
ભલે આપણે નિમિત્તોથી ખસી જઈ કર્મ સાથે થોડી સંતાકૂકડી રમી લઈએ પણ કરેલાં તમામ કર્મોથી બચવું મુશ્કેલ છે. એક તો બધીવાર આપણે નિમિત્તોથી બચી શકતા નથી અને બીજું આપણી પાસે એટલાં બધાં કર્મોનો સ્ટોક-સંગ્રહ છે કે તે બધાંને થાપ આપવાનું અશક્ય છે માટે કર્મ તો ઉદયમાં આવવાનાં જ અને તેનો પ્રભાવ દેખાડવાનાં. વળી, એવા પ્રકારનાં કેટલાંક કર્મો છે તેમાં ફેરફાર કરવાનું પણ અશક્ય છે અને તે તો ભોગવવાં જ પડવાનાં. જે કર્મો ગાઢ રસ રેડીને સેવેલાં હોય છે તેનો બંધ એટલો સજ્જડ હોય છે કે તે પુણ્ય ઇત્યાદિ ક્રિયાઓથી ખરી શકતાં નથી અને તેમાં ફેરફાર પણ થઈ શકતો નથી. આ પ્રકારનાં કર્મ તો ઉદયમાં આવવાનાં જ. જો પાપકર્મ હોય તો મહાદુઃખ દેવાનાં અને પુણ્યકર્મ હોય તો મહાસુખમાં મૂકવાનાં. વળી, જે કર્મો ઉદયના ક્રમમાં આવીને આગળ ખડાં રહી ગયાં છે તે પણ પાછાં નથી ફરવાનાં. આમ, જેને ઉદયાવલિકા કહે છે તેમાં આવીને ઊભેલાં કર્મો ઉદયમાં આવીને તેની અસર દેખાડયા વિના નહિ રહેવાના. ભલે આગળ ઉપર આપણે કર્મમાં થતા – કરી શકાતા ફેરફારોની વાત કરી, નિમિત્તો ખસેડી કર્મની અસરોમાંથી બચી જવાની વાત કરી અને વગર ભોગવટે કર્મને ખંખેરી નાખવાના પ્રદેશોદયની વાત કરી પણ મોટે ભાગે જીવો વિપાકથી જ કર્મો ભોગવે છે અને બહુ જ અલ્પ લોકો સભાનપણે કર્મ સાથે રમત રમી શકે છે કે સંઘર્ષ કરી શકે છે. માટે કર્મ ભોગવવાની વાત તો બહુ મહત્વની છે. કર્મ બંધ વખતે જેટલી જાગૃતિ રાખવાની હોય છે તેથીય વધારે જાગૃતિ કર્મના ભોગવટા વખતે રાખવાની છે. આપણે જાણીએ છીએ કે પહાડના ચઢાણ વખતે શ્વાસ ભરાઈ જાય, થાક વધારે લાગે પણ પડવાનો ખતરો ઓછો. જયારે પહાડનો ઢાળ ઉતરતી ઊતરતી વખતે સહેલું લાગે, એટલો શ્રમ ન પડે પણ ગબડી પડવાની શક્યતા વધારે – તેમ કર્મના ભોગવટા સમયે ઊતરતો ઢાળ છે જેમાં જો સાવધ ન રહ્યા તો છેક નીચે ગબડી પડવાના. માટે તે સમયે સાવધ રહેવાની ખૂબ જરૂર હોય છે. વિમાનના ચઢાણ અને ઉતરાણ બંને સમયે પાયલોટને ખૂબ સાવધ રહેવું પડે છે તેમ કર્મના બંધ સમયે અને તેના ઉદય વખતે એમ બંને સમયે જાગ્રત રહેવાની જરૂર છે.
કર્મોનો બંધ કેવો છે તેનો આધાર વૃત્તિઓ, સંસ્કારો, ભાવો અને મન-વચન-કાયાના યોગો ઉપર રહે છે અને તે વખતે શું સાવધાની રાખવી જોઈએ ? એ વાત આપણે આગળ વિચારી ગયા છીએ. હવે મહત્વની બાબત છે કે કર્મ જયારે ઉદયમાં આવે અને તે ભોગવવાં પડે ત્યારે શું સાવચેતી રાખવી ? જે ગતિ અને યોનિમાં મનની પ્રાપ્તિ છે ત્યાં જ પ્રાયઃ આવા પુરુષાર્થને અવકાશ રહે છે. સુખ-સંપત્તિ, સુવિધાઓ અને સ્વાસ્થ્ય આપનારાં કર્મોનો ઉદય હોય છે ત્યારે માણસ છકી જાય છે અને બેફામ રીતે વર્તે છે. પરિણામે તે અન્ય જીવોને ઘણી હાનિ પહોંચાડે છે, દુભવે છે, મારે છે, તિરસ્કારે છે અને ઘણી પાપ-પ્રવૃત્તિઓ કરતો રહે છે. તે સમયે પુણ્યકર્મનો ઉદય ચાલતો હોય છે અને અન્ય પાપકર્મો યોગ્ય નિમિત્તોને અભાવે કે સમય ન પાકવાને કારણે પાછળ રહયાં હોય છે જેથી માણસ એમ જ માની બેસે છે કે બધું તેના હાથમાં છે અને તે સર્વશક્તિમાન છે. પરિણામે મદાંધ હાથીની જેમ જે સામે આવે તેને કચડતો – ફંગોળતો આગળ વધે છે અને આમ કરવામાં તે એવાં ખરાબ કર્મો કે પાપકર્મોનું ઉપાર્જન કરે છે જે ઉદયમાં આવે ત્યારે જીવ માટે મહાપીડાજનક નીવડે છે અને તેના ભોગવટા વખતે વળી પાછાં ભૂંડાં કર્મ બાંધતો જાય છે. એક બાજુ પુણ્યકર્મ તો ભોગવાઈને પૂરું થઈ ગયું હોય છે અને બીજી બાજુ પાપકર્મનું ચક્કર ચાલુ થઈ જાય છે જે જીવને પરંપરા દુઃખદર્દની ગર્તમાં ઊંડે ને ઊંડે ઉતારતું જાય છે. આ કારણથી પુણ્યકર્મના કાળે તો બહુ જાગ્રત રહેવાની જરૂર છે. પુણ્યકર્મનો ઉદય માણસે મમતા વિના ભોગવી લેવો જેથી આ બધાં અનિષ્ટોથી જીવ બચી જાય. પુણ્ય ભોગવવાની ના નથી, પણ તે મમતા વિના ભોગવવું જેથી અભિમાન ન થાય અને માણસ મત્ત-પ્રમત્ત બની જઈને પુણ્યના ઉદય સમયે પાપનું ઉપાર્જન ન કરી બેસે. પુણ્યનો ઉદય પ્રવર્તે ત્યારે તેને સાધી લેવો અને વધારે ઉદાત્ત કાર્યો કરી શુભ કર્મોનું ઉપાર્જન કરી લેવું જેથી આગળ ઉપર ફરીથી સુખ-સમૃદ્ધિ મળતાં રહે અને જીવ ભવોભવ પ્રગતિનાં સોપાન ચઢતો રહે. શાણો માણસ સમૃદ્ધિના દિવસોમાં બચત કરી લે અને તેનું એવું મૂડીરોકાણ કરી લે જે તેને આગળ ઉપર કામ આવે.
પાપકર્મનો ઉદય આવે છે ત્યારે ચારેય બાજુથી દુઃખ પડે છે, અપમાન થાય છે, નિષ્ફળતાઓ મળે છે, પોતાનાં સ્વજનો પણ વિશ્વાસઘાત કરે છે અને જીવને ઘણી પીડા થાય છે. આવે વખતે માણસ હતાશ-પરેશાન થઈ જાય છે, રો-કકળ કરે છે, લોકોને ગાળો ભાંડે છે, તેમનું ભૂંડું ચિંતવે છે, તેમને વગોવે છે – આ બધાંને પરિણામે જીવ પોતાના ભાવો બગાડી મૂકે છે જેથી પ્રવૃત્તિ અવળી થાય છે અને વળી પાપકર્મનો બંધ પડે છે. આ પાપકર્મ ઉદયમાં આવતાં ફરીથી દુઃખ દારિદ્ર ઊભું થાય છે અને દુઃખની પરંપરા સર્જાતી જાય છે. પાપકર્મના ઉદય વખતે જો માણસ જાગ્રત હોય તો તે અન્યને દોષ દેવાનું ટાળી પોતાનાં જ કર્મોનો વિચાર કરે. તે સમજી જાય કે મારું કોઈએ બગાડયું નથી ; જે બગડયું છે તે મારાં કર્મોને લીધે જ, બીજાઓ તો મારા પાપકર્મના ઉદયમાં માત્ર નિમિત્ત છે ; તેમને શું દોષ દેવો ? મેં પૂર્વે પાપકર્મોનું ઉપાર્જન કર્યું હતું જે હવે સામે આવીને ઊભાં છે એટલે કોઈને દોષ દેવાનો અર્થ નથી. આવા સમયે જીવે સમતાથી, શાંતિથી પાપકર્મોનો ઉદય વેઠી લેવો જોઈએ જેથી વળી પાપકર્મોની પરંપરા ન સર્જાય. પાપકર્મ પણ પોતાનો પ્રભાવ બતાવીને છેવટે ખરી જ પડવાનું છે માટે જીવે ધીરજ રાખીને ધર્મમાં ચિત્ત પરોવી પોતાની પ્રવૃત્તિ કરતા રહેવી. દેવ-ગુરુની ભક્તિ કરવાથી પોતાનો ભાવોમાં જે પરિવર્તન આવે છે તેનાથી દુઃખ, આપત્તિઓ ઇત્યાદિ પ્રત્યેનો અભિગમ બદલાય છે. પરિણામે નવાં કર્મોનાં ઉપાર્જનમાં તો અવશ્ય બદલાય છે. પણ વર્તમાનમાં ઉદયમાં આવી ચૂકેલાં કર્મોની અસર પણ ઓછી વર્તાય છે.
આમ, સારાં અને નરસાં કર્મોનાં ઉદય વખતે સાવધ રહેવાની જરૂર છે જેથી આગળની વાત વધારે ન વણસી જાય. જેમ ઊતરતા જવર વખતે ખૂબ સાવધાની રાખવાની હોય છે. તેમ કર્મના વિપાક વેળાએ પણ ખૂબ સાવધ રહેવાનું હોય છે. કર્મો વિપાક એટલે કર્મનું જીવ ઉપરથી ખસવું – ઊતરવું તે સમયે સુખાનુભવ વખતે મત્ત બની જઈએ અને મર્યાદામાં ન રહીએ તો તે સમયે બીજાં અનેક કર્મો જીવ બાંધી લે છે. દુઃખાનુભવ વખતે જીવ રડે, કકળે, હાયવરાળકરે, હવે હું ક્યારે છૂટીશ ? આ બધું ક્યારે ટળશે ? એમ વિચારો કર્યા કરે અને વ્યર્થ દોડધામ કર્યા કરે તો પણ વળી પાછાં અનેક કર્મો બંધાઈ જાય છે. કર્મનો વિપાક ભોગવવાની વેળાએ જીવ સ્વસ્થ ન રહી શકે અને તેની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સંભાળી ન શકે તો એવી પરિસ્થિતિ સર્જાય કે જ્યાં જીવ જેટલાં કર્મ છોડે તેનાથી વધારે બાંધે. કર્મનો ભાર ઉતારે ઓછો અને વધારે ઝાઝો. આમ, સંસાર વધતો જાય. કર્મ વિપાકની વેળા તો ખૂબ સાચવી લેવાનો હોય છે. તે સમયે આત્મબળનો સહારો લઈ ખૂબ સ્વસ્થ રહેવાનું હોય છે. તેથી જ્ઞાનીપુરુષો કહી ગયા છે કે પુણ્યકર્મનો ઉદય મમતા વિના ભોગવો અને પાપકર્મનો ઉદય સમતાથી ભોગવો. કર્મસિદ્ધાંતનું આ રહસ્ય આપણે જાણતા હોઈએ અને તે પ્રમાણે પુરુષાર્થ કરીએ તો વર્તમાન જીવતાં આવડયો એમ ગણાય અને ભાવિ આપત્તિઓમાંથી અવશ્ય બચી જવાય. કર્મ ભોગવવું એ પણ એક કળા છે.
અહીં એક બીજી બાબતનો ઉલ્લેખ કરી લેવા જેવો છે કે જે ઘણાને મૂંઝવે છે. એક સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે જેવું પ્રારબ્ધ હોય એવો જ પુરુષાર્થ થાય છે ; અને પરિણામે આપણે સહન કરવું પડે છે. આ વાત સાંભળવામાં સારી લાગે તેવી છે પણ વાસ્તવિકતા જુદી છે. પ્રારબ્ધ એટલે પૂર્વકર્મનો ઉદય અને સ્વાભાવિક છે કે જે તે કર્મ ઉદયમાં આવવા માટે પોતાને અનુકૂળ નિમિત્ત શોધી લે છે. અહીં સુધી કર્મની જ પ્રબળતા પ્રવર્તે છે. જે જીવોને મન નથી મળ્યું, જ્ઞાન નથી મળ્યું તેઓ તો પ્રારબ્ધને આધીન રહીને સુખ-દુઃખ ભોગવવાના, પણ મનુષ્યભવમાં આપણી પાસે મન છે, બુદ્ધિ છે, દેવ-ગુરુ-ધર્મનું સાનિધ્ય છે, અહીં જ મળેલા જ્ઞાનનો ઉપયોગ કરીને મનુષ્યે પુરુષાર્થ કરવાનો છે. કર્મને આધીન થવામાં પુરુષાર્થ નથી. પશુ-પક્ષીઓ ખાસ પુરુષાર્થ નથી કરી શકતા તેથી તેમને તો પૂર્વકર્મના ઉદયને આધીન થયા વિના છૂટકો નથી પણ મનુષ્ય પુરુષાર્થ કરી શકે છે. કર્મને આધીન ન થવું, તેને રફેદફે કરી નાખવું, એની અસરોને તોડી નાખવી, ભાવિ કર્મોનો અનુકૂળ બંધ પાડવો એ બધામાં પુરુષાર્થ રહેલો છે. ભૂતકાળનું કર્મ, ગતજન્મોનાં કર્મો એ આપણું પ્રારબ્ધ છે પણ આ આજનું કર્મ તે આપણા ભવિષ્યનું – હવે પછીનું પ્રારબ્ધ છે. કર્મવાદની સમજણ કર્મને આધીન થવા માટે નથી; પણ કર્મથી બચવા માટે છે. જો પુરુષાર્થ જ કરવાનો ન હોય, પુરુષાર્થને અવકાશ જ ન હોય તો પછી કર્મવાદની સમજણ શા કામની ? કર્મનો સિદ્ધાંત પુરુષાર્થનો સિદ્ધાંત છે. કર્મમાં જો આખલાનું બળ છે તો પુરુષાર્થમાં સિંહની શક્તિ છે. મળેલા મનુષ્ય જન્મમાં જો આપણે યથાયોગ્ય પુરુષાર્થ કરી લઈશું તો જ મનુષ્યજન્મ સાર્થક થશે.