
કર્મ-વ્યવસ્થા બહુ ગહન છે પણ છે પરિપૂર્ણ. જો આપણે તેનાથી અજાણ હોઈએ તો તે જટિલ વાગ્યા વિના રહે નહિ, જયારે વ્યવહાર- જગત સાથે કર્મના સિદ્ધાંતનો મેળ ન લાગે ત્યારે ઘણી વાર લોકોને કર્મની ન્યાયપરાયણતા વિશે શંકા થાય છે અને તેને પરિણામે કર્મના સિદ્ધાંતમાંથી શ્રદ્ધા ઊઠી જાય છે. તેમાં કર્મ દોષ કર્મની વ્યવસ્થાનો નથી પણ દોષ છે કર્મ-સિદ્ધાંતની અપૂર્ણ જાણકારીનો.
ઘણીવાર આપણે ધર્મીને ત્યાં ધાડ પડતી જોઈએ અને તેના દુઃખનો પાર ન હોય. કોઈ બાળક જન્મથી જ અપંગ કે ખોડખાંપણવાળું જોવામાં આવે કે કોઈને ભરયુવાનીમાં મહારોગનો ભોગ થતો જોઈએ કે કોઈ કિશોરકન્યાને વૈધવ્ય ભોગવતી જોઈએ ત્યારે આપણું હૃદય કકળી ઊઠે છે. જે લોકો ઈશ્વરને સર્વ કંઈ ગણે તેવા લોકોની પણ ઘણીવાર ઈશ્વરમાંથી શ્રદ્ધા ડગી જાય છે અથવા તો – ભગવાનની ગતિનો પાર કોણ પામી શકે ! – એવી અસહાય પરિસ્થિતિને આધીન થઈને મૂંઝાય જાય છે. એમાંય વળી જયારે દુરાચારી,
અનીતિમાન, લુચ્ચા, લફંગાઓ અને ક્રૂર, ઘાતકી માણસોનો દુનિયામાં જયજયકાર વર્તાય છે ત્યારે તો લોકોને કર્મ વ્યવસ્થાની તટસ્થતા કે ન્યાયબુદ્ધિ ઉપરથી વિશ્વાસ હઠી જાય છે. આપણે મૂળમાંથી જ વાતને અવળી પકડી હોય છે તેનું આ પરિણામ છે. જો લોકો તત્વના ઊંડાણમાં જાય અને કર્મનો સિદ્ધાંત સમજે તો આમ બને નહિ ; ઊલટાનો તેમનો કર્મ-સિદ્ધાંત ઉપરનો વિશ્વાસ વધી જાય અને પરિણામે તેઓ સારું અને ઉમદા જીવન જીવતા થઈ જાય.
કર્મના સિદ્ધાંત અંગે આપણે સૌ પહેલા એ જાણી લેવાની જરૂર છે કે બાંધેલાં કર્મો, સારાં હોય કે નરસાં હોય, અમુક અપવાદ સિવાય જવલ્લેજ તેના તે ભવમાં ઉદયમાં આવે છે અને તેની અસર દેખાડે છે. કર્મની મુદત લાખો અને કરોડો વર્ષની હોય છે અને તે ક્યારે ઉદયમાં આવશે ? તે આપણે જાણી શકતા નથી. વળી, આજે જે કર્મો બાંધ્યાં હોય તે બધાં એક સાથે અમુક સમય પછી ઉદયમાં આવે તેમ પણ નથી કારણ કે દરેક કર્મને ઉદયમાં આવવા માટે જુદા જુદા સંજોગોની અપેક્ષા રહે છે. જો કે એનો એવો અર્થ નથી કે બધું અનિશ્ચિત છે. કર્મમાં બધું ધારા-ધોરણ પ્રમાણે થાય છે પણ તે સંપૂર્ણપણે જાણવા માટે આપણે ક્ષમતાને મર્યાદા છે. મહાજ્ઞાની કે સંત-મહાત્માઓ કદાચ તેનો ઈશારો પામી શકે. આમ જોઈએ તો આઠેય પ્રકારનાં કર્મોનો ઉદય હંમેશા આપણામાં પ્રવર્તમાન હોય છે પણ જે કર્મો ઉદયમાં હોય છે તે બધાંય એક જન્મમાં કે એક સાથે બાંધેલાં હોતાં નથી. કેટલાંક કર્મોને ઉદયમાં આવતાં ભવોના ભવ નીકળી જાય છે અને કેટલાંક થોડા વર્ષોમાં જ તેની અસર દેખાડે છે. એની પાછળ ચોક્કસ ગણિત છે જેની ચર્ચા અત્રે અસ્થાને છે. કર્મ કેવા રસથી, કેવી તીવ્રતાથી, ક્યાં ભાવથી બાંધ્યું છે એના ઉપર તેની ઉદયમાં આવવાની અવધિનો આધાર છે. સામાન્ય રીતે આજે બાંધેલાં કર્મને ઉદયમાં આવવા માટે ઓછામાં ઓછાં સેંકડો વર્ષો લાગે (જૂજ અપવાદ સિવાય) જયારે વધારેમાં વધારે કાળ તો લાખો વર્ષો સુધી લંબાઈ શકે છે. કર્મને ભોગવવાની તીવ્રતામાં પણ ઘણી તરતમતા રહેલી હોય છે. કર્મનો બંધ જેવો પડે કે તુરત જ કર્મની કમ્પ્યુટર વ્યવસ્થામાં યથાયોગ્ય વિભાગીકરણ થઈ જાય છે અને કયું કર્મ ક્યારે ઉદયમાં આવશે, તે વખતે તેનું જોસ કેટલું હશે, તેનો પરિપાક કેવો હશે ? તેનું વેદન કેવું અને કેટલું હશે ? તે બધું નક્કી થઈ જાય છે. દરેક જીવ સાથે જ રહેલા કર્મશરીરમાં આ બધી વિગતો અને આદેશો નોંધાઈ જાય છે.
જેના ઉપર આજનું વિજ્ઞાન ગર્વ લઈ શકે છે તે શોધ છે જીનની-આનુવંશિક સંસ્કારો ધરાવતા બીજ ઘટકની. માણસનો દેખાવ, સ્વભાવ, રોગ, ચાતુરી ઇત્યાદિ કેટલીય બાબતોનો આધાર આ જિન ઉપર રહે છે. પણ આ જિનની રચના કોને આધારે થાય છે અને એક જ મા-બાપનાં અનેક સંતાનોમાં અમુક જ સંતાન ઉપર સારી અસર વર્તાય છે અને અમુક ઉપર નરસી અસર વર્તાય છે તેના માટે ક્યાં પરિબળો જવાબદાર છે તે વાત હજુ જેનેટિક એન્જિનિરીંગ સ્પષ્ટ કરી શકતું નથી. છતાંય જેનેટિક એન્જિનિરીંગ ની વિજ્ઞાન શાખાનો વિકાસ કર્મવ્યવસ્થાની દિશામાં છે. એક જીનમાં લાખો સૂક્ષ્મ આદેશો પડેલા હોય છે તે વાત તો વિજ્ઞાને માન્ય રાખી છે. આ વિગતોના આધારે મનુષ્યના ગુણસૂત્રો અને સંસ્કારસૂત્રોની રચના થાય છે. તો પછી કર્મશરીરમાં કાર્મણદેહમાં કરોડો આદેશો સંગ્રહાયેલા પડ્યા હોય છે એ વાત માનવામાં કંઈ વાંધો આવે ખરો ? જૈન ગ્રંથોમાં દ્રવ્ય-પદાર્થ અને તેની શક્તિ વિષે જે વિચાર કરવામાં આવ્યો છે તેને વિજ્ઞાનની અદ્યતન શોધોથી પુષ્ટિ મળી છે. હજારો વર્ષો પહેલાં જૈન તત્વવેત્તાઓએ વાત કરેલી કે પદાર્થમાં અનર્ગળ શક્તિ છે જે આજે અણુશસ્રોનો આવિર્ભાવ થતાં પુરવાર થયું. જીવ વિચાર અંગે જૈન આગમોએ જે સૂક્ષ્મ વિચાર કર્યો છે તેનો અંશ પામીને આજનું વિજ્ઞાન હવે વાઇરસ યુદ્ધોની વાતો કરવા લાગ્યું છે. આમ, જેનેટિક એન્જિનિરીંગ કર્મની સ્વયંસંચાલિત વ્યવસ્થાના ટેકામાં ઊભું રહે છે.
વળી એ પણ સમજવા જેવી વાત છે કે આજે જે કર્મો બાંધ્યાં તે અમુક વર્ષો પછી એક સાથે જ ઉદયમાં આવે તેમ પણ નહિ. આઠે પ્રકૃતિનાં કર્મો આપણે ક્ષણે ક્ષણે ભોગવીએ છીએ અને પ્રતિપળ આયુષ્ય સિવાયનાં સાત કર્મો બાંધીએ છીએ. કોઈ એક જ પ્રકૃતિનાં કર્મનો ઉદય પ્રવર્તતો હોય એવું પણ ન બને. કર્મોની પ્રકૃતિનું વિભાગીકરણ સમજણની સગવડ માટે વધારે છે પણ કર્મના બંધમાં કે ઉદયમાં આઠેય પ્રકારનાં કર્મોની બદ્ધતા હોતી નથી. એક સાથે આઠેય પ્રકારનાં કર્મો ઉદયમાં આવવા આગળ આવે છે જેને ઉદયાવલિકામાં કર્મોના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ આઠેય પ્રકારનાં કર્મો જુદી જુદી તીવ્રતાથી અને રસથી બંધાયાં હોય છે તેથી તેના ભોગવટામાં પણ તરતમતા રહે છે. કોઈ કર્મનું વેદન વધારે હોય તો કોઈ કર્મના વેદનની માત્ર ઓછી હોય. આઠેય પ્રકૃતિનાં કર્મોનો ઉદય ગંગાના વિશાળ પટની જેમ એક સાથે નજરે પડે છે પણ આ વિશાળ પટનું સ્વરૂપ પ્રાપ્ત કરતાં પહેલાં ગંગામાં અનેક નાના મોટાં ઝરણાંઓ ભળી ગયા હોય છે ; તેવી રીતે જે કર્મો ઉદયમાં આવે છે તેમાં કોઈ હજારો વર્ષ પહેલાં બંધાયું હોય તો કોઈ સેંકડો વર્ષ પહેલાં. વળી કોઈ કર્મ તીવ્ર રસથી બંધાયેલું હોય છે તો કોઈ સામાન્ય હળવા ભાવથી બંધાયેલું હોય છે અને તેથી બધાં કર્મોના વેદનમાં પણ તરતમતા- વત્તાઓછાપણું રહે છે. વળી આઠેય પ્રકારનાં કર્મોનો ઉદય એક સાથે પ્રવર્તતો હોય છે તેથી જે કર્મનું વેદન તીવ્ર અને વધારે તેની જ પ્રધાનતા રહે અને અલ્પ વેદનવાળાં કર્મો ગૌણ બનીને પાછળ પડી જાય કે પ્રધાનકર્મની અસરમાં તણાઈ જાય. મોટા માણસની હાજરીમાં નાના માણસની હાજરીની નોંધ ન લેવાય કે તેનો ભાવ ન પુછાય પણ તેથી કંઈ નાના માણસની હાજરીનો અભાવ થઈ જતો નથી. આ ઉપરથી એક વાત સમજી લેવા જેવી છે કે તીવ્ર પુણ્યકર્મોનો ઉદય પ્રવર્તતો હોય તો સામાન્ય પાપકર્મોનો ઉદય તેની સાથે ઘસડાય જાય અને તેની ખાસ અસર ન વર્તાય. એવું જ પાપકર્મના તીવ્ર ઉદયમાં પણ બને કે સામાન્ય પુણ્યકર્મની અસર ખાસ ન વર્તાય.
કર્મની બાબતમાં જે મહત્વની ગેરસમજો છે એમાં એક છે કર્મના ઉદયમાં આવવાના કાળની-સમયમર્યાદાની જેને વિષે આપણે ચર્ચા કરી. એવી જ બીજી મોટી ગેરસમજ કર્મના બંધ અને ઉદયના સ્વરૂપ વિષે છે. જીવે જે સ્વરૂપે કર્મો બાંધ્યાં હોય છે તે જ સ્વરૂપે કર્મો ભાગ્યે જ ઉદયમાં આવે છે. કારણ કે કર્મના બંધ ઉપર વર્તમાનમાં સતત બંધાતાં અને ભોગવાતાં કર્મોનો પ્રભાવ પડે છે જેને પરિણામે અગાઉ બંધાયેલાં કર્મોમાં સતત ફેરફાર થયા કરે છે. અમુક અપવાદ જેવા કે ખૂબ તીવ્ર રસથી બાંધેલાં ગાઢ કર્મ અને ઉદયવલિકામાં પ્રવેશેલાં કર્મ સિવાય, બાકી બધાં કર્મોમાં ફેરફારનો અવકાશ છે. આ ફેરફાર બંને દિશામાં થઈ શકે છે. સુખ-શાંતિ આપનારાં કર્મો ધીમેધીમે દુઃખ અને અશાંતિ આપનારાં કર્મો બની જાય. એ જ રીતે અશાંતિ આપવા નિર્માણ થયેલું કર્મ, શાંતિ આપનાર કર્મ સાથે ભળી જાય અને પોતાની અસર ગુમાવી બેસે. એવી જ રીતે જે કર્મને કારણે આપણે તીવ્ર વેદના-શારીરિક કે માનસિક-ભોગવવાની હોય તે ઉદયમાં આવે ત્યારે અલ્પ વેદના આપનારું નીવડે. જે કર્મની અલ્પ અસર થવાની હોય તેની ઉદયકાળે ખૂબ વધારે અને પ્રગાઢ અસર પણ પ્રવર્તે. કર્મ જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી સત્તામાં રહેલું કહેવાય છે અને એવાં કર્મો ઉપર સારા શુભ ભાવો, સારાં કાર્યો, શુદ્ધભાવથી કરાતો ધર્મ, જ્ઞાનની આરાધના, એક ચિત્તથી કરાતું ધ્યાન, દેવદર્શન, દયા, દાન, અનુકંપા, જપ-તપ સૌની અસર પડે છે. તેથી તો દરેક ધર્મમાં વિવિધ અનુષ્ઠાનોનું આયોજન ધર્મપુરુષોએ કર્યું છે. પણ એમાં ભાવ બહુ મહત્વનો છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જયારે સામાન્ય આચાર-વિચાર કે ધર્મનાં અનુષ્ઠાનોમાં ભાવની ખામી દેખાય છે. ભાવમાં તાકાત છે એટલી ક્રિયામાં નથી. આજે જે ધરજક્રિયાઓ થાય છે તે મોટેભાગે ભાવશૂન્ય કે અલ્પભાવથી થાય છે તેથી તેનો લાભ ઘણો ઓછો મળે છે. બાંધેલાં કર્મોમાં પરિવર્તન લાવવા માટે ધ્યાન ખૂબ અસરકારક છે પણ તે ધર્મધ્યાન હોવું જોઈએ, નહિ કે અત્યારનાં પ્રચલિત ભૌતિક ધ્યાનો.
આમ, કર્મ વિષે પ્રવર્તતી આ બે મોટી ગેરસમજો દૂર થઈ જાય તો પછી કર્મની વ્યવસ્થામાં કંઈ ગરબડ નહિ લાગે અને પુરુષાર્થ કરવા માટે આપણને યોગ્ય દિશા મળી રહેશે.