Spread the love

એક મોટા રાજજ્યોતિષી હતા. રાજદરબારમાં તો તેમનું સારું માન-પાન હતું ને વળી આસપાસના પ્રદેશનાં બીજા રાજા-રજવાડાઓ પણ તેમનું સન્માન કરતા હતા. ખભે મલમલનું અંગરખું, ચારખેડે ચીપીને પાટલી વાળેલું ધોતિયું, માથે ચકરી પાઘડી અને પગમાં દક્ષિણી પગરખાં પહેરીને જોશીજી બહાર નીકળે ત્યારે સામે મળનાર સૌ તેમને વંદન કરે. જે દિવસે રાજ-દરબારમાં જવાનું હોય ત્યારે પંડિતજી મોટા કસબી તોલાવાળી પાઘડી પહેરે અને જરીના તારવાળો ખેસ ખભે નાખે. તેમને લેવા માટે રાજ્યનું કોઈ વાહન પણ આવે. રાજસભામાંથી આ પ્રખર જ્યોતિષ પાછા ફરે ત્યારે તેમના સાથમાં મોટા આબરૂદાર માણસો હોય. તેઓ પણ પંડિતજીને ઊતરતી વખતે ખૂબ આદરથી ‘પધારજો’ કહી વિદાય આપે. શેરીના લોકો પંડિતજીના આ સન્માનથી ગૌરવ અનુભવે પણ મેડીના ઝીણી જાળીમાંથી જોતી તેમની પત્ની ક્રોધથી સળગી જાય ; ‘મૂઓ, ગપ્પાં હાંકીને સૌને છેતરે છે. કોણ જાણે ક્યા
પાપે મારા કરમમાં લખાયો હશે ?’

જોશી જેવા ઘરમાં પ્રવેશ કરે કે તુરત જ તેમનાં પત્ની તેમને લબડધક્કે લઈ લે અને ન કહેવાય એવાં કેટલાંય વેણ કાઢે. જોશી મીઠું મરકીને પત્નીની ગાળોને અવગણીને જાતે જ હાથ-પગ ધોઈને પાટલો ખેંચીને જમવા બેસી જાય. ભોજન દરમ્યાન જોશી જમતા જાય અને બીજી બાજુ ગોરાણી તેમને ઠપકાર્યા કરે. પાકાં નળિયાંવાળા છાપરા ઉપર વરસાદની કડેડાટી બોલે તેમ ગોરાણીના મુખમાંથી શબ્દો નીકળતા રહે. આમ તડાકા-ભડાકા વચ્ચે બેસીને જોશી ધાનના પાંચ-પચ્ચીસ કોળિયા ગળે ધકેલીને ઊભા થઈ જાય.

પરણ્યા ત્યારથી જ જોશીનો ઘરસંસાર લગભગ આમ ચાલતો હતો પણ બહાર ઝાઝા લોકોને તેની ખબર નહિ. પત્નીની હાડ-છેડ, તિરસ્કાર, અપમાન અને ગાળો બધુંય જાણે જોશીને કોઠે પડી ગયું હતું. જે જાણતા તેમને થતું કે લગ્ન સમયે તો જોશી નાના હતા પણ તેમનાં મા-બાપે આ બંને જણની જન્મપત્રી નહિ મેળવી હોય ! ગામ આખાના જન્માક્ષર કાઢી આપનાર અને વર-કન્યાના મેળાપનો કોઠો જોઈ સલાહ આપનાર જોશી અને તેમનાં પત્ની વચ્ચે જ કોઈ મેળ નહિ. બીજી રીતે કહીએ તો તેમને ઊભા રહે બને નહિ.

આ રાજ-જ્યોતિષી જેવો સહનશીલ માણસ રાજ્યમાં બીજો નહિ હોય. ઘરમાં આવું ભારે દુઃખ છે તે વાત તે કોઈને કરતો નહિ. પણ ઘરે કોઈ આવી ગયું હોય તો તેને જોશીના સંસારનો ખ્યાલ આવ્યા વગર રહે નહિ કારણ કે ગોરાણી કંઈ ને કંઈ બોલ્યા વિના રહે નહિ. જોશી પત્નીના કહેવા પ્રમાણે કરે તોય તકરાર થાય અને કહ્યા પ્રમાણે ના કરે તો તો ભારે ઝઘડો થાય. ગોરાણીને તો જોશીના બોલે બોલે ઝઘડો. જોશીનું મોં જુએ અને ગોરાણીને ક્યાંની ક્યાં વાત યાદ આવી જાય અને પછી તેની રામકહાણી શરુ થઈ જાય. તેથી જોશી વર્ષમાં ઘણા દહાડા પરગામનો પ્રવાસ ગોઠવી કાઢે અને વાર-તહેવારે ક્યાંક નાનીમોટી યાત્રાએ ચાલ્યા જાય.

આમ તો જોશીનો ઘરસંસાર બધાથી અજાણ્યો હતો પણ મંત્રી, શ્રેષ્ઠિ અને રાજ્યના થોડાક ઉચ્ચ અધિકારીઓને આ વાતની ખબર પડી ગઈ હતી. એક દિવસ રાજા, મિત્રો જેવા મંત્રીમંડળમાં મોજથી વાતો કરતા હતા ત્યાં કોઈએ ટીખળ કરતાં કહ્યું, “રાજાસાહેબ, તમે એક વખત જોશીને તેમની પોતાની જન્મકુંડળી બતાવી પૂછો કે તેઓ પોતે જ ત્રાસમાંથી ક્યારે મુક્ત થશે !” શરૂમાં રાજા આ વાત સમજ્યા નહિ પણ પછી જોશી પ્રત્યેની લાગણીથી અન્ય મિત્રોએ રાજાને જોશીના ઘરસંસારની વાત કરી. રાજા પોતાના રાજ-જ્યોતિષીના દુઃખે ભારે દુઃખી થઈ ગયા. રાજા શાણા અને સમજુ હતા તેથી તેમણે તત્કાળ આ વાત ઝાઝી ઉખેડી નહિ પણ બીજે દિવસે જોશીને એકાંતે પૂછીને બધી વાતની માહિતી મેળવી, પોતાનાથી બનતી બધી સહાય કરવા તત્પરતા બતાવી. જોશીએ ગંભીર થતાં કહ્યું :

“રાજન ! તમારી લાગણી માટે આભાર. પણ હું પત્નીના ત્રાસમાંથી જીવનભર છૂટી શકું તેમ નથી. પણ મારા મૃત્યુ પછી તમે જોશો કે મારી પત્ની સમજુ અને શાણી થઈ ગઈ છે અને મને રંજાડયા બદલ તે ભારે પસ્તાવો કરશે. આમ તે કંઈ ખરાબ નથી. મારા સિવાય તે અન્ય કોઈ સાથે લડતી-ઝઘડતી નથી. પણ મને જુએ છે કે તુરત જ તેના મનમાં તરંગ ઊઠે છે અને પછી ક્રોધ અને જીભ બંને તેના કાબૂમાં રહેતાં નથી. ઘણીવાર મારી પાછળ પોતાના વર્તન માટે પસ્તાવો પણ કરે છે અને ફરીથી મને કંઈ ન કહેવાનો નિર્ધાર કરે છે – પણ મને જોતાં જ તેના મનમાં કંઈ થઈ જાય છે અને તે બોલ્યા વિના રહી શકતી નથી.”

રાજા વિમાસણમાં પડી ગયો પછી કંઈ વિચાર કરતાં બોલ્યો, “પણ આનો કંઈ ઉપાય નહિ હોય ? તમારી જન્મપત્રિકા ઝીણવટથી જુઓને કે ક્યાં સુધી તમારે આ સહેવું પડશે ?”

રાજ-જ્યોતિષી ગંભીર થતાં બોલ્યા, “રાજન ! શું કહું ? આ વાત ગ્રહોની નથી. ગ્રહો બિચારા શું કરે ? તેમણે તો આગલા ભવોનાં કર્મો જ્યાં ફેંકે તે ઘરમાં પડવું પડે અને ત્યાંથી તેમનો પ્રભાવ વર્તાય. વાસ્તવિકતામાં ગ્રહો ભવિષ્ય ઘડતા નથી ; ગ્રહો ભવિષ્ય ભાખે છે. લોકો કમનસીબે આ વાતને પકડીને દુઃખી થાય છે.”

રાજા કર્મની વાત આવતાં ઘણો ગંભીર બની ગયો. જ્યોતિષીએ કર્મની ગહન વ્યવસ્થા સમજાવતાં કહ્યું, “પૂર્વે એક જન્મમાં મારી આ પત્ની ગાય હતી અને તે ભવમાં હું ક્રૂર કાગડો હતો. ગાયની ગરદન ઉપર ક્યાંકથી ગુમડાનો કોહવાટ થયો હતો જે દૂઝતો હતો. ગાયની વિશાળ પીઠ ઉપર બેસીને હું તેની ગરદન ઉપર પડેલા ઘાવમાંથી લોહી ચૂસતો હતો. જયારે લોહી ન મળે ત્યારે અવારનવાર માંસ પણ ખોતરી ખાતો હતો. ગાયને ઘણી વેદના થતી. પગ પછાડે, શિંગડા ઉછાળે, પૂંછડું આમતેમ ફેરવે પણ મને ઉડાડવાનું તેના માટે આસાન ન હતું. કોઈ જતું-આવતું જોઈ જાય અને દયા આવે તો મને ઉડાડી મૂકે અને એટલીવાર ગાયને રાહત રહે. આમ મેં ગાયનું ઘણું લોહી પીધું. મારા લોહી પીવાથી તેનો કોહવાટ ઊંડો ઊતર્યો હતો. ત્યાં કોઈને દયા આવી. તેણે ગાયને પાંજરાપોળના રક્ષણમાં ખસેડી. ત્યાં તેને મલમપટા થતાં ઘાવ રૂઝાયો. ગાય ન મળતાં હું પણ ઊડીને બીજે ક્યાંક જતો રહ્યો હતો.”

જોશીએ આગળ ચાલતાં કહ્યું, “હવે એ ગાય આ ભવમાં મારી પત્ની થઈ ગઈ છે અને હું તેનો પતિ થયો છું. મેં આગલા ભવમાં તેનું જેટલું લોહી પીધું છે, તેને જેટલી પીડા આપી છે તેનો હવે હિસાબ થઈ રહ્યો છે. તે હિસાબ ચૂકતે થશે એટલે મારી પત્ની શાણી થઈ જશે અને પછી એકદમ તેનામાં પરિવર્તન આવશે. મને દુઃખ આપવા બદલ તેને ખૂબ પસ્તાવો થશે. મારા ગ્રહો પ્રમાણે હજુ ઘણો કાળ આમ ચાલશે પણ મારા મૃત્યુ પહેલાં મારે પત્ની બદલાઈ જશે અને મારા અંતિમ દિવસો સુધારી જશે. આટલુંય ઓછું છે ? રાજા, કર્મસત્તાથી ભાગીને હું કેટલે દૂર જઈ શકું ? કરેલાં કર્મ સામે આવીને ઊભા રહ્યાં છે ત્યારે સમતાથી તેને ભોગવી લેવામાં જ શાણપણ છે. જો હું ય તેના જેવો જ થઈ જાઉં તો પછી મારામાં અને એનામાં ફેર શું રહ્યો ? જો હું પણ સામે ઉત્તર આપું કે માર-ઝૂંડ કરું તો વાત વધી જાય એટલું જ નહિ પણ પછી તો વેરની અને બદલાની પરંપરા ચાલે અને એમાંય કેટલાય ભવો નીકળી જાય.”

આમ, વિપાકમાં આવેલું કર્મ તો ભોગવવું જ પડે. ભલે હસીને ભોગવો કે પછી રડીને ભોગવો. તેથી તો ધર્મપુરુષો જેઓ કર્મશાસ્ત્રના જ્ઞાતા હતા તેમણે વખતોવખત કહ્યું છે કે પાપકર્મના ઉદયથી નીપજેલું દુઃખ સમતાથી વેઠી લો અને પુણ્યકર્મના ઉદયથી આવેલું સુખ મમતા વિના (જેથી અભિમાન ન થાય) ભોગવી લો. સમતા અને મમતા વિના આમ કર્મોનો વિપાક જે ભોગવી જાણે છે તે કર્મની પરંપરાથી બચી જાય છે. આ રીતે ભોગવેલાં કર્મ જીવ ઉપરથી ખરી જાય છે અને નવાં બંધાતાં નથી. કરેલાં કર્મો ઉદયમાં આવે ત્યારે તેને ભોગવવાની ક્ષમતા કેળવવી એ પુરુષાર્થ છે.