
હિન્દુ નહી, મુસ્લિમ નહીં; માણસ બનો !
કોઈ પણ ધર્મનો ઉદ્દભવ માણસને માણસ બનાવવા માટે થયો હતો; પરંતુ મૂળભૂતવાદીઓએ પોતાના સ્વાર્થ માટે સંકુચિતતા અને કટ્ટરતાની રખેવાળી કરી ! દરેક ધર્મમાં જડસુઓ જોવા મળે છે. ટૂંકમાં ધર્મની હાલત એવી થઈ ગઈ છે કે તેમાં માનવમૂલ્યો ગૌણ બની ગયા અને ધાર્મિક મૂલ્યો જ સર્વોચ્ચ બની ગયા ! ધાર્મિક કટ્ટરવાદીઓને પોત પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતા શ્રેષ્ઠ લાગે છે અને તેના કારણે પોતાના ધર્મનો ફેલાવો થાય તેવું ઈચ્છે છે ! ધાર્મિક કટ્ટરવાદીઓ માને છે કે સમાજનો વિકાસ મંદિર/મસ્જિદથી થાય છે ! તેથી તેઓ મંદિર/મસ્જિદના મુદ્દાઓને ટોચ ઉપર મૂકે છે. ધર્મ માણસને માણસથી દૂર કરે છે; એવો એક પણ ધર્મ નથી, જેમાં ફાંટાઓ ન હોય ! ધર્મ ત્યાં વાડા અને વાડા ત્યાં ઝઘડા ! ભાઈચારાની વાતો કરનાર ધર્મ પોતે જ વહેંચાયેલો હોય છે ! ધર્મ વૈજ્ઞાનિક નથી. વિજ્ઞાન સાર્વભૌમ બની શક્યું, સમગ્ર વિશ્વનું વિજ્ઞાન એક જ છે. હિન્દુઓનું ફિઝિક્સ એક અને મુસ્લિમોનું ફિઝિક્સ જુદુ નથી ! યહૂદીઓનું એક રસાયણશાસ્ત્ર અને ખ્રિસ્તિઓનું અલગ રસાયણશાત્ર નથી ! જો વિજ્ઞાન એક હોય અને ધર્મ વૈજ્ઞાનિક હોય, તો સમગ્ર વિશ્વનો ધર્મ એક કેમ નથી?
ધર્મશ્રદ્ધાઓ ચુંબકનું કામ કરે છે; સૌને ખેંચી રાખે છે; ઝકડી રાખે છે. ધર્મ મૃગજળ છે, જે શ્રદ્ધાળુઓને દોડાવ્યા કરે છે. ધર્મ હંમેશા આકાશી જીવનમાં માને છે ! ધર્મની કથાઓ માણસને તર્કહીન બનાવે છે ! ધર્મ આસ્થાઓને હવા-પાણી આપે છે. અસહાયતા/કષ્ટ/દુ:ખ/મુશ્કેલીઓ/વિપદાઓની સ્થિતિમાં ધર્મ એવો વિશ્વાસ અપાવે છે કે ‘આકાશમાં કોઈ શક્તિ/ભગવાન/પાલનહાર છે, જેથી સુરક્ષા મળશે ! કષ્ટો દૂર થશે ! તેની પાસે
મનુષ્ય-કર્મના લેખાજોખાનો ચોપડો છે ! તેના હાથમાં જિંદગીને સાર્થક કે નિર્થક કરવાની શક્તિ છે; નરક કે સ્વર્ગ નક્કી કરવાનું સર્ટિફિકેશન છે !’
ધર્મ સમૂહ/સંપ્રદાય/સંસ્કૃતિના અભિમાની પહાડો ઊભા કરે છે અને અંધવિશ્વાસોનો ભયંકર અંધકાર ઊભો કરે છે ! આપણે વિચારતા નથી કે ધર્મના કારણે કોઈ દેશનો વિકાસ થઈ જતો નથી. જે દેશો સૌથી વધુ ધાર્મિક છે; તે સૌથી વધુ પછાત છે ! વિકાસ માટે સેક્યુલર દ્રષ્ટિકોણ જોઈએ; વૈજ્ઞાનિક વલણ જોઈએ; શ્રદ્ધા-આસ્થા નહીં, આયોજન જોઈએ.
રામ/કૃષ્ણ/મહાદેવ/ઈશુ/પૈગમ્બર મહમ્મદ સેલફોન/ઈન્ટરનેટ/ટીવી/એ.સી./વીજળીની સગવડતાઓ મેળવી શક્યા ન હતા; જે આપણે મેળવી શક્યા છીએ. તેના માટે ઈશ્વર/ખુદાએ કોઈ મદદ નથી કરી; વૈજ્ઞાનિક વલણે મદદ કરી છે.
માનવજાતની પ્રગતિનો ઈતિહાસ દર્શાવે છે કે ધર્મએ હંમેશા પ્રગતિ આડે અવરોધો મૂક્યા છે ! ધર્મએ સૌથી વધુ માનવ તથા પશુનું લોહી વહેવડાવ્યું છે !
ધર્મપુરુષો હંમેશા ધનિક તરફી અને વંચિત વિરોધી હોય છે ! દરેક ધર્મ લિંગભેદમાં માને છે; સ્વર્ગમાં મહિલાઓ માટે નહીં, પુરુષો માટે આનંદપ્રમોદની વ્યવસ્થા કરી છે ! ધર્મ સામાન્ય રીતે મહિલાઓ ઉપર નાહકનો બોજ મૂકે છે !
ઉકેલ શું? ધર્મશ્રદ્ધઓ નાનપણથી વારસાગત મળે છે, તેને દૂર કરવી મુશ્કેલ છે. આ શ્રદ્ધાઓને ઘર સુધી મર્યાદિત રાખો. શાળામાં/અભ્યાસમાં/સમાજમાં/સરકારમાં ધર્મશ્રદ્ધાઓને દૂર રાખો. કટ્ટરતાથી દૂર રહો. કટ્ટરતા વિવેકનો નાશ કરે છે !
બાળકોને ધાર્મિક નહીં, નૈતિક શિક્ષણ આપો.
યાદ રાખો; ભ્રષ્ટાચારનો/અન્યાયનો/શોષણનો/અનૈતિકતાનો/માનવ અધિકારભંગનો વિરોધ ધાર્મિક વ્યક્તિઓ કરતા નથી; નૈતિક વ્યક્તિઓ જ કરે છે !
મિત્ર સૂચિમાં દલિત/મુસ્લિમ/હિન્દુ/ખ્રિસ્તી પણ હોવા જોઈએ; તો જ તેમના હ્રદયને વાંચી શકાય !
જ્યારે બંધારણના આમુખમાં માનવમૂલ્યોની ખાતરી આપી હોય ત્યારે જુદા જુદા ધર્મની કંઠીઓ બાંધવાની જરુર જ નથી ! યાદ રાખો; ધર્મ ઝનૂન રોપી શકે છે,
માણસાઈ નહીં ! ધાર્મિક ટીલાં-ટપકાં અને વેશભૂષા છોડો !
ધાર્મિક નહીં, નૈતિક બનો !
હિન્દુ નહી, મુસ્લિમ નહીં; માણસ બનો !