આમ તો સૌએ પોતપોતાની રીતે કર્મસિદ્ધાંતની વાત કરી છે પણ એનું અણીશુદ્ધ સ્વરૂપ જૈન ધર્મના અપવાદ સિવાય ક્યાંય જોવા મળતું નથી. આમ જોઈએ તો કરણી એવી બહારની, વાવીએ એવું લણીએ અને એવાં ચલણી વાક્યો લગભગ દરેક ધર્મમાં મળી આવે છે. પણ તેથી સૌનો કર્મસિદ્ધાંત સરખો નથી. કર્મનું મહત્વ, તેનું અસ્તિત્વ સૌ સ્વીકારે છે પણ તેની વ્યવસ્થા બહુ ઓછા સમજે છે. કર્મની વ્યવસ્થા બહુ જટિલ છે એ વાત ખરી પણ કર્મના સિદ્ધાંતના પ્રતિપાદનમાં ભલભલા વિચારકો પણ થાય ખાઈ ગયા છે. એનું મુખ્ય કારણ છે કર્મનું

યથાતથા સ્વરૂપ સમજવામાં થયેલી ભૂલ, જ્યાં મૂળમાં જ ખામી હોય ત્યાં તેનો પરિપાક કેવો આવે ?

મોટાભાગના વિચારકોએ કર્મને અદૃષ્ટ શક્તિ ગણી છે. જેથી તેઓ કર્મવ્યવસ્થાને પૂર્ણ રીતે તર્કબદ્ધ કરી શક્યા નથી. બીજી બાજુ જે ચિંતકો કર્મને એક પદાર્થ ગણીને આગળ વધ્યા તે કર્મવ્યવસ્થાને સાંગોપાંગ સમજાવી શક્યા છે અને આપણે અહીં એ સિદ્ધાંતને આશ્રયે કર્મસિદ્ધાંતનું વિવરણ કરવું છે.

કર્મ એ પણ એક પદાર્થ કે દ્રવ્યની નિષ્પત્તિ છે જેને પુદ્દગલાસ્તિકાય કહેવામાં આવે છે. આ દ્રવ્ય એટલું તો સૂક્ષ્મ છે કે જેને આપણે મોટા દૂરબીનોની મદદથી પણ જોઈ શકીએ તેમ નથી, પણ તેની અસર તો અવશ્ય અનુભવી શકીએ છીએ. વસ્તુ જોવામાં ન આવે તેથી તેનું અસ્તિત્વ નથી તેમ તો ન કહેવાય. વસ્તુના વર્તનથી તેની પ્રતીતિ થઈ શકે છે, સમગ્ર આકાશ આ દ્રવ્યના અતિસૂક્ષ્મ પરમાણુઓથી વ્યાપ્ત છે. – ભરાયેલું છે. આમ તો આકાશ કેટલાય પ્રકારના સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પરમાણુઓથી વ્યાપ્ત છે પણ એમાંય અમુક પ્રકારના પરમાણુઓમ કર્મ તરીકે પરિણમવાની ક્ષમતા છે. આ વિશિષ્ટ પ્રકારના પરમાણુઓનો જે સમૂહ-જથ્થો આકાશમાં પ્રવર્તે છે તેને કાર્મણવર્ગગણાને નામે ઓળખવામાં આવે છે. કર્મ બનવાની ક્ષમતાવાળા આ પરમાણુઓ આમ તો પોતાની મેળે જીવને કંઈ કરી શકતા નથી. જેમ કે અણુ-પરમાણુમાં અનંત શક્તિ છે પણ જ્યાં સુધી તેનો સ્ફોટ કરવામાં ન આવે ત્યાં સુધી અણુશક્તિ પેદા થતી નથી. તે પ્રમાણે કર્મ બનવાની ક્ષમતાવાળા આ સૂક્ષ્મ પરમાણુઓ આપોઆપ તો કંઈ જ કરતા નથી. આકાશમાં ફક્ત તેનું અસ્તિત્વ બની રહે છે. પણ જીવ પોતાના રાગ-દ્વેષના ભાવોથી જે સ્પંદન કરે છે તેને લીધે જડ એવા આ પરમાણુઓ ચૈતન્ય એવા જીવ તરફ ખેંચાઈ આવે છે અને તેની સાથે ઓતપ્રોત થઈ જાય છે. આમ, ઓતપ્રોત થવાની સાથે નિર્જીવ-જડ એવા પરમાણુઓનો જાણે વિસ્ફોટ થાય

છે અને તેમાંથી કર્મની નિષ્પત્તિ થાય છે. આમ, એક બાજુ જીવ- ચૈતન્ય છે અને બીજી બાજુ કર્મ બનાવની ક્ષમતાવાળા પરમાણુઓ જે અજીવ-જડ છે અને તે પોતપોતાના સ્વભાવમાં રહે છે. પણ રાગ-દ્વેષને કારણે જેવો તેમનો યોગ થાય છે કે તુરત જ જાને એક રૂપાંતર થઈ જાય છે અને નવા સ્વરૂપે તે અસ્તિત્વમાં આવે છે.

અહીં એક વાતનો ઉલ્લેખ કરી લઈએ કે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપમાં હોય તો આ કર્મરાજ તેને લાગી શક્તિ નથી. ઘણા દાર્શનિકો અહીં વાંધો લે છે કે આત્મા તો વિશુદ્ધ છે, અને કર્મ જેવો પદાર્થ તેને કલુષિત કરી શકે નહિ. આપણે એટલી વાત સાથે

સંમત છીએ કે આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ અને બુદ્ધ છે પણ તે અનાદિ કાળથી કર્મના સંસર્ગથી ખરડાયેલો છે અને પુરુષાર્થ કરીને તેણે શુદ્ધ બનવાનું છે. જો જીવ કર્મથી રગદોળાયેલો – કલુષિત થયેલો જ ન હોત તો તે આ સંસારમાં પણ ન હોત અને કૃતકૃત્ય થઈ પોતાના અસ્તિત્વમાં જ હોત. જીવ સંસારમાં રખડે છે અને સુખ-દુઃખ ભોગવે છે તેનું એ જ કારણ છે કે તે કર્મોથી ખરડાયેલો છે – કર્મ સાથે ઓતપ્રોત થઈ ગયો છે જેથી તેનું મૂળ સ્વરૂપ પ્રગટી શકતું નથી.

કર્મનું અસ્તિત્વ સતત બની રહે છે તેનું મૂળ કારણ કષાયો – ક્રોધ, માં (અભિમાન), માયા (કપટ) અને લોભ છે. જીવ હંમેશા આ કષાયોથી ધબકતો રહે છે પરિણામે તે ચંચળ બને છે. આ ચંચળતાને કારણે તે યોગોમાં એટલે મન, વચન અને કાયાના યોગોમાં પ્રવૃત્ત થાય છે. બ્રહ્માંડમાં વ્યાપ્ત કર્મના પરમાણુઓને પોતાના પ્રતિ ખેંચનાર પ્રેરક બળ છે કષાયો ; પણ તે ખેંચાઈ આવે છે આ ત્રણ યોગો દ્વારા. જો જીવ કષાયોથી આંદોલિત ન થતો હોત, કષાયોનાં પ્રભાવથી પર હોત તો તે ફક્ત સહજ યોગને આવશ્યક કર્મ-પરમાણુઓથી વધારે કર્મ-પરમાણુઓ ગ્રહણ ન કરત. જીવ પ્રત્યેક સમયે-પળે થોકબંધ કર્મ-પરમાણુઓ ગ્રહણ કરે છે. યોગોનો વ્યાપ જેટલો મોટો તેટલા વધારે પ્રમાણમાં કર્મ-પરમાણુઓ જીવ તરફ ખેંચાઈ આવવાના અને જીવ તે ગ્રહણ કરવાનો, પણ આ કર્મ-પરમાણુઓ જીવ સાથે સજ્જડ રીતે ચોંટી જાય છે, કષાયોની ભીનાશ અને ચીકાશને કારણે, આમ, આપણે જ આપણાં કર્મોના સર્જક છીએ. યોગ દ્વારા કર્મના પરમાણુઓ ગ્રહણ કરી છીએ અને કષાયો દ્વારા આત્મસાત કરીએ છીએ. કષાયો જનિત ચંચળતા કર્મ-પરમાણુઓના ગ્રહણનું દેખીતું કારણ છે પણ મૂળ પ્રેરકબળ કષાયો છે. જીવમાં જે રુચિ પડેલી છે, જીવનું જે વલણ છે, અભિગમ છે તે વળી કષાયોનું ઉગમસ્થાન છે. જો રુચિ સમ્યગ હોય તો ભાવોના ઉછાળા ઓછા અને જો રુચિ વિવેક વગરની હોય,

મિથ્યા ભાવોમાં રાચનારી હોય, આત્મહિતના ભાન વગરની હોય તો કષાય જનિત ભાવોના ઉછાળા વધારે. ભાવના એક નાના કંપનથી પણ થોકબંધ કર્મ-પરમાણુઓ જીવ ગ્રહણ કરી લે છે તો પછી જીવ જ્યાં મિથ્યા ભાવથી વાસિત હોય ત્યાં તો ભાવના ઉછાળાઓને કંઈ સીમા જ હોતી નથી. ભાવોના અને એમાંય કષાય જનિત ભાવોના આટલા ઉછાળા હોય ત્યાં કર્મ-પરમાણુઓના ગ્રહણને પણ ક્યાંથી સીમા રહે ?

જો જીવમાં પરિણામદર્શિની બુદ્ધિનું પ્રભુત્વ હોય, શ્રેય અને પ્રેયનો વિવેક હોય, શું મેળવવા જેવું છે ? અને શું છોડવા જેવું છે ? તે બાબત સ્પષ્ટ હોય તો તેના ભાવો સંયમમાં રહે છે અને પરિણામે તેની સકળ પ્રવૃત્તિઓ મર્યાદામાં આવી જાય છે. જીવની પોતાના ભાવજગત પ્રતિની જાગરૂકતા, પ્રવૃત્તિ ઉપરનો સંયમ અને મન-વચન-કાયાના યોગોની અલ્પતા – આ બધાંનો કર્મ-પરમાણુઓના ગ્રહણ ઉપર ઘણો પ્રભાવ પડે છે. સુરુચિ, કષાયથી અલ્પ રંજિત ભાવો, અલ્પ યોગો, વિવેક બુદ્ધિ અને પૂર્ણ જાગરૂકતાવાળો જીવ બહુ ઓછા પ્રમાણમાં કર્મ બાંધે છે અને જે બાંધે છે તે પણ મોટાભાગે સુખદ હોય છે.

જો પારિભાષિક શબ્દોમાં કહીએ તો કર્મબંધના મુખ્ય હેતુઓ મિથ્યાત્વ, અવિરતી, કષાય, યોગ અને પ્રમત્ત અવસ્થા છે.

વળી, જૈન ધર્મ ફક્ત પ્રવૃત્તિને કે કાર્યને કર્મબંધનું કારણ નથી માન્યું. આપણે કોઈ કાર્ય ન કરીએ પણ બીજા પાસે તે કરાવીએ તો પણ કર્મ બંધ તો પડે જ. જેમ કોઈની હત્યા આપણે ન કરીએ પણ કોઈની પાસે કરાવીએ તો પણ કાયદો આપણને જવા ન દે તેવું કર્મની બાબતમાં છે. બંધની આ વાત આટલેથી અટકતી નથી.

અરે, કોઈ કંઈ કરતુ હોય તેમાં સૂર પુરાવીએ, તેની પ્રશંસા કરીએ તો પણ આપણા ઉપર કર્મનો બંધ પડે. આમ, કર્મ કે ક્રિયાનું કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેય કર્મબંધના કારણો છે. માટે જ્ઞાની પુરુષોએ ખોટું કરવાથી, કરાવવાથી કે તેની અનુમોદના કરવાથી પણ દૂર રહેવા જણાવ્યું છે. જૈન ધર્મની આ વાત પણ વિશિષ્ટ છે.

કર્મવાદને યથાર્થ રીતે સમજવા માટે આપણે ઈશ્વરના સ્વરૂપ વિષે પણ વિચાર કરવો રહ્યો. જો આ બાબત આપણે સ્પષ્ટ ન હોઈએ તો પણ કર્મને સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ કે ક્યાંક ભળતી ભ્રામક માન્યતાઓમાં ફસાઈ જઈએ. આ કારણથી પણ ઘણા લોકોની કર્મવાદમાંથી શ્રદ્ધા ઊઠી જાય છે. જૈન કર્મવાદ અન્ય કર્મ સિદ્ધાંતોથી અલગ પડી જાય છે અને પરિપૂર્ણ લાગે છે તેનું કારણ ભગવાન વિશેના તેના સ્પષ્ટ ખ્યાલો, તેની યથાર્થતા અને ક્ષમતા વિષેની પૂર્ણ સમજણ. જૈન દર્શને ભગવાનનો સ્વીકાર કર્યો છે પણ તે વિશ્વના સર્જક તરીકે નહિ. જૈન મતે ભગવાન દર્શક છે. તે સંસારમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. જૈન મત પ્રમાણે આ સંસારનું શાસન કરનાર, સંચાલન કરનાર, સૃષ્ટિને બનાવનાર અને તેનો નાશ કરનાર કોઈ સત્તાનું અસ્તિત્વ નથી. દરેક જીવમાં-આત્મામાં ભગવાન બનવાની ક્ષમતા

રહેલી છે. જેમને આપણે ભગવાન તરીકે માનીએ છીએ તેઓ પણ એક સમયે આપણા જેવા જ હતા પણ પ્રચંડ પુરુષાર્થ કરી, કર્મોનો વિચ્છેદ કરી તેઓ મુક્ત થઈ ગયા અને તે માટેનો માર્ગ બતાવતા ગયા. વળી, આ માર્ગ ઉપર ચાલવામાં વધારે વિશ્વાસ રહે છે. જૈનો ભગવાનનું પૂજન-અર્ચન-વંદન ઇત્યાદિ કરે છે પણ તે એટલા માટે નહિ કે ભગવાન કંઈ કૃપા કરી સંસારમાંથી તારી લેશે. ભગવાને તરવાનો-બચવાનો માર્ગ બતાવ્યો છે માટે તેના બહુમાન તરીકે તેની ભક્તિ કરવાની છે જેથી આપણને તે માર્ગ ઉપર ચાલવાનું બળ મળી રહે અને તેની સતત સ્મૃતિ રહે.

આમ, જૈન દર્શન અન્ય ધર્મો કરતાં ભગવાનના સ્વરૂપ વિષે તદ્દન જુદું પડી જાય છે અને તેથી પણ તેનો કર્મવાદ બધા કરતા જુદો અને તર્કબદ્ધ રહે છે. અન્ય ધર્મોએ ભગવાનને, ગમે તેમ કરી શકવા સમર્થ, ગમે તે ન કરવા માટે પણ સમર્થ અને ગમે તો કોઈ અન્ય રીતે કરવા પણ સમર્થ ગણ્યો છે તેથી તેને કર્મસત્તાની ઉપર મુકવો પડે છે. આવા ભગવાનની કૃપા થાય તો કર્મ સત્તામાં હસ્તક્ષેપ કરી શકે અને કર્મે ફટકારેલી સજામાં વધારો – ઘટાડો કરી શકે અને તે માફ પણ કરી શકે. જૈન દર્શનને આવા પ્રકારનો કોઈ ભગવાન સ્વીકાર્ય નથી અને તેથી કર્મવાદના તેના ચિંતનમાં ક્યાંય નબળી

કડી રહેતી નથી. મજાની વાત તો એ છે કે જૈન દર્શને ભગવાન અને કર્મ બંનેને સાથે રાખ્યા છતાંય તેમની વચ્ચે ક્યાંય પરસ્પર વિરોધ રહેતો નથી. ઊલટાના તેનું ચિંતન પરસ્પરને પુષ્ટ કરે છે. ભગવાનનું સ્વરૂપ અને કર્મની વ્યવસ્થા આ બંનેને યથાર્થ રીતે સમજવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ વધારે સ્પષ્ટ અને સુરેખ થઈ જાય છે. આમ, મૂળથી જ જૈન દર્શનનો કર્મ સિદ્ધાંત અલગ પડી જાય છે અને ત્યાં જ એનું બળ છે. આ કારણથી તો જૈન કર્મવાદની નિષ્પત્તિ પરિપૂર્ણ બની રહે છે.

આ જગત-વિશ્વ-સંસાર અનાદિ અને અનંત છે. તેને કોઈ આદિ નથી, તેનો કોઈ અંત નથી. તેનું સંચાલન કરનાર કોઈ વિશિષ્ટ વ્યક્તિ કે ઈશ્વર નથી. છતાંય કર્મના અસ્તિત્વથી આ સંસાર ચાલ્યા કરે છે અને ચાલશે. કર્મની વ્યવસ્થા સ્વયંસંચાલિત છે. કર્મની નોંધણી રાખનાર કોઈ ચિત્રગુપ્ત ઉપર બેઠો નથી અને કર્મના ચોપડા ઉકેલીને ન્યાય કરનાર કોઈ ધર્મરાજા પણ ઉપર બેઠા નથી. ચિત્રગુપ્તનો ચોપડો આપણી અંદર જ લખાય છે અને તેનો ન્યાય પણ આપણી અંદર જ થાય છે. હા, સરળતાથી સમજાવવા માટે આવી વાતો કરવામાં આવી છે એમ માની શકાય પણ તેમના શારીરિક અસ્તિત્વનો સ્વીકાર થઈ શકે તેમ નથી. જીવ-આત્મા પોતાના પુરુષાર્થથી કર્મની

ચુંગાલમાંથી બહાર નીકળી જઈ શકે છે અને પોતાના સત-ચિદ્દ અને આનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે છે. જીવ મુક્ત નથી. તેણે મુક્ત થવાનું છે. કર્મથી મુક્ત થતાં જ જીવ મુક્ત થઈ જાય છે અને તેનું શુદ્ધ-બુદ્ધ-સ્વરૂપ પ્રગટે છે. સંસારના હાર્દમાં કર્મ રહેલું છે અને મોક્ષના હાર્દમાં કર્મનો સદંતર અભાવ રહેલો છે. કર્મ માત્ર દુઃખ છે અને કર્મવિહીન અવસ્થા કેવળ સુખ-આનંદ છે. તેમાં જ સ્વરૂપ રમણતા છે.

સુખ મેળવવા, શાશ્વત સુખ પામવા આપણે કર્મનો સિદ્ધાંત સમજવો રહ્યો. કર્મની વ્યવસ્થા સમજીને જ આપણે તેનાથી બચી શકીએ. શત્રુની તાકાત સમજીએ તો જ તેનો મુકાબલો થઈ શકે. ધર્મો કહે છે માટે આપણે સદ્કર્મો કરવાં એટલી વાત નથી.

ધર્મો આમ કેમ કહે છે ? તે સમજીએ. કારણ કે તેની પાછળ સબળ કારણો છે – વિજ્ઞાન છે. આલોકમાં અને પરલોકમાં સુખી થવા માટે પણ આપણે કર્મને સમજવાં પડશે.

આમ, આપણે અહીં જે કર્મ સિદ્ધાંતને આધારે કર્મની વ્યવસ્થાનો વિચાર કરી રહ્યા છીએ તે જગતમાં સૌથી ભિન્ન છે અને વિશિષ્ટ છે. વળી તે સંપૂર્ણ વૈજ્ઞાનિક પણ ઠરે છે.