Spread the love

કર્મનો સિદ્ધાંત ઘણો ગહન છે. તેનું મોટું ગણિત છે જેમાં આપણે નથી ઊતરતા પણ કર્મ વિષેની ચર્ચા પૂરી કરતા પહેલાં આપણે કર્મ અંગેની એક મહત્વની બાબત વિચારવી રહી. ભારતીય ધર્મધારાઓમાં મોક્ષની વાત કરવામાં આવે છે અને તેને ચરમલક્ષ્ય માનવામાં આવે છે. વિવિધ ધર્મોએ મોક્ષ અંગે જે વિચારો કર્યા છે તેમાં થોડીક ભિન્નતા દેખાય છે પણ એક વાતનું તો સામ્ય છે કે મોક્ષ એ કૃતકૃત્ય અવસ્થા છે. તે પ્રાપ્ત થયા પછી જીવે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. મોક્ષના વિચારને સમજવા માટે કેટલાક વિચારકોએ તેને ભૌગોલિક સ્થળ તરીકે સ્થાપ્યો જ્યાં જીવને માત્ર સુખાનુભવ જ રહે. મોક્ષ ભૌગોલિક સ્થાન છે કે નહિ એની ચર્ચામાં આપણે ન પડીએ તો પણ આપણે એક વાત તો સ્વીકારવી પડશે કે મોક્ષ મુક્ત થવાની વાત કરે છે. મોક્ષ શબ્દનો અર્થ જ મુક્તિનો દ્યોતક છે. જ્યાં બંધન છે ત્યાં સુખાનુભવ કેવો ? મુક્ત શેમાંથી થવાનું ? મુક્ત કોણે થવાનું ? મોક્ષની અભિલાષા, મોક્ષનું લક્ષ્ય એ વાતનો નિર્દેશ કરે છે કે આપણે ક્યાંક બંધાયેલા છીએ ; આપણે કશાથી બંધાયેલા છીએ અને તેમાંથી આપણે મુક્ત થવાનું છે.

આમ, કર્મવાદ મોક્ષ સાથે ગાઢ રીતે સંલગ્ન છે. જીવ કર્મથી બંધાયેલો છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી બંધન છે અને બંધન છે ત્યાં દુઃખ છે, વેદના છે, પરાધીનતા છે. કર્મનું એવું ચક્કર ચાલ્યા જ કરે છે કે તે ક્યાંય અટકતું નથી. પૂર્વકર્મ ભોગવાતાં જાય અને નવાં બંધાતાં જાય. આમ, કર્મનો સ્ટોક ક્યારેય ખાલી થતો નથી. કર્મ માત્ર બંધન છે, કારણ કે તેમાં પરાધીનતા છે છતાંય આપણને પુણ્યકર્મ ગમે છે કારણ કે તેમાં સુખભાસ થાય છે. તત્વજ્ઞોએ તો પુણ્યકર્મને પણ બંધન ગણ્યું છે અને તેનાથી પણ મુક્ત થવાની વાત કરી છે. સુખાનુભવ મુક્તિમાં છે ; સુખભાસમાં નહિ. આ વાતને ધીરજથી સમજવાની છે. પુણ્યકર્મનો એમાં નિષેધ નથી ; કારણ કે પુણ્યકર્મને સહારે મનુષ્ય પાપકર્મોને હઠાવે છે. પણ પુણ્યકર્મ અંતે તો છોડી દેવા જેવું છે. કારણ કે તે પણ બંધન તો છે જ. જેમ ઉપર ચડનાર માણસ દોરડાનો સહારો લે પણ નિસરણી ચડી ગયા પછી દોરડું છોડી દે છે, તેને પકડી રાખતો નથી તેમ છેવટે પુણ્યકર્મ પણ છોડી દેવાનું છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. રેશમની દોરીથી બાળકને બાંધો કે લોખંડની સાંકળથી બાંધો પણ બંધન એ બંધન એમાં કંઈ શંકા નથી. પુણ્યને પણ છોડવાની વાત સાધનાના છેલ્લા પગથિયે છે નહિ કે પહેલે પગથિયે. ઘણીવાર મોટા મોટા ચિંતકોએ પણ આ બાબતે ઉતાવળે અભિપ્રાય આપ્યા છે જેથી તે અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.

આમ, મોક્ષ જીવ માત્રનું ચરમ લક્ષ્ય હોવું જોઈએ કારણ કે તેમાં અનંત સુખાનુભવ છે. મોક્ષની નિષેધાત્મક કલ્પના આપણને માન્ય નથી. જો મોક્ષ કંઈ જ ન હોય તો પછી મેળવવા જેવું શું રહ્યું ? હવે જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો કર્મનાં બંધનમાંથી છૂટવું જોઈએ. જો આપણને કોઈએ બાંધ્યા હોય તો તે કર્મે. કર્મનું બંધન તૂટતાં જ હંસલો મુક્ત થઈને માનસરોવરને કાંઠે બેસી ક્ષીરનું – અમૃતનું પાન કરવાનો. માટે જે કોઈ વિચાર, ભાવ કે ક્રિયા કર્મના વિષચક્રને તોડે તે સાધના છે. કર્મવાદનો અભ્યાસ આપણને કર્મના કોઠાઓનું જ્ઞાન આપે છે કે જેને સહારે આપણે સાતેય કોઠા જીતી બહાર આવી શકીએ. આપણે કર્મબંધ વિષે જાણ્યું, કર્મના ભોગવટાનો વિચાર કર્યો, નિમિત્તોની પ્રબળતા સમજ્યા, કર્મનો વિષાકોદય અને પ્રદેશોદય ચર્ચી ગયા એ બધાનો સાર એટલો જ છે કે કર્મ બાંધો થોડાં પણ તોડો ઘણાં. સાધનાનો અર્થ એટલો જ છે કે ઉદયમાં આવેલાં કર્મોને ખંખેરી નાખો. ઝાટકી નાખો. ગમે તેમ કરીને કાઢી નાખો. છેવટે ભોગવીને પણ કર્મને કાઢો. તેથી ઘણીવાર આરાધકો સામે ચાલીને નિમિત્તો આપીને કર્મોને ખેંચી લાવી ભોગવવાનું પસંદ કરે છે. કર્મનું દેવું ચૂકવ્યા વિના કોઈ તેના સામ્રાજ્યની સરહદ ઓળંગી શકે તેમ નથી. તેથી જયારે મનુષ્યભવ મળ્યો છે, ધર્મની અનુકૂળતા છે, દેવ-ગુરુની નિશ્રા સુલભ છે ત્યારે કર્મનો હિસાબ ચોખ્ખો કરી નાખો. પણ અહીં એક વાતે સાવધ રહેવાનું છે કે સામેથી કર્મને ખેંચી લાવી ભોગવવાની પ્રક્રિયા ધર્મશૂરાઓને કરવા જેવી છે, સામાન્ય જીવોએ નહિ, કારણ કે વગર તાકાતે આ પ્રયોગ કરનાર ઊલટાનો કુટાઈ જાય.

જો કર્મ ભોગવીને કાઢવાનાં હોય તો તો કરોડો વર્ષો તો શું કરોડો જન્મો જોઈએ. વળી કર્મના ભોગવટા વખતે નવાં કર્મો બંધાતા જાય તેનું શું ? તેથી સાધના એનું નામ કે જે કરોડો વર્ષ ચાલે એટલાં કર્મનો સ્ટોક બે-ત્રણ જન્મમાં ખતમ કરી નાખે અને મુક્ત થઈ જાય.

આમ જોઈએ તો કાળ ઉપર આપણો બહુ કાબૂ નથી પણ સાધનામાં કાળ બહુ જાગતી ચીજ છે. સાધનામાં તો કર્મની સ્થિતિને – મુદતને ઉત્તરોત્તર તોડીને ટૂંકી કરવાની છે. કર્મની સ્થિતિ જેટલી તૂટે એટલી પ્રગતિ, એટલી ગુણપ્રાપ્તિ વધારે. સાધનામાં જયારે પ્રવેગની-એક્સીલરેશનની સ્થિતિ સર્જાય છે તેને ક્ષપકશ્રેણી કહેવામાં આવે છે તે કાળનો ઘાત કરીને જ મંડાય છે. તે સમયે કરોડો વર્ષે કે જન્મે જેનો ભોગવટો થઈ શકે તેવાં કર્મોની સ્થિતિ-કાળમર્યાદા, લાખ્ખો નહિ, હજારો નહિ, અરે, સેંકડો નહિ પણ છેવટે બે-ત્રણ ઘડી સુધી આવી જાય છે. ઉત્કૃષ્ટ આરાધના કરનાર તો કર્મોને એક જ જન્મમાં પૂરાં કરી નાખવાની પેરવી કરે છે. આત્માના ગુણો પ્રગટ થતા જાય તેમ કર્મની સ્થિતિ તૂટતી જાય. કર્મની સ્થિતિ તૂટે એટલે તેનો ભોગવટા કાળ તૂટે. પણ, તેના પરમાણુઓ તો એટલા ને એટલા જ રહે. જે કર્મ-પરમાણુઓ લાંબા કાળમાં ભોગવવાના હોય તે પછી અલ્પકાળમાં પ્રદેશોદયથી ભોગવાઈ જાય. કર્મ-પરમાણુઓ જીવ સાથે ચોંટેલા હોય છે જે બે રીતે તેનાથી વિમુક્ત થાય. એક તો કર્મ ભોગવાય એટલે તે ખરી પડે. બીજી રીત છે પ્રદેશોદયની. જેમાં કર્મની અસર ન વર્તાય અને તે ખરી પડે જેની ચર્ચા આપણે આગળ ઉપર કરી છે.

કરેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે એમ જે કહેવાય છે તે કર્મના પરમાણુઓની અપેક્ષાએ. જપ – તપ – વ્રત – દાન – ધર્મ – સદાચાર – ધ્યાન – યોગ – ભક્તિ બધાંનો ગુઢાર્થ એ છે કે કર્મને તોડો-ખંખેરી નાખો. આ બધાં અનુષ્ઠાનો કર્મની સ્થિતિ અને રસને તોડી નાખવામાં સહાય કરે છે. કર્મનો રસઘાત થતાં કર્મ તાકાત વગરનાં બની જઈને ખરવા લાગે છે. રસઘાતની પ્રક્રિયા તો સ્થિતિઘાત કરતાંય ઝડપી હોય છે. સાધનાની અંતિમ કક્ષાએ સાધક બધા જ કર્મદલિકોને પ્રદેશોદયથી સૂકવીને, તપ્ત કરીને ખંખેરી નાખે છે જેને કેવળી સમુદ્દઘાતને નામે ઓળખવામાં આવે છે – બસ ત્યાર પછી જીવ મુક્ત થઈ જાય છે – કર્મથી મુક્ત થઈ જાય છે અને અનંત સુખાનુભવમાં સ્થિત થઈ જાય છે.

બીજી એક મહત્વની બાબત છે ચૈતન્યની સત્તાની. આપણે જોઈ ગયા કે આમ તો કર્મ એક જડ પદાર્થ છે. પદાર્થમાં અનર્ગળ શક્તિ રહેલી છે તો સામે ચૈતન્યમાં અનંત શક્તિ રહેલી છે. કર્મની શક્તિ એટલે જડની શક્તિ જે ચૈતન્યની શક્તિને આવરીને-દબાવીને બેઠી છે અને તેનો આ સંસાર છે. પણ એ નિર્વિવાદ છે કે જડ ક્યારેય ચૈતન્ય બની શકતું નથી અને ચૈતન્ય ક્યારેય જડ બની જતું નથી. છતાંય બંનેનો એકબીજા ઉપર પ્રભાવ છે. કર્મની જે કંઈ જંજાળ છે, તેનો કંઈ વિસ્તાર છે તે જડ અને ચેતનના પરસ્પર થતા સંબંધોને કારણે. કર્મની હાજરીમાં ચૈતન્ય અમુક રીતે વર્તે છે પણ જો કર્મ નષ્ટ થઈ જાય, ચેતન ને જડ એવાં કર્મોનો સંસર્ગ ન રહે તો પછી ચૈતન્ય શુદ્ધ સ્વરૂપે વિલસી રહે છે. જડને પોતાનો સ્વભાવ છે અને તેની આગવી શક્તિ છે તો ચૈતન્યને પણ પોતાનો વિશિષ્ટ સ્વભાવ છે અને તેની પાસે વિશિષ્ટ શક્તિ છે. આમ તો ચૈતન્યની તાકાત, જડની તાકાત કરતાં અનેકગણી છે, પણ ગમે તેવી તાકાતવાળો જંગલને ધ્રૂજાવનાર સિંહ પાંજરે પુરાયો હોય તો પછી તેની તાકાત ક્યાં રહી ? આપણું ચૈતન્ય આમ કર્મરૂપી પાંજરામાં પુરાયેલું છે તેથી અસહાય બનીને કર્મ આપે છે એટલું લે છે અને કર્મ નચાવે તેમ નાચે છે. પણ એકવાર ચૈતન્ય જાગી ઊઠે, આળસ ખંખેરીને પૂર્ણબળથી, પૂર્ણશ્રદ્ધાથી પાંજરાને તોડીને બહાર આવી જાય તો પછી તે પોતાના સ્વભાવમાં આવી જઈ શકે છે. મૂળ વાત છે ચૈતન્ય એવા જીવ અને જડ એવા કર્મના સંબંધોને તોડવાની.

ઘણા લોકો એમ કહે છે કે ચૈતન્ય શુદ્ધ-બુદ્ધ છે. તેને જડ એવાં કર્મ કંઈ કરી શકે નહિ. આ વાત સાંભળવામાં સારી લાગે છે, સાંભળવી ગમે તેવી છે પણ વાસ્તવિકતા ઊલટી છે. જો ચૈતન્ય ઉપર કર્મનો પ્રભાવ ન પડતો હોય તો મદારી જેમ રીંછને નચાવે તેમ ચૈતન્ય એવા આપણે સંસારમાં કર્મના નચાવ્યા કેમ નાચ્યાં કરીએ છીએ ? જેમ ગળે સાંકળ બાંધેલ કૂતરો, સાંકળની ઢીલ પ્રમાણે ફરતાં ફરતાં કહે કે હું સ્વતંત્ર છું તેના જેવી આ વાત લાગે છે. જો જીવ સ્વતંત્ર છે તો પછી તેને સંસાર કેમ ? આ પરાધીનપણું, આ અસહાયતા કેવી ? મૂળ વાત એ છે કે જીવે કર્મની ચુંગાલ ફગાવી દઈને સ્વતંત્ર થવાનું છે. સ્વભાવથી આત્મા શુદ્ધ – બુદ્ધ અને અનંત સામર્થ્યવાળો છે પણ તેના તે ગુણો કર્મથી આવૃત છે – ઢંકાયેલા છે, કર્મથી દબાયેલા છે જે તેણે પ્રગટાવવાના છે. આ ગુણોનો આવિર્ભાવ કરવા માટે જીવે પુરુષાર્થ કરવાનો છે. કરોડોની સંપત્તિનો માલિક જ્યાં સુધી પોતાની સંપત્તિથી અજાણ હોય કે જ્યાં સુધી તે મેળવી ન શકે ત્યાં સુધી તો તે દરિદ્ર જ છે. આપણો ઘાટ આના જેવો છે. આપણે અનંતના સ્વામી છીએ પણ અત્યારે કર્મના માર્યા અને દોર્યા સંસારમાં અથડાઈએ છીએ – કુટાઈએ છીએ. જ્યાં સુધી કર્મનો ધ્વંસ નહિ કરીએ ત્યાં સુધી આપણા ભાગ્યમાં કૂટવાનું જ છે. પણ આશા એટલી છે કે ચૈતન્યમાં અનંત શક્તિ છે અને જો તેને જગાડવાનો, જીવ પુરુષાર્થ કરે તો જડ એવા કર્મોનો પરાભવ કરીને પોતે અવશ્ય મુક્ત થઈ જાય.

ઘણા લોકો તો ઠેરથી જ વાત કરે છે કે જડ એવું કર્મ ચૈતન્યને અસર ન કરી શકે. અરે, જડ એવી દવાઓનું સેવન કરવાથી આપણા ઉપર કેટલી બધી અસર થાય છે ? દારૂ જડ છે અને બ્રાહ્મી પણ જડ છે; પણ એક બુદ્ધિને ભ્રમિત કરે છે તો બીજું બુદ્ધિને સચેત કરે છે. જડ એવા પદાર્થો ઉપર ચેતનાથી ધબકતો જીવ કેટલી આસક્તિ રાખે છે ? જડ પદાર્થો ઉપર જીવ નભે છે અને તેને મેળવવા જીવનભર દોડયા કરે છે. મંગળ અને ગુરુના ગ્રહો ઉપર જ્યાં જીવન નથી ત્યાં જડનું અસ્તિત્વ તો છે પણ ત્યાં કોઈ મારા-મારી નથી, કોઈ સંસાર મંડાયો નથી. જ્યાં જડ છે અને ચેતન છે ત્યાં જ સંસાર છે. સંસાર એટલે જડ અને ચેતનની રમત. ત્યાં જડની અસર ચેતન ઉપર ન થાય એ વાત ગળે કેમ ઊતરે ? પણ હા, આપણે એટલું અવશ્ય સ્વીકારવું જ રહ્યું કે જડ એ જડ છે, તે ક્યારેય ચેતન બની શકે નહિ. ચેતન એ ચેતન છે તે ક્યારેય જડ બનવાનું નથી. બંનેને પોતપોતાની શક્તિ છે તો બંનેને પોતપોતાની મર્યાદા પણ છે. જડનું સંસાર ઉપર સાર્વભૌમત્વ નથી તો ચેતનનું પણ સાર્વભૌમત્વ નથી. બંને પોતપોતાની સીમામાં રહીને જ કામ કરે છે અને પરસ્પરને અસર કરે છે. કોઈ વખત આપણે જડ એવાં કર્મોની વધારે અસર નીચે આવી જઈએ છીએ તો કોઈ વખત ચેતનના ગુણોનો પ્રભાવ વધી જાય છે. જડ પાસે પુરુષાર્થની શક્તિ નથી, જે ચેતન પાસે છે. જો ચેતના જાગી ઊઠે અને પુરુષાર્થ આદરે તો આજે નહિ તો કાલે, આ ભાવે નહિ તો આવતે ભાવ જડ કર્મોને ફગાવી દઈને પોતાના શુદ્ધ-બુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી અનંત સુખમાં સ્થિત થઈ શકે છે.

આ પુરુષાર્થ જગાવવા માટે અને પુરુષાર્થ ક્યાં કરવાનો છે ? કેવી રીતે થઈ શકે છે ? તે જાણવા માટે તો કર્મની વ્યવસ્થા – સિદ્ધાંત સમજવાનો છે. કર્મના સિદ્ધાંતોનું રહસ્ય સમજીને, તેનો ભેદ જાણીને તેનો ઘાત કરીને ચૈતન્ય સ્વભાવમાં આવી જવાનું છે. નવાં કર્મો ન બાંધવા, બાંધેલાં કર્મો તોડવાં તથા ઉદયમાં આવેલાં કર્મોને નિષ્ફળ કરવાં એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. અહીં ભાગ્યને આધીન નથી રહેવાનું – પ્રચંડ પુરુષાર્થ કરવાનો છે. આ પ્રક્રિયા ત્રણ રીતે થાય છે. એક તો કર્મ સમતાથી ભોગવી લેવાં, ઉદયમાં ન આવ્યાં હોય તેને પણ ખેંચી લાવીને નિર્જરવાં-ખંખેરી નાખવાં આ છે ક્ષાયિક ભાવ જેમાં કર્મોનો ક્ષય થાય છે. બીજો ભાવ છે ઔપશમિક ભાવ. જેમાં કર્મોનું શમન કરી દેવાનું, તેને ટાઢાં પાડી દેવાનાં, આ અવસ્થા લેણદારને સમજાવી-મુદત પાડી પાછો કાઢવા જેવી છે. આજે તો લેણદાર પાછો વળ્યો પણ આગળ ઉપર દેવું તો ઊભું જ છે. ત્રીજો માર્ગ, વચલો માર્ગ છે જેમાં કર્મના રસને તોડતા જવાનો, કર્મની સ્થિતિને-મુદતનો ઘાત કરતા જવાનો અને કર્મના દલિકોને-પરમાણુઓને નિર્જરતા જવાના-ખેરવતા જવાના અને તેમનું શમન પણ કરતા જવાનું. આ છે ક્ષાયોપશમિક ભાવ. જયારે ઔદાયિક ભાવમાં એટલે કર્મના ઉદયથી પ્રવર્તનાર ભાવમાં તો કર્મની આધીન થવાનું. એમાં તો જીવ ઊંઘતો જ ઝડપાઇ જાય છે. કર્મ જે માંગે તે બધું સામે ધરી દેવાનું. પછી ગમે તેટલા રડો કે કકળો તેની કર્મસત્તાને કંઈ પડી નથી. આમ, ક્ષાયિકભાવ એ ક્ષાયોપશમિક ભાવ આરાધનાના ઘરના છે. ઔપશમિક ભાવમાં આરાધના ખરી પણ તે પ્રશ્નનું નિરાકરણ ન લાવે, ફક્ત તાત્કાલિક સમાધાન કરાવે પણ પ્રશ્ન તો ઊભેલો જ રહે ; જયારે ઔદાયિક ભાવ તો શરણાગતિનો ભાવ છે.

આમ, કર્મસિદ્ધાંતનો અભ્યાસ, કર્મવ્યવસ્થાની સમજણ આ ભવ અને પરભવ બંનેને સુધારી લેવાનો તેમજ ભવભ્રમણમાંથી બહાર નીકળી જઈને અનંત સુખમાં જવાનો માર્ગ બતાવે છે. તેનું પ્રાથમિક લક્ષ્ય છે – કર્મથી બચો, અને કર્મ બાંધો તો સારાં-શુભ કર્મો જ બાંધો અને અંતિમ લક્ષ્ય છે કર્મનું ઉપાર્જન બંધ કરો અને બાંધેલાં કર્મોને ખંખેરી નાખી – નિર્જરી, સ્વરૂપમાં આવી જાવ અને સ્વભાવમાં રમણ કરો.