસદ નથી. એને મન લાભ, લોભ અને મોહ જ પુણ્ય છે. હાથમાં આવેલી તક કોઈપણ દુષ્ટ રીતે પણ ઝડપીને તેનો ભરપૂર ફાયદો ઉઠાવવો એ જ એને મન સ્વાર્થ પ્રેરિત પુણ્ય છે.
“પાપ” શબ્દના શબ્દકોશમાં ૨૯ થી પણ વધુ અર્થ આપવામાં આવ્યા છે. “રામચરિત માનસ”માં એક જ પંક્તિમાં તુલસીદાસે ધર્મ અને પાપની વ્યાખ્યા સમજાવી દીધી છે. ‘પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પરપીડા નહીં અધમાઈ ” દિલને ખટકે તે પાપ, અશુભ, અદૃષ્ટ ઉત્પન્ન કરનાર આચરણ આ લોક તથા પરલોકમાં અશુભ ફળ આપનાર કર્મ, કર્તાનું અધઃપતન કરનારું કર્મ, ધર્મ શાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડાએલું દુરાચરણ તે પાપ. જેમ ધર્મ અનુસાર અઢાર પાપ ગણાય છે. જીવ હિંસા, જૂઠું બોલવું, ચોરી, વિષય સેવના પરિગ્રહ, ક્રોધ, અહંકાર, કપટ, લોભ, રાગ, દ્વેષ, કલહ, કોઈ પર આળ ચઢાવવું, ચડી-ચૂગલી પર નિંદા, કુગુરુ, કુદેવ, માયામોસો, રતિ-અરતિ, આસ્થારૂપ શલ્પ, હિંસા, અસત્ય, ચોરી અવ્રત વગેરેનો અશુભ ભાવ તે પાપ છે.
ઈશ્વરી નિયમ તોડવો તે પણ પાપ અને મનમાં દુષ્ટભાવના પરપીડન તે પણ પાપ. ઉત્તરાધ્યયન સૂત્રના મંતવ્ય મુજબ જે આત્માને બાંધે છે અને પતન કરાવે છે તે પાપ છે. મનોભાવથી જ પાપ માનવામાં આવે છે, વચન કે કર્મથી નહીં, લૉંગફેલો પાપનું સ્વરૂપ સમજાવતા કહે છે કે પાપમાં પડવું એ મનુષ્યની પ્રકૃતિ છે. તેમાં ડૂબેલા રહેવું એ શેતાનની પ્રકૃતિ છે. પાપ પર દુઃખી થવું એ સંતની પ્રકૃતિ છે. અને પાપોથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ ઈશ્વરીય પ્રકૃતિ છે.
પાપ અને પુણ્યની બાબતમાં મતમતાંતર છે અને એ એટલા બધા તીવ્ર છે એક ધર્મ કે સંપ્રદાય જેને પુણ્ય માનતો હોય બીજો ધર્મ તેને પાપ માને છે. ‘કુરુક્ષેત્ર’ પ્રબંધ કાવ્યમાં કવિ રામધારી સિંહ દિનકરે એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે.
‘પાપી કૌન ?’
મનુષ્ય સે ઉસકા ન્યાય ચુરાનેવાલા ?
યાકિ ખોજતે વિઘ્ન કા શિશ ઉડાનેવાલા
મહાભારતનું આખું મંડાણ આ વાત પર જ થયેલું છે. પાપ-પુણ્ય વ્યક્તિના કર્મ ઉદ્દેશ પર અવલંબિત છે. સૈનિક યુદ્ધમાં શત્રુને હણે તે બહાદુરી કે પુણ્ય કાર્ય ગણાય છે પણ એ જ સૈનિક સામાજિક જીવનમાં કોઈને દુશ્મનાવટથી હણે તો તે પણ ગણાય છે.
આ સંસારમાં માણસ સ્વતંત્ર, સન્માનપૂર્ણ અને સ્વાભાવિક જીવન જીવવા માટે જન્મ્યો છે. તેનો તે હક છીનવી લેવો, મન-વચન-કર્મથી તેને દુભાવવો કે પરેશાન કરવો તે પાપ છે. પાપ વૃક્ષનાં ફળ ક્યાં – ક્યાં ? તે બાબતે કહેવામાં આવ્યું છે કે દુષ્ટ મિત્રો તેમજ કુમિત્રોને સાથ, પ્રિય વ્યક્તિના વિયોગનું દુઃખ, દરિદ્રતા, અપકીર્તિ અને પ્રાપ્ત થતો તિરસ્કાર એ પાપ વૃક્ષનાં ફળ છે. ‘ચિત્રલેખા’ નવલકથામાં ભગવતીશરણ વર્માએ પાપ-પુણ્યની ચર્ચા કરતાં એક મહત્વનું વાક્ય મૂક્યું છે. ન હમ પાપ કરતે હૈ, ન પુણ્ય કરતે હૈ, હમ વહી કરતે હૈ જો હમે કરના પડતા હૈ. મતલબ કે માણસ પ્રકૃતિવશ સારા કે માઠાં કર્મો કરે છે.
ધર્મશાસ્ત્રો પાપ કર્મો માટે ગત જન્મ કે પૂર્વજન્મના કર્મોના પ્રભાવને જવાબદાર ગણે છે. કર્મના સિદ્ધાંતમાં એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે. પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અથવા અતિ ઘોર પાપકર્મનું અતિ તીવ્ર પ્રારબ્ધ બને છે અને તે ટાળી શકાતું નથી ! જો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મહાનમાં મહાન પાપી પણ મારા આગળ પાપનો પશ્ચાતાપ કરીને રડી પડે તો તેને હું સંસાર સાગરમાં ડૂબતો બચાવી લઉં છું.
માણસના પાપ કર્મો કરવાના ઉદેશો જુદા જુદા હોય છે. માણસ રાગને વશ થઈને પાપકર્મ કરે છે. દ્વેષને વશ પાપ કર્મ કરે છે, મોહને કારણે પાપ કર્મ કરે છે અને ભયને કારણે પાપ કર્મ કરે છે. માણસનું મન એ પાપકર્મ કરવાની પ્રેકટિસનું ક્રીડાંગણ છે. પાપ પહેલાં મનમાં ઉદ્દભવે છે. પછી તેની અભિવ્યક્તિ કર્મમાં થાય છે.
મહાત્મા ગાંધીજીએ એક વિચારણીય મુદ્દો સમજાવ્યો છે કે કોઈ વાત પ્રાચીન છે એટલે એ સારી છે એમ માની લેવું એ ખૂબ જ ખોટી વાત છે. જો બધું પ્રાચીન જ સારું હોત તો પાપકર્મો શું પ્રાચીન નથી ? પરંતુ ભલે ગમે તેટલું પ્રાચીન હોય, પાપ ત્યાજ્ય હો ! ‘પંચામૃત’માં મહાત્મા ગાંધીજીએ ગણાવેલાં સાત મહાપાપોની યાદી આપવામાં આવી છે.
-નીતિ વગરનો વેપાર, આત્મા વગરનું સુખ.
સિદ્ધાંત વગરનું રાજકારણ,
-ચારિત્ર્ય વગરનું જ્ઞાન.
-માનવતા વગરનું વિજ્ઞાન.
મહેનત વગરનું દાન.
ત્યાગ વગરની ભક્તિ.
તેઓ કહે છે. એક ચોરી કરે છે, એક ચોરી કરનારને મદદ કરે છે અને એક મનમાં ચોરીનો ઈરાદો ધરાવે છે એ ત્રણે ચોર જ છે.
તુકારામે પાપની ખૂબ જ સરળ વ્યાખ્યા આપી છે. જે કર્મ કરતાં ઈશ્વર આપણાથી દૂર થાય તે પાપ. પાપ-પુણ્યના ખ્યાલને માત્ર નર્ક કે સ્વર્ગના માપદંડથી મૂલવવાને બદલે માનવતાના માપદંડથી મુલવવું જોઈએ. માનવ તરીકેનો જન્મ એ ઈશ્વરનું મહાન વરદાન છે. એ વરદાનને દુષ્ટ કર્મથી લજવવું અને માનવતાને કલંકિત કરવી એનું નામ જ ‘પાપ’.
આજના વિશ્વની કરુણતા એ છે કે જેમ ‘જ્ઞાન’ વધતું જાય છે તેમ માનવતા ઘટતી જાય છે. વર્તમાન કસોટી કાળમાં ક્યાં ૧૧ કાર્યો ‘પાપ’ ગણાવાં જોઈએ ?
૧. સેવાને ભાવિ ચૂંટણી માટે વિજ્ઞાપન દ્વારા પ્રચારનું સાધન બનાવવું.
૨. વાણીનો ઉપયોગ સ્વાર્થ માટે પરનિંદાર્થે ઉપયોગ કરવો અને વ્યર્થ દોષારોપણ કરવું.
૩. સેવાકાર્યોને મન વગર અદા કરવાં અને વેઠ માની પતાવવાં.
૪. ગુપ્તદાન કે દેખાડેલી માનવતાને મીડિયામાં ચમકાવવાનો પ્રયત્ન.
૫. પોતાની ક્ષતિઓ, ભૂલો કે ફરજ ઉપેક્ષાનો લૂલો બચાવ.
૬. દર્દી કે દર્દીના બળ્યા-જળ્યાં સગાં-વહાલાનું અપમાન કરવું, કોરોના વોરિયર્સ સાથે ઝઘડવું.
૭. કોરોનાનાં દર્દીઓને ભષ્ટાચાર સાથે બેઈમાની અને અમાનવીયતાનાં સાધન ગણવાં.
૮.કોરોનાને કે અન્ય રોગને કારણે દર્દી મરે ત્યારે સ્વાસ્થ્ય કર્મીઓની આંખ ભીની ન થવીય.
૯. ગરીબ અને લાચાર માણસોને આર્થિક મદદ ન કરવી, નોકરીનો પગાર ન આપવો.
૧૦. સેવા કાર્યોમાં ઉણપ શોધી દખલ કરવી.
૧૧. દવા, ઇંજેક્શન કે ઓક્સિજનની કાળાબજારી.