
કર્મવાદનાં રહસ્યો સમજવાની સાથે આપણે એ વાત પણ સમજી લેવા જેવી છે કે અમુક બાબતો કર્મસત્તાના ક્ષેત્ર બહારની છે. જેમ રાજકીય સત્તાનું શાસન કે તેનો કાયદો રાજ્ય બહાર ન ચાલી શકે તેમ કર્મસત્તાનું શાસન પણ તેના ક્ષેત્રની બહાર ન ચાલે. કર્મની સત્તા ક્યાં નથી ચાલતી તે વાત પણ જો આપણે જાણી લઈએ તો જ આપણે જીવન પ્રત્યે યથાર્થ અભિગમ રાખી શકીએ. આપણે જોઈ ગયા કે કર્મસત્તા ખૂબ પ્રબળ સત્તા છે અને તેનો આપણા ઉપર જબ્બર પ્રભાવ છે પણ બધે જ કર્મસત્તાનું ચાલતું નથી. એવા બીજાં પ્રભાવક્ષેત્રો છે કે જ્યાં અન્ય સત્તાઓનું વર્ચસ્વ છે અને ત્યાં કર્મનું ખાસ કંઈ નીપજતું નથી.
કર્મ સિવાય બીજી જે અન્ય સત્તાઓનું અસ્તિત્વ છે એમાં પ્રબળ સત્તા કાળની છે. કાળસત્તા ખૂબ શક્તિશાળી છે. તેની સામે માથું ઝુકાવી દીધા સિવાય બીજું કંઈ કરી શકવા જીવ સમર્થ નથી. આપણા આર્ષદ્રષ્ટા મુનિઓએ તો કાળનું મહત્વ વર્ષો પહેલાં સમજી લીધું હતું પણ વર્તમાનમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામના વિજ્ઞાનીએ કાળની સત્તાનું મૂલ્યાંકન કરી બતાવ્યું જેનાથી આપણા મુનિઓના ચિંતનને વૈજ્ઞાનિક સમર્થન પણ મળ્યું. કાળનો પ્રવાહ ચાલ્યો જ આવે છે. તેને કોઈ નથી શક્યું નથી. કાળની અવગણના કરી આપણે જીવનનાં લેખાં-જોખાં માંડીએ તો તે હિસાબ ખોટો આવે. કાળની સમક્ષ ભગવાન સમકક્ષ આત્માઓને પણ નમવું પડે છે. તીર્થંકરોને પણ કાળને આધીન રહી પોતાનો દેહ છોડવો પડે છે. ભગવાન કૃષ્ણને પણ એક સામાન્ય પારધીના બાણથી દેહ છોડવો પડયો. અર્જુન જેવા વીર ક્ષત્રિયને પણ સામાન્ય ગણાતા કાબાઓએ લૂંટી લીધો. અહીં કાળ જ પ્રબળ છે. બાળકના જન્મની સાથે કાળની અસર તેના શરીર ઉપર વર્તવા માંડે છે. બાળક મટી તે યુવાન થાય છે અને પછી કાળે કરીને તે વૃદ્ધ થાય છે. છેવટે તેનું મૃત્યુ થાય છે. આ બધી કાળની પ્રક્રિયા છે. યૌવન, જરા (ધડપણ) અને મૃત્યુ કાળનો જ પરિપાક છે. ત્યાં આપણો કંઈ પુરુષાર્થ કામ આવતો નથી. જન્મ કર્મસત્તાને આધીન છે પણ શરીરનો વિકાસ અને પછી તેનું વિસર્જન કાળને આધીન છે. ત્યાં કર્મસત્તાનું કંઈ ચાલતું નથી. આ કાળની અવગણના કોણ કરી શકે ? ગમે તેવા મીઠા ફળનું બીજ વાવ્યું હોય પણ તે તત્કાળ ફળ નથી આપી શકતું. બીજમાંથી અંકુર ફૂટશે, છોડ થશે, વૃક્ષ થશે, વેલ થશે, આમ, કાળની એક આખી પ્રક્રિયા થયા પછી જ તેના ઉપર ફળ બેસશે. આમાં કાળની જ પ્રબળતા છે. માતાના ઉદરમાં જીવને અમુક કાળ વીતાવવો પડે છે અને ત્યાર પછી જ બાળકનો જન્મ થાય છે. કર્મસત્તાનો કોઈ હુકમ કાળ ઉપર નહિ ચાલે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એમ નિરંતર ચાલ્યા જ કરે છે તે કાળનું ચક્ર છે. કોઈ કર્મ તેમાં ફેરફાર નહિ કરી શકે. આ કાળની સત્તાને સમજીને આપણે તેનો સ્વીકાર કરીશું તો આપણી ગણતરીઓ ખોટી નહિ ઠરે. કાળના ક્ષેત્રમાં, જો આપણે કર્મનો નિયમ લાગુ પાડવા જઈશું તો હતાશા કે નિરાશા સિવાય બીજું કંઈ આપણને નહિ મળે.
કર્મસત્તા સિવાય બીજી પણ એક પ્રબળ સત્તા છે તે “સ્વભાવ”ની સત્તા છે. તેના ઉપર પણ કર્મનો કાયદો લાગુ પડતો નથી. સ્વભાવનું પણ એક પ્રભાવક્ષેત્ર છે, જ્યાં તેનો પ્રભાવ પ્રવર્તે છે. આપણે ‘સ્વભાવ’ સત્તાને સમજીને તેનો પણ સ્વીકાર કરવો રહ્યો. ત્યાં કર્મનાં નીતિ-નિયમો લાગુ પાડવા ન જવાય. મરચાનું બીજ વાવનારને તેનો છોડ થાય પછી તીખાં મરચાં જ મળે. તેના ઉપર મીઠાં કેળાં ન બેસે. કેળાં મીઠાં છે, મરચાં તીખાં છે, આંબલી ખાટી છે અને કારેલાં કડવાં છે – તે તેમનો સ્વભાવ છે. કર્મની ગમે એટલી પ્રક્રિયા કરો પણ મરચાં મીઠાં નહિ થાય અને કેરી તીખી નહિ થાય. માટી ચીકણી છે અને રેતી રુક્ષ છે – તે તેનો સ્વભાવ છે. તેથી માટીમાંથી ઘડો ઘડી શકાય પણ ગમે એટલું કર્યા કરીએ તો પણ ગમે એટલું કર્યા કરીએ તો પણ રેતીમાંથી ઘડો નહિ બને. અગ્નિનો સ્વભાવ ગરમ છે અને જળનો સ્વભાવ શીતળ છે. નાનો પણ અગ્નિનો કણીઓ દઝાડે જ અને ગરમ પાણી આગને બુઝાવવાનું કાર્ય કરવામાંથી નહિ જાય. સૂર્યનો તાપ ગરમી જ આપે પછી ભલે તે ઓછીવત્તી હોય અને ચાંદની શીતળ લાગે. આમ, સૌ સૌને પોતાનો સ્વભાવ છે. ગમે એટલું ધરાઈને ખાધું હોય તો પણ અમુક પ્રાણીઓ બાજુની વાડમાં માથું નાખ્યા વિના નહિ રહે કારણ કે ભૂખ હોય કે ન હોય કંઈક મોઢામાં નાખ્યા જ કરવું તે તેમનો સ્વભાવ છે. ઉપકાર કરનારને પણ વીંછી ડંખ્યા વગર નહિ રહે, ભ્રમર ગુંજારવ કર્યા વિના શાંત નહિ બેસી રહે. આમ, સકળ જીવસૃષ્ટિ પોતાના સ્વભાવમાં રહે છે. તેમાં કર્મ કંઈ કાર્ય કરતું નથી. અરે, વિકસિત જીવસૃષ્ટિની વાત કરીએ તો ત્યાં પણ સ્વભાવની સત્તા જોવા મળશે. અમુક માણસોને ધર્મની વાત સ્વભાવથી જ ગમશે તો અમુક માણસોને તે સાંભળવી જ નહિ ગમે. અમુક લોકોનો સ્વભાવ ટીખળી-મશ્કરો જ રહેવાનો તો અમુક લોકો હંમેશા ઉદાસીન રહેવાના, આ તેમનો સ્વભાવ છે. કર્મસત્તાનું સ્વભાવ સામે કંઈ નીપજતું નથી અને કદાચ કંઈ કરવામાં આવે તો પણ તેમાં ઝાઝી સફળતા નહિ જ મળે ; કારણ કે સ્વભાવ સત્તા કર્મને આધીન નથી. જો કંઈ પણ અસર કર્મની જોવા મળશે તો તે પણ સામાન્ય અને બંને ક્ષેત્રોનાં મિલનસ્થાન ઉપર. સ્વભાવ સત્તાને અવગણીને આપણે એકલા કર્મ ઉપર આધાર રાખીને બેસી રહીએ છીએ તો ખાલીના કૂટાઈ જઈએ છીએ.
કર્મસત્તાથી ભિન્ન એવી ત્રીજી પ્રબળ સત્તા છે – ‘ભવિતવ્યતા’ જેને નિયતિને નામે પણ ઘણા ઓળખે છે. જો કે વાસ્તવિકતામાં આ બંને વચ્ચે ઘણો તફાવત છે – પણ સામાન્ય દ્રષ્ટિએ ઉપર ઉપરથી એ બંને નજીક દેખાય છે કે સરખાં લાગે છે એટલી જગ્યાએ આ બંને શબ્દો એકબીજાને બદલે વપરાયેલા જોવા મળે છે. ભવિતવ્યતા એટલે એવી ઘટના કે તેના અંગે કોઈ કારણ ન આપી શકાય. એ ઘટના ક્યારે ઘટશે ? ક્યાં ઘટશે ? કેવી રીતે ઘટશે ? તે વિષે કંઈ કહી શકાય નહિ. આ સૃષ્ટિમાં બધે જ કાર્યકારણનો સંબંધ સ્થાપિત થઈ શકતો નથી. વિશ્વમાં બધું જ સકારણ નથી બનતું – એ વાત પણ સમજવા જેવી છે. વિશ્વમાં આટલી સૂર્યમાલાઓ કેમ છે ? કરોડો – અબજો તારાઓ – ગ્રહો કેમ છે ? આટલા જ કેમ છે ? તેનું કોઈ કારણ નથી. આકાશમાં આપણી પૃથ્વીનો ગોળો સૂર્યથી અમુક અંતરે આકર્ષણ અને અપાકર્ષણના બંને વિરોધી ખેંચણોથી સંતુલિત થઈને લટકી રહ્યો છે તેમાં કોઈ કારણભૂત હોય તો તે ભવિતવ્યતા. આ પૃથ્વી આકાશમાં ફંગોળાઈ જશે કે સૂર્ય તરફ ખેંચાઈને સળગી જશે તે વિષે કંઈ કહી શકાય નહિ. એમાં કર્મને કંઈ લેવાદેવા નહિ. અબજો વર્ષ પછી સૂર્ય ઠંડો થઈ જશે અને કોઈ તારો તૂટી જઈને કોઈ ગ્રહ ઉપર પડીને વિનાશ સર્જશે તો તે માટે ભવિતવ્યતા સિવાય કોઈ ઉત્તર નથી. સંસારમાં ચોર્યાશી લાખ જીવ યોનીઓ કહેવાય છે. એમાં એવી કેટલીક યોનીઓ છે જ્યાં એક જ શરીર ધારણ કરી અનેક જીવો પડેલા છે. તેમનામાં સ્પર્શેન્દ્રિયના અલ્પજ્ઞાન વિષે ચેતનાનો બીજો કોઈ અણસાર નથી. સધન મૂર્ચ્છામાં પડેલા આ જીવો છે ત્યાં ને ત્યાં જ પડયા છે, જેને સ્થાવર જીવો કહે છે. એમાંથી કેટલાક જેવો કોઈ કાળે બહાર આવે છે અને વધારે ઇન્દ્રિયો પ્રાપ્ત કરી હલન-ચલન કરતા થઈ જાય છે. આને અવ્યવહાર રાશિઓમાંથી જીવોનું વ્યવહાર રાશિમાં આવવું એમ કહેવાય છે. એમાં અમુક જ જીવો કેમ બહાર આવી ગયા ? અને અનુક કેમ બહાર ન આવી શક્યા ? તે માટે કોઈ કારણ નથી. ત્યાં આપણે એટલું જ કહી શકીએ કે જે તે જીવોની ભવિતવ્યતા. ત્યાં કર્મ ખાસ કંઈ કરી શકે નહિ. એ પ્રદેશ કર્મ સત્તાની બહાર આવેલો છે.
પૃથ્વીની ઉપર અને પેટાળમાં સતત ફેરફારો થયા જ કરે છે. લાખો વર્ષ પછી જ્યાં જળ છે – અત્યારે સાગરો ઘૂઘવે છે ત્યાં સ્થળ થઈ ગયું હોય કે પહાડો થઈ ગયા હોય અને જે પર્વતો છે તેના ઉપર સાગરનાં પાણી ફરી વળ્યાં હોય તો તેમાં ભવિતવ્યતા સિવાય બીજું કંઈ કહી શકાય નહિ. પૃથ્વીના પેટાળમાં ખનીજ તેલ આરબ દેશોના તળિયામાંથી નીકળ્યું અને અમુક દેશોની નીચે કોલસાના થર પડેલા છે. ક્યાંક તાંબુ મળે છે તો બીજે સ્થળે સોનુ નીકળે છે તેમાં ભવિતવ્યતા સિવાય કોઈ કારણ નથી. આમ, ભવિતવ્યતાનુ સામ્રાજય ઘણું વિશાળ છે. તેની સત્તાને કોઈ પડકારી શકતું નથી. ભવિતવ્યતાની આ અનર્ગળ શક્તિ સાથે કાર્ય-કારણનો કોઈ સંબંધ જોડી ન શકવાથી તેમજ તેનો મર્યાદા વિનાનો વિસ્તાર જોઈ ઘણા વિચારકોએ તો તેને વિષે કંઈ કહેવાનું યોગ્ય જ ન માન્યું. કેટલાકે તેને અવ્યક્તવ્ય કહી સંતોષ માન્યો તો કેટલાકે ‘ઈશ્વરેચ્છા બલિયસી’ કહી વિરમવાનું પસંદ કર્યું. ઈશ્વર તો દયાળુ છે – તે તો સૌના સુખમાં રાજી હોય. એ ઈશ્વર આમ વિનાશની પ્રક્રિયાનો પ્રયોજક કેવી રીતે હોઈ શકે ? અને જો તે તેમ કરે તો તેની પાસે મનુષ્યના સુખની શું કંઈ કિંમત જ નહિ ? મનુષ્યની લાગણી કે આર્તનાદોની તેના ઉપર કંઈ જ અસર નહિ ? પણ એ વિષય અત્રે અસ્થાને છે. આપણી મૂળ વાત છે ભવિતવ્યતાની. આપણે જોઈ ગયા કે કાળસત્તા, સ્વભાવસત્તા અને ભવિતવ્યતાની સત્તા – આમ ત્રણ સત્તાઓનું પણ વિશ્વમાં અસ્તિત્વ છે – જેના ઉપર આપણા પુરુષાર્થનો કે કર્મનો પ્રભાવ પડી શકતો નથી.
હવે જે બાકી રહે છે તે બે સત્તાઓ છે – કર્મસત્તા અને ચૈતન્ય સત્તા. કર્મસત્તા ચૈતન્યને દબાવે છે, આંતરે છે અને ચૈતન્ય સત્તા પોતાના બળથી તેને પાછી ધકેલે છે. આમ જોઈએ તો કર્મની સત્તા એ જડની સત્તા છે – પદાર્થની સત્તા છે અને આપણો પુરુષાર્થ, ચૈતન્ય સત્તા હેઠળ આવે છે. પૂર્વજન્મનાં કે આ જન્મનાં જ કર્મોને લીધે આપણે જે કાંઈ સારું કે ખોટું સહન કરીએ છીએ તે કર્મસત્તાને કારણે, કર્મના ગુણ-દોષને કારણે . કર્મસત્તાની પકડની બહાર નીકળીને આપણા મૂળભૂત ગુણો – અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદનો આવિર્ભાવ કરવા જે પ્રયાસ કરીએ તે ચૈતન્ય સત્તાને આભારી છે. વાસ્તવિકતામાં આપણને બે સત્તાઓ સાથે જ નિસ્બત છે કારણ કે બીજી ત્રણ સત્તાઓ સામે આપણું કંઈ નીપજે તેમ નથી. છતાંય કોઈ રખે માની લે કે આપણું ક્ષેત્ર ઘણું મર્યાદિત છે. આપણી બહાર રહેલી ત્રણ મહાસત્તાઓનાં પરિણામે માનવ જાતને જવલ્લે જ ત્રાસ આપે છે. વળી જાણતાં કે અજાણતાં આપણે એ ત્રણેય સત્તાઓ સાથે સુમેળ સાધી લીધો છે તેથી તેમનું વર્ચસ્વ પણ આપણને ઝાંઝુ કઠતું નથી. જે સત્તાઓ સામે આપણે નિરૂપાય છીએ તેનો અહીં ઉલ્લેખ કર્યો છે અને તેની ઓળખ આપી છે જેથી આપણને સત્યની સઘળી બાજુઓનું દર્શન થાય. જયારે સમગ્રતાની દ્રષ્ટિથી સત્યને પકડવામાં નથી આવતું ત્યારે સત્ય પકડમાં આવતું જ નથી. બાકી રહેલી જે બે સત્તાઓ છે – કર્મસત્તા અને ચૈતન્યસત્તા – તેને સમજવા માટે તો આ પુસ્તક લખાયું છે અને તેની વિસ્તૃત ચર્ચા આગળનાં પ્રકરણોમાં કરવામાં આવેલી છે. પણ અન્ય સત્તાઓના અસ્તિત્વ વિષે વિચાર કર્યા વિના જીવનને તેના પૂર્ણ સંદર્ભમાં આલેખી ન શકાય તેથી તે વાતનો આ પ્રકરણમાં થોડો વિસ્તાર કર્યો.