
ઉદયમાં આવતા પહેલાં કર્મોમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે અને કર્મ ક્યા પ્રકારે ઉદયમાં આવી શકે છે તે ઉપર આપણે વિચાર કર્યો. બાંધેલાં કર્મોમાં ફેરફાર કરી શકાય, વિપાકોદયથી કર્મ ભોગવાય, પ્રદેશોદયથી પણ કર્મનો ઉદય થઈ શકે ઇત્યાદિ બાબતોની આપણે ચર્ચા કરી. સામે ચાલીને કર્મને ખેંચી લાવીને મહાપુરુષો કેવી રીતે કર્મો ભોગવી લે અને કેટલાક જીવો અનુકૂળતા જોઈ અશુભ કર્મોને ભોગવી લેવાનું પસંદ કરે એ બધી વાતોને પણ આપણે સ્પર્શ કર્યો. એમાં વૃત્તિઓ નિર્મળ કરવાની બાબતમાં અને સારી પ્રવૃત્તિ કરવાની બાબતમાં આપણે સરળતાથી પુરુષાર્થ કરી શકીએ છીએ. બાકી કર્મના સ્વરૂપોદયને અયોગ્ય સ્થાનની વાત અને પરપ્રવૃત્તિને રૂપે કર્મના ઉદયમાં આવવાની બાબત આપણે ઝાઝું કરી શકીએ તેમ નથી. સામેથી ચાલીને અશુભ કર્મોને ખેંચી લાવીને તેનો ઉદય વેઠવાની વાત પણ ઘણેભાગે આપણી તાકાત બહારની છે. છતાંય ધર્મપુરુષોએ થોડેક અંશે આ વાતને આપણાં ધાર્મિક અનુષ્ઠાનોમાં વણી લીધી છે જેથી આપણને તેનું થોડુંક ફળ તો મળ્યા જ કરે. તપશ્ચર્યાના આપણા બધા પ્રકારો આ પ્રક્રિયાના એક ભાગ જેવા જ છે. આ ઉપરાંત કર્મના દુઃસહય ભોગવટામાંથી બચવાના બીજા માર્ગો છે જેનો આપણે સહારો લઈને કેટલેક અંશે બચી જઈ શકીએ. અજાણતાં આપણે ઘણીવાર આમ કરી શકીએ છીએ ખરા ; પણ તેની પાછળના સિદ્ધાંતની આપણને જો જાણકારી હોય તો તેનો પૂરો લાભ લઈ શકાય.
પુણ્યકર્મનો ઉદય તો આપણને ગમે છે તેથી બહુ ઓછા માણસો તેમાંથી બચવાનો વિચાર કરે છે પણ પાપકર્મના ઉદયથી બચવા તો સૌ તત્પર થઈ જાય છે કારણ કે તે વેદના આપે છે – દુઃખ આપે છે. કર્મના બંધ, ઉદય, વિપાક ઈત્યાદિની વ્યવસ્થા જ એવી છે કે મોટેભાગે નિમિત્ત વિના કર્મ ઉદયમાં આવી શકતું નથી. એમાં ક્યાંક અપવાદ દેખાય છે પણ વાસ્તવિકતામાં તે પણ અપવાદ નથી. કોઈ પ્રબળ કર્મ હોય અને તેને ઉદયમાં આવવાનો સમય થઈ ગયો હોય તો તે યથાયોગ્ય નિમિત્તને ખેંચી લાવે છે અને ઉદયમાં આવે છે. અહીં પણ નિમિત્તની સહાય તો લેવાય છે માટે આપણે જો એમ કહીએ કે નિમિત્ત વિના કર્મ ઉદયમાં આવતું નથી તો તેમાં ખાસ કંઈ વાંધો નહિ આવે. કર્મ પાંચ પ્રકારનાં નિમિત્તોને લઈને ઉદયમાં આવે છે. આ નિમિત્તો છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. જો આપણે આ પાંચની રકમ ધારી રમી શકીએ તો આપણે કર્મને થાપ આપી એક વખત છટકી જઈ શકીએ અને પછી તો અણીચૂક્યો સો વર્ષ જીવે એમ મળેલા સમયનો સદુપયોગ કરી ઘણું કરી શકાય. બાકી કર્મો પોતાની મેળે ઉદયમાં આવતાં હોય છે ત્યારે તે યથાયોગ્ય નિમિત્તોનો આધાર લેતાં જ હોય છે.
આપણાં કેટલાંય મહાભયંકર કર્મો મનુષ્યભવમાં ઉદયમાં આવી શકતાં નથી કારણ કે મનુષ્ય ભવનું નિમિત્ત ભયંકર કર્મોને ભોગવવા માટે અનુકૂળ નથી. જો ખૂબ સુખ ભોગવવાનું હોય તો તે માટે દેવલોકમાં જવું પડે. દેવલોક સિવાય અતિસુખ ભોગવી શકાય નહિ. ખૂબ દુઃખ ભોગવવા માટે નરકમાં જવું પડે. ભયંકર યાતના નરક સિવાય ક્યાંય છે નહિ. અમુક પ્રકારનાં કષ્ટો વેઠવા માટે પશુ-પક્ષી અને અલ્પવિકસિત જીવયોનિમાં જવું પડે. ભવ પ્રબળ નિમિત્ત છે. જ્યાં સુધી યથાયોગ્ય ભવ ન મળે ત્યાં સુધી અમુક કર્મો સત્તામાં પડયાં રહે એટલે કે તે સ્ટોકમાં રહે પણ ઉદયમાં ન આવી શકે. આપણે જોઈ ગયા કે જીવ ભવમાં એક જ વાર આયુષ્ય બાંધી શકે છે અને તે બંધાઈ ગયા પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આ વાત ન જાણવાને લીધે અને ન સમજવાને લીધે ઘણીવાર માણસો મનુષ્યભવમાં મદ-મસ્ત થઈને મહાલે છે અને ઘોર હિંસા આદરે છે જેનાં પરિણામ તેમને ભોગવવાં જ પડવાનાં છે. ભવનું નિમિત્ત ન મળે તો કર્મ બાજુમાં બેઠું રહે પણ તેથી તે કંઈ ખાંસી જતું નથી. એ તો બારણા બહાર અડ્ડો જમાવીને બેઠેલા લેણદાર જેવું છે – જેવા તમે હાથમાં આવ્યા કે તુરત જ તે વ્યાજ સાથે પોતાનું લેણું વસૂલ કરી જ લેવાનું. આજે ભવનું નિમિત્ત આપણા માટે સાનુકૂળ છે તો આપણે તેનો લાભ લઈ પ્રબળ પુણ્યકર્મો બાંધી લઈએ અને ગાઢ પાપકર્મોથી બચી જઈએ.
હવે આપણે બીજાં નિમિત્તોની વાત કરીએ કે જેના ઉપર વત્તેઓછે અંશે આપણો કાબૂ છે. આપણે તેનો સહારો લઈને દુઃખદાયક કર્મોના વિપાકને આઘો-પાછો કે ઓછો કરી નાખીએ. આ કામ ઘણીવાર આપણે અજાણતાં પણ કરી લઈએ છીએ. માથું દુઃખે અને તાવ આવે એટલે કંઈ દવા લઈને કે ઔષધનો ઉપચાર કરતાં તાવ ઊતરી જાય અને દુખાવો ઓછો થઈ જાય. આ દ્રવ્યનું નિમિત્ત છે. દ્રવ્યના નિમિત્તે કર્મના દુઃખદાયક વિપાકની અસર આપણે ઓછી કરી શક્યા. મુંબઈ જેવી ભેજવાળી હવામાં દમ જેવો વ્યાધિ વકરતો હોય તો સ્થળનો ફેરફાર કરી સૂકી હવાવાળા પ્રદેશમાં ચાલ્યા જવાથી કર્મનો ઉદય એટલી પીડાકારક ન રહ્યો. ખૂબ ગરમી સહન કરવાની હતી પણ આપણે કોઈ ગિરિમથક-હીલસ્ટેશને જતા રહ્યા. ગરમી ભોગાવવામાંથી છટકી ગયા. આગળ ઉપર જેની ચર્ચા કરી ગયા તે ભાષામાં કહીએ તો વ્યાધિના પરિપાકરૂપે કર્મ વેદનાથી ભોગવવાનું હતું તે કર્મ વિપાકથી ન ભોગવ્યું પણ દ્રવ્ય કે ક્ષેત્રનું નિમિત્ત લઈને પ્રદેશોદયથી ભોગવાયું. આ સામાન્ય જેવી લાગતી બાબતોમાં પણ રહસ્ય રહેલું છે. તીર્થક્ષેત્રમાં ગયા અને તેના પ્રભાવથી ધર્મની પ્રવૃત્તિમાં વધારો થયો એ પણ ક્ષેત્રનું નિમિત્ત છે. ક્લબમાં ગયા અને જુગાર રમવા બેસી ગયા. જીવનમાં ડગલે અને પગલે આપણે દ્રવ્ય અને ક્ષેત્રનાં નિમિત્તો લઈને કર્મોના ભોગવટામાં ફેરફાર કરતા જ રહીએ છીએ. કાળના ઉપર આપણો એટલો અંકુશ નથી હોતો છતાંય તેની વાત કરી લઈએ કારણ કે પવન જેવો પવન પણ યોગ્ય રીતે સઢ ખોલી નાખ્યા હોય છે તો હોડીની સહાયમાં આવી જાય છે. કાળને નાથી ન શકાય પણ તેને સાનુકૂળ રાખીને તેની શક્તિનો લાભ તો લઈ જ શકાય. કાળ પણ પ્રબળ નિમિત્ત છે. અમુક રોગો રાત્રે જ વધારે વકરે છે. ચૌદસ-અમાસ માંદા માણસ માટે ભારે રહે છે. હવામાન ઉપર કાળનો પ્રભાવ રહે છે. ચોમાસામાં અનેક જીવ-જંતુઓની ઉત્પત્તિ થાય છે. ધર્મક્રિયાઓ કરવા ઉપર પણ કાળનો પ્રભાવ પડે છે. ચોમાસામાં ધર્મની પ્રવૃત્તિઓ વધારે થાય છે. સવારે દેવ-દર્શન, પૂજા, ધ્યાન ઇત્યાદિ સારી રીતે થઈ શકે છે. વળી જો આપણે સેંકડો અને હજારો વર્ષના કાળની વાત કરીએ તો પણ કાળનો પ્રભાવ વર્તી શકાય છે. પાંચસો વર્ષ પહેલાં આપણી પાસે સુખ-સગવડનાં જે સાધનો ન હતાં તે આજે સુલભ છે તેનાથી આપણું જીવન કેટલું બદલાઈ ગયું ! સામૂહિક હિંસાનાં સાધનો, ટેલિવિઝન, ટેલિફોન, રોકેટો, આધુનિક યંત્રો એ બધો કાળનો પ્રભાવ છે. શહેરીકરણ અને તેનાં દૂષણો-અકસ્માતો, ભેળસેળ, અપહરણો, બળાત્કારો એ બધાં કાળના પ્રવાહમાં તણાઈને આવેલાં છે. સંયુક્ત કુટુંબની વ્યવસ્થા, ગ્રામ સંસ્કૃતિ એ બધા ઘસાતા કાળના અવશેષો છે. ઘસાતા કાળને જો આપણે ન સ્વીકારીએ તો દુઃખી થઈ જઈએ. કાળ ઉપર આપણો કાબૂ નથી એ વાત સમજીને આપણે જીવન ઉપરનો અભિગમ બદલતા રહેવો પડશે. કાળનો પ્રવાહ ઘસમસતો આવી રહ્યો છે ત્યારે તેમાં તણાઈ ન જઈએ તેનો ખ્યાલ રાખી ક્યાંક બચવું પડશે તો ક્યાંક બદલાયેલા કાળની શક્તિનો ઉપયોગ પણ કરી લેવો જોઈએ.
હવે જે બાકી નિમિત્ત કારણ છે તે ભાવનું છે. જે બહુ સૂક્ષ્મ છે. ભાવને કર્મના બંધ સાથે સૌથી વધારે સબંધ છે. તો કર્મના ભોગવટામાં પણ ભાવનું ખૂબ મહત્વ છે. ભાવ બદલવા માટે પ્રબળ પુરુષાર્થ જોઈએ. સારાં કે માઠાં કર્મો ઉદયમાં આવે ત્યારે તેની અસરો કે સુખ-દુઃખનો આધાર આપણા ભાવ ઉપર પણ રહે છે. નરસિંહ મહેતાને પત્નીના મૃત્યુથી વિયોગનું દુઃખ ન થયું તેમાં કારણરૂપ ભાવ છે – તેનો ભક્તિભાવ. મીરાંને રાણાજીએ મોકલેલ ઝેરનો પ્યાલો અસર ન કરી શક્યો એનું નિમિત્ત કારણ છે. મીરાંનો ભક્તિભાવ . જેનામાં વૈરાગ્યનો ભાવ છે તેને વસ્તુઓનો – રેડિયો, ટેલિવિઝન, ફર્નિચર, ગાડી, વાડી ઈત્યાદિનો અભાવ એટલો સતાવી ન શકે. જેનું ચિત્ત જપ-તપ, ધ્યાનમાં છે તેને આવી પડેલી શારીરિક વેદનાઓ કે ભૌતિક ઉપાધિઓ એટલું દુઃખ ન દઈ શકે. જો આપણે શુદ્ધ ભાવમાં, આત્મિક ભાવમાં રમણ કરતા હોઈએ તો આવેલા કર્મની શું તાકાત છે કે તે આપણને પીડી શકે ?
કર્મ ઉદયમાં પ્રવર્તતાં નિમિત્તોની આ વાત ઘણી સૂક્ષ્મ છે પણ ત્યાં આપણા પુરુષાર્થને અવકાશ છે માટે તેનું મહત્વ છે. બહુ ઓછા લોકો આ દિશામાં સતર્ક પુરુષાર્થ કરે છે. અજાણતાં આપણે નિમિત્તોથી ખસી જઈને બચી જઈએ છીએ પણ એ વાત તો જુદી થઈ ગઈ. આપણે કર્મના વિપાકોદય અને પ્રદેશોદયની વાતો ઉપર વિચાર કર્યો ; કર્મના ઉદય માટેનાં આવશ્યક નિમિત્તોની ચર્ચા કરી અને કર્મની અસરોમાંથી કેવી રીતે બચી શકાય ? તે વાત પણ વિચારી લીધી. એકવાર કર્મને પાછું ઠેલ્યું પછી તો આગે આગે ગોરખ જાગે જેવી વાત છે કારણ કે કર્મને ફરીથી પોતાનો પ્રભાવ બતાવવા યોગ્ય નિમિત્તો જોઈએ. જો ભવનું નિમિત્ત અનુકૂળ ન હોય તો પાપકર્મ ખસીને બાજુમાં ચાલ્યું જાય અને દરમ્યાન જીવે જો મનુષ્યજન્મનો દાન-ધર્મ-તપ-શીલ રાખવામાં ઉપયોગ કર્યો હોય, પોતાના ભાવો શુભ અને શુદ્ધ થઈ ગયા હોય છે. આપણે પાપકર્મનો દાખલો વધારે લઈએ છીએ કારણ કે માણસને તેની અસરોથી તેના ભોગવટાથી બચવું હોય છે. પણ પાપકર્મ બાબત જે પ્રક્રિયા થઈ શકે છે તે પુણ્યકર્મ માટે પણ થઈ શકે છે તે તો સમજી જ લેવાનું છે. અવળો પુરુષાર્થ થાય તો પુણ્યકર્મ નબળું પડે અને સવળો પુરુષાર્થ થાય તો પુણ્યકર્મ પ્રબળ બને. આપણે સતત એ પુરુષાર્થ કરતા રહેવાનો છે કે પાપકર્મો હળવાં થઈ જાય અને પુણ્યકર્મ પ્રબળ બની જાય – એનાં અનુકૂળ પરિણામોનો લાભ લઈને આગળ ઉપરનો આપણો સાધનામાર્ગ ચોખ્ખો કરી લઈએ.