
સૌથી પહેલાં તો મન કઠણ કરીને કમકમાટી છૂટી જાય તેવા બે દુઃખોની કલ્પના કરો અને યાદ રાખો કે આ બંને દ્રશ્યો કાલ્પનિક નહીં, પણ સાચા છે, એક ગાય છે, જે નિયમિતપણે દૂધ આપે છે… તોય એના નરાધમ માલિકને સંતોષ નથી. એ ધાતુનો સળિયો ગાયની યોનિમાં નાખે છે. ગાય બિચારી પીડાથી ભાંભરતી રહે છે. ગાયનો માલિક શેતાનનેય શરમ આવે એવું કૃત્ય શા માટે કરે છે ? અને તે પણ એક વાર નહીં, અવારનવાર ? ગાય લાંબો સમય દૂધ આપતી રહે ને એના દૂધનું પ્રમાણ ઘટી ન જાય, તે માટે.
બીજું દ્રશ્ય, એક કતલખાનાનું છે – ખાસ્સું આધુનિક, ટેક્નોલોજિકલ ઉપકરણોથી સજ્જ. ગાય એક વાછડાને જન્મ આપે છે એની થોડી જ મિનિટોમાં વાછડાને એની “મા”થી અલગ કરી દેવામાં આવે છે. મા વેદનાથી રાડો પડતી રહે છે. પણ વાછડાને અલગ ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવે છે. અહીં કદાચ એની કતલ થઈ જશે, કેમ કે તાજા જન્મેલાં વાછરડાંના માંસના બજારમાં વધારે પૈસા ઉપજે છે. આ બાજુ એની માને એ જ્યાં સુધી વસૂકી નહીં જાય ત્યાં સુધી નિચોવ્યા કરવામાં આવશે. ગાયની પ્રકૃતિવશ ઝંખના તો એવી છે કે એનું બચ્ચું એના આંચળને વળગે, પણ અહીં એક મશીનમાં આંચળને ચુસ્ત રીતે ઇન્સર્ટ કરવામાં આવે છે. મશીન ચાલુ થાય છે અને કૃત્રિમ રીતે દૂધ દોહાતું રહે છે. દૂધનું છેલ્લું ટીપું નીચોવાઈ ન જાય ત્યાં સુધી મશીન આંચળને મચળ્યા જ કરે છે. આખરે આંચળમાંથી લોહી નીકળવાનું શરુ થાય છે ને છેક ત્યારે મશીન અટકે છે. ગાય માટે આ રોજનો નિત્યક્રમ બની જવાનો છે. ગાયને દૂધ આપતી રહે તે માટે તેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી સતત પ્રેગ્નન્ટ રાખવામાં આવે છે. તેને લીધે ગાયનું ૩૦ વર્ષનું આયુષ્ય સંકોચાઈને માંડ બારેક વર્ષ જેટલું થઈ જાય છે. જે દિવસે એ દૂધ આપતી બંધ થશે તે દિવસે એની કતલ થઈ જશે. અત્યાર સુધી એના દૂધની કિંમત ઊપજતી હતી, હવે એના માંસની પણ કિંમત ઉપજશે.
વાત માત્ર ગાય પર થતા અત્યાચારની નથી. જેની નોનવેજ વાનગીઓ બને છે એ તમામ જાનવરો અબજો રૂપિયાની લાઈવ સ્ટોક ઇન્ડસ્ટ્રી માટે કેવળ પૈસા કમાવાની ને માંસના પેટની ભૂખ ભાંગવાની વસ્તુ છે. વાંદરા, સસલાં, કૂતરાં વગેરે પ્રાણીઓ પર જુદી જુદી લેબોરેટરીમાં દવા, કેમિકલ્સ વગેરેનાં કેવાં કેવાં પરીક્ષણો થાય છે ને આ મૂંગા પ્રાણીઓને કેવો અસહ્ય ત્રાસ વેઠવો પડે છે કે રિબાઈ રિબાઈને મરી જવું પડે છે ! તે આપણે ક્યાં ? જાણતા નથી.
આ જ કારણ છે કે વેગનીઝમ ક્રમશઃ વધુ ને વધુ સ્વીકાર્ય બનતું જાય છે. વીગન એટલે, સાદી ભાષામાં, અતિશાકાહાર. જો તમે વીગન જીવનશૈલી અપનાવો તો તમારે માંસ, મત્સ્ય-ઇંડાં તો ખાવાનાં નથી જ. પણ તમારે દૂધ પણ પીવાનું નથી. દૂધ બંધ એટલે ચા-કોફી- બંધ. દહીં-છાશ-લસ્સી-પનીર-ઘી-માખણ-શ્રીખંડ-ખીર-દૂધપાક-ઇંડાં વગરની કેક – આ બધું જ બંધ. વીગન હોવું એટલે ફક્ત ડેરી પ્રોડક્ટ્સથી દૂર રહેવું એમ નહીં. તમારે સિલ્ક, ઊન અને ફરમાંથી બનતા કપડાં… જેમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થયો હોય તેવા સાબુ, કોસ્મેટિક, લેધર, મધ, દવાઓ આ બધાથી દૂર રહેવાનું છે. ટૂંકમાં… અબોલ પશુઓ – અબોલ પક્ષીઓને કષ્ટ પડયું હોય તે તમામ ચીજવસ્તુ અને ક્રિયાનો ત્યાગ કરવાનો છે !
વીગન વિરોધીઓ દલીલ કરતા હોય છે કે ફળફળાદિ અને શાકભાજીમાં પણ ચેતના છે, તો શું માણસે તે પણ નહીં ખાવાનું ? જૈન શાસ્ત્રો કહે છે… શાકભાજીમાં, પાણી, અગ્નિ, ધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુઓ-પક્ષીઓ અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.
સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે બીજા પ્રાણીઓનું દૂધ પી જાય છે. થોડા સમય માટે જ માતાના દૂધ પર આધારિત રહ્યા બાદ બચ્ચું એકવાર જીવનસંઘર્ષ કરવા માટે સજ્જ થઈ જાય પછી એને માતાના દૂધની આવશ્યકતા રહેતી નથી. તેથી કુદરતી રીતે જ માતાના શરીરમાં દૂધ પેદા થવાનું બંધ થઈ જાય છે. આખી દુનિયામાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે મરતાં સુધી બીજા પ્રાણીઓનું ડૂડ પી-પી કર્યા જ કરે છે.
રાહત થાય એવા ન્યુઝ એ છે કે વીગન કે વીગનીઝમ માત્ર ટ્રેન્ડ કે ફેશન નથી, પણ તે સમયની સાથે વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે. આજે મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વીગન રેસ્ટોરાં શરુ થઈ ચૂકી છે. અરે, લગ્નોત્સુક કન્યાઓ અને યુવકો પણ વીગન લાઈફ પાર્ટનરને પસંદ કરતા થયાં છે.
એક અંદાજ પ્રમાણે આજે દુનિયાભરના ૭ કરોડ ૯૦ લાખ લોકો વીગન ખાણીપીણી અપનાવી ચૂક્યા છે. મતલબ કે દુનિયામાં જૈનો કરતાં વીગન લોકોની સંખ્યા વધારે છે ! ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, પોપ સિંગર જસ્ટિન ટિમ્બરલેક, “ટાઇટેનિક” ફેંમ ફિલ્મમેકર જેમ્સ કેમરોન, “સ્પોર્ટ્સમેન ઓફ ઘી સેન્ચુરી”નું બિરુદ મેળવનાર એથ્લેટ કાર્લ લેવિસ વગેરે જેવા સેલિબ્રિટીઓ અને દેશ-વિદેશના કેટલાંય પ્રોફેશનલ બોડી બિલ્ડરોએ વીગન ડાયટ અપનાવી લીધી છે.
જો તમે ખુદ આવું માનતા હો અથવા કોઈ તમને કહે કે સ્પોર્ટ્સમાં સારું પરફોર્મન્સ આપવા માટે, જિમમાં જઈને બોડી બનાવવા માટે કે શરીરમાં પ્રોટીનનો ઇનટેક વધારવા માટે નોનવેજ તો નહીં, પણ કમ સે કમ ઇંડાં તો ખાવા જ પડે, તો સમજી લો કે આના જેવી હંબગ વાત બીજી કોઈ નથી. જો તમે ગૂગલ પર જઈને “વીગન બોડીબિલ્ડરર્સ” સર્ચ કરશો તો અને ચુસ્ત વીગન હોવા છતાંય ગજબનાક દેહયષ્ટિ ધરાવતા પુરુષોની તસવીરો-વિગતો જોઈને આશ્ચર્ય થશે.
જોન વિનસ નામનો બોડી બિલ્ડર અને ફિટનેસ ટ્રેનર કહે છે, “હું વીગન બન્યો ને સો એ સો ટકા પ્લાન્ટ-બેઝડ ખોરાક લેવાનું શરુ કર્યું તે પછી જિમમાં મારું પરફોર્મન્સ જે રીતે સુધરવા માંડયું તે જોઈને મને ખુદને નવાઈ લાગતી હતી, જિમનું સેશન પૂરું થાય પછી સામાન્યપણે આપણને શરીરમાં ક્યાંય કશુંક દુખ્યા કરતું હોય છે, પણ હું વીગન બન્યો પછી આ દુખાવાનું પ્રમાણ ઘટી ગયું છે. આખા સેશન દરમિયાન મારુ એનર્જી લેવલ એકધારું ઊંચું રહે છે.”
૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય સ્તરે વીગન ફૂડ માર્કેટનું આર્થિક કદ ૧૪.૪૪ બિલિયન ડોલર હતું. જે ૨૦૨૧માં વધીને ૧૫.૭૭ બિલિયન ડોલરનું થઈ ગયું હતું. વીગન મિલ્ક અથવા પ્લાન્ટ-બેઝડ મિલ્કની ખપત પણ ક્રમશઃ વધી રહી છે. સાધારણ દૂધના વિકલ્પ તરીકે વપરાતી પ્રોડક્ટસની ખપત ૨૦૧૩માં વિશ્વસ્તરે ૩.૭ બિલિયન કિલોની હતી. જે ૨૦૨૦માં વધીને ૬.૩ બિલિયન કિલોની થઈ. વેગનીઝમ ઉત્તરોત્તર પોપ્યુલર બની રહ્યું છે.. એની શી રીતે ખબર પડે ? ગૂગલ ટ્રેન્ડ્ઝ નામના ફિચર પરથી… ૨૦૧૬માં પહેલી વાર એવું બન્યું કે ગૂગલ પર “બીફ” (ગૌમાંસ) કરતા “વીગન” શબ્દ વધારે વખત સર્ચ થયો.
એક ઝાટકે વીગન બની શકાતું નથી, પણ ધીમે ધીમે, તબક્કાવાર વીગનીઝમ તરફ જઈ શકાય છે, જવું જોઈએ. ભગવાનની મૂર્તિ સામે ઘીના દીવા કરવાને બદલે વેજીટેબલ ઓઈલના દીવા કરીએ. મીઠાઈઓને બદલે જુદી જુદી જાતના ડ્રાયફ્રૂટ્સ વાપરીએ. ધાર્મિક ફંક્શનોના જમણવારમાં કેવળ વીગન વાનગીઓ જ પીરસીએ. દિવસમાં ત્રણ વખત ચા પીવાની ટેવ હોય તો શરૂઆતમાં બે વાર, પછી એક વાર ચા પીએ ને જો શક્ય હોય તો સદંતર બંધ કરી દઈએ. શરૂઆતમાં દિવસનું કમ સે કમ એક ટંકનું ભોજન વીગન ખાઈએ ને ક્રમશઃ નિષ્ણાતની સલાહ મુજબ વીગન ખાણીપીણીની માત્રા વધારતા જઈએ.
માંસાહારને કારણે પર્યાવરણને કેટલું જબરદસ્ત નુકસાન થાય છે તે હકીકતના વૈજ્ઞાનિક તથ્યો તેમજ આંકડા ઉપલબ્ધ છે. વીગનીઝમનો સંબંધ માણસની મૂળભૂત કરુણા સાથે છે. અન્ય જીવ-જંતુઓ-પશુ-પક્ષીઓ પ્રત્યેના સમ-સંવેદનમાં છે.
દુનિયાના સૌથી ધનિક ઉઠયોગપતિ ઈલન મસ્કે વચ્ચે કહ્યું હતું કે, “માણસે પોતાની ઈચ્છા અને ગમા-અણગમા પ્રમાણે જ જીવવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, પણ જો આપણે બીજા કોઈ ગ્રહ પર માનવ-વસાહત સ્થાપી શકીશું તો ત્યાં શાકાહારી ખોરાક જ ચલણમાં હશે, કેમ કે માંસાહાર માટે પ્રાણીઓને ઉછેરવા જેટલી એનર્જી અને સ્પેસ જોઈએ તે ત્યાં પરગ્રહમાં મળશે જ નહીં.
સો વાતની સેક વાત. માણસજાતને હવે માંસાહારની લક્ઝરી પોસાવાની નથી ! ધરતી પર પ્રાણીના સ્ત્રોત સતત સુકાઈ રહ્યા છે, પર્યાવરણની જાળવણીના પ્રશ્નો ભીષણ સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં આવનારી પેઢીઓનો મને-કમને શાકાહારને અપનાવ્યે જ છૂટકો થવાનો છે. ભવિષ્યની પેઢીઓ જે કરે તે, આપણે શું કરવાનું છે ? ભલે બાલકનૈયો ખૂબ માખણ ખાતો, ભલે આપણાં શાસ્ત્રો સુધ્ધામાં દૂધના અભિષેકનો ઉલ્લેખો રહ્યા, ભલે ગાંધીજી બકરીનું દૂધ પીતા, પણ અમુક પરંપરાઓ અને માનસિકતાથી દૂર થતા જવાની દિશામાં આપણે ક્રમશઃ આગળ વધવાનું છે ! એ તો નક્કી…