Spread the love

આપણા જીવન ઉપર પ્રભાવ પાડતાં પરિબળોનો વિચાર કરતાં આપણે ત્રણ સત્તાઓનો ઉલ્લેખ કર્યો. કાળસત્તા, સ્વભાવ સત્તા અને ભવિતવ્યતા. એમાં ભવિતવ્યતા તો મહાસત્તા જેવી છે. સૌના હુકમ ઉપર જાણે તેનો વટહુકમ ચાલે છે. કર્મસત્તાનો તો આપણા જીવન ઉપર સીધો જ પ્રભાવ પડે છે. તે નચાવે તેમ આપણે નાચીએ છીએ, દોડીએ છીએ, હસીએ છીએ કે રડીએ છીએ તો પછી ચેતનવાન મનુષ્ય બાપડો ક્યાં રહ્યો ? શું તેણે અસહાય થઈને બેસી રહેવાનું છે ? તેના હાથમાં શું કંઈ નથી ? આમ જોઈએ તો કર્મથી વિભિન્ન જે ત્રણ સત્તાઓ છે તે એટલી પરોક્ષ રીતે કામ કરે છે કે આપણને તેનું અસ્તિત્વ બાધક લાગતું નથી. વાસ્તવિકતામાં આપણે એ સત્તાઓને સ્વીકારી લીધી છે. આપણે જે સંઘર્ષ છે તે કર્મસત્તા સાથે છે. કર્મને લીધે આપણું જીવન આમ-તેમ ફંગોળાયા કરે છે અને તે આપણા સાચા અને શાશ્ચત સુખમાં બાધક છે તેથી તેની સાથે સંઘર્ષ કરવાનું પ્રયોજન છે અને તે શક્ય પણ છે. જેની સાથે સંઘર્ષ ન થઈ શકે તેમ હોય, જે સત્તા પરોક્ષ રહીને કાર્ય કરતી હોય તેની સાથે યુદ્ધ કેવી રીતે થાય ? હવામાં મુક્કાબાજી કર્યા કરવાનો કંઈ અર્થ ખરો ? એ સત્તાઓના સ્વીકારમાં જ શાણપણ છે. એમના પ્રભાવને સહજ ગણી માણી લેવામાં જ સુખ છે – શાંતિ છે. સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન જીવવાની ચાવીઓ આપણી પાસે છે. કઈ ચાવી ક્યાં લગાડવી તે આપણે નક્કી કરે લેવાનું છે. ખોટી ચાવીથી તાળું ન ખૂલે. જીવનને આપણે જીતવું છે અને સારી રીતે જીવવું છે. આપણને જે મળ્યું છે અને આપણી પાસે જેટલો સમય છે તેનો આપણે ઉત્તમ રીતે ઉપયોગ કરી લેવાનો છે. આ માટેના ત્રણ સૂત્રો ઘણાં મહત્વનાં છે – સ્વીકાર, પ્રતિકાર અને પરિવર્તન. પાંચ સત્તાઓના પ્રભાવ હેઠળ આપણે છીએ. એ પાંચ સત્તાઓ છે – કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્મ, અને પુરુષાર્થ. એમાં પ્રથમ ત્રણ સત્તાઓનો તો આપણે સ્વીકાર કરી લેવો જ રહ્યો. એ માટે આપણે જેટલા તૈયાર હોઈશું એટલું આપણું જીવન વધારે સ્વસ્થ રહેશે. સમજીને આપણે ત્રણ સત્તાઓને શરણે જઈએ કે રડી-ઝઘડીને છેવટે હારીને તેમને આધીન થઈએ. પણ તે સિવાય આપણો છૂટકો નથી. વળી આ ત્રણ પરોક્ષ સત્તાઓ આપણી સામે નથી પડી. તેમની સાથે આપણે જેટલે અંશે સંવાદિતા સાધી લઈએ એટલા પ્રમાણમાં આપણું જીવન આનંદભર્યું અને તાણ વિનાનું થઈ જશે. જે લોકો આ માટે તૈયાર નથી તેમણે આ માટે તૈયારે કરી લેવી પડશે. દાર્શનિકો અને જ્ઞાનીઓએ આ માટે કેટલાક માર્ગો પણ સૂચવ્યા છે જે અપનાવવાનું એટલું કઠિન નથી.

હવે બાકી જે બે સત્તાઓ છે તેમની સાથે આપણો સીધો સંબંધ છે. આપણાં સુખ-દુઃખ, આનંદ-શોક, આપણા જય-પરાજય બધા આ બે સતાઓ સાથે સંલગ્ન છે. આપણે કર્મવાદનાં રહસ્યોનું જે વિશ્લેષણ કર્યું તે કંઈ ખાલી અભ્યાસ માટે કર્યું છે ? માર્ગ પૂછીએ, માર્ગ વિષે જાણકારી મેળવી લઈએ અને તેના ઉપર આગળ વધીએ જ નહિ તો બધી જાણકારી વ્યર્થ ગઈ. વિશાળ સીમાઓ વાળા રાજ્યની સરહદો ઉપર ઠેર ઠેર પાડોશી કે દુશ્મન દેશોના સૈનિકો ગોઠવાયેલા હોય છે તેમ આપણા જીવનમાં કર્મસત્તા અને ચૈતાન્યસત્તા બંનેના સૈનિકો આમને-સામને ગોઠવાઈને ઊભેલા છે. અરે એટલું જ નથી, બંને પ્રદેશોમાં એકબીજી સત્તાના ગુપ્તચરો ફરે છે અને જેવી તક મળે કે તુરત જ ભાંગફોડ કરીને એ સત્તાને નબળી કરી મૂકે છે. બસ, આ જ એક એવું રણક્ષેત્ર છે કે જ્યાં આપણે કંઈ કરી શકીએ તેમ છીએ. દુશ્મનને ઓળખો અને તેને ડારો. જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં તેના ઉપર હુમલો કરી તેનો નાશ કરી નાખો – તેને હણી નાખો જેથી કાયમ માટે સુખે સુઈ શકો. કર્મસત્તા સામે આપણે ઝૂકવાનું નથી. તેનો પ્રતિકાર કરવાનો છે. તેને પડકારવાની છે. આ માટે તો આપણે કર્મવાદનાં રહસ્યો વિષે આટલો વિચાર કર્યો છે. એમાં આપણે જોઈ ગયા અને જાણી લીધું કે કર્મસત્તાનું બળ ક્યાં ક્યાં છે. તેના અડ્ડાઓ ક્યાં છે અને તેનો સાધન-સરંજામ ક્યાં છુપાયેલો છે. જેવી તક મળે કે આપણે કર્મસત્તા ઉપર હુમલો કરવાનો છે અને તક ન મળે તો આપણે એવી તકો ઊભી કરવાની છે. અહીં લખાય છે કે તમને દેખાય છે એટલી આ વાત સરળ નથી કારણ કે આ આંતરિક સંઘર્ષ છે. મોહ અને મૂર્છા સામે જાગરૂકતાની આ લડાઈ છે. સામે આવેલા શત્રુ સાથે યુદ્ધ કરવાનું સહેલું છે પણ અંદર છુપાઈને બેઠેલા દુશ્મનને શોધી કાઢી તેને નષ્ટ કરવાનું કામ ઘણું અઘરું છે. – કપરું છે. છતાંય એ કાર્ય અશક્ય તો નથી જ આ છે પ્રતિકારનો માર્ગ. આગળ કર્મનાં રહસ્યો દર્શાવતાં આ માર્ગનું વિવિધ પ્રકારે નિર્દેશન કરેલું છે.

ત્યાર પછી આવે છે પરિવર્તનનું સૂત્ર, સંજોગોના સ્વીકારનો માર્ગ સહેલો તો નથી પણ તે એટલો વિકટ પણ નથી કારણ કે ત્યાં યુધ્ધે ચડવાનું નથી. ત્યાં વાત સમજવાની છે અને મનને મનાવવાનું છે. જ્ઞાનથી-સમજણથી મનને અમુક રીતે તૈયાર કરી શકાય. તે માટે અભ્યાસ કરવો પડે- ટેવ પાડવી પડે. ભક્તિથી પણ આ વાત સિદ્ધ થઈ શકે. જયારે પ્રતિકારના માર્ગમાં તો સંઘર્ષ છે અને તે પણ આંતરિક સંઘર્ષ. આ માર્ગમાં ક્યાંક દમન પણ કરવું પડે. વૃત્તિઓને દબાવવી પડે- શોષવી પડે. વૃત્તિઓ નાબૂદ ન થાય તો તેનું ઉપશમન પણ છેવટે કરવું જ રહયું. કર્મસત્તાના બે મહત્વનાં ગઢ છે. એક છે કષાયોનો-આવેગોનો. ક્રોધ, માન, માયા, લોભ આ મૂળ કષાયો છે અને હાસ્ય, રતિ, અરતિ, ભય શોક અને જુગુપ્સા આ તેના સહચારી ભાવો છે. બીજો ગઢ છે ચંચળતાનો. આપણે સ્થિર નથી પણ પળે પળે વ્યગ્ર રહીને ચંચળ બની જઈએ છીએ. મન-વચન-અને કાયાની ચંચળતા એ કર્મસત્તાનો બીજો મહત્વનો ગઢ છે. આ બે ગઢ ઉપર જોરદાર હુમલો આપણે કરીએ તો કર્મસત્તા ઘણી નબળી પડી જાય તેમ છે.

કર્મસત્તા સામેનો આ હુમલો એ જ આપણી સાધના. આપણી સમગ્ર સાધનાની ધારા બે તટ વચ્ચે વહેવી જોઈએ. એનો એક તટ છે સ્થિરતાનો અને બીજો તટ છે સમતાનો. ચંચળતા મન, વચન અને કાયાના યોગો સાથે વધારે સંબંધિત છે. ટેટી ત્યાં સાધના સ્થિરતાની કરવાની છે. જયારે કષાયોને સંબંધ છે રાગ અને દ્વેષ સાથે. તેથી રાગ-દ્વેષની અલ્પતા કે વીતરાગતા તે કષાયો સામેની સાધના છે. ચંચળતાને સમજવામાં તો મોટા મોટા દાર્શનિકો પણ થાપ ખાઈ ગયા છે. ચંચળતાને આપણે રખે ને કર્મયોગ ગણી લઈએ ? જ્યાં આમ બને છે ત્યાં ખોટી આત્મવંચના થાય છે. યોગોની સ્થિરતા કે અકર્મની અવસ્થા એ પલાયનવાદ નથી. એ તો કર્મને ક્ષીણ કરવાનો ઉપાય છે. કર્મ ભયાવહ છે જયારે અકર્મ ભયમુક્ત કરે છે. કર્મયોગ કરતાં અકર્મયોગ વધારે મહત્વનો છે. નિષ્ક્રિયતા કે પલાયનવાદ કરતાં તે સાવ જુદો છે. કર્મ હટાવવા માટે અકર્મ જેવું કોઈ શક્તિશાળી સાધન નથી. આપણી સાધનાનો બીજો તટ છે સમતાનો. એમાં સમભાવની વાત છે, સામયિકની વાત છે. સાધનાનું સૂત્ર છે પરિવર્તન. જેને નષ્ટ ન કરી શકાય તેનું પરિવર્તન કરી નાખો. શત્રુને મિત્ર બનાવી દો. આપણી જે વૃત્તિઓ નીચે લઈ જનારી હોય છે તેની દિશા બદલી નાખો ; પછી તે જ વૃત્તિઓ આત્માના ઉત્થાનમાં સહાયક બની જશે. પરિવર્તન બે રીતે થઈ શકે છે. માર્ગાન્તીકરણ કરીને કે ઉદાત્તીકરણ કરીને. દમનની વાત સાધનાની વાત નથી. મૂળ વાત લક્ષ બહાર ન રહી જાય કે આત્માનો વિકાસ કર્મથી નથી થતો પણ કર્મ માત્રને હટાવવાથી થાય છે. કર્મ માત્રને હટાવવાની વાત-કર્મને નષ્ટ કરવાની વાત કર્મના ક્ષયીકરણની વાત છે. જેમાં ક્ષાયિક ભાવ ઘણો મહત્વનો છે. તે મોટી સાધનાની અપેક્ષા રાખે છે. કર્મના તાબે થવું તે ઔદાયિક ભાવની અવસ્થા છે. એમાં સાધના જેવું કંઈ નથી. તે તો શત્રુની શરણાગતિ સ્વીકારવા જેવું છે. આ બેની વચ્ચેનો માર્ગ આપણને કામ લાગે તેવો અને પુરુષાર્થ કરીને સાધી શકાય તેવો છે. તેમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં કર્મને તોડો, નબળાં પાડો. કર્મનો પ્રતિકાર કરો. જ્યાં તે શક્ય ન હોય ત્યાં તેને દબાવો અને તેની દિશા બદલી નાખો. જે સ્ત્રીને જોઈને કામવાસના ભડકે તે જ સ્ત્રી બહેન નીકળે કે તેનામાં બહેનનો ભાવ આરોપિત કરી દઈએ તો તેના તરફ વાત્સલ્ય ભાવ થશે કે પૂજ્ય ભાવ થશે, આ માર્ગ છે માર્ગાન્તીકરણનો. વિરોધીઓને મિત્ર બનાવી લો. પછી વિજયકૂચ થંભાવી દેવાની જરૂર નથી. કર્મ નષ્ટ થાય ત્યાં સુધી આગળ તો વધતા જ રહેવાનું છે. આમ, ચેતનાનું રૂપાંતર ન થાય તો કર્મનો મર્મ ચૂકી જવાય. પરિવર્તન – વૃત્તિઓનું પરિવર્તન, જીવનના અભિગમનું પરિવર્તન એ મોટી સાધના છે અને તે આપણને વધારે સુલભ છે. આમ, કર્મવાદ પરિવર્તનનું સૂત્ર છે – પલાયનવાદનું નહિ.

કર્મ શાસ્ત્ર આપણને એ બતાવે છે કે આપણને શું થયું છે ? આપણે દુઃખી કેમ છીએ ? તે રોગનાં લક્ષણો બતાવે છે અને તેનું નિદાન કરી આપે છે. પણ રોગ મટાડવાનો માર્ગ અધ્યાત્મશાસ્ત્ર બતાવી આપે છે. આમ, કર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર બંને આ એક બિંદુ ઉપર ભેગાં થઈ જાય છે. જે રોગને બરોબર જાણે-ઓળખે તે જ તેનો ઉપચાર કરી શકે. અપાયને જાણ્યા વિના ઉપાય ન થઈ શકે. કર્મવાદનાં રહસ્યો સમજવાની આવશ્યકતા એટલે માટે છે કે આપણે સ્વસ્થ અને સુખી જીવન પ્રતિ જવું છે. કર્મ છેવટે તો જડની સત્તા છે. જડની ઘણી તાકાત છે છતાંય ચૈતન્યની અનર્ગળ શક્તિ સામે જડની શક્તિ ઓછી પડે. મુશ્કેલ એ છે કે ચૈતન્યની શક્તિ ઢંકાયેલી છે – આવૃત છે. ચૈતન્યની શક્તિ જગાડવામાં પુરુષાર્થ જ કામ આવે. કર્મના મર્મને સમજ્યા વિના સાધનાના મર્મને ન સમજી શકાય. સાધના વિના સિદ્ધિ મળે નહિ અને સાધના પુરુષાર્થનો વિષય છે. જ્યાં સુધી ચેતન કર્મથી લેપાયેલું છે – આવૃત છે ત્યાં સુધી તે બહારના પ્રભાવોથી મુક્ત નથી. તે સ્વતંત્ર નથી. જે ક્ષણે ચેતન કર્મથી મુક્ત થઈ જાય છે તે જ ક્ષણથી તેનામાં અનંતનો આવિર્ભાવ થઈ જાય છે. કર્મવાદનાં રહસ્યો જાણીને – સમજીને આપણે સ્વસ્થ જીવન પ્રતિ જવાનો પુરુષાર્થ કરવાનો છે પણ તેનું અંતિમ લક્ષ્ય તો ત્યારે જ સિદ્ધ થાય કે જયારે આપણે પૂર્ણ જીવનના માર્ગે વળીએ. પૂર્ણ જીવન એટલે કર્મરહિત અવસ્થા. અનંતનો આવિર્ભાવ. ત્યાં આત્મા પરમાત્મા બની જાય છે ; જીવ શિવ થઈ જાય છે.ત્યાં પરમ આનંદ વિલસે છે.

કર્મશાસ્ત્રના અભ્યાસનું મૂળ પ્રયોજન અતીતને તોડી, વર્તમાનને સાધી સુખદ ભાવિને ઘડવાનું છે. જો આપણે કંઈ ભૂતકાળ નથી તો પછી આપણે કર્મનો સ્વીકાર કરવાની કે કર્મવાદ સમજવાની જરૂર નથી. પણ આપણો અતીત કર્મના અખૂટ સંચયથી ભરાયેલો છે જે વર્તમાનને પ્રભાવિત કરે છે. આપણો વર્તમાન આપણા ભાવિને પ્રભાવિત કરે છે. વર્તમાન જ એક એવો સમય છે કે જયારે આપણે અતીતને ઉલેચી – સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ ભાવિનું સર્જન કરી શકીએ. કર્મવાદ ભૂત-ભવિષ્ય અને વર્તમાન સાથે અભિન્ન રીતે સંકળાયેલો છે. કર્મવાદનાં રહસ્યો સમજીને જ આપણે સ્વસ્થ જીવન પ્રતિ ડગલાં માંડી શકીશું.