Spread the love

આપણે કર્મના બંધ અને અનુબંધની વાત જોઈ ગયા, અને તેમાંથી કેવી રીતે બચી શકાય કે અનુકૂળ બંધ પડે તે માટે કેવો પુરુષાર્થ કરવો પડે એ વાત વિચારી જોઈ. પણ જે કર્મ બંધાઈ ચૂક્યાં છે તેનું શું ? જે જીવો કર્મબંધ વખતે ચેતી જાય છે તે અર્ધી બાજી જીતી જાય છે પણ જે થઈ ચૂક્યું છે તેનું શું ? જે કર્મ બાંધ્યાંછે, જીવ સાથે ઓતપ્રોત થઈ ચૂક્યાં છે તે તો ગમે ત્યારે ઉદયમાં આવવાનાં, કર્મ એક એવો લેણદાર છે કે જે કોઈની શેહ-શરમ રાખતો નથી. વળી, ગમે ત્યારે આવીને ઊભો રહે અને પોતાનું લેણું વસૂલ કરીને જ રહે. આપણે અગાઉ એક વાતની નોંધ લીધી છે કે કર્મ જે સ્વરૂપે બાંધ્યાં હોય છે તે જ સ્વરૂપે ભાગ્યે જ ઉદયમાં આવે છે, કારણ કે કર્મ બંધાઈ ગયા પછી પણ આપણા ભાવોમાં જે પરિવર્તન આવે છે, આપણાં વાણી – વર્તનમાં જે ફેરફારો થાય છે તે બધાંની બાંધેલા કર્મો ઉપર અસર પડે છે અને તેમાં ફેરફાર થઈ જાય છે. પૂર્વજન્મમાં બાંધેલાં કર્મો ઉપર અત્યારના ભાવોની અસર પડે છે અને તેને લીધે પૂર્વ કર્મની સ્થિતિ-મુદત અને રસ-તીવ્રતામાં વધારો-ઘટાડો થયા કરે છે. આમ જોઈએ તો કર્મનો ભોગવટા કાળ અને તેના અનુભવની તીવ્રતા કર્મબંધ સમયે નિર્ણીત થયેલી હોય છે પણ સદ્દભાવ, સદાચાર, સદ્દવૃત્તિ ઈત્યાદિના પ્રવર્તનથી તેમાં ન્યૂનતા કે વધારો પણ થઈ શકે છે. આ ફેરફાર સારા માટે પણ હોઈ શકે અને નરસા માટે પણ હોઈ શકે. જો જીવનો પુરુષાર્થ સમ્યગ હોય અને ભાવો શુભ કે શુદ્ધ થતા હોય તો બાંધેલાં કર્મોમાં સારા માટે ફેરફારો થાય. જો પુરુષાર્થ ઊલટો હોય અને વૃત્તિઓ કલુષિત થતી ગઈ હોય તો કર્મોમાં જે પરિવર્તન થાય તે પ્રતિકૂળ રહે. કોઈ પણ કર્મનો બંધ પડે છે ત્યારે તે મોટેભાગે શિથિલ હોય છે પણ કરેલા કર્મની પ્રશંસા કરી, રાજી થઈ આપણે એમાં જે રસ રેડીએ છીએ તે કર્મના બંધને ગાઢ-સખત કરી દે છે. કર્મની વ્યવસ્થામાં એક એવો નિયમ છે કે અમુક અપવાદો સિવાય, પુરુષાર્થ કરી એમાં ફેરફાર કરી શકાય. સંસારમાં પણ આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી કોર્ટમાં ચુકાદો ન આવ્યો હોય ત્યાં સુધી અસીલ અને વકીલ પોતાનો કેસ મજબૂત કરી શકે અને સામાનો ઢીલો પાડી શકે.

કર્મમાં ફેરફાર ન થઈ શકે એવા એક બે અપવાદો છે. એક તો જે કર્મ ખૂબ ગાઢ રીતે બંધાયેલું હોય – જેને નિકાચીત કહેવાય છે એમાં ફેરફાર ન થઈ શકે. બીજું જે કર્મ ઉદયમાં આવવા માટે ગોઠવાઈ ચૂક્યું છે અને હવેની પળોમાં ઉદયમાં આવવાનું છે તેમાં ફેરફાર ન થઈ શકે. પણ આ બંને બાબતો આપણા જ્ઞાનની સીમાની બહારની છે તેથી આપણે તો બધાં અશુભ કર્મોમાં ફેરફાર કરવા પુરુષાર્થ કરવો જ રહ્યો. આ પુરુષાર્થ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેના પરિવર્તનથી કરવાનો હોય છે. કર્મની કાનૂન વ્યવસ્થામાં પ્રવૃત્તિ કરતાં વૃત્તિ વધારે મહત્વની બની રહે છે. ડોક્ટર દર્દી ઉપર છરી ચલાવે પણ તેનો આશય સારો છે માટે તે શુભ કર્મ બાંધે અને કસાઈ પશુ ઉપર છરી ચલાવે તે અશુભ કર્મ બાંધે કારણ કે તેનો આશય ખરાબ છે. મા બાળકને મારે પણ તેની પાછળ બાળકના હિતની ચિંતા હોય છે તેથી તેને અશુભ કર્મનો બંધ ન પડે. આવાં તો અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. કર્મમાં ફેરફાર કરવા માટેનું પ્રબળ સાધન મન-વચન અને કાયાનો યોગ અને અંતઃકરણની નિર્મળતા છે. આ નિર્મળતા અને શુભભાવોમાં પણ ઘણી તરતમતા રહે છે. જેટલી નિર્મળતા વધારે એટલું એમાં વધારે બળ.

બાંધેલાં કર્મોમાં ફેરફાર કરવા માટે જે પ્રક્રિયા થાય છે તેને માટેનો શાસ્ત્રીય શબ્દ કરણ છે. આ પ્રક્રિયા આઠ પ્રકારે થાય છે જેથી આઠ કરણમાં તેનું વિભાગીકરણ કરવામાં આવે છે. પણ મૂળ વાત છે અંતર્જગતતાના શુભ અને શુદ્ધ ભાવો તેમજ મન-વચન અને કાયાના શુભ યોગોની. આ પ્રક્રિયાથી

બાંધેલાં કર્મો વધારે ગાઢ પણ થઈ શકે અને શિથિલ પણ થઈ શકે. કર્મ જેટલી તીવ્રતાથી અને જેટલા લાંબા સમય માટે ભોગવવાનું હોય તેમાં આ પ્રક્રિયાથી ઘટાડો પણ થઈ શકે. એ જ રીતે કર્મો ભોગવવાના કાળ અને તીવ્રતામાં વધારો પણ થઈ જાય. ઘણીવાર પ્રતિકૂળ વેદનારૂપે જેનો પરિપાક થવાનો હોય તે અનુકૂળ વેદનમાં પરિણમે અને એથી ઊલટું પણ બની જાય.

કર્મ ટૂંકા કાળમાં ભોગવાઈ જાય એ વાત કરી તો તે બાબત સ્પષ્ટતા કરી લઈએ કે કર્મબંધ વખતે બંધાયેલા કર્મ-પરમાણુઓનો જથ્થો તો એટલો ને એટલો જ રહે છે પણ તેનો ભોગવટો જલદીથી થઈ જાય છે. જે કર્મ ભવિષ્યમાં ઉદયમાં આવવાનું હોય તેને વહેલું ઉદયમાં લાવીને ભોગવી શકાય કે ખંખેરી શકાય. કર્મના ઉદયનું ઉપશમન પણ થઈ શકે. આ બધી પ્રક્રિયાઓ જ્ઞાનીઓ સિવાય કોઈ જોઈ-જાણી ન શકે પણ આપણે તો શુભ વૃત્તિ, શુભ ભાવો અને શુભ પ્રવૃત્તિઓ કરતા જવાની કારણ કે તેની પ્રક્રિયા તો થતી જ રહે છે અને તેનાં અનુકૂળ પરિણામોનો લાભ આપણને મળતો જ રહેવાનો. ટૂંકમાં સત્સંગ કરો, સદ્દવિચારોનું સેવન કરો, સદાચારમાં સ્થિર થાઓ એટલે અશુભ કર્મોનું બળ આપોઆપ તૂટવા લાગશે અને શુભ કર્મો બળવત્તર બનતાં જશે.

જીવ માત્ર જે કંઈ સુખ-દુઃખ અનુભવે છે, જે કંઈ મેળવે છે કે ગુમાવે છે તે કર્મના ઉદયને આભારી છે. પ્રત્યેક પળે આઠેય પ્રકારનાં કર્મોનો ઉદય પ્રવર્તતો જ હોય છે અને તેને પરિણામે આપણા જીવનમાં તો શું દિવસમાં અનેક ચઢાવ-ઉતરાવ આવ્યા કરે છે. તો આપણે એ વાત બરોબર સમજી લઈએ કે બાંધેલાં કર્મોનો ઉદય કેવી રીતે થાય છે અને તે સમયે આપણે શું કરવું જોઈએ ? અગાઉ આપણે જોઈ ગયા કે કર્મનો જયારે બંધ પડે છે ત્યારે તે ક્યારે ઉદયમાં આવશે તે નક્કી થઈ જાય છે પણ ત્યાર પછી આપણી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને લીધે તેના ઉદયકાળમાં ફેરફારો થતા રહે છે પણ બાંધેલું કર્મ ઉદયમાં તો આવવાનું જ.

કર્મને ઉદયમાં આવવાની બે રીતો છે. એક તો કર્મબંધ સમયે જે મુદત નક્કી થઈ હોય તે વખતે તે ઉદયમાં આવે. ઝાડ ઉપર આવેલું ફળ, ઝાડ ઉપર જ પાકીને નીચે ગરી પડે તેમ કર્મ પણ તેનો વિપાક થતાં ઉદયમાં આવીને તેની અસરો દેખાડવા માંડે છે અને આપણને તેનો યથા-તથા અનુભવ કરાવીને ખરી પડે છે. કર્મ ભોગવાઈ જાય એટલે જીવથી છૂટું પડી જાય. આપણે સૌથી પહેલાં એ વાત કરી હતી કે કર્મ એ પણ પદાર્થ છે અને તેના પરમાણુઓ કષાયો અને મન-વચન તેમજ કાયાના યોગોને લીધે જીવ સાથે ચોંટી ગયા હોય છે. સારું કે ખરાબ કર્મ ઉદયમાં આવીને ભોગવાઈ જાય એટલે સ્વાભાવિક રીતે આ કર્મ-પરમાણુઓ ખરી પડે. ત્યાર પછી તે પરમાણુઓની જીવ ઉપર કોઈ અસર પડતી નથી – રહેતી નથી.

કર્મને ઉદયમાં આવવાની બીજી રીત છે કે કર્મના પરમાણુઓ આત્મા ઉપરથી ખરી પડે પણ તેની સારી કે માઠી અસર વર્તાય નહિ. આમ, જે કર્મ-પરમાણુઓ અસર આપ્યા વિના એક કે બીજા કારણે ખરી પડે છે તેને પ્રદેશોદય કહે છે. કર્મની વ્યવસ્થાની આ એક ગહન વાત છે જેને અન્ય કર્મસિદ્ધાંતો સમજાવી શક્યા નથી. એવાં કેટલાંય કર્મ જીવે બાંધેલાં હોય છે કે જેની મુદત પાકી ગઈ છે પણ ઉદયમાં આવીને તેમને પોતાનો પ્રભાવ બતાવવાનો અવકાશ મળતો નથી. જેમ મુદત બહાર ગયેલું લેણું ફોગટ થાય છે તેવું આ કર્મોની બાબતમાં પણ બને છે. કેટલીવાર બંધાયેલાં કર્મના પરમાણુઓને પોતાની વિરોધી પ્રકૃતિમાં પણ બેસવું પડે છે – ભળવું પડે છે જ્યાં તેનો કોઈ ખાસ પ્રભાવ નથી પડતો. દુશ્મનના ઘરમાં બેઠેલો શક્તિશાળી માણસ પણ અસહાય બની જાય છે તેવું આવા કર્મની બાબતમાં બને છે. તે સમયે એ કર્મનું કંઈ ચાલે નહિ. જેવો વિરોધી પ્રકૃતિના કર્મનો ઉદય પૂરો થાય એટલે તે કર્મ સ્વપ્રકૃતિના સ્વરૂપે ઉદયમાં આવે. જ્યાં તે થોડોક પ્રભાવ માંડ બતાવે ત્યાં તેને ખરી પડવાનો સમય થઈ જાય. ઘણીવાર તો એવું પણ બને કે વિરોધી પ્રકૃતિના કર્મનો ઉદય પ્રવર્તતો હોય ન હોય પણ સ્થાન જ એવું હોય કે સંજોગો જ એવા હોય કે જ્યાં તે પોતાના સ્વરૂપે ઉદયમાં આવી શકે નહિ. આમ, સ્વરુપોદયને યોગ્ય ભૂમિકા ન મળતાં કર્મ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવીને નિર્જરે એટલે કે ખરી પડે.

આમ, એવાં કેટલાંય કર્મો જીવે બાંધેલાં હોય છે કે તે જયારે ઉદયમાં આવે ત્યારે તેની સારી-માઠી અસરો ખાસ ન વર્તાય. જેમ મોટા માણસના આગમન સમયે નાના માણસની હાજરી ન વર્તાય તેના જેવી આ વાત છે. જો કોઈ ભારે કર્મનો ઉદય પ્રવર્તતો હોય અને તે સમયે કોઈ લધુકર્મ ઉદયમાં આવે તો ભારે કર્મની અસરોના પ્રવાહમાં લધુકર્મની અસર તણાઈ જાય. આમ, કર્મ ઉદયમાં આવ્યું પણ તે ખાસ કંઈ કરી શક્યું નહિ. સામાન્ય દાખલો લઈએ તો રોજ શરીરમાં કંઈ શારીરિક તકલીફ થતી હોય પણ મોટો રોગ આવે ત્યારે નાના રોગની તકલીફ ન વર્તાય ; જેમ મોટી આફત આવે ત્યારે નાની તકલીફો ન વર્તાય.

કર્મ જયારે વિપાકમાં આવીને ઉદયમાં આવે છે ત્યારે તેની અસર ખાસ વર્તાય છે પણ જો કોઈ રીતે પ્રદેશોદયથી કર્મના પરમાણુઓને ખેરવી નાખીએ તો તેની અસરોથી બચી જવાય. આ વાત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. જે વસ્તુનો સાથ હતો તે ચાલી ગઈ પછી તેની અસર ક્યાંથી રહે ? કર્મનો પ્રદેશોદય સ્વાભાવિક રીતે પણ થાય અને જાણીબૂઝીને પણ થાય. બીજી બાજુ એવું પણ બને છે કે શક્તિશાળી મહાપુરુષો જયારે બધા કર્મોનાં હિસાબ ચૂકવવા બેઠા હોય ત્યારે ઉઘરાણી કરવા જે કર્મો ન આવ્યાં હોય તેમને પણ સામેથી બોલાવીને, આગળ ખેંચી લાવીને ભોગવી લે છે. પછી ભલેને વિપાકથી તે કર્મ ભોગવવાં પડે. કેટલાંક જીવો બધી અનુકૂળતા હોય ત્યારે પુરુષાર્થ કરીને કર્મને આગળ ઘસડી લાવે અને તેનો વિપાક વેઠી લે. સારા દિવસો હોય ત્યારે આવેલી આફતો સહી લેવાય પણ કપરા કાળમાં આવતી મુશ્કેલીઓ જીવલેણ લાગે છે. આમ, અધ્યાત્મ ક્ષેત્રના વીરલાઓ સામેથી કર્મને બોલાવીને તેનો હિસાબ ચૂકતે કરી દેવાનું પસંદ કરે છે. આ બધું કેવી રીતે થઈ શકે તેની વાતો ઘણી ગહન છે.